ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રામબાલચરિત’


‘રામબાલચરિત’ : આ નામે મુદ્રિત સ્વરૂપે મળતાં ભાલણનાં ૪૦ પદ ને એમાંના જ ‘રામલીલા’ને નામે મુદ્રિત રૂપે મળતાં ૧૫ પદવાળી આ કૃતિ કવિની અપૂર્ણ રહેલી ને અંતિમ કૃતિ હોવાનું અનુમાન છે. રામના જીવન સાથે સંબંધિત આ પદોમાં રામના જન્મથી સીતા-સ્વયંવર સુધીના રામજીવનના પ્રસંગો આલેખાયા છે એટલે પ્રસંગ તો વિશેષત: ભાવનિરૂપણ માટેનું આલંબન બની રહે છે. જો કે ૩૦થી ૪૦ સુધીનાં પદોમાં કથનનું પ્રાધાન્ય અનુભવાય છે. કવિની ઉત્તમ રચનાઓમં ગણાતી આ કૃતિનો આસ્વાદ્ય અંશ એમાં થયેલું વાત્સલ્યરસનું નિરૂપણ છે. રામના જન્મથી કૌશલ્યા, દશરથ ને અયોધ્યાવાસીઓના હૃદયમાં જન્મતો આનંદ, બાળક રામે કૌશલ્યા પાસે કરેલા તોફાન, રામને માટે ચિંતિત બની ઊઠતી કૌશલ્યા વગેરેનું હૃદયંગમ આલેખન કવિએ કર્યું છે. એમાં બાળક રામનાં તોફાનોનું આલેખન કરતી વખતે બાળસ્વભાવ ને બાળચેષ્ટાઓનાં સ્વાભાવોક્તિવાળાં જે ચિત્રો કવિએ આલેખ્યાં છે તે કવિની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનાં દ્યોતક છે. જેમ કે સુમિત્રાએ લાવેલી શેરડીના કટકા બાજુએ મૂકી ‘પાળી’ ચાવતા રામ, પગે બાંધેલા ઘૂઘરાના અવાજથી ચમકતા રામ, હાથની કુમળી આંગળીઓ ‘ચણિયારે ઘાલતા રામ’ વગેરે એનાં દૃષ્ટાંત છે. પદમાધુર્ય પણ આ પદોનું આકર્ષક તત્ત્વ છે. ભાવનિરૂપણ વખતે કવિની આત્મલક્ષિતા વખતોવખત બહાર તરી આવે છે, જે કવિના હૃદયમાં રહેલી રામભક્તિની દ્યોતક છે. [શ્ર.ત્રિ.]