ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઋતુસંહાર


ઋતુસંહાર : ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત ઋતુઓના ચક્ર (સંહાર-સમૂહ)ને વિષય બનાવીને રચાયેલું આ એકમાત્ર કાવ્ય છે જેમાં કાલિદાસની પ્રારંભકાલીન પ્રતિભાની મુદ્રા અંકિત છે. કાલિદાસની અન્ય કૃતિઓની જેમ ‘ઋતુસંહાર’ પણ લોકપ્રિય રહ્યું છે. વલ્લભદેવે પોતાની સુભાષિતાવલિમાં બે પદ્યો ‘ઋતુસંહાર’માંથી કાલિદાસના નામે ઉદ્ધૃત કર્યાં છે, તેમજ મન્દસોરના વત્સભટ્ટીના શિલાલેખમાં ‘ઋતુસંહાર’ની અસર વર્તાઈ આવે છે. છ ઋતુઓના છ સર્ગમાં પ્રત્યેકમાં ૧૬થી ૨૮ સુધીનાં પદ્યો મળે છે અને પ્રેયસીને સંબોધીને કવિએ ઋતુઓની ચિત્રવીથિકા પ્રદર્શિત કરી છે, સાથે સાથે માનવીય સંદર્ભ પણ પૂરો પાડ્યો છે. પ્રત્યેક ઋતુની વિશેષતા, ઋતુએ ઋતુએ પરિવર્તન પામતો રંગવૈભવ અને રસિક પ્રેમીઓમાં ઋતુ અનુસાર જાગતાં સ્પંદનો, આ સર્વનું હૃદયંગમ વર્ણન પ્રાસાદિક બાનીમાં થયું છે. ગ્રીષ્મ ઋતુથી ઋતુસંહારનો આરંભ થાય છે અને કવિને તેમજ પ્રેમીજનોને પ્રિય એવી વસન્ત ઋતુથી કાવ્યનું સમાપન થાય છે. પ્રકૃતિ માનવીના શૃંગારરસનો ઉદ્દીપનવિભાવ બનીને અહીં આવે છે. પ્રકૃતિ અને માનવજીવનની સંવાદિતાનો કવિને જે પ્રિય સૂર છે તે અહીં કવિએ હજુ છેડ્યો નથી. તારુણ્યના સેન્દ્રિય મનોભાવનું મુક્ત નિરૂપણ કરનારા આ કાવ્ય પર મલ્લિનાથે ટીકા નહિ લખીને, કાલિદાસના કર્તૃત્વ વિશે સંદેહ પેદા કર્યો છે. વિ.પં.