ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથા કાવ્ય
કથાકાવ્ય (Narrative Poetry) : કવિતાના ત્રણ વર્ગ વિચારી શકાય : ઊર્મિકાવ્ય, નાટ્યકાવ્ય અને કથાકાવ્ય. કથાકાવ્ય કથાને પદ્યમાં નિરૂપે છે. પદ્યના લયની સંમોહક તરેહોને કથાકાવ્ય ઉપયોગમાં લે છે. પદ્યમાં નિરૂપાતી કથા કેટલેક અંશે સ્મૃતિમાં વધુ દૃઢ રીતે સ્થિર થવા સંભવ છે. મહાકાવ્ય અને ખંડકાવ્ય કથાકાવ્યના મૂર્ધન્ય પ્રકારો છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં રાસો, પ્રબંધ, આખ્યાન, પવાડુ કથાકાવ્યના નમૂનાઓ છે. આજે નવલકથાની લોકપ્રિયતાને કારણે અને ગદ્યમાં પર્યાપ્ત રીતે માવજત પામી શકે એવા વિષયોને ઉપયોગમાં લેવાની કવિઓની અનિચ્છાને કારણે કથાકાવ્ય વિરલ બન્યું છે. ચં.ટો.