ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંતરામ મહારાજ-સુખસાગર


સંતરામ(મહારાજ)/સુખસાગર [અવ.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, મહા સુદ ૧૫] : જ્ઞાની કવિ. અખાની કહેવાતી શિષ્ય પરંપરામાં જિતા મુનિ નારાયણ શિષ્ય અને કલ્યાણદાસજી મહારાજના ગુરુબંધુ. તેમના પૂર્વજીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તેઓ ગિરનાર પર્વત પરથી ઊતરી સુરત, વડોદરા, પાદરા, ઉમરેઠ તથા ખંભાત વગેરે સ્થળોમાં ફરી ઈ.૧૮૧૬માં નડિયાદ આવ્યા. ત્યાં સ્થિર થઈ સંતરામ મંદિરની સ્થાપના કરી એમ કહેવાય છે. ઈ.૧૭૭૨માં ડાકોરમાં રણછોડરાયની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે તેઓ ત્યાં પણ આવેલા. નડિયાદમાં એમણે જીવત્સમાધિ લીધી. તેમના જીવન વિશે પણ ઘણી ચમત્કારિક કથાઓ પ્રચલિત છે. ‘બાવોવિદેહી’ અને ‘સુખસાગર’ એવાં એમનાં અપરનામ પણ મળે છે. ‘સંતરામ’ અને ‘સુખરામ’ નામછાપવાળાં પચીસેક પદ મુદ્રિત રૂપે મળે છે તે આ કવિનાં છે. થાળ, મહિના, તિથિ, ભજન વગેરે રૂપે મળતાં આ પદોમાં સદ્ગુરુ, વૈરાગ્ય અને ભક્તિનો મહિમા છે. ૧૭ કડીની ‘તિથિ’માં અવધૂતની મરણદશાનો આનંદ પણ વ્યક્ત થયો છે. ‘ગુરુબાવની’(મુ.) નામે હિંદી કૃતિ પણ એમણે રચી છે. કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાંત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગૂહાયાદી. [ચ.શે.]