ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકાશવાણી


આકાશવાણી (Radio) : બિનતારી (wireless) સંદેશા-વ્યવહાર અને પ્રસારણનું માધ્યમ રેડિયો આ સદીના ત્રીજા દાયકાના પ્રારંભે(૧૯૨૨) શરૂ થયું, ભારતમાં ૧૯૨૪થી ‘મદ્રાસ પ્રેસીડેન્સી રેડિયો કલબ’ની સ્થાપના પછી ખોડંગાતું ચાલ્યું તે ૧૯૩૦થી ‘ઇંડિયન બ્રોડકાસ્ટિંગ સવિર્સ’ નામે નિયમિત બન્યું. અખિલ ભારતીય સેવા તરીકે ૧૯૩૬થી ‘ઓલ ઇંડિયા રેડિયો’ અને ૧૯૫૭થી એ ‘આકાશવાણી’ને નામે ઓળખાતું થયું. ગુજરાતી રેડિયો કાર્યક્રમો તો ૧૯૩૩થી જ મુંબઈ કેન્દ્ર ઉપર રજૂ થવા માંડ્યા હતા, પણ સર્વ પ્રથમ ગુજરાતી રેડિયો કેન્દ્ર તરીકેનો યશ તો ૧૯૩૯માં ‘બરોડા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન’ને જ મળ્યો. આજનું અમદાવાદ-વડોદરા કેન્દ્ર ૧૯૪૯માં શરૂ થયું છે. આજે ગુજરાતનાં સાત રેડિયોકેન્દ્રો રોજના સરેરાશ મળીને સોએક કલાકના કાર્યક્રમો આપે છે. ગુજરાતી પ્રસારણની આ છએક દાયકાની મજલમાં બુખારી બંધુઓ, ચંદ્રવદન ચી. મહેતા, અદી મર્ઝબાન, બરકત વિરાણી, ઇન્દુલાલ ગાંધી, ગિજુભાઈ વ્યાસ, જ્યોતીન્દ્ર હ. દવે, નંદકુમાર પાઠક, ચંદ્રકાન્ત ભટ્ટ, ચુનિલાલ મડિયા, શિવકુમાર જોષી, હેમુ ગઢવી, વગેરે નોંધપાત્ર લોકપ્રિય ‘બ્રોડકાસ્ટરો’ ગણાય. નાટકો, વાર્તાલાપો, દસ્તાવેજી-રૂપકો, મુલાકાતો, સ્ત્રીઓ-બાળકો વગેરેના ખાસ કાર્યક્રમો, આંખે દેખ્યો અહેવાલ, નાટ્યશ્રેણીઓ, સોપ ઓપેરાના કાર્યક્રમોમાં સીધી રીતે અને એના આયોજનોમાં આડકતરી રીતે સાહિત્યકારો સંકળાયેલા રહ્યા. તત્ત્વત : તો આ શ્રાવ્યમાધ્યમ માનવઅવાજ, સંગીત, ધ્વનિઅસરો (sound effects) અને નીરવતાનું અંગત અને તત્ક્ષણનું જીવંત માધ્યમ છે. શ્રોતાઓની કલ્પનાશક્તિને ઉત્તેજતી, તેમની સમકક્ષ ભાગીદારી અપેક્ષતી વાક્-પ્રણાલિની એ કળા છે. રેડિયો નાટક એટલે માત્ર સંવાદો નહીં, તેમ રેડિયો ઉપર બોલાતી ભાષા એટલે મુદ્રણનું ગદ્ય પણ નહીં. સંગીતની જેમ આ સમયકેન્દ્રી કલામાધ્યમ છે. એ ‘વાત માંડે’ ત્યારે એનો વિષય જો શ્રોતાઓને સીધો સુસંગત ન હોય, કે એની ભાષા સરળ ન હોય, તો એ શ્રોતા ગુમાવી બેસે. ‘શ્રાવ્ય’ભાષાના ઉત્કૃષ્ટ નમૂના ચંદ્રવદન મહેતાનાં નાટકો અને એમની ‘ગઠરિયાં’ શ્રેણીમાં મળે. પારસી કોમેડિઓ, ‘ધાનશાકમંડળ’, ‘ચતુરનો ચોતરો’ (અદી મર્ઝબાન), ‘શાણાભાઈન્ન્ શકરાભાઈ’, ‘ગામનો ચોરો’, ‘લોકસાગરને તીરે તીરે’ (ચંદ્રકાન્ત ભટ્ટ), હેમુ ગઢવીની સંગીતિકાઓ, ‘રંગલો’ (જયંતિ પટેલ) વગેરે ગુજરાતી પ્રસારણનાં સ્મરણીય ઉદાહરણો છે. ‘ઉચ્ચારિત કાર્ય’ (Spoken Action)નું આ માધ્યમ સર્જક અને ભાવકને આ સદીના ચોથા-પાંચમા દાયકા પછી વધુ ને વધુ સંડોવતું ગયું. એનો પ્રભાવ ગુજરાતી ભાષાસાહિત્યમાં એ રીતે પણ અનુભવાયો કે એની પહેલાંનાં નાટકો કે કથનાત્મક ગદ્ય અને વાર્તા-નવલકથાની કથનરીતિમાં અવારનવાર શબ્દનો ‘કાકુ’ સંભળાય છે. સાહિત્યસ્વરૂપોએ આ શ્રાવ્ય માધ્યમ પાસે જતાં એનાં પેલાં વિશિષ્ટ તત્ત્વોને અનુરૂપ બનવું પડે. સદ્ભાગ્યે ગુજરાતી ફિલ્મ કે ટેલિવિઝન કરતાં, ગુજરાતી રેડિયો પ્રસારણ થોડું રૂઢિગત રહ્યું, એને લીધે એનું માઇક્રોફોન સાહિત્ય સાથે સાર્થક સંબંધ જાળવી શક્યું છે. માત્ર વાંચવાની કળાએ રેડિયો પર કહેવા-સાંભળવાની કળા બનવું પડ્યું છે. તો, સાહિત્યસ્વરૂપોની કથનરીતિરચનાએ શ્રાવ્યપ્રસ્તુતિનાં તત્ત્વો આમેજ કરી, શ્રોતાના કાન સરવા રાખ્યા છે. આજનો ભાવક પણ પ્રસારણનાં માધ્યમોના બહોળા અનુભવ પછી મુદ્રિત શબ્દ અને એનાં સાહિત્યસ્વરૂપોમાં ‘ધ્વનિત થઈ ઊઠતી’ ભાષા ઝંખે એ સ્વાભાવિક છે. સર્જક પણ જો શબ્દના ધ્વનિ સાથે કામ પાડે તો સુચારુ પરિણામ આવે જ. મધુ રાય, ભગવતીકુમાર શર્મા, વીનેશ અંતાણી વગેરે દ્વારા છેલ્લા ત્રણ-ચાર દાયકામાં સાહિત્યના વિષય કે અભિવ્યક્તિ પ્રકારોમાં આવેલાં પરિવર્તનોનું એક કારણ આપણાં સમૂહમાધ્યમોથી પ્રભાવિત સર્જક-ભાવકની સહિયારી સંવેદના પણ છે. માધ્યમોની આદાનપ્રદાનની લીલા એ રીતે એમાં સાર્થક બની છે. હ.બા.