ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાગીત, ગીતકથા, લોકગાથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથાગીત, ગીતકથા, લોકગાથા (Ballad) : મૂળે નૃત્ય સાથે સંકળાયેલું કથાગીત. ત્રણ જુદા જુદા અર્થમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. વ્યાપક અર્થમાં ગવાતા કોઈપણ શબ્દસમૂહ માટે આનો પ્રયોગ થાય છે. સંકુચિત અર્થમાં પરંપરાગત કથાગીત ચોક્કસ પ્રકારની વર્ણનાત્મક કવિતા છે અને લોકગીતનો ભાગ છે. આ કથાગીત ઇંગ્લૅન્ડ કે સ્કોટલૅન્ડની વિશિષ્ટતા નથી પણ આખા યુરોપમાં અને પછીથી વસેલા અમેરિકામાં પણ પ્રચલિત છે. કથાગીતના બે પ્રકાર છે : પ્રચલિત કથાગીત અને સાહિત્યિક કથાગીત. પ્રચલિત કથાગીત કર્ણોપકર્ણ વહી આવેલું મૌખિક પરંપરાનું સ્વરૂપ છે. અઢારમી સદીના અંતભાગમાં એ સંગીત વગરનું સાહિત્યિક કથાગીત બને છે અને પછીની સદીમાં કોલરિજનું ‘એન્સિયન્ટ મેરિનર’ જેવું સાહિત્યિક કથાગીત મળે છે. પ.ના.