ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પસાહિત્ય-કલ્પસૂત્ર



કલ્પસાહિત્ય/કલ્પસૂત્ર : યજ્ઞનાં વિધિવિધાન વર્ણવતું આ વેદાંગશાસ્ત્ર સૂત્રોમાં રચાયેલું છે. વેદોમાં નિરૂપિત કર્મવિધિઓ ઉત્તરોત્તર જટિલ અને સંકુલ થતાં એના વ્યવસ્થિત સંકલનની જરૂર લાગી અને એમાંથી સહાયકશાસ્ત્ર રૂપે વેદાંગ રચાયાં એટલેકે કલ્પસાહિત્યે વ્યાપક અને વિશાળ વૈદિક સાહિત્યના યજ્ઞાદિ સંબંધિત વિષયને સંક્ષિપ્ત રૂપમાં પ્રસ્તુત કરવાનું કાર્ય કર્યું છે. બીજી રીતે કહીએ તો કલ્પસૂત્રોને પ્રધાનપણે સંબંધ યજ્ઞ અને ધાર્મિક કર્મોથી છે. કલ્પસૂત્રના ચાર વર્ગ છે : શ્રુતિસંમત(બ્રાહ્મણગ્રન્થો) યજ્ઞસંબંધી અનુષ્ઠાનોનું વર્ણન આપતાં શ્રૌતસૂત્રો; પુરોહિત વિના ગૃહસ્થ દ્વારા થઈ શકે એવા સરલ દૈનિક યજ્ઞોનાં વિધિવિધાનોનું વર્ણન આપતાં ગૃહ્યસૂત્રો; માતા, પિતા, પુત્ર, ગુરુ, ઇત્યાદિના ધર્મ અંગે વિવેચન-વર્ણન આપતાં ધર્મસૂત્રો અને યજ્ઞવેદીની રચના, એનું પરિમાણ વગેરેનાં વર્ણન આપતાં શુલ્બસૂત્રો. ભારતના પ્રાચીન ધર્મના બોધ માટે, એની સંસ્કૃતિ અને યજ્ઞવિધિની ઓળખ માટે કલ્પસાહિત્ય આવશ્યક સામગ્રી છે. ચં.ટો.