ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિક્રમચરિત્ર-રાસ’


‘વિક્રમચરિત્ર-રાસ’ [ઈ.૧૫૦૯/સં.૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર] : ઉદયભાનુકૃત ૫૬૦/૬૫ કડીની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા અને ચોપાઈમાં રચાયેલી છે, પરંતુ પ્રસંગોપાત્ત એમાં વસ્તુ અને ગાથા એ છંદોનો તથા દેશી ઢાળનો પણ ઉપયોગ થયો છે. ગાથામાં સામાન્ય રીતે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરી કવિએ કદાચ પોતાના ભાષાકૌશલ્યનો પરિચય આપવાનું ઇચ્છયું છે. ઢાળનો ઉપયોગ એક વખત સ્ત્રીચરિત્રનો મહિમા ગાવા માટે કર્યો છે. પ્રસ્તુત રાસ બે કથાભાગમાં વહેંચાઈ જાય છે. પહેલા કથાભાગમાં આસાઈતની ‘હંસાઉલી’ના પહેલા ખંડને મળતું કથાવસ્તુ છે. એમાં વિક્રમરાજા પોતે સ્વપ્નમાં જોયેલી સુંદરી, જે પુરુષદ્વેષિણી લીલાવતી છે, તેને પોતાના પ્રધાનની મદદથી પરણે છે. બીજા કથાભાગમાં લીલાવતીને મૂકીને જતા રહેલા વિક્રમરાજાને, લીલાવતીનો પુત્ર વિક્રમચરિત્ર રાજાના નગરમાં જઈ પોતાની કપટવિદ્યાથી પાઠ ભણાવે છે તેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. પહેલા કથાભાગની તુલનાએ બીજો કથાભાગ વધારે ઝડપથી ચાલતો દેખાય છે. છતાં સમગ્ર રાસમાં કવિએ પ્રસંગોપાત વર્ણન અને દૃષ્ટાંતગ્રથનની તથા સમાજચિત્રણ અને વ્યવહારોપદેશની તક લીધી છે, જો કે આ બધામાં પ્રસંગૌચિત્ય અને સપ્રમાણતાનો ગુણ દેખાઈ આવે છે. કૃતિનો છંદોબંધ સફાઈભર્યો છે અને ભાષાશૈલી પ્રૌઢ અને પ્રવાહી છે. [જ.કો.]