ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપાક


કાવ્યપાક : સંસ્કૃત આલંકારિકોએ અનિર્વચનીય શબ્દરચના અંગે ‘કાવ્યપાક’ જેવી સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. આ દ્વારા કાવ્યમાં એક એક પદની અનિવાર્યતા એ રીતે સૂચવાય છે કે એક એક પદ પરિવૃત્તિ અસહિષ્ણુતા પ્રગટ કરે છે. એટલેકે એક પદને સ્થાને અન્ય પદનો રચના સ્વીકાર કરતી નથી. આવી શબ્દ અને વાક્યની – ભાષાની અસાધારણ પરિપક્વતા શય્યા કે પદમૈત્રી કવિ નિરંતર અભ્યાસથી જ પ્રાપ્ત કરી શકે છે. ભામહ અને વામને પાકવિષયક વિવેચના કરી છે પરંતુ રાજશેખરે એનો વિસ્તૃત વિચાર કર્યો છે. રાજશેખરના જણાવ્યા પ્રમાણે નવ પ્રકારના કાવ્યપાક છે. આદિથી અંત સુધી લીમડા જેવી અસ્વાદુ અને કટુ હોવાથી નીરસ રચના પિચુમંદ(લીમડો)પાક છે. પ્રારંભમાં નીરસ અને પછી રસયુક્ત રચના બદરી(બોર)પાક છે. આરંભમાં નીરસ પણ અંતમાં સરસ રચના મુદ્વિકા(દ્રાક્ષ)પાક છે. પહેલાં ઓછી મધુર પણ પછી અંતમાં સર્વથા નીરસ રચના વાત્તાર્ક(વેંગણ) પાક છે. પ્રારંભમાં અને અંતમાં મધ્યમ સ્વાદવાળી રચના તિન્તિડીક(આમલી)પાક છે. પ્રારંભમાં મધ્યમ અને અંતમાં સુસ્વાદુ રચના સહકારપાક કે આમ્રપાક છે. પ્રારંભમાં સ્વાદુ અંતમાં નીરસ રચના ક્રમુક(સોપારી)પાક છે. પ્રારંભમાં સ્વાદુ અંતમાં મધ્યમ રચના ત્રપુસ (કાકડી) પાક છે. પ્રારંભથી અંત સુધી સુસ્વાદુ રચના નારિકેલપાક છે. ચં.ટો.