ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખેવના


ખેવનાઃ ૧૯૮૭થી ૨૦૦૮ દરમ્યાન સુમન શાહના તંત્રીપદે પ્રકાશિત ત્રૈમાસિક. સર્વસ્વરૂપલક્ષી આ સામયિકનો પહેલો તબક્કો પાર્શ્વ પ્રકાશનના હાઉસ મેગેઝિન સ્વરૂપે હતો પરંતુ એનો બીજો તબક્કો વધુ ધ્યાનાર્હ બન્યો. આ વર્ષોમાં ટ્રસ્ટ ખેવનાના હાથ નીચે આ સામયિકનું પ્રકાશન થયું છે. તંત્રીનાં વિવિધ દિશાનાં સંપાદકીય લખાણો, કવિતા, વાર્તાઓ અને વિવેચનલેખો અહીં ધ્યાનપાત્ર બન્યાં હતાં. પારિભાષિક સંજ્ઞાઓની વિશદ્ ચર્ચા, દેરિદા વિશેની લેખમાળા, કોઈ એક વાર્તાને પસંદ કરીને જુદા જુદા વિવેચકો પાસે લખાવેલી સમીક્ષાઓ, દરેક અંકની સામગ્રી અંગે સંપાદકની નૂકતેચીની, સુરેશ જોષીની ‘થીગડું’ જેવી વાર્તાની એકથી વધુ સમીક્ષાઓ અને રાજેન્દ્ર શાહનાં કાવ્યોના આસ્વાદ જેવી સામગ્રી ખેવનાને અન્ય સામયિકોથી નોખું પાડે છે. આરંભના અંકોમાં સાહિત્ય અને સમૂહમાધ્યમોના દ્વૈમાસિક તરીકે એની ઓળખ રજૂ કરવામાં આવી હતી અને એ પ્રકારનાં લખાણો આરંભે મૂકવામાં આવતાં હતાં. ઉત્તરોત્તર ખેવના શુદ્ધ સાહિત્યિક સામયિક બનતું ગયું હતું. સાંપ્રત વાર્તાકારોની વાર્તાઓને પ્રકાશિત કરવાનું ને એની ચર્ચા ખેવનાનું મહત્ત્વનું પાસું છે. ખેવનાએ અછાંદસ કવિતા, નિબંધ ગ્રંથાવલોકન અને વાર્તાઓના વિશેષાંકો કર્યા છે. ખેવનાના સો અંકોમાં પ્રકાશિત સામગ્રી એને ગંભીરપણે કામ કરનારાં સાહિત્યસામયિકોની શ્રેણીમાં મૂકે છે. કિ. વ્યા.