ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશ્વનાથ-૩


વિશ્વનાથ-૩ [ ] : વિવિધ રાગની દેશીઓમાં રચાયેલી ૪ ખંડ ને ૩૯૯ કડી સુધી ખંડિત રૂપે મળતી ‘ગનીમની લડાઈનો પવાડો’(મુ.)ના કર્તા. આ કાવ્યમાં ગનીમ(મરાઠાઓ. દુશ્મન-લૂંટારા એ અર્થમાં વ્યાપક આ શબ્દ મુસલમાનકાળ દરમ્યાન પ્રજાજીવનમાં મરાઠાઓ માટે સાંકેતિક અર્થમાં વપરાતો હતો) અને ગુજરાતના મુસલમાન સરદારો વચ્ચે નર્મદાકિનારે આવેલા બાબાપ્યારા પાસે થયેલા યુદ્ધના પ્રસંગને એમાં આલેખવામાં આવ્યો છે. મરાઠાઓ અને મુસલમાની સૈન્ય વચ્ચે ઈ.૧૭૦૫/૦૬માં બાબાપ્યારા પાસે યુદ્ધ થયેલું એવા ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. આ કાવ્ય એ પ્રસંગને અનુલક્ષીને છે એટલે તેની રચના ત્યારપછી થઈ હશે. કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પણ ઐતિહાસિક દૃષ્ટિએ આ કાવ્ય મહત્ત્વનું છે. મરાઠાઓની યુદ્ધરીતિ, હારેલા મુસલમાની સૈન્યના નાસભાગ કરતા સૈનિકોની હાલત ઇત્યાદિના આલેખનને લીધે એમાનું યુદ્ધવર્ણન વાસ્તવિક ને મધ્યકાલીન કવિતામાં થતાં પરંપરાનુસારી યુદ્ધવર્ણનો કરતાં જુદું પડે છે. યુદ્ધવર્ણન સિવાય મરાઠાઓએ ગુજરાતનાં શહેરો ને ગામોમાં ચલાવેલી લૂંટફાટ, એમના આગમનના સમાચારથી અમદાવાદની પ્રજામાં ફેલાયેલો આતંક એનું પણ કવિએ વીગતે આલેખન કર્યુ છે, જે કૃતિને વિશિષ્ટ ઐતિહાસિક મૂલ્યવાળી બનાવે છે. ચોથા ખંડમાં મરાઠાઓના સંતાપથી બચાવવા કવિ અંબા માતાને સહાય રૂપ થવા પ્રાર્થના કરે છે. કૃતિ : કવિ વિશ્વનાથકૃત ગનીમની લડાઈનો પવાડો, સં. મંજુલાલ ર. મજમુદાર તથા ગણેશ કૃષ્ણ ગોખલે, ઈ.૧૯૬૫. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ફાત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે. ૧૯૬૬-‘ગનીમનો પવાડો : કર્તૃત્વ’, મહેન્દ્ર અ. દવે;  ૩. ગૂહાયાદી. [કા.શા.]