ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારસર્વસ્વ


અલંકારસર્વસ્વ : રાજાનક રુય્યકનો બારમી સદીના મધ્યભાગનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થનું બીજું નામ ‘અલંકારસૂત્ર’ પણ છે. એમાં ત્રણ વિભાગ છે. સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણ. સૂત્ર અને વૃત્તિ વિશે વિવાદ હતો છતાં હવે સ્પષ્ટ છે કે રુય્યકનાં છે જ્યારે ઉદાહરણ ભિન્ન ભિન્ન ગ્રન્થોમાંથી લેવામાં આવ્યાં છે. આરંભમાં ભામહ, ઉદ્ભટ, રુદ્રટ, વામન, કુન્તક, મહિમ ભટ્ટ અને ધ્વનિકારના મતનો સાર આપવામાં આવ્યો છે તેથી ઐતિહાસિક દૃષ્ટિએ આ વિવેચનનું મૂલ્ય અધિક છે. એમાં ૬ શબ્દાલંકારો, ૭૫ અર્થાલંકારો તથા સંકરસંસૃષ્ટિનું વિવરણ છે. પરંતુ અર્થાલંકારનું વૈજ્ઞાનિક વર્ગીકરણ મહત્ત્વની દિશા ચીંધે છે. અલંકારના પાંચ વર્ગ કરવામાં આવ્યા છે. સાદૃશ્યવર્ગ; વિરોધવર્ગ; શૃંખલાવર્ગ; ન્યાયમૂલવર્ગ (તર્કન્યાયમૂલ, વાક્યન્યાયમૂલ, લોકન્યાયમૂલ) અને ગૂઢાર્થપ્રતીતિવર્ગ. વળી, ‘ઉલ્લેખ’ ‘પરિણામ’ ‘વિકલ્પ’ અને ‘વિચિત્ર’ એવા ચાર નવા અલંકારોને પણ સમાવવામાં આવ્યા છે. રુય્યક ધ્વનિવાદી કાશ્મીરી આચાર્ય છે. એમના પિતાનું નામ રાજાનક તિલક છે અને મંખક એમનો શિષ્ય છે. એમણે ‘કાવ્યપ્રકાશ’ની સંકેત નામે ટીકા લખી છે. ‘કાવ્યપ્રકાશસંકેત’, ‘વ્યક્તિવિવેચનવિચાર’, ‘નાટકમીમાંસા’, ‘અલંકારાનુસારિણી’, ‘સાહિત્યમીમાંસા’, ‘સહૃદયલીલા’ ‘અલંકારમંજરી’, ‘અલંકારવાર્તિક’ વગેરે એમની અન્ય કૃતિઓ છે. ઉપરાંત ‘હર્ષચરિતવાર્તિક’, ‘શ્રીકંઠસ્તવ’ તથા ‘વૃહતી’ નામક ગ્રન્થો પણ એમણે રચેલા હોવાનું મનાય છે. ચં.ટો.