ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહેવાલ


અહેવાલ : સમાચાર કે વૃત્તાંત એ વર્તમાનપત્રનું મુખ્ય અંગ છે. અખબારમાં વિજ્ઞાપન, તંત્રીલેખ અને લેખો આવે, પણ વૃત્તાંત કે અહેવાલ વિનાનું અખબાર સંભવી જ ન શકે. સમાચાર એટલે જ બનેલી ઘટનાનો વૃત્તાંત અથવા અહેવાલ. વૃત્તાંત તૈયાર કરનાર વ્યક્તિને વૃત્તાંતનિવેદક અથવા રિપોર્ટર તરીકે ઓળખવામાં આવે છે. વૃત્તાંત મહત્ત્વની તાજી બનેલી ઘટનાનો હોવો જોઈએ અને ચોકસાઈવાળો તથા પૂર્વગ્રહ વિનાનો હોવો જોઈએ. એમાં મોટી સંખ્યાના વાચકોને રસ પડવો જોઈએ. ‘ન્યૂયોર્કટાઇમ્સ’ના ફ્રાંક આદમ્સે વૃત્તાંતની આપેલી વ્યાખ્યા આ મુજબ છે. ‘‘વિશ્વમાં બનતી સાચી ઘટનાઓનું ચોકસાઈ અને તાટસ્થ્યના માપદંડ વડે કુતૂહલને કેન્દ્રમાં રાખીને થતું નિરૂપણ.’’ વૃત્તાંતનિવેદકમાં સમાચારની ગંધ પારખવાની સૂઝ હોવી જોઈએ તેમજ ચપળતા, હિંમત તથા જાગૃત દિમાગના ગુણો હોવા જોઈએ. વૃત્તાંતનિવેદક સરકારી સાધનો, અખબારી યાદીઓ, પત્રકાર પરિષદ, હોસ્પિટલ, પોલીસતંત્ર તથા વ્યક્તિગત સંપર્ક દ્વારા ‘સમાચાર’ મેળવે છે, એ પછી એ સમાચારનું મહત્ત્વ નક્કી કરે છે. એના માપદંડોમાં ભૌગોલિક અંતર અને વ્યક્તિ ઉપરાંત વૃત્તાંતમાં રહેલો માનવરસ ધ્યાનમાં લે છે. વૃત્તાંતલેખનમાં પ્રારંભમાં ‘લીડ’ અથવા પીઠિકા લખાય છે. પીઠિકાના લેખનના કેટલાક પ્રકારો છે. એમાં ઘટના ક્યાં બની છે, ક્યારે બની છે, કઈ રીતે બની છે વગેરે મુદ્દા લક્ષમાં લેવાય છે. એ પછી વૃત્તાંત આગળ લખાય એમાં ‘ઊંધા પિરામિડ’ની આકૃતિ જેવો વૃત્તાંત લખાય છે. જેથી સૌથી ઓછા મહત્ત્વના મુદ્દા છેડે આવે અને જરૂર પડે તો છેડેથી એમાં કાપકૂપ કરી શકાય. વૃત્તાંતલેખનની ભાષા સાહિત્યિક ઓછી અને અખબારને અનુકૂળ હોય એવી લોકભોગ્ય વધુ હોય છે. અખબારના સરેરાશ વાચકને સમજાય એવી સરળ ભાષા અપનાવવી જરૂરી છે. અખબારી અહેવાલલેખનમાં ભાષાકર્મના બીજા વ્યાપારને ઝાઝો અવકાશ રહેતો નથી. વૃત્તાંતનિવેદન એના વિષય મુજબ જુદા જુદા પ્રકારોમાં વહેંચાય છે. રાજકીય વૃત્તાંતનિવેદન, આથિર્ક વૃત્તાંતનિવેદન, સાંસ્કૃતિક વૃત્તાંતનિવેદન, રમતગમતનાં વૃત્તાંતો, પોલીસ તથા અદાલતની કાર્યવાહીનું વૃત્તાંતલેખન એ એના મુખ્ય પ્રકારો છે. રાજકીય ઘટનાઓ અખબારમાં વધુ જગા રોકતી હોવાથી એનું મહત્ત્વ વિશેષ છે. ભારત જેવા ગરીબ અને પછાત રાષ્ટ્રમાં આથિર્ક વૃત્તાંતલેખનનું મહત્ત્વ પણ ઓછું આંકી શકાય નહીં. એમાં કૃષિક્ષેત્ર ઉપરાંત વિકાસની ઘટનાઓનાં વૃત્તાંતોનો પણ સમાવેશ કરી શકાય. હવે વિકાસના પત્રકારત્વની એક નવી શાખા વિકસી છે. ક્રિકેટ જેવી રમતોના અહેવાલો પણ વાચકો રસથી વાંચતા હોવાથી એની ખાસ સજ્જતાવાળા વૃત્તાંતનિવેદકોની પણ પત્રકારત્વના ક્ષેત્રમાં માંગ રહે છે. હવે વિવેચનાત્મક અને વિવરણાત્મક વૃત્તાંતલેખનનું મહત્ત્વ પણ વધ્યું છે. આજનો વૃત્તાંતનિવેદક માત્ર ઘટનાનો શુષ્ક અહેવાલ આપીને અટકી જતો નથી, પણ એની પશ્ચાદભૂમિકા આપીને એનું વિશ્લેષણ કરે છે તથા ભવિષ્યની આગાહી પણ કરે છે. આમ, હવે વૃત્તાંતનિવેદક માનસચિકિત્સક અને વ્યવહારુ ફિલસૂફની ભૂમિકા પણ નિભાવે છે. યા.દ.