ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યદોષ


કાવ્યદોષ : સંસ્કૃત આલંકારિકોએ કાવ્યદોષનું વ્યાપક રીતે વર્ણન કર્યું છે અને સફળ કાવ્યની પહેલી શરત રૂપે નિર્દોષતાને આગળ ધરી છે. અલબત્ત, એક પક્ષ નિતાંત દોષરહિત રચનાને કાવ્ય માને છે, તો બીજો પક્ષ પ્રમાણમાં ઉદાર છે. પરંતુ સંસ્કૃત પરંપરામાં દોષવિવેચન પ્રારંભથી થતું રહ્યું છે. ભરતે દોષની ભાવાત્મક સ્થિતિ સ્વીકારીને ગુણને દોષના વિપર્યય માન્યા છે. ભામહે સત્કવિ એનો પ્રયોગ નથી કરતા એવું વિધાન કરી દોષને વર્જ્ય ગણ્યો છે. દંડી દોષને કાવ્યવિફલતાનું કારણ ગણે છે અને ભરતથી ઊલટું દોષને ગુણના વિપર્યય તરીકે જોઈ, ગુણને સંપત્તિ અને દોષને વિપત્તિ તરીકે આગળ ધરે છે. અગ્નિપુરાણ કાવ્યના ઉદ્વેગજનક તત્ત્વને દોષ તરીકે ઓળખાવે છે. વામન કાવ્યસૌન્દર્યને હાનિ કરનાર તરીકે દોષની ગણના કરે છે. ધ્વન્યાલોકે દોષને બદલે અનૌચિત્ય શબ્દપ્રયોગ કર્યો છે. મમ્મટને માટે મુખ્યાર્થનો અપકર્ષ એ દોષ છે. વિશ્વનાથ રસહાનિ કરનાર, રસપ્રતીતિમાં વિલંબ કરનાર કે રસપ્રતીતિને પૂર્ણ વિઘાત આપનાર તત્ત્વ તરીકે દોષને સ્પષ્ટ કરે છે. ટૂંકમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રો કાવ્યાસ્વાદને બાધક કે વિઘાતક તત્ત્વને દોષ તરીકે ઓળખી કાવ્યમાં હંમેશાં એનો પરિહાર ઇચ્છે છે. દોષની સંખ્યા આચાર્યે આચાર્યે બદલાતી રહી છે. કેટલીકવાર તો એક દોષને અલગ સંજ્ઞાઓથી કે એક સંજ્ઞાથી અલગ અલગ દોષોને ઓળખવવામાં આવ્યા છે. વામને વિસ્તૃત રીતે દોષનું નિરૂપણ કર્યું છે. એણે દોષના બે વર્ગ કર્યા છે : શબ્દગત અને અર્થગત. શબ્દગતના પાછા ત્રણ ભેદ કર્યા છે. : પદગત, પદાર્થગત અને વાક્યગત. અર્થગતના બે ભેદ કર્યા છે : પદાર્થગત અને વાક્યાર્થગત. મમ્મટનું દોષનિરૂપણ સ્પષ્ટ છે. શબ્દદોષ, અર્થદોષ અને રસદોષ એવા ત્રણ ભેદ કરીને શબ્દદોષના એણે પદદોષ, પદાંશદોષ અને વાક્યદોષ એવા પેટાભેદ કર્યા છે. વાક્યનો અર્થબોધ થવામાં જે દોષ પહેલાં નજરે ચડે છે તે શબ્દદોષ છે. શબ્દદોષનો સીધો સંબંધ શબ્દ કે પદ સાથે છે, પણ આડકતરી રીતે એનો સંબંધ અર્થપ્રતીતિ અને રસની અભિવ્યક્તિ સાથે છે. આથી એ રસના અપકર્ષકો છે. શબ્દદોષ અંતર્ગત સોળ પદદોષ છે અને એકવીસ વાક્યદોષ છે. પહેલાં પદદોષ જોઈએ. ‘શ્રુતિકટુ’ કાનને ખટકે એવો શબ્દપ્રયોગ છે. ચ્યુતિસંસ્કાર એ લિંગદોષ, વચનદોષ, સંધિદોષ, પ્રત્યયદોષ વગેરેને સમાવતો વ્યાકરણવિરુદ્ધ પ્રયોગ છે. અપ્રયુક્ત એ કોશવ્યાકરણનો સિદ્ધ પ્રયોગ છતાં કવિઓએ પ્રયુક્ત ન કર્યો હોય એને કારણે ઊભો થતો દોષ છે. અસમર્થ એ પ્રત્યાયનમાં સામર્થ્ય ન બતાવનાર શબ્દની અશક્તિનો દોષ છે. નિહિતાર્થ અપ્રસિદ્ધ અર્થમાં શબ્દના પ્રયોગથી થતો દોષ છે. અનુચિતાર્થ એ અભીષ્ટ અર્થના તિરસ્કારનો દોષ છે. નિરર્થક છંદપૂર્તિ માટે કેવળ પાદપૂર્તિ કે પૂરકો તરીકે આવતા શબ્દો દ્વારા થતો દોષ છે. અવાચક અભીષ્ટ અર્થ માટે કરેલા શબ્દપ્રયોગ છતાં એનો અર્થબોધ ન થાય ત્યારે થતો દોષ છે. અશ્લીલ એ વ્રીડા, જુગુપ્સા અને અમંગલવાચી શબ્દોના પ્રયોગનો દોષ છે. ગ્રામ્ય એ કેવળ પ્રાકૃત લોકવ્યવહારમાં પ્રસિદ્ધ શબ્દના પ્રયોગથી થતો દોષ છે. સંદિગ્ધ એ વાંચ્છિત અવાંચ્છિત બંને અર્થપ્રયોગથી થતો દોષ છે. અપ્રતીત એ કોઈ શાસ્ત્રની પારિભાષિક સંજ્ઞાનો કાવ્યમાં થયેલા પ્રયોગનો દોષ છે. નેયાર્થ એ લક્ષણાશક્તિની અસંગતતાનો દોષ છે. ક્લિષ્ટ એ અર્થપ્રતીતિના વિલંબનો દોષ છે. અવિમૃષ્યવિધેયાંશ એ અર્થની પ્રધાનરૂપતાને ગૌણ કરી દેનાર દોષ છે. વિરુદ્ધમતિકૃત એ પ્રકૃત વિષયની વિરૂદ્ધ થયેલી અર્થપ્રતીતિનો દોષ છે. વાક્યદોષ આ પ્રમાણે છે : રસવિરુદ્ધ વર્ણપ્રયોગ દ્વારા ઊભો થતો પ્રતિકૂલવર્ણતાદોષ; વિસર્ગને અનુલક્ષીને માત્ર સંસ્કૃતમાં થતા ઉપહત વિસર્ગતાદોષ, લુપ્ત વિસર્ગદોષ; સંધિની વિરૂપતા કે પ્રાકૃતતા પ્રગટ કરતો વિસંધિદોષ; છંદોભંગ કરતો હતવૃત્તદોષ; અભીષ્ટ અર્થનો વાચક પદપ્રયોગ ન હોય એવો ન્યૂનપદદોષ; અનાવશ્યક પદપ્રયોગથી થતો અધિકપદતાદોષ; પ્રયોજનહીન રીતે એકવાર કથિત શબ્દના પુન :પ્રયોગથી થતો કથિતપદતાદોષ; પદાર્થની ઉત્કૃષ્ટતા પ્રદશિર્ત કર્યા બાદ એની ન્યૂનતા દર્શાવતો પદાત્પ્રકર્ષદોષ; વાક્ય સમાપ્ત થયા પછી થતા શબ્દપ્રયોગનો સમાપ્તપુનરાત્તદોષ; પદ્યના પૂર્વાર્ધનો શબ્દ પદ્યના ઉત્તરાર્ધ માટે રહી જાય ત્યારે થતો અર્ધાન્તરૈકપદતાદોષ; વાક્યમાં પદોનો ઇષ્ટ સંબંધ ન હોય ત્યાં થતો અભવન્મતયોગ દોષ; આવશ્યક શબ્દની અનુપસ્થિતિથી થતો અનભિહિતવાચ્ય દોષ; અયોગ્ય સ્થાન પર આવતા શબ્દને કારણે થયેલો અસ્થાનપદદોષ; અસ્થાને મુકાયેલ સમાસથી થતો અસ્થાનસમાસતાદોષ; એક વાક્યનો શબ્દ બીજા વાક્યમાં પ્રવેશી જતાં થતો ગર્ભિતતાદોષ; અન્ય વાક્યના શબ્દનો અન્ય વાક્યમાં પ્રવેશથી થતો સંકીર્ણતાદોષ; પ્રસિદ્ધ પ્રયોગોથી વિરુદ્ધ કોઈ શબ્દપ્રયોગથી થતો પ્રસિદ્ધિવિરુદ્ધતાદોષ; વાક્ય પ્રસ્તાવનો ભંગ થતાં થતો ભગ્નપ્રક્રમદોષ; વાક્યમાં ક્રમ ન રહેવાથી થતો અક્રમદોષ; રસથી વિરુદ્ધ એવા રસની અભિવ્યંજનાથી થતો અમતપરાર્થતાદોષ. અર્થદોષના ૨૩ પ્રકાર છે : જેના અભાવમાં પણ અર્થક્ષતિ ન થાય તે અપુષ્ટદોષ; અર્થબોધમાં કષ્ટ પડે તે કષ્ટાર્થદોષ; અર્થમહત્ત્વ પ્રદર્શિત કરી પછી એનો તિરસ્કાર થાય તે વ્યાહ્યતદોષ; શબ્દ અને અર્થની પુનરાવૃત્તિથી થાય તે પુનરુક્ત દોષ; લોકનિયમ કે શાસ્ત્રનિયમ ઉલ્લંઘતો દુષ્ક્રમત્વદોષ; ગ્રામ્ય ભાષાપ્રયોગનો ગ્રામ્યદોષ; નિશ્ચિત અર્થનું જ્ઞાન ન હોવાનો સંદિગ્ધ દોષ; હેતુનું કથન ન કરવાનો નિર્હેતુત્વદોષ; લોક કે કવિસંપ્રદાય વિરુદ્ધ અપ્રસિદ્ધ કથનનો પ્રસિદ્ધિવિરુદ્ધતાદોષ; શાસ્ત્રવિરુદ્ધ વર્ણનનો વિદ્યાવિરુદ્ધદોષ; અનેક અર્થોને એક પ્રકારે વિલક્ષણતા વગર રજૂ કરવામાં આવે ત્યારે થતો અનવીકૃતદોષ; સનિયમ વાત કરવાની હોય તે અનિયમ રજૂ થાય ત્યારે થતો સનિયમ પરિવૃતત્તાદોષ; અનિયમપૂર્વક કહેવાની વાતને સનિયમ રજૂ કરવામાં આવે ત્યારે થતો અનિયમપરિવૃત્તતાદોષ; વિશેષ રૂપે કથન કરવાનું હોય ત્યાં સામાન્ય કથન કરાય ત્યારે થતો વિશેષ પરિવૃત્તતાદોષ; સામાન્યના સ્થાન પર વિશેષનો ઉલ્લેખ થાય ત્યારે અવિશેષપરિવૃત્તતાદોષ; અર્થસંગતિ માટે અન્ય શબ્દની આકાંક્ષા રહે તો સાકાંક્ષદોષ; અનુચિત સ્થાન પર અનાવશ્યક શબ્દપ્રયોગનો અપદપ્રસ્તુતાદોષ; ઉત્કૃષ્ટ સાથે નિકૃષ્ટ કે નિકૃષ્ટ સાથે ઉત્કૃષ્ટનું વર્ણન આવે ત્યાં થતો સહચરભિન્નદોષ; અભીષ્ટ અર્થથી વિરુદ્ધ વ્યંજના દ્વારા પ્રાપ્ત થતો અર્થ તે પ્રકાશિત વિરુદ્ધતાદોષ; અવિધેય અર્થને વિધેય બનાવતાં થતો વિધ્યયુક્તદોષ; અર્થ અનુચિત કથનથી યુક્ત હોય ત્યારે થતો અનુવાદાયુક્તદોષ; વિષયને સમાપ્ત કર્યા પછી ફરી હાથ પર લેતા થતો ત્યક્તપુન :સ્વીકૃતદોષ; લજ્જાસ્પદ અર્થજ્ઞાનથી થતો અશ્લીલદોષ. હવે રસદોષ જોઈએ : રસ, સ્થાયીભાવ કે વ્યભિચારી ભાવોને એના વાચક શબ્દો દ્વારા પ્રસ્તુત કરવાથી થતો દોષ સ્વશબ્દવાચકતાદોષ છે. વિભાવાનુભાવની યોજના સ્વાભાવિક ન હોતા. કષ્ટકલ્પનાથી એની રસમાં પ્રતીતિ થાય તો તે વિભાવાનુભાવની કષ્ટકલ્પનાનો દોષ છે. જે રસની સામગ્રી હોય તેથી વિરુદ્ધ કોઈ રસની સામગ્રીના વર્ણનથી થતો પરિપંથિ રસાંગપરિગ્રહદોષ છે. એક જ રસનું વારંવાર વર્ણન થતાં રસની પુન :દીપ્તિનો દોષ થાય છે. અનુચિત સ્થાનમાં રસવિચારને અખંડ કથનદોષ કહે છે. અસમય કોઈ રસવિચ્છેદ થાય તો તે અકાંડછેદનદોષ છે. ગૌણ રસનો અતિવિસ્તાર પણ દોષ છે. આલંબન અને આશ્રયને વિસ્તૃત કરી દેવાતાં થતું રસવિઘ્ન અંગીના અનુસન્ધાનનો દોષ છે. કાવ્યમાં નિરૂપાયેલા નાયકનું વિપરીત વર્ણન થાય ત્યારે પ્રકૃતિવિપર્યયનો દોષ થાય છે. વર્ણનનું અંગ ન હોય એવા રસનું વર્ણન તે અનંગવર્ણનદોષ છે. આ ઉપરાંત દેશવિરુદ્ધ, કાલવિરુદ્ધ, વર્ણવિરુદ્ધ, આશ્રયવિરુદ્ધ વાતોના સમાવેશથી થતાં રસદોષ પણ નોંધાયા છે. ચં.ટો.