ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિધાવૃત્તિમાતૃકા


અભિધાવૃત્તિમાતૃકા : મુકુલ ભટ્ટનો નવમી સદીનો અલંકારશાસ્ત્રના મહત્ત્વના વિષય શબ્દશક્તિનું વિવેચન આપતો ગ્રંથ. કુલ ૧૫ કારિકાઓના લઘુગ્રંથમાં વૃત્તિની રચના ગ્રંથકારે પોતે જ કરેલી છે. એમાં અભિધાને શબ્દની શક્તિ માનીને એની અંતર્ગત લક્ષણા અને વ્યંજનાને સમાવવાનો પ્રયત્ન થયો છે. અહીં લક્ષણા અભિધાનું જ એક અંગ છે એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન છે. અભિધાના કુલ ૧૦ ભેદ વર્ણવવામાં આવ્યા છે. ટૂંકમાં, અભિધાથી અલગ અન્ય કોઈ શબ્દશક્તિનો અહીં સ્વીકાર નથી. ગ્રંથમાં કુમારિલ ભટ્ટ, ‘ધ્વન્યાલોક’ ‘ભર્તૃમિત્ર’ શંબરસ્વામી, ઉદ્ભટ વિજ્જિકા વગેરેના નામોલ્લેખ મળે છે. માણિક્યચંદ્રના ‘કાવ્યપ્રકાશસંકેત’માં મુકુલને વારંવાર ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. મુકુલ ભટ્ટ, ભટ્ટ કલ્લટના પુત્ર હતા અને પ્રતિહારેન્દુ-રાજના ગુરુ હતા. વ્યાકરણ, તર્ક તથા સાહિત્યશાસ્ત્રમાં એમની અસાધારણ ગતિ હતી. ચં.ટો.