ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધુનિકતાવાદ


આધુનિકતાવાદ (Modernism) : યુરોપીય કળા અને સાહિત્યમાં ઓગણીસમી સદીના અંતભાગ અને વીસમી સદીના આશરે પ્રથમ ત્રણ દશક દરમ્યાન પ્રવર્તેલાં વિવિધ આંદોલનો : પ્રતીકવાદ, અભિવ્યંજનાવાદ, ઘનવાદ, ભવિષ્યવાદ, કલ્પનવાદ અને પરાવાસ્તવવાદ–ના એક સમવાય રૂપને પ્રગટ કરતો વાદ. આધુનિકતાવાદનું પ્રારંભબિંદુ કયું એ વિશે યુરોપીય વિદ્વાનો એકમત નથી. ૧૯૧૦, ૧૯૧૨ કે ૧૯૧૫ને કેટલાકે એનું પ્રારંભવર્ષ ગણ્યું છે. પ્રતીકવાદને આધુનિકતાવાદનું પ્રારંભબિંદુ માનીએ તો ૧૮૯૦ આસપાસ એનો પ્રારંભ માની શકાય અને પ્રતીકવાદનો પ્રાદુર્ભાવ બોદલેરની કવિતામાં છે એમ સ્વીકારીએ તો ૧૮૭૦ આસપાસ એનો પ્રારંભ થયેલો ગણી શકાય. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી એકાદ દશકામાં આધુનિકતાવાદી આંદોલનોનું પૂર ઓસરી ગયું એમ મુખ્યત્વે સ્વીકારાય છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધ સુધી આધુનિકતાવાદી વલણો પ્રભાવક હતાં એમ ઘણા માને છે. અલબત્ત, ૧૯૧૨થી ૧૯૨૨ દરમ્યાન આધુનિકતાવાદ વિશેષ પ્રભાવક હતો એ સર્વસ્વીકૃત છે. આધુનિકતાવાદમાં રહેલી ‘આધુનિક’ સંજ્ઞા અર્થબહુલ છે. હમણાંનું, ચિરંતન, સૌથી વધારે સારું, ઉત્તમ – એવા અર્થોમાં આ સંજ્ઞા વપરાઈ છે પરંતુ અહીં તો સમયના અમુક પટ પર પ્રગટેલાં કળાકીય આંદોલનોમાંથી સમગ્રતયા ઊભરતાં કેટલાંક મૂલ્યભેદ અને શૈલીભેદની એ વાહક છે. આધુનિકતાવાદ યંત્રયુગીન નગરસંસ્કૃતિની નીપજ છે એટલે પારી, મ્યુનિક, બલિર્ન, વિયેના, લંડન, ન્યૂયોર્ક જેવાં યુરોપીય મહાનગરો આધુનિકતાવાદી આંદોલનોનાં ઉદ્ભાવક બન્યાં. યંત્રયુગીન સંસ્કૃતિમાંથી જન્મેલી માનવવિકૃતિઓ વાસ્તવવાદી કળા અને સાહિત્યમાં પ્રગટ થવા લાગી હતી પરંતુ વિજ્ઞાન અને ફિલસૂફીને ક્ષેત્રે, વ્યક્ત થઈ રહેલા ડાવિર્નના ઉત્ક્રાંતિવાદ, નિત્શેના ‘અતિમાનવ’ અને ઈશ્વર વિશેના વિચારો, સિગ્મંડ ફ્રોઇડનાં અચેતન માનસનાં વિશ્લેષણો ને કાર્લ માર્ક્સના અર્થનિયંત્રિત માનવજીવન વિશેના વિચારોનો વ્યાપક પ્રભાવ શરૂ થવાનો બાકી હતો. એ પ્રભાવ શરૂ થયો એને પરિણામે જીવન અને કળા તરફ જોવાની દૃષ્ટિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. આ પરિવર્તન ક્રાંતિકારી એટલા માટે છે કે પરંપરાપ્રાપ્ત મૂલ્યો, માન્યતાઓ, શ્રદ્ધાઓ તરફ જોવામાં કેટલુંક પરિવર્તન તો સમયેસમયે આવતું હોય છે, પણ આવાં પરિવર્તન પરંપરાને કેટલોક નવો વળાંક આપે કે એના ઘાટઘૂટ બદલે. પરંતુ જ્યારે પરિવર્તન પરંપરાને મૂળમાંથી ઉખેડી નાખવા કટિબદ્ધ થાય, એનાં મૂળભૂત ગૃહીતોને જ પડકારે ત્યારે એવું પરિવર્તન ક્રાંતિકારી પરિવર્તન બની રહે છે. આધુનિકતાવાદે પરંપરા સાથે વિચ્છેદ સાધ્યો એ એની વિશિષ્ટતા છે. જોકે આજે કેટલાક વિદ્વાનો આધુનિકતાવાદને નવા અવતારે આવેલા રંગદશિર્તાવાદ રૂપે જુએ છે એ ધ્યાનમાં લેવા જેવું છે. આધુનિક કળાકારો અને કવિઓએ ઇન્દ્રિયગમ્ય વિશ્વને યથાતથ આલેખવાનો વાસ્તવવાદીઓનો ખ્યાલ સાવ છોડી દીધો. એને બદલે કળાકારના વૈયક્તિક અનુભવ પર, કળાકારના ચિત્તમાં બંધાયેલા વસ્તુના રૂપને, આલેખવા પર ભાર મૂક્યો. એ દ્વારા વસ્તુના બાહ્ય નહીં, પરંતુ આંતરિક રૂપને પ્રગટ કરવા તરફ ધ્યાન કેંદ્રિત થયું. કળાનું સૌન્દર્ય વસ્તુમાં નિહિત રૂપોને બહાર લાવવામાં રહેલું છે એ ખ્યાલ બંધાવાને લીધે વસ્તુના બાહ્ય દેખાવને બને તેટલો ઓગાળી તેને વળગેલી સ્થળકાળની ભૌતિક વાસ્તવિકતાને સાવ છોડી તેનું નિર્માનવીકરણ કરવાની પ્રક્રિયા કળાસર્જનમાં શરૂ થઈ. આને કારણે અભિવ્યક્તિની પરંપરાપ્રાપ્ત શૈલીઓ છોડી અનેક અરૂઢ શૈલીઓ અસ્તિત્વમાં આવી. આધુનિકતાવાદે વૈયક્તિક અનુભવનો મહિમા કર્યો, રૂઢ સ્વરૂપો છોડ્યાં પરંતુ આકારનો મહિમા સૌથી વિશેષ કર્યો. સાહિત્યમાં જ્યાં માધ્યમ ભાષા છે ત્યાં શબ્દને વિચારનો વાહક બનતો રોકી અનુભવનો વાચક બનાવવાની મથામણ થઈ. એટલે સંદિગ્ધ રૂપે રહેલા અનુભવને કાવ્યમાં કલ્પન ને પ્રતીક દ્વારા વ્યક્ત કરવાનું મહત્ત્વ વધ્યું. રૂઢ છંદોને છોડી મુક્તછંદ અને છંદમુક્તિ તરફ ગતિ થઈ. આમ પ્રયોગશીલતા અને આકારલક્ષિતા આધુનિકતાવાદની મુખ્ય લાક્ષણિકતાઓ હતી. આધુનિકતાવાદે વિચાર અને તર્ક કરતાં અતર્કનો વિશેષ મહિમા કર્યો. ફ્રોઇડના મનોવિશ્લેષણના પ્રયોગોએ અસંપ્રજ્ઞાત મનનો એક વિશાળ પ્રદેશ ખુલ્લો કર્યો, જેને આકારબદ્ધ કરવાનો મોટો પડકાર સર્જકો સમક્ષ આવ્યો. આને કારણે ભાષાની ઈબારત સાવ બદલાઈ. તાકિર્કતાના અંકોડામાંથી છૂટવાની મથામણ એ આધુનિક કવિતા અને નવલકથાની ભાષાની મોટી લાક્ષણિકતા છે. ઓગણીસમી સદીની નવલકથાઓ અને કવિતાની સામે જેમ્સ જોયસ, વજિર્નિયા વુલ્ફ, માર્સલ પ્રુસ્તની નવલકથાઓ કે માલાર્મે, વાલેરી, ટી. એસ. એલિયટ આદિની કવિતા જોતાં આ ભેદ સ્પષ્ટ થશે. કળાકારના વૈયક્તિક અનુભવ પર ભાર, અતર્કના વિશ્વને આલેખવા માટેનો પ્રયત્ન, સર્વસંવેદ્ય, સર્વપરિચિત અનુભવોને આલેખવા પ્રત્યે દુર્લક્ષ ઇત્યાદિ તત્ત્વોને લીધે આધુનિકતાવાદી કળા વિશિષ્ટ ભાવકો પૂરતી સીમિત બની જતાં વ્યાપક જનસમાજ સાથેનો એનો તંતુ તૂટી ગયો. આધુનિકતાવાદે અનુભવને આકાર આપવા પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણકે એણે કળાની સ્વાયત્તતા પર ભાર મૂક્યો. કળા બનવા સિવાય કળાને ઇતર કોઈ પ્રયોજન નથી. કળા દ્વારા સામાજિક ક્રાન્તિ કરવી, સમાજનો અભ્યુદય કરવો કે પ્રજાની નૈતિક ને આધ્યાત્મિક ચેતના જાગ્રત કરવી એવાં કળા-ઇતર પ્રયોજન આધુનિકતાવાદને સ્વીકાર્ય નથી. આધુનિકતાવાદ કળાવાદી બન્યો એનું મુખ્ય કારણ આધુનિકોની જીવન તરફ જોવાની દૃષ્ટિમાં આવેલું પરિવર્તન હતું. માનવજીવન દિવ્યજીવન તરફ ઉત્ક્રાંતિ કરી રહ્યું છે, મનુષ્ય મૂળભૂત રીતે દૈવી અંશવાળો છે, ઈશ્વર જેવી કોઈ પારલૌકિક શક્તિ છે, ધાર્મિક શ્રદ્ધા, માનવતા, નૈતિક ભાવનાઓ મનુષ્યને દિવ્યતા તરફ લઈ જાય છે એવાએવા પરંપરાપ્રાપ્ત ખ્યાલો પ્રત્યે શંકા અને અવિશ્વાસ જન્મ્યાં. મનુષ્ય સ્વભાવત : પશુ છે, જીવનની કોઈ ઊર્ધ્વગતિ નથી, માનવજીવન હેતુવિહીન છે, ધર્મ, નીતિ, ઈશ્વર ઇત્યાદિ અમુક સ્થાપિત વર્ગના વર્ચસ્વની રક્ષા માટે ઊભાં થયેલાં ઓઠાં છે વગેરે ખ્યાલો આધુનિકતાવાદીઓમાં દૃઢ થયેલા દેખાય છે એટલે સૌન્દર્ય, સત્ય, નીતિ, સદાચાર ઇત્યાદિની વિડંબના; વિરૂપતા, વિકૃતિ, આદિમ વૃત્તિઓની આરાધના; આઘાત આપવાનું વલણ; નગરજીવનની યાંત્રિકતા, સંવેદનશૂન્યતા ને એકલતાનો અનુભવ આધુનિક કળા અને સાહિત્યમાં પ્રગટે છે. આમ આધુનિકતાવાદ મનુષ્યે અત્યાર સુધી ઊભાં કરેલાં કળાકીય ને સાંસ્કતિક મૂલ્યોના પડકારમાંથી જન્મ્યો છે. જ.ગા.