ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપવિજ્ય-૨


રૂપવિજ્ય-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનવિજ્યની પરંપરામાં પદ્મવિજ્યના શિષ્ય. તેમની કૃતિઓ નીચે મુજબ છે : ૪ ખંડ અને ૪ ઢાળમાં રચાયેલો, ભીમદેવના વણિક પ્રધાન વિમળનું ચરિત્ર આલેખતો અને ૧૯મી સદીમાં રચાયેલો હોવા છતાં જૂની ગુજરાતીનાં ઘણાં રૂપો દેખાડતો ‘વિમલ-રાસ’ (ર.ઈ.૧૮૪૪/સં.૧૯૦૦, અસાડ સુદ ૧૩, રવિવાર), ‘સમેતશિખર પરનાં ૩ સ્તવનો’ (૧ની ર.ઈ.૧૮૦૨/સં.૧૮૫૯, માગશર સુદ ૭, ગુરુવાર; મુ.), ૧૨ ઢાલ ૩૨૯ કડીનો ‘પદ્મવિજ્યનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૮૦૬/સં.૧૮૬૨, વૈશાખ સુદ ૩; મુ.), ‘વીસ સ્થાનકની પૂજાઓ’ (ર.ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, ભાદરવા સુદ ૧૧; મુ.), ૪૭ ઢાળની ‘પિસ્તાળીસ આગમની પૂજા’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, આસો-૩, શનિવાર; મુ.), ૧૧ ઢાળ, ૮૯ કડીની ‘પંચજ્ઞાનની પૂજા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, શ્રાવણ સુદ ૫; મુ.), ૧૩૨ કડીની ‘પંચકલ્યાણક-પૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, મહા સુદ ૧૫; મુ.), ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિઓ રૂપ ત્રીસેક લઘુ કૃતિઓનાં ‘મૌન એકાદશી-દેવવંદન’, ‘ગુણસેન કેવલી-રાસ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૧, કારતક વદ ૭, મંગળવાર), ૨૫૦૦ કડીનો ‘સનતકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૯). આ ઉપરાંત અજિનાથ, કેસરિયાજી, તારંગા, નેમિનાથ, પદ્મપ્રભુ, પાર્શ્વજિન, વીરજિન, સિદ્ધાચલ આદિ પરનાં અનેક સ્તવનો; અષ્ટપ્રવચનમાતા, આત્મબોધ, મન:સ્થિરિકરણ, પડિક્કમણ, રહનેમિ આદિ પરની સઝાયો; મલ્લિનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથ આદિ પરનાં ચૈત્યવંદનો, ગોડી પાર્શ્વનાથ તથા શંખેશ્વરની લાવણીઓ; ગૌતમ, મહાવીરસ્વામી તથા કલ્પસૂત્ર પરની કેટલીક ગહૂંલીઓ; ‘વરકાણાજીનો છંદ’, નવાંગ પૂજનના ૧૦ દુહા, વીર-પૂજા, અષ્ટપ્રકારી અને નંદીશ્વરદીપની પૂજા, ધ્યાનગીતા આદિ અનેક લઘુકૃતિઓ આ કવિએ રચી છે. આમાંથી મોટા ભાગની મુદ્રિત છે. આ કવિના ગદ્યગ્રંથો આ મુજબ છે : દેવેન્દ્રસૂરિકૃત પ્રાકૃતસ્તોત્ર પરનું ‘સમવરણ-સ્તવન પ્રકરણ-સ્તબક’, જયતિલકસૂરિકૃત ‘સમ્યકત્વસંભવ/સુલસા-ચરિત્ર’ પરનો ૨૬૮૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૮૪૪) તથા જિનહર્ષકૃત ‘વિચારામૃત સંગ્રહ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૮૩૭/સં.૧૮૯૩, શ્રાવણ સુદ ૫, બુધવાર). ૧૦ કડીની ‘અરણિકમુનિની સઝાય’(મુ.), હિંદીમાં રચાયેલી ૯ કડીની ‘કેસરિયાજીની લાવણી’ (ર.ઈ.૧૮૦૩), ‘મહાવીર સત્તાવીશભવ-સ્તવન’ તથા ૬ કડીની ‘રાજર્ષિપ્રસન્નચંદ્ર-સઝાય’ (મુ.) - એ કૃતિઓ આ કવિની કૃતિઓ તરીકે નોંધાઈ છે પણ એમાં ગુરુપરંપરાનો નિર્દેશ નથી. રૂપવિજ્યની લાંબી કૃતિઓમાં તેમની સંસ્કૃત સાહિત્યાલંકારની જાણકારી તથા ધર્મ, જ્ઞાન અને સંસારવ્યવહારની સૂઝ દેખાય છે. તેમની લઘુકૃતિઓમાં દેશી ઢાળો ને છંદોનું વૈવિધ્ય તથા વર્ણમધુર એ અનુપ્રાસયુક્ત રચનારીતિ ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. આકામહોદધિ : ૫; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જિનગુણ સ્તવનાવલિ તથા ગહૂંલી સંગ્રહ, સં. મુનિમાનવિજ્ય, ઈ.૧૯૨૪; ૪. જિભપ્રકાશ; ૫. જિભસ્તકાસંદોહ : ૧; ૬. જિસ્તમાલા; ૭. જૈઐરાસમાળા : ૧; ૮. જૈકાપ્રકાશ : ૧; ૯. જૈકાસંગ્રહ; ૧૦. જૈન કથા રત્નકોષ : ૭, પ્ર. ભીમજી ભી. માણક; ઈ.૧૮૯૨; ૧૧. જૈપ્રપુસ્તક : ૧; ૧૨. જૈરસંગ્રહ; ૧૩. જૈસસંગ્રહ; ૧૩. જૈસસંગ્રહ(જૈ); ૧૪. દેસ્તસંગ્રહ; ૧૫. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૧૬. પ્રાસપસંગ્રહ : ૧; ૧૭. મોસસંગ્રહ; ૧૮. શંસ્તવનાવલી; ૧૯. સસન્મિત્ર(ઝ); ૨૦. સ્નાત્રપૂજા આદિ પૂજાનો સંગ્રહ, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૨;  ૨૧. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘વીરપૂજા’-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. ફાહનામાવલી : ૧; ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]