ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કરુણરસ


કરુણરસ : કરુણરસનો સ્થાયીભાવ શોક છે, શાપ, ક્લેશ, વિનિપાત, ઇષ્ટજનવિપ્રયોગ, વિભાવનાશ, વધ, બંધન, ઉપદ્રવ, ઉપઘાત વગેરે વિભાવો દ્વારા તેની ઉત્પત્તિ થાય છે. તેનું આલંબન છે મૃત વ્યક્તિ કે દીન-હીન-અવસ્થાપ્રાપ્ત વ્યક્તિ; ઉદ્દીપન છે મૃત વ્યક્તિનું દાહકર્મ, મૃતાત્માના ગુણોનું શ્રવણ કે એની સાથે સંકળાયેલી વસ્તુઓનું દર્શન. રડવું, કલ્પાંત કરવો, ભૂમિ પર પડવું, ઉચ્છ્વાસ, પ્રલાપ, માથું પટકવું વગેરે અનુભાવો છે. મોહ, અપસ્માર, નિર્વેદ, વિષાદ, જડતા વગેરે સંચારી ભાવો છે. કરુણરસ કપોતવર્ણી છે અને યમરાજ એના દેવતા છે. વિપ્રલંભશૃંગાર અને કરુણના વ્યભિચારી ભાવોમાં ભેદ ન હોવાથી, એ બે જુદા કઈ રીતે પડે એ જોવું જોઈએ. ભરતમુનિની સમજૂતી પ્રમાણે શાપ અને ક્લેશમાં પડેલા ઇષ્ટજનના વિભવનાશ, વધ, બંધ વગેરેથી ઉત્પન્ન થતો ‘નિરપેક્ષ ભાવ’ તે કરુણ. ‘નિરપેક્ષ ભાવ’નો અર્થ એ છે કે રતિમાં જેમ બંધુજનની એટલેકે આલંબનવિભાવની અપેક્ષા રહે છે તેવી અહીં રહેતી નથી. વિપ્રલંભમાં હંમેશાં પ્રિયજનને મળવાની આશા રહે છે જ્યારે કરુણમાં પ્રિયજનના અવસાનને કારણે એવી આશા રહેતી નથી. એટલે ‘ઉત્તરામચરિત’માં રામના સંદર્ભમાં (રામ સીતાને મૃત માને છે) કરુણરસ છે અને સીતાના સંદર્ભમાં વિપ્રલંભશૃંગાર છે. કરુણરસના માનસ, વાચિક અને કર્મ એમ ત્રણ ભેદ પાડવામાં આવે છે. બીજા એક આલંકારિક સ્વનિષ્ઠ અને પરનિષ્ઠ એમ બે ભેદ માને છે. શાપ, બંધન, ક્લેશ વગેરેથી ઉત્પન્ન કરુણ સ્વનિષ્ઠ અને બીજાના નાશથી ઉત્પન્ન કરુણ પરનિષ્ઠ. કરુણરસ જેમાં અંગી-મુખ્ય હોય તેવો એક જ રૂપકપ્રકાર ઉત્સૃષ્ટિકાંક અથવા અંક છે. કરુણને ઉત્પન્ન કરનારાં અનેક કારણોમાં પહેલું કારણ ભરતમુનિએ શાપ ગણાવ્યું છે. અભિનવગુપ્તની સમજૂતી પ્રમાણે શાપ એ જેનો પ્રતિકાર કરવો અશક્ય છે તેવાં કારણોના ઉપલક્ષણ તરીકે છે. આ અપ્રતિકાર્ય કારણ હોય તો ઉત્તમ પ્રકૃતિ નરમાં શોકનો ઉદય થાય છે. અપ્રતિકાર્ય ન હોય તો, તે ઉત્સાહ, ક્રોધ વગેરેના વિભાવ બને. જગન્નાથ પણ શોકને સમજાવતાં, પુત્ર વગેરેના વિયોગ, મરણ ઇત્યાદિમાંથી જન્મતો વૈક્લ્ય નામનો ચિત્તવૃત્તિવિશેષ શોક નોંધે છે. પોતાનાથી બળવત્તર તત્ત્વો સામે ઝઝૂમતો અને છેવટે નિ :સહાય બનતો મનુષ્ય એ ઉચ્ચકોટિના કરુણરસનો વિષય છે અને જેમ ઉત્તમ પ્રકૃતિનો મનુષ્ય હોય તેમ આ કરુણરસ વધારે ઘેરો બને, તીવ્ર બને. કરુણરસપ્રધાન નાટક પણ પ્રેક્ષકને સુખમય અનુભવ કરાવે છે. અભિનવગુપ્તની આ અંગેની સમજૂતી અભિનવની એ છે કે, નાટકદર્શન કે વાચનના આરંભમાં પ્રેક્ષક કે વાચક પોતાની અંગત સુખદુઃખાદિ મનોવૃત્તિઓ ભૂલી જાય છે અને એનું ચિત્ત નિર્મલ આરસી જેવું બને છે. પ્રેક્ષકના આવા અંત :કરણમાં રજોગુણ અને તમોગુણની સરખામણીમાં સત્ત્વગુણનો ઉદ્રેક થાય છે અને કરુણરસના(કે કોઈપણ રસના) આસ્વાદમાં હૃદયની વિશ્રાંતિ અનુભવાય છે અને કરુણરસ પણ આનંદનો અનુભવ કરાવે છે. આમાં (કરુણ) રસની અલૌકિકતા રહેલી છે. સંસ્કૃત નાટકસાહિત્યમાં કરુણાન્તિકા (Tragedy) કહી શકાય તેવાં નાટકો, ‘ઊરુભંગ’ જેવાનો અપવાદ બાદ કરતાં, ભાગ્યે જ છે. ‘ઊરુભંગ’ને પણ કેટલાક વિવેચકો, કરુણાન્તિકા ગણવા તૈયાર નથી કારણકે દુર્યોધનનું રંગમંચ પર થતું મૃત્યુ શોકના સ્થાયી ભાવને ઉદ્બુદ્ધ કરી શકતું નથી અને પરિણામે કરુણરસને ઉત્પન્ન કરી શકતું નથી. જે હોય તે, પણ, કરુણરસનું પ્રધાનપણે અને શબલિત નિરૂપણ કરનારી કૃતિઓનો સંસ્કૃત નાટ્યસાહિત્યમાં તોટો નથી. વિ.પં.