ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિનયદર્પણ


અભિનયદર્પણ : ભરતના નાટ્યશાસ્ત્ર સંબંધિત વિશિષ્ટ ગ્રંથો ‘નાટ્યશાસ્ત્ર’ તથા ‘ભરતાર્ણવ’ની પરંપરામાં, આચાર્ય નંદિકેશ્વરે બીજી-ત્રીજી શતાબ્દીમાં રચેલો સંસ્કૃત ગ્રંથ. ગ્રંથના શીર્ષક દ્વારા જ સૂચવાય છે તેમ ‘અભિનયદર્પણ’માં નાટક તથા નૃત્યના અભિનયપક્ષ પર વિશેષ વિચારણા થઈ છે. વિવિધ અભિનય-સંકેતો/મુદ્રાઓ તથા અભિનયશાસ્ત્રની સૈદ્ધાન્તિક તેમ જ મૌલિક અર્થઘટનયુક્ત મીમાંસા કરતો આ ગ્રંથ નૃત્યવિદો માટે પણ મહત્ત્વપૂર્ણ નીવડવા છતાં સૈકાઓ સુધી અસ્પૃષ્ટ પડી રહ્યો હતો. છેક તેરમી સદીમાં શારંગદેવે તેની પુન :પ્રતિષ્ઠા કરી. મદ્રાસ, અડિયાર અને શાંતિનિકેતનનાં સંગ્રહાલયોમાં ‘અભિનયદર્પણ’ની ૩૨૪ શ્લોકો ધરાવતી તેલુગુલિપિબદ્ધ પાંચ હસ્તપ્રતો સચવાઈ છે. કલકત્તા વિશ્વવિદ્યાલયના મનોમોહન ઘોષે પાંચેય હસ્તપ્રતોનો તુલનાત્મક અભ્યાસ કરીને દેવનાગરીલિપિમાં તેનું નવસંસ્કરણ પ્રકાશિત કર્યું છે. ર.ર.દ.