ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખ્રિસ્તીધર્મ


ખ્રિસ્તીધર્મ : ખ્રિસ્તીધર્મમાં પરમેશ્વરને પિતાના સ્વરૂપે જોવામાં આવે છે અને એ ઈશુના સંદેશનું હાર્દ છે. મનુષ્ય સાથેની આખી સૃષ્ટિ એનું સર્જન છે અને એનું સંચાલન છે માટે દુનિયા મંગળ છે અને એમાં જે જે થાય – પ્રિય કે અપ્રિય, શુભ કે અશુભ એની પાછળ એક પ્રેમાળ પિતાનો હાથ છે. એ જોવાની શ્રદ્ધા માણસમાં પ્રગટે એ ધાર્મિક જીવનનું પહેલું પગલું છે. ખ્રિસ્તીઓ પોતાને ‘શ્રદ્ધાળુ’ કહેવડાવે છે એ શબ્દની પાછળ આ મૂળ વલણ છે. ભગવાન પિતા છે એનું બીજું પરિણામ એ આવે છે કે બધા માનવીઓ એનાં સંતાન છે અને તેથી બધા સમાન છે. બાઇબલના શબ્દો છે : ‘‘હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ ગુલામ નથી કે મુક્ત નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કારણ તમે બધાં ઈશુ ખ્રિસ્ત સાથે એક થઈ ગયાં છો.’’ ભગવાન સૌના પિતા છે એટલે આપણે બધાં સ્ત્રી-પુરુષો એકબીજાનાં ભાઈ-બહેનો છીએ એ ત્રીજું અને દૂરગામી પરિણામ છે. એમાં ચોથું અને વિશેષ પરિણામ અને ખ્રિસ્તીધર્મની લાક્ષણિકતા આવે છે તે સેવાધર્મ. જો આપણે એક પરમ પિતાનાં સંતાનો છીએ, જો એકબીજાનાં ભાઈ-બહેન થઈએ તો એકબીજાની સેવા કરવામાં જ આપણા જીવનની સાર્થકતા છે. જો દરેક માનવી ભગવાનનું સંતાન હોય તો એ માનવીને માટે આપણે જે જે કરીએ એ ભગવાનને માટે કર્યું એ અચલ સિદ્ધાન્ત બને અને એના ઉપર સેવાધર્મનું મહત્ત્વ રચાય. બધાં મનુષ્યો ઈશ્વરનાં સંતાનો છે, પણ ઈશુ વિશેષ અર્થમાં ઈશ્વરપુત્ર ગણાય છે, એટલેકે ખ્રિસ્તીઓના મતે ઈશુ એ ઈશ્વરનો પૂર્ણ અવતાર છે, પરમ પિતા સાથે એકરૂપ છે. માનવ રૂપે પૃથ્વી ઉપર આવેલો સાક્ષાત્ ભગવાન છે. ઈશુએ સ્પષ્ટ કહ્યું હતું : ‘હું અને પિતા એક છીએ.’ અને બીજે પ્રસંગે ‘જે મને જુએ તે પિતાને જુએ.’ ઈશ્વરને પરમ પિતા કહીએ તો ઈશુને પરમ પુત્રનું બિરુદ શોભે. એવી જ રીતે ખ્રિસ્તીધર્મમાં ‘પવિત્ર આત્મા’નો વિશેષ ઉલ્લેખ છે. ઈશુ જ્યારે બોધ કરવા લાગ્યા અને એમની આસપાસ શિષ્યો ભેગા થયા ત્યારે એમને કહેવા લાગ્યા : ‘‘હું જઈશ, પરંતુ હું જઈશ ત્યારે પિતાની પાસેથી તમારી પાસે પવિત્ર આત્માને મોકલીશ. એ તમને શક્તિ આપશે, મારી વાતો યાદ દેવરાવશે, એનું રહસ્ય સમજાવશે. તમારા અંતરમાં રહીને દોરવણી આપશે અને સત્યનો સાક્ષાત્કાર કરાવશે.’’ આમ જેમ ઈશુ પિતાનું દૃશ્યસ્વરૂપ છે તેમ પવિત્ર આત્મા એનું અદૃશ્ય સ્વરૂપ છે, એ પણ પિતાની સાથે એક છે અને આ ત્રિવિધ સ્વરૂપે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા-ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ પૂજાય છે. ખ્રિસ્તીજનો કોઈપણ શુભ પ્રસંગનો પ્રારંભ ‘‘પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે’’ એ સૂત્રથી કરે છે. ભગવાન પિતા છે અને જગત એનો આવાસ છે માટે આપણે વિશ્વાસથી અને આનંદથી એમાં જીવવાનું છે. ચિંતા એટલે ગુનો અને ભય એ પાપ. એ વલણ ઉપર ઈશુ વિશેષ ભાર મૂકતા. એવું નિશ્ચિંત જીવન તો શ્રદ્ધાનું ફળ છે, જેના હૃદયમાં ખરેખર એવી શ્રદ્ધા બેઠી હોય કે ભગવાન મારો પિતા છે અને તેથી મારું ભલું કરવા ઇચ્છે છે અને તે પ્રમાણે કરવા પણ શક્તિમાન છે, એના જીવનમાં સાચી શાંતિ સ્થપાશે. એ ઈશુનું લાક્ષણિક શિક્ષણ છે. ખ્રિસ્તીધર્મવિધિઓમાં સાત સંસ્કારો ગણાય છે, તે આ પ્રમાણે છે : ૧, સ્નાનસંસ્કાર : માથા ઉપર પાણી રેડીને ઉમેદવારના હૃદયમાં પવિત્રાત્માનો સંચાર કરીને એને જાહેર રીતે ઈશુનો શિષ્ય બનાવવાનો વિધિ. ૨, બળસંસ્કાર : કિશોરાવસ્થામાં સંસારની લાલચો સામે લડવા પવિત્રાત્માનું વરદાન મેળવવું તે. ૩, પ્રાયશ્ચિત્તસંસ્કાર : કરેલાં કુકર્મોની દીક્ષિત અધિકારીની આગળ ખાનગીમાં કબૂલાત કરીને એની ક્ષમા મેળવવાની આત્મશુદ્ધિ. ૪, ખ્રિસ્તપ્રસાદસંસ્કાર : શિષ્યોની સાથે છેલ્લું ભોજન લેતી વખતે ઈશુએ રોટી અને દ્રાક્ષાસવ આપીને, ‘‘આ મારો દેહ ને મારું લોહી છે એ મારા સ્મરણાર્થે લેજો.’’ એમ કહ્યું હતું, એ પરંપરાએ આશીર્વાદ પામેલી રોટી પ્રસાદ રૂપે લેવાનો સમૂહવિધિ. ૫, લગ્નસંસ્કાર : વરકન્યાને કાયમ માટે જોડનાર ગ્રંથિ. ૬, યાજ્ઞિકદીક્ષા : બ્રહ્મચર્યનું આજીવન વ્રત લઈને લોકોની સેવામાં જીવન અર્પણ કરવાનો સંકલ્પ. ૭, અંતિમ અભિષેક-સંસ્કાર : મોટી માંદગીમાં દેહને અને આત્માને બળ આપવા માટે પ્રાર્થનાવિધિ. ખ્રિસ્તી ધર્મસંસ્થાના ત્રણ મુખ્ય ફાંટા છે. ધર્માધિકારી પોપમહારાજની આજ્ઞા પાળે તે કેથલિકો. તેમની આજ્ઞા ન પાળે પણ બીજું બધું કેથલિકોની જેમ સ્વીકારે તે ઓર્થોડોક્સ; અને પોપની આજ્ઞા ન માને ને સાતમાંથી બધા ધર્મસંસ્કારો પણ ન માને એ પ્રોટેસ્ટંટ. શ્રદ્ધાધર્મ, સેવાધર્મ અને દયાધર્મમાં ખ્રિસ્તીધર્મનો સાચો આવિષ્કાર થાય છે. ફા.વા.