ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારશેખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલંકારશેખર : કેશવમિશ્રનો સોળમી સદીના ઉત્તરાર્ધનો અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થ ત્રણ વિભાગમાં છે : કારિકા, વૃત્તિ અને ઉદાહરણો. કારિકા શૌદ્ધોદનિના નામ પર છે. આ ગ્રન્થકાર પોતે છે કે કોઈ બૌદ્ધલેખક છે તેનો નિર્ણય કરી શકાયો નથી. ‘કાવ્યાદર્શ’, ‘કાવ્યમીમાંસા’, ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’, ‘વાગ્ભટાલંકાર’ વગેરે ગ્રન્થોનો આધાર અહીં લેવાયો છે. ગ્રન્થ ૮ રત્નો અને ૨૨ મરીચિઓમાં વિભક્ત છે. કાવ્યલક્ષણ, પ્રતિભા, શબ્દશક્તિ, ગુણ, દોષ, અલંકાર, રસ, સમસ્યાપૂરણ, નાયકનાયિકાભેદ વગેરે વિષયો અહીં આવરી લેવાયા છે. કેશવમિશ્રના જણાવ્યા પ્રમાણે ધર્મચંદ્રના પુત્ર કાંગડાનરેશ માણિક્યચંદ્રના આગ્રહથી એમણે આ ગ્રન્થની રચના કરી છે. ચં.ટો.