ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આવણું


આવણું : ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. જ્યાં ભવાઈના વેશનો પ્રયોગ થાય છે તે ચાચરમાં આવનાર મુખ્ય નવા પાત્રની ઓળખ સંગીત તથા ભૂંગળ સાથે થાય છે. પાત્રોની સંગીત સાથેની આવી ઓળખ એ ભવાઈપ્રયોગની વિશેષતા છે. આવણું ત્રણ રીતે થાય છે : ૧, સંગીતકારો નવા આવનારા અગત્યના પાત્રની પ્રેક્ષકોને ઓળખાણ આપે છે. દા.ત., બ્રાહ્મણના વેશમાં બ્રાહ્મણનું આવણું સંગીતકાર આમ કરે છે : ‘ચંગો મંગો ભામણિયો, આવે રે મહારાજ./ચંગો મંગો ભામણિયો, આવે રે મહારાજ.’ ૨, પાત્ર પોતે જ નાચતું-ગાતું પોતાની ઓળખાણ આપતું પ્રવેશે છે અને સંગીતકારો તેને ટેકો આપે છે. જેમકે ‘ભરમો આવ્યો, પંડો આવ્યો./ભરમો આવ્યો રે પંડો આવ્યો. ૩, ઉપરોક્ત બન્ને પદ્ધતિઓનું મિશ્રણ કરવામાં આવે છે જેમાં પ્રારંભમાં સંગીતકારો પાત્રનું આગમન સૂચવતી બે-ત્રણ પંક્તિઓ બોલે-ગાય છે અને પછી પાત્ર ગાતું-નાચતું આવી પોતાની ઓળખાણ આપે છે. કૃ.ક.