ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગીત



ગીત : અર્વાચીનકાળમાં વિકસિત થયેલા ઊર્મિકાવ્યનો પેટા પ્રકાર છે. ગીતમાં મુખ્યત્વે ઊર્મિનું, સંવેદનનું આલેખન હોય છે. ગીત કોઈ એકાદ ભાવસંવેદન કે ઊર્મિસ્પંદનને વર્ણવે છે. આ ભાવોર્મિ કે સંવેદનને અતિ લંબાવવાથી ગીતનું પોત પાતળું પડી જાય છે. ગીતો માંડ દસબાર લીટીનાં હોય છે. ભાવ કે ઊર્મિનું એમાં સઘન તથા સુચારુ આલેખન અપેક્ષિત છે. ગીત ક્યારેક વિચાર સાથે કામ પાડે છે પણ એ વિચાર કે ચિંતન અંશ મોટે ભાગે તો ઊર્મિથી રસાઈને આવે એવી અપેક્ષા રહે છે. ગીત જેમ ઊર્મિના અતિ આવેગને વેઠી શકતું નથી એમ વિચારભારને ય ઝેલી શકતું નથી. નિશ્ચિત માત્રાનાં નિશ્ચિત આવર્તનોથી ગીતનો લયબંધ રચાયો હોય છે. મુખડો અને અંતરો એની રચનાભાત છે. મુખડાનો લયબન્ધ અંતરાને અંતે પુનરાવર્તિત થાય છે. મોટેભાગે મુખડો ને અંતરોમાં લયાવર્તનો સમાન નથી હોતાં, ભાવને વળોટ કે મરોડ આપવા માટે આ પ્રયુક્તિ ઉપયોગી નીવડે છે. લોકગીતોના પરંપરાગત લયોનો તથા માત્રામેળ છંદોને પરંપરિત કરીને નીપજાવેલા લયનો કવિઓ પ્રયોગ કરે છે. આવર્તનોની; પોતાના ભાવોને અનુરૂપ; નવી સંયોજના કરીને પણ લય નીપજાવી શકાય છે. કવિઓ દીર્ઘલયની રચનાઓ સુધી ગયા છે. અંતરામાં દુહાઓનો પ્રયોગ પણ કરાયો છે. લોકગીતની સમૃદ્ધ પરંપરાનો પણ ગીતની રચનામાં વિનિયોગ થાય છે. ગીતમાં સહજ ભાવને અનુરૂપ સરળ ભાષાની અપેક્ષા છે. નર્યા તત્સમ શબ્દો કે કઠોર વર્ણોની પદાવલિ ગીતને અનુકૂળ નથી આવતી. ભાવ-ભાષાની સંવાદિતા ગીતકાવ્યનો પ્રાણ છે. ગીતકાવ્યને પહેલી નિસબત શબ્દાર્થ સાથે છે, એટલે એ પહેલાં કાવ્ય હોવું જોઈએ. એનાં નાદલય પણ ભાવોર્મિની અભિવ્યક્તિને ઉપકારક થવા આવે છે. લયબંધને કારણે ગીતને સંગીતમાં ઢાળીને ગાઈ શકાય છે. મ.હ.પ.