ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આર્ષપ્રયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આર્ષપ્રયોગ (Archaism) : પ્રચારમાં ન હોય તેવાં પ્રાચીન, કાલગ્રસ્ત શબ્દ, રૂઢિપ્રયોગ કે સ્વરૂપનો સાહિત્યિક કૃતિમાં કરાતો વિનિયોગ. વિવિધ કારણોસર આર્ષપ્રયોગ સાહિત્યિક કૃતિઓમાં ઉપયોગમાં લેવાય છે. કેટલીકવાર છાંદસ્ કવિતામાં બંધારણની અનિવાર્યતાને લીધે આવો શબ્દ પ્રયોજવામાં આવે છે. અમુક પ્રાચીન સ્થળકાળના વર્ણનમાં આર્ષપ્રયોગના ઉપયોગથી જે તે સમયગાળાનો નિર્દેશ કરવામાં માટે પ્રયોજાતા આ પ્રકારના શબ્દો વિધેયાત્મક આર્ષપ્રયોગ (Positive archaism) તરીકે ઓળખાય છે. આર્ષપ્રયોગોનો ઉપયોગ સામાન્ય રીતે ગદ્યની સરખામણીમાં પદ્યકૃતિઓમાં વિશેષ પ્રમાણમાં થયો છે. અલબત્ત, વ્યંગપૂર્ણ ગદ્યકૃતિમાં તેનો નોંધપાત્ર વિનિયોગ કરાયો છે. જેમકે રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’ના મુખ્ય પાત્ર દ્વારા પ્રયોજાતી ભાષા. પ.ના.