ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યસુંદર સૂરિ-૧ માણિક્યચંદ્ર-સૂરિ


માણિક્યસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્ર(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મેરુતુંગસૂરિના શિષ્ય. કર્તા સંસ્કૃતના વિદ્વાન તથા સમર્થ ગુજરાતી ગદ્યકાર હતા. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : કથાસરિતસાગર પર આધારિત રાજા પૃથ્વીચંદ્ર અને રાણી રત્નમંજરીના ચરિત્રોના આશ્રયે પુણ્યકર્મોના સત્પ્રભાવને બોલીબદ્ધ અદ્ભુતરસરંગી ગદ્યાત્મક ધર્મકથા રૂપે નિરૂપતી ૫ ઉલ્લાસમાં વિભાજિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ (ર.ઈ.૧૪૨૨/સં.૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.), અનુષ્ટુપ, આર્યા, શાર્દૂલવિક્રીડિત અને શિખરિણીના ૧૭ સંસ્કૃત શ્લોક અને અઢૈઉ, ફાગુ તથા રાસ જેવા છંદોમાં ગુજરાતી ૭૪ શ્લોક એમ કુલ ૯૧ શ્લોકની અર્થાલંકારો અને મંજુલ પદાવલીયુક્ત ‘નેમિનાથકુમારરાજિમતી-ચરિત્ર-ફાગ/નેમીશ્વરચરિત-ફાગ’ (ર.ઈ.૧૪૨૨ આસપાસ; મુ.), ‘સુબાહુ-ચરિત્ર’, ‘સત્તરભેદી/સપ્તપ્રકારકથા’ (ર.ઈ.૧૪૨૮), ૨૨ કડીનું ‘વિચારસાર-સ્તવન’, ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘અજાપુત્ર કથાનક’ એમની ગુજરાતી કૃતિઓ છે. એ ઉપરાંત ૯ સર્ગમાં વિભાજિત ૧૬૮૫ કડીઓ ધરાવતું મહાકાવ્ય ‘શ્રીધર-ચરિત્ર’(ર.ઈ.૧૪૦૭), ‘ચંદ્રધવલ-ધર્મદત્ત-કથા’ (ર.ઈ.૧૪૨૨; મુ.), ભગવાન મહાવીરે રાજગૃહનગરમાં રાજા શ્રેણિકને ઉપદેશ રૂપે કહેલ કથાઓને વર્ણવની ૧૯૪૮ કડીની ‘ગુણવર્મચરિત’ (ર.ઈ.૧૪૨૭), ‘ચતુ:પર્વીચમ્પુ/કથા’(ર.ઈ.૧૪૨૮ પહેલાં), ૪ સર્ગનું ‘મહાબલમલયસુંદરી-ચરિત’, ૧૪ સર્ગનું મહાકાવ્ય ‘યશોધર-ચરિત’ તથા ‘શુરાજ-કથા’ એ સંસ્કૃત કૃતિઓ છે. ‘જૈનકુમારસંભવ’ તથા જૈન મેઘદૂત ઉપરની અનુક્રમે જ્યશેખરસૂરિ અને શીલરત્નસૂરિ(ર.ઈ.૧૪૪૫) એ રચેલ સંસ્કૃત ટીકાના સંશોધનો એમણે કર્યા છે. માણિક્યસૂરિને નામે નોંધાયેલી ‘સાહિત્યસંગ્રહકથાવાર્તા’(ર.ઈ.૧૪૪૪) કૃતિ પણ એમની હોવાની શક્યતા છે. કૃતિ : ૧. પૃથ્વીચંદ્રચરિત, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ત્રિવેદી, ઈ.૧૯૬૬; ૨. આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ (+સં.); ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ (+સં.); ૪. પ્રાગૂકાસંગ્રહ : ૩; ૫. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજ્યજી, સં. ૧૯૮૬;  ૬. વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૧-‘પૃથ્વીચંદ્રચરિત્ર’. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. જૈસાઇતિહાસ; ૭. પ્રાકારૂપરંપરા; ૮. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫;  ૯. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૯-‘માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર’, બિપિન ઝવેરી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં-૧; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. દેસુરાસમાળા; ફૉહનામાવલિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. રાહસૂચી : ૧; ૧૭. લીંહસૂચી.[ર.ર.દ.]