ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીદાસ


લક્ષ્મીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. મહેમદાવાદના વાલ્મીક બ્રાહ્મણ. પિતાનું નામ ખોખા. ૯ કડવાં અને ૧૯૦ કડીનું તથા ૭ વિવિધ રાગોના નિર્દેશવાળું ‘ગજેન્દ્રમોક્ષ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, જેઠ સુદ ૭, ગુરુવાર) ૪૫ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, શ્રાવણ સુદ ૭, મંગળવાર), ‘લક્ષ્મણાહરણ’ (ર.ઈ.૧૬૦૪) અને ભાગવતના દશમસ્કંધનો ૧૯૫ કડવાંમાં મૂલાનુસારી સંક્ષેપ આપતું પણ રસપ્રદ કથાશૈલીવાળું ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૬૧૮, અંશત: મુ.)-એ લક્ષ્મીદાસની પ્રૌઢ આખ્યાનશૈલીનો પરિચય આપતી કૃતિઓ છે. કવિએ આખું ભાગવત તેમ જ મહાભારત પણ ગુજરાતીમાં ઉતાર્યા હોવાનું નોધાયું છે. ‘કર્ણપર્વ’ નામની, એક સ્થળે ‘લક્ષ્મીદાસ’ નામછાપ દર્શાવતી, અપૂર્ણ કૃતિ મહાભારતનો જ એક અંશ હોવાની સંભાવના છે. આ ઉપરાંત ‘જ્ઞાનબોધ’ (ર.ઈ.૧૬૧૨), રામભક્તિનું ૧૦ કડીનું ઉપદેશાત્મક પદ(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં અન્ય પદો (થોડાંક મુ.) પણ એમણે રચ્યાં છે. કેટલાંક પદોની ભાષા વ્રજની અસરવાળી છે. આ સિવાય માલિની વૃત્તની ૨૬ કડીઓમાં ભક્તિબોધ ને જ્ઞાનબોધ આપતું ‘અમૃતપચીસી-રાસ’(મુ.) અને ભુજંગીની દેશીમાં લખાયેલું ૩૨/૩૬ કડીનું ‘રામસ્તુતિરક્ષા’ (મુ.) પણ આ જ લક્ષ્મીદાસની કૃતિઓ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અપ્રગટ ગુજરાતી પુસ્તક, સપ્ટે.થી નવે. ઈ.૧૮૮૫(+સં.); ૨. કવિચરિત : ૧-૨ (+સં.); ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૬; ૫. ભારતીય વિદ્યા, વર્ષ-૧, અંક ૪ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫;  ૬. ફાત્રૈમાસિક, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૭. એજન, નવે. ૧૯૮૩-‘લક્ષ્મીદાસકૃત દશમસ્કંધ’, કુમુદ પરીખ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ફૉહનામાવલિ.[ર.સો.]