ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય


લક્ષ્મીવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘અસઝાય નિવારક-સઝાય’(મુ.), ‘છ અઠ્ઠાઈ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૮), ૩૧ કડીનું ‘વિમલનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી), ૬૮ કડીનું ‘ઋષભદેવ-રાગ-સ્તવન’ તથા ૪ કડીની ‘બીજીની સ્તુતિ’ એ કૃતિઓ મળે છે. તે કયા લક્ષ્મીવિજ્યની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. લક્ષ્મીવિજ્યને નામે મૂળ ૬૧૧ કડીના ભાવદેવસૂરિરચિત ‘પાર્શ્વનાથ-ચરિત્ર’ પદ્યબંધ ઉપરનો ૧૩૦૦૦ કડીનો સ્તબક (ર.ઈ.૧૭૫૧) મળે છે. સમયની દૃષ્ટિએ આ કૃતિ ભાણવિજ્યશિષ્ય લક્ષ્મીવિજ્યની હોવાની સંભાવના છે. ઈ.૧૭૯૫ પછીના કોઈ વર્ષમાં હયાત એવા લક્ષ્મીવિજ્યે ઢુંઢકમત અર્થાત્ સ્થાનકવાસીસંપ્રદાયના ઉદ્ભવનું નિરૂપણ કરતી ‘ઢુંઢિયા ઉત્પત્તિ/ઢુંઢક મતોત્પત્તિ-રાસ’ (ઈ.૧૭૯૫ પછી) કૃતિ રચી છે. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ લક્ષ્મીવિનય અને લક્ષ્મીવિજ્ય બંનેને નામે નોંધાયેલી છે, પરંતુ ખરેખર કૃતિ લક્ષ્મીવિજ્યની છે પણ એ કયા લક્ષ્મીવિજ્ય છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ : ૧; સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૪. ડિકૅટલૉગબીજે; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]