ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજય ઉપાધ્યાય-૧


વિનયવિજય(ઉપાધ્યાય)-૧ [જ.ઈ.૧૬૦૪ અનુ.-અવ.ઈ.૧૬૮૨] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. પિતા તેજપાલ. માતા રાજશ્રી. કીર્તિવિજ્યના હસ્તે દીક્ષા રાન્દેરમાં અવસાન. કવિ વ્યાકરણના ઊંડા અભ્યાસી હતા. તેમણે ફાગુ, રાસ, વીસી, ચોવીસી, વિનતિ, સઝાય, સ્તવન, ચૈત્યવંદન, ચૈત્યપરિપાટી, જકડી, સ્તુતિ, સ્તોત્ર, પદ, ભાસ, ગીત જેવા વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે. માળવાના રાજા શ્રીપાલે સિદ્ધચક્ર-(અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ)-એટલે કે નવપદના સેવનથી કઈકઈ મહત્તા પ્રાપ્ત કરી તેનું ૪ ખંડ અને ૪૧ ઢાળની કુલ ૧૯૦૦ કડીમાં નિરૂપણ કરતી તેમ જ ૭૫૦ કડીઓ રચાયા પછી કવિનું અવસાન થતાં તેમના અંતેવાસી યશોવિજ્ય દ્વારા પૂર્ણ થયેલ ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૨; મુ.), ૧૨૦ કડીની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/૭૯; મુ.), ૧૧૬ કડીની ‘વીસી’ (ર.ઈ.૧૬૭૪ આસપાસ; મુ.), ૧૩૮ કડીની ‘આરાધનાનું સ્તવન/લઘુ ઉપમિતિ ભવપ્રપંચ આશ્રયી ધર્મનાથજીની વિનતિરૂપ પુણ્યપ્રકાશ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૬ ઢાળનું ‘પાંચ સમવાયનું ઢાળિયું/વીર જિનનું પાંચ કારણનું સ્તવન’ (ર.ઈ.૧૬૬૭; મુ.), ૬ ઢાળ અને ૪૪ કડીનું ‘પ્રતિક્રમણ/ષડાવશ્યક-સ્તવન’(મુ.), ૨૪ કડીનું ‘ઉપધાન-સ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘જિનપૂજન/પરમાત્માનું ચૈત્યવદન’(મુ.), ૧૪ કડીની ‘સૂર્યપૂર(સૂરત)-ચૈત્યપરિપાટી/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૨૩; મુ.), ૭૨ કડીની ‘ગણધર પટ્ટાવલી-સઝાય’ (ર.ઈ.૧૬૫૪/૬૨ અનુ.મુ.), ૨૯ કડીની ‘પચ્ચખાણ-સઝાય/પ્રત્યાખ્યાનવિચાર’(મુ.), ૨૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય’ (ર.ઈ.૧૬૭૭; મુ.), ૨૭ કડીની દુહા અને ફાગમાં રચાયેલી ‘નેમિનાથ ભ્રમર-ગીતા’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, ભાદરવા-; મુ.), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૭૨; મુ.) ૫૭ કડીની ‘આદિજિન/ઋષિભજિન-વિનતિ’(મુ.), ‘ધ્યાનવિચાર-વિવરણાત્મક-સ્તવન’(મુ.), ૨૪ કડીનો પદ્મપત્રરૂપ ‘વિજ્યદેવસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, આસો વદ ૧૩; મુ.), ૯ કડીની ‘શાશ્વતીજિન-ભાસ’(મુ.), ૨૩૯ કડીની ‘અધ્યાત્મ-ગીતા’, ૫૮ કડીનું ‘સ્યાદવાદવિચારગર્ભિતમહાવીરજિન-સ્તવન’, ૭૩ કડીનું ‘ચૌદ ગુણ ઠાણાં સ્વરૂપ-સ્તવન’ વગેરે કૃતિઓ મળે છે. આ ઉપરાંત કવિએ હિન્દી ભાષામાં ૩૭ પદોની ‘વિનયવિલાસ’(મુ.), અપભ્રંશમાં ‘જિણચેઇયથવણ’ તેમ જ સંસ્કૃતમાં ૬૫૮૦ કડીઓની ‘કલ્પસૂત્ર સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૦; મુ.), ૨૦,૦૦૦ કડીઓની ‘લોકપ્રકાશ’ (ર.ઈ૧૬૫૨; મુ.), ‘શાંતસુધારસ-ભાવ’ (મુ.), ‘નયકર્ણિકા’(મુ.), ‘હેમલઘુપ્રક્રિયા-વ્યાકરણ’ (હેમચંદ્રના ‘સિદ્ધહેમ’ વ્યાકરણ પર સ્વોપજ્ઞ ટીકા સાથે), જેવી નાની-મોટી કૃતિઓ રચી છે. કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાળ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. શ્રીપાળ રાજાનો રાસ (અર્થસહિત), પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦;  ૩. અરત્નસાર; ૪. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૫. જિભપ્રકાશ, ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાસાસંગ્રહ; ૮. જૈગૂસારત્નો : ૧; ૯. જૈસમાલા(શા) : ૧; ૧૦. દેસ્તસંગ્રહ; ૧૧. પસમુચ્ચય : ૨; ૧૨. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૩. પ્રાફાગુસંગ્રહ; ૧૪. પ્રામબાસંગ્રહ : ૧; ૧૫. મોસસંગ્રહ; ૧૬. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૧૭. સજઝાયમાળા (પં.); ૧૮. સસંપમાહાત્મ્ય; ૧૯.  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનતિ’, સં. મો. દ. દેશાઈ; ૨૦. એજન, ઑક્ટો-નવે. ૧૯૧૪-‘મહાવીરને વિનતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘અઢારમી સદીનું એક ખંડકાવ્ય વિનયવિજ્યગણિકૃત નેમરાજુલ ભ્રમરગીતા’, સં. ચિમનલાલ લ. ઝવેરી; ૨૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦-‘વિનયવિજ્યકૃત નેમિનાથ રાજિમતી બારમાસ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. સંદર્ભ : ૧. વિનયસૌરભ, પ્ર. વિનયમંદિર સ્મારક સમિતિ, ઈ.૧૯૬૨;  ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]