ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આર્યસમાજ


આર્યસમાજ : પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ધર્મના આઘાતને કારણે જન્મેલા ધર્મમંથનની પ્રતિક્રિયા રૂપે ભારતીય જીવનપ્રણાલિ અને એના સામાજિક ઉત્થાન અંગે જે નવજાગૃતિ પ્રસરી, એના પરિણામરૂપ કેટલીક સંસ્થાઓએ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આકાર લીધો. આર્યસમાજ એમાંની એક છે. દયાનન્દ સરસ્વતીએ દસમી એપ્રિલ ૧૮૭૫માં જ્યાં પ્રાર્થનાસમાજનું કાર્ય ચાલતું હતું ત્યાં ગિરગાઁવ રસ્તા પર માણેકજી આદરજીની વાડીમાં આર્યસમાજની સ્થાપના કરી. દયાનન્દ સરસ્વતી મૂળે, મૂળશંકર કરસનજી ત્રિવેદી, સૌરાષ્ટ્રમાં મોરબી નજીકના ટંકારાના વતની. ઘર છોડી સત્યશોધ માટે સંન્યાસ ગ્રહણ કરી, પ્રજ્ઞાચક્ષુ વ્રજાનંદ પાસે મથુરામાં વ્યાકરણ અને વેદોનું અધ્યયન કરી એમણે વર્તમાન સ્થિતિજડ હિંદુધર્મની પાર જઈ સનાતન વેદધર્મના સિદ્ધાન્તોનું આકલન કર્યું અને જનજીવનમાં નવજાગૃતિ અને સંસ્કૃતિ સભાનતા લાવવા પ્રાચીન ભારતીય જીવનપ્રણાલિનો પ્રસારપુરસ્કાર કર્યો. ‘સત્યાર્થપ્રકાશ’ એમનો મહત્ત્વનો ગ્રન્થ છે. આર્યસમાજ માત્ર વેદોના મંત્રભાગને જ ઈશ્વરકૃત અને સ્વત :પ્રમાણ માને છે. બ્રાહ્મણ ઉપનિષદને મનુષ્યકૃત તથા પરત : પ્રમાણ ગણે છે. આર્યસમાજે વેદધર્મની પુન :પ્રતિષ્ઠા માટે દસ સિદ્ધાન્તોનું પ્રવર્તન કર્યું. મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા, યજ્ઞબલિ, જ્ઞાતિપ્રથા, બાળવિવાહ, અસ્પૃશ્યતા વગેરેનો વિરોધ કર્યો તેમજ સ્ત્રીકેળવણી, આંતરજ્ઞાતીય લગ્નપ્રથા, શારીરિક શિક્ષણને ઉત્તેજન આપ્યું. ધર્માન્તર પામેલાને સ્વધર્મમાં પાછા ફરવા માટે શુદ્ધિપ્રયોગ દાખલ કર્યો. સમાજના દલિત, કચડાયેલા વર્ગની સેવાને પણ લક્ષ્ય કરી. આજે ભારત ઉપરાંત બ્રહ્મદેશ, થાઈલેન્ડ, મલાયા, આફ્રિકા પશ્ચિમી દ્વીપસમૂહમાં આર્યસમાજની ૩,૦૦૦થી વધુ શાખાઓ છે અને તે જન્મ, જાતિ, દેશ કે રંગથી નિરપેક્ષ વૈદિકધર્મનો પ્રસાર કરે છે. શિક્ષણમાં ગુરુકુલ પ્રથાને મહત્ત્વ આપતી ગુજરાતભરમાં આર્યસમાજની સુરત, વડોદરા, પોરબંદર, જામનગર, સોનગઢ ખાતે સંસ્થાઓ છે. અલબત્ત, આર્યસમાજનો પ્રભાવ ગુજરાતમાં પ્રાર્થનાસમાજ જેટલો નથી તેમ છતાં નર્મદ જેવાના ઉત્તરજીવનના ધર્મવિચારમાં એનો અણસાર જોઈ શકાય છે. ચં.ટો.