ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલદાસ-૧


લાલદાસ-૧ [ ] : જ્ઞાની કવિ. ખેડા જિલ્લાના વાડાસિનોર પાસે આવેલા વીરપુરના છીપા ભાવસાર. તેઓ અખાજીના પહેલા શિષ્ય ગણાય છે. તેઓ સં. ૧૭૦૦ની આસપાસ થયા હોવાનું નોંધાયું છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. અખાજી ઈ.૧૬૪૫ (‘અખેગીતા’નું રચનાવર્ષ)માં હયાત હતા. એટલે લાલદાસ ઈ.૧૭મી સદી મધ્યભાગથી ઈ.૧૮મી સદી મધ્યભાગ સુધીના કોઈક સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય. લાલદાસની કવિતામાં ઘણા સંતકવિઓની કવિતાની જેમ પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગનો સમન્વય અનુભાવય છે. એટલે એમાં આત્મજ્ઞાનનો બોધ આપતાં ૧૦ અને ૧૪ કડીનાં ‘જ્ઞાનરવેણી’નાં ૨ પદો(મુ.) કે સંતસમાગમનો મહિમા કરતાં ને બ્રહ્મભાવની સ્થિતિને વર્ણવતાં જ્ઞાનમૂલક ૩૬ પદો(મુ.) છે, તો કૃષ્ણગોપીનાં પ્રેમ ને કૃષ્ણ-ગોપી રાસના આલેખન દ્વારા પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતાં ૧૭, ૧૫ ને ૨૦ કડીનાં ‘વનરમણી’નાં ૩ પદ(મુ.) પણ મળે છે. પદો સિવાય કવિએ જ્ઞાનમૂલક ૪૧ સાખીઓ(મુ.) પણ રચી છે. આ પદો અને સાખીઓમાં કેટલાક સાધુશાઈ હિંદીમાં છે. આ ઉપરાંત કવિએ બીજાં હિંદી-ગુજરાતી ૮૪ પદો પણ રચ્યાં છે. કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]