ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભંગ
અભંગ : મરાઠી છંદ, પરંતુ ભક્તિભાવનું માધ્યમ બનવાથી તેરમી સદીથી આરંભી સત્તરમી સદી સુધી લોકપ્રિય રહેલો ભક્તિકાવ્યનો પ્રકાર. લોકગીતની ઓવીનું આ સંશોધિત, વ્યવસ્થિત અને શિષ્ટ રૂપ છે. મરાઠીમાં ‘અભંગવાણી પ્રસિદ્ધ તુક્યાચી’ કહેવાયું છે અને તુકારામને નામે પાંચ હજાર અભંગ મળે છે. સંત નામદેવે એનું માપ આપ્યું છે, અને એના મોટો (મોઠા) અભંગ અને નાનો (લહાણ) અભંગ એમ બે પ્રકાર દર્શાવ્યા છે. વૃત્તદર્પણકારના મત મુજબ મોટા અભંગમાં છ છ અક્ષરોનાં ત્રણ ચરણ અને ચોથું ચરણ ચાર અક્ષરોનું છે. એમાં લઘુગુરુનું બંધન નથી. પ્રાસ અને આંતરપ્રાસ સંકળાય છે તેમજ પ્રાસને આધારે એના પેટાપ્રકાર પણ પડે છે; જ્યારે નાના અભંગમાં બે ચરણ હોય છે અને દરેકમાં આઠ આઠ અક્ષર હોય છે. ક્યારેક પહેલા ચરણને છ અક્ષર પણ હોય છે. અભંગને ગુજરાતીમાં પહેલી વાર પ્રયોજવાનું શ્રેય ભોળાનાથ સારાભાઈને જાય છે.
ચં.ટો.