ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશ્વનાથ-૧


વિશ્વનાથ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંક જાની. ‘મોસાળા-ચરિત્ર’ની રચના તેમણે પાટણમાં કરી છે અને એમનાં બીજાં ૨ કાવ્યોની હસ્તપ્રત પણ પાટણમાંથી મળી છે, એટલે તેઓ પાટણ કે પાટણની આસપાસના કોઈ ગામના વતની હોય એવી સંભાવના છે. એમનાં કાવ્યોમાં અનુભવાતાં ઉત્કટ ગોપીભાવ અને કૃષ્ણપ્રીતિને કારણે તથા ૬ કડીનું ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૭૪૪; મુ.) જો એમની રચના હોય તો તેઓ પુષ્ટિમાર્ગીય કવિ હોવાની પણ શક્યતા છે. ભાલણ પછી પોતાની ભાષાને ‘ગુજર ભાષા’ તરીકે ઉલ્લેખનાર વિશ્વનાથ જાની પ્રેમલક્ષણા ભક્તિની ધારાના મહત્ત્વના કવિ છે. વિવિધ રાગના નિર્દેશવાળું ૨૩ કડવાંનું ‘સગાળ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨; મુ.) અન્નદાનનો મહિમા સમજાવવાના હેતુથી રચાયેલું સાધારણ કોટિનું આખ્યાન છે, તો પણ કુંવર ચેલૈયાને ખાંડતી માતાના વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારોમાં કવિની ભાવનિરૂપણની શક્તિનો અનુભવ થાય છે. એને મુકાબલે ભક્તની અચળ ઈશ્વરશ્રદ્ધા ને ભક્તિનો મહિમા કરતું નરસિંહજીવનના મામેરાના પ્રસંગને વિષય બનાવી રચાયેલું ૧૮/૨૧ કડવાંનું ‘મોસાળાચરિત્ર’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) વધારે ધ્યાનાર્હ કૃતિ છે. એમાં જોવા મળતાં પ્રસંગબીજ પોતાના ‘કુંવરબાઈનું મામેરું’માં પ્રેમાનંદે વધારે રસાવહ બનાવી ખીલવ્યાં છે એ રીતે પ્રેમાનંદની પુરોગામી કૃતિ તરીકે એનું મૂલ્ય છે, પરંતુ એ સિવાય કથા-વિકાસ, ચરિત્રચિત્રણ કે પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ આ વિષયની અન્ય કૃતિઓ કરતાં એ વધારે કાવ્યગુણવાળી છે. કવિની પદબદ્ધ કૃતિઓમાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીની ‘ચતુર-ચાલીસી’(મુ.) જયદેવના ‘ગીતગોવિન્દ’ના વિષયને અનુસરતી શૃંગારપ્રધાન રચના છે. પ્રસંગલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી, સંવાદનો વિશેષ આશ્રય લેવાને કારણે નાટ્યાત્મકતાનો અનુભવ કરાવતી આ કૃતિ એની સુશ્લિષ્ટતા, ભાવવૈવિધ્ય એ એમાંના સુરુચિપૂર્ણ સંયત શૃંગાર એ દરેક દૃષ્ટિએ પ્રેમલક્ષણાભક્તિની અસ્વાદ્ય રચના બની રહે છે. પરંતુ કવિની ઉત્તમ કૃતિ તો ભાગવતના ઉદ્ધવસંદેશને વિષય બનાવીને રચાયેલી ૨૪ ગુજરાતી અને ૧ વ્રજ-હિંદી પદની ‘પ્રેમપચીસી’(મુ.) છે. અભિવ્યક્તિ કે ભાવનિરૂપણની દૃષ્ટિએ ઉદ્ધવસંદેશનાં અન્ય કાવ્યોથી આ કૃતિ જુદી પડી જાય છે. દેવકી, કૃષ્ણ, વસુદેવ, નંદ, જસોદા, ગોપી કે ઉદ્ધવની ઉક્તિ રૂપે સંવાદાત્મક રીતિથી ગૂંથાયેલાં આ પદોમાં ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભોમાં કે એમની વિરહવ્યાકુળતામાં શૃંગારભાવનું કેટલુંક નિરૂપણ છે, પરંતુ કૃતિમાં પ્રધાન રૂપે તો અનુભવાય છે કૃષ્ણ અને નંદજસોદાનો પરસ્પર માટેનો પ્રેમ. ભાવની નૂતનતા, મૂર્તતા, સૂક્ષ્મતા કે ઉત્કટતા ને ભાષાની પ્રસાદિકતાની દૃષ્ટિએ એ ગુજરાતીની મનોરમ કૃતિ છે. કૃતિ : ૧. ચતુરચાલીસી, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૬(+સં.); ૨. પ્રેમપચીસી, સં. જિતેન્દ્ર દવે અને મહેન્દ્ર દવે, ઈ.૧૯૭૨ (+સં.); ૩. મોસાળા-ચરિત્ર, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૭(+સં.);  ૪. ભ્રમરગીતા (+સં.); ૫. બૃકાદોહન : ૮ (+સં.); ૬. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.); ૭. સગુકાવ્ય (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ; ૮. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭-‘મામેરું : વિશ્વાનાથ જાનીનું અને પ્રેમાનંદનું-એક તુલના’, મહેન્દ્ર દવે;  ૧૦. ગૂહાયાદી; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ફાહનામાવલિ : ૨. [જ.કો.]