ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કર્ણભાર


કર્ણભાર : ભાસનું ઉત્સૃષ્ટિકાંક પ્રકારનું એકાંકી. કૌરવોના સેનાપતિપદની જવાબદારી સ્વીકારનારો કર્ણ કટોકટીની ક્ષણે તેનાં શસ્ત્રો નિષ્ફળ જશે – એવા પરશુરામના શાપની જાણ હોવા છતાં શત્રુ અર્જુનની સામે ધસી જાય છે. તે યુદ્ધમાં જાય છે ત્યારે જ તેની દાનવીરતાને નિર્બળતા ગણીને અર્જુનને ખાતર ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ત્યાં આવી લાગે છે અને ભિક્ષા રૂપે કર્ણનાં કુંડળ માગી લે છે. વિપ્રવેશધારી ઇન્દ્રને ઓળખી જવા છતાં દાનેશ્વરી કર્ણ દાન કરીને પોતાનું સત્ત્વ, સ્વત્વ અને ગૌરવ જાળવે છે. આ રીતે કર્ણનો ભાર એ સેનાપતિપદનો ભાર છે, તેની દાનવીરતાનો ભાર છે, તેના સ્વત્વનો ભાર છે. સ્વાભાવિક સંવાદકલા અને ખાસ કર્ણના મનોગત ભારની વ્યંજના એ સાદાસીધા નાટકનાં લક્ષણો છે. ર.બે.