ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ-પ્રબંધ-રાસ’


‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ/પ્રબંધ/રાસ’ [ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, આસો સુદ ૧૦] : ખરતરગચ્છના જૈન સાધુ. સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૨ ખંડ, ૨૧ ઢાળ ને દુહા સાથે મળી કુલ ૮૦૦ કડીની રાસકૃતિ. પોતાની આ પહેલી રાસકૃતિમાં કવિએ જૈન આગમોમાંની સાંબ્રપ્રદ્યુમ્નની સંક્ષિપ્ત કથાને આગવી રીતે વિકસાવી છે. કર્મપુનર્જન્મના સિદ્ધાંતનું મહત્ત્વ કરવા રચાયેલા આ રાસમાં કૃષ્ણના બે પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નના સ્નેહ અને પરાક્રમની અદ્ભુત રસવાળી કથા આલેખાઈ છે. કથાના પૂર્વાર્ધમાં કૃષ્ણના રુક્મિણીથી જન્મેલા પુત્ર પ્રદ્યુમ્નનાં સાહસપરાક્રમની વાર્તા છે. કૃષ્ણના ધૂમકેતુ સાથેના વેરને લીધે પ્રદ્યુમ્નનું જન્મતાંની સાથે અપહરણ, વિદ્યાધર કાલસંવર અને તેની પત્ની કનકમાલાને હાથે પ્રદ્યુમ્નનો ઉછેર, પ્રદ્યુમ્નની તેજસ્વિતા જોઈ એના તરફ આકર્ષાયેલી કનકમાલા, કાલસંવર અને પ્રદ્યુમ્ન વચ્ચે યુદ્ધ, રુક્મિણીની માનહાનિ થતી અટકાવવા પ્રદ્યુમ્નના સાહસ ને પરાક્રમો વગેરે પૂર્વાર્ધના મુખ્ય કથાંશો છે. એમાં પ્રદ્યુમ્ને સત્યભામાને કેવી યુક્તિથી છેતરે છે એ હાસ્યરસિક પ્રસંગ કવિએ સારી રીતે ખીલવ્યો છે. કૃતિના ઉત્તરાર્ધમાં પ્રદ્યુમ્નની યુક્તિથી સત્યભામાને બદલે જાંબવતીને તેજસ્વી પુત્ર સાંબની પ્રાપ્તિ, સાંબને એની ઉદ્દંડતાને કારણે કૃષ્ણ દ્વારામતીની બહાર કાઢે છે ત્યારે પ્રદ્યુમ્ને સાંબને કરેલી મદદ તથા ઘણાં વરસો પછી નેમિનાથ ભગવાન પાસે બંને ભાઈઓએ લીધેલી દીક્ષા એ મુખ્ય ઘટનાઓ આલેખાય છે. દ્વારિકા નગરી, રુક્મિણીવિલાપ, પ્રદ્યુમ્નનો નગરપ્રવેશ વગેરે વર્ણનો કૃતિમાં ધ્યાન ખેંચે છે.[જ.ગા.]