ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઓવી


ઓવી : મૂળ મરાઠી લોકગીતનો પ્રકાર, જેમાંથી પછી અભંગનું શિષ્ટ સ્વરૂપ ઊતરી આવ્યું. ઓવી આમ તો એક પ્રકારનું સપ્રાસ ગદ્ય છે. એમાં અક્ષરસંખ્યા કે માત્રાસંખ્યા અનિયત છે એટલે એ ગદ્ય છે. એ માત્ર પ્રાસથી જ ચરણબદ્ધ થાય છે. એક જ પ્રાસનાં ત્રણ ચરણ અને ચોથું પ્રાસ વિનાનું ટૂંકું ચરણ એ ઓવીની ખાસિયત છે. ઓવીના બે મુખ્ય પ્રકાર ગણાવાયા છે : પહેલાં ત્રણ ચરણ જો સરખી સંખ્યાના અક્ષરોવાળાં હોય તો સમચરણી ઓવી અને અણસરખી સંખ્યાના અક્ષરોવાળાં હોય તો વિષમચરણી ઓવી. ‘ઓવી જ્ઞાનેશાચી’ કહેવાયું છે એટલેકે ઓવીમાં જ્ઞાનેશ્વર પ્રસિદ્ધ છે. નર્મદે ગુજરાતીમાં થોડી ઓવી લખી છે અને નરસિંહરાવે ‘બુદ્ધચરિત્ર’માં કિસા ગૌતમીમાં એનો ઉપયોગ કર્યો છે. રા. વિ. પાઠક એને પિંગળમાન્ય છંદ ગણતા નથી. ચં.ટો.