ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગીતગોવિન્દ



ગીત-ગોવિન્દ : સંસ્કૃત સાહિત્યમાં યુગપ્રવર્તક કવિ જયદેવનું ગીતકાવ્ય. ગીતગોવિન્દ એટલે ગોવિદનું-કૃષ્ણનું ગીત. તેનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી, પરંતુ તેમાં સંગીત, ગાન, નૃત્ય, વર્ણન, ભાષણ અને ભાવનો સુભગ, મધુર અને કમનીય સમન્વય છે. ‘ગીતગોવિન્દ’માં કુલ બાર સર્ગ છે, જેમાં રાધાની કૃષ્ણમિલન માટેની તીવ્ર ઝંખના અને એનો વિષાદ, કૃષ્ણની રાધાના વિયોગમાં અવસ્થા અને અંતે તેમનું મિલન વર્ણવ્યાં છે. આ સર્ગો પ્રબંધોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રબંધ એક ગીત સ્વરૂપે છે, અને આખાય કાવ્યમાં એવા ૨૪ પ્રબંધ છે. પ્રત્યેક પ્રબંધમાં આઠ શ્લોકો હોવાથી તે અષ્ટપદી તરીકે ઓળખાય છે. વળી, રાગ, છંદ, લય અને તાલબદ્ધ હોવાથી દરેક પ્રબંધ ગેય છે. ‘ગીતગોવિન્દ’માં ભરપૂર શૃંગારસ હોવા છતાં તે તત્ત્વજ્ઞાનથી પ્રચુર છે આથી એ સંસ્કૃત સાહિત્યમાં સૌન્દર્ય તથા માધુર્યની ચરમ સીમા છે. અનુપ્રાસપૂર્ણ પદાવલિ તેને અનુપમ લાવણ્ય બક્ષે છે. ગૌ.પ.