ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રૂપચંદકુંવર-રાસ’


‘રૂપચંદકુંવર-રાસ’ [ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર સુદ ૫, રવિવાર] : ૬ ખંડ અને ૨૫૦૦ ગ્રંથાગ્રની નયસુંદરની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે, પરંતુ એમાં વસ્તુ, આર્યા, ચરણાકુળ છપ્પા, કુંડળિયા, સોરઠા, રેખતા, અનુષ્ટુપ તેમ જ દેશી ઢાળોનો પણ વ્યાપક વિનિયોગ થયો છે. સંસ્કૃત ઉદ્ધરણોમાં ઉપજાતિ, વસંતતિલકા આદિ ઘણા છંદો જોવા મળે છે. ‘શ્રવણસુધારસ-રાસ’ તરીકે પણ ઓળખાવેયલી આ કૃતિના આરંભમાં જ કવિએ નવ રસોથી યુક્ત એવી રચના કરવાનો નિર્ધાર એકંદરે પળાયો જણાય છે. આ રાસમાં રૂપચંદકુંવર અને સોહગસુંદરીનું કાલ્પનિક રસિક કથાનક, અનેક દૃષ્ટાંતકથાઓ સાથે આલેખાયું છે. કનોજની રાજપુત્રી સોહગસુંદરી પોતાની સમસ્યાઓની પૂર્તિ કરી શકે એવા ચતુર નરની શોધમાં છે. ગુપ્તવેશે નીકળેલ વિક્રમને દાસી એની પાસે લઈ જાય છે પણ વિક્રમ સંકેતોના અર્થ સમજી શકતો નથી. વણિકપુત્ર રૂપચંદ સમસ્યાપૂર્તિ કરે છે ને સોહગસુંદરી સાથે પરણે છે. વિક્રમ મારઝૂડથી રૂપચંદ પાસથી સમસ્યાઓનો અર્થ જાણવા કોશિશ કરે છે પણ પ્રેમમગ્ન રૂપચંદ અડગ રહે છે. છેવટે પ્રધાનની સૂચના અનુસાર વિક્રમ પોતાની પુત્રી મદનમંજરી રૂપચંદને પરણાવી એની મધ્યસ્થીથી સમસ્યાઓના અર્થ જાણે છે. જોઈ શકાય છે કે સમસ્યા આ કૃતિની વસ્તુસંકલનાનો અનિવાર્ય ભાગ છે. કવિએ સમસ્યાઉકેલ શ્રોતાઓ સમક્ષ પણ છેક છેલ્લે જ કર્યો છે એટલે વસ્તુસંકલનામાં કૌતુકરસ સાદ્યંત જળવાઈ રહ્યો છે. રૂપચંદ-સોહગસુંદરીની ગોષ્ઠીમાં અનેક સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી સમસ્યાઓ આવે છે ને સોહગસુંદરી રૂપચંદને જે પ્રેમસભર પત્ર પાઠવે છે તેમાં પણ સમસ્યા ગૂંથાય છે. પુણ્યશ્રીની દૃષ્ટાંતકથા પણ સમસ્યા-આધારિત છે. આમ સમસ્યારસ કૃતિમાં વ્યાપી રહે છે. દૃષ્ટાંતકથા પોતે જ એક સંપૂર્ણ માતબર કથા બની રહે એવું અહીં બની રહે છે અને દૃષ્ટાંતકથામાં પણ દૃષ્ટાંતકથા ગૂંથાય છે. અહીં વિક્રમચરિત્ર કરતાં સ્ત્રીચરિત્ર ચઢિયાતું છે એમ બતાવતી મનમોહિનીની કથા, સમસ્યાઓ ઉકેલી આપતી પુણ્યશ્રીની કથા, સમકિતનો મહિમા પ્રગટ કરતી બિંબય અને બિંબારાણીની કથા તથા ઢોલુ-ઢોલડી એ આહીરદંપતીની રસિક કથા ગૂંથાયેલી છે. કૃતિમાં ઠેરઠેર સુભાષિતો વેરાયેલાં છે, જેમાં સંસ્કૃત શ્લોકો ને પ્રાકૃત ગાથાઓ ઉપરાંત કબીરનાં પદોનો પણ ઉપયોગ થયો છે. પુણ્યનો પ્રતાપ, વિદ્યા અને વિદ્વાનનો મહિમા, સામુદ્રિક લક્ષણો, સંગીતની મોહિની, વિયોગવેધની વ્યથા વગેરે અનેક વિષયો અંગેનું લોકડહાપણ રજૂ કરતાં આ સુભાષિતોમાં કવિની બહુશ્રુતતા અને પાંડિત્ય પ્રગટ થાય છે. તે જ રીતે પ્રદેશ, નગર, પાત્રો, વસ્ત્રાલંકારો, પાત્રની મન:સ્થિતિ આદિના વર્ણનોમાં પણ કવિનાં નિરીક્ષણ અને જાણકારીનો પરિચય મળે છે. માળવાદેશ, ઉજ્જયિનીનગરી, રૂપચંદનો જન્મોત્સવ, રૂપચંદનો લગ્નોત્સવ, સોહગસુંદરીનો રૂપછાક, રૂપચંદ-સોહગસુંદરીનો વિલાસાનંદ, રાજાને મળવા ધનદત્ત શ્રેષ્ઠીની સાથે ઊમટેલાં નગરનાં મહાજનો આદિનાં વર્ણનો આ દૃષ્ટિએ નોંધપાત્ર બન્યાં છે. વર્ણનોમાં વીગતસભરતા છે. તે ઉપરાંત ઉપમાદિ અલંકારો, દૃષ્ટાંતો અને પ્રાસાનુપ્રાસાદિની ગૂંથણી ધ્યાન ખેંચે છે. બોધાત્મક અંશોને પ્રચુરતાથી વણી લેતી આ કૃતિનો છઠ્ઠો ખંડ સવિશેષ બોધાત્મક બની ગયો છે, જેમાં રૂપચંદ સિદ્ધસેનસૂરિ પાસેથી દેશના પ્રાપ્ત કરી વૈરાગ્યને માર્ગે વળે છે. કૃતિની ભાષા વેગીલી, પ્રવાહી અને પ્રૌઢિયુક્ત છે. ઔચિત્યપૂર્વક આવતાં અને વક્તવ્યને ચોટદાર બનાવતાં ઉખાણાં-કહેવતોનો બહોળા હાથે થયેલો વિનિયોગ કવિની ભાષાસજ્જતાની સાખ પૂરે છે. [કા.શા.]