ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગીતાંજલિ



ગીતાંજલિ : ૧૯૧૩માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ઠાકુરચિત વિશ્વવિખ્યાત કાવ્યસંગ્રહ. મૂળ બંગાળી ‘ગીતાંજલિ’ ૧૯૧૦માં પ્રગટ થઈ હતી અને તેમાં ૧૫૭ ગીતરચનાઓ છે. ‘ગીતિમાલ્ય’ અને ‘ગીતાલિ’ બંગાળી ગીતાંજલિના સહોદર ગ્રન્થો છે. પરંતુ જે અંગ્રેજી ગીતાંજલિને અનુલક્ષીને નોબેલ પારિતોષિકનો નિર્ણય થયેલો, તે સૌપ્રથમ નવેમ્બર ૧૯૧૨માં લંડનમાં રવીન્દ્રનાથના કલાકાર મિત્ર પ્રસિદ્ધ ચિત્રકાર રોથેન સ્ટાઈનની પ્રેરણાથી ઇન્ડિયા લાયબ્રેરીએ ૭૫૦ નકલની સીમિત આવૃત્તિ રૂપે પ્રગટ કરી હતી, તે પછી બીજે વર્ષે ૧૯૧૩માં મેકમિલન કંપનીએ તે પ્રકટ કરી હતી, તે પછી એ જ કંપની દ્વારા તેની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે. બંગાળી અને અંગ્રેજી ગીતાંજલિ અર્થાત્ ‘સોન્ગ ઓફ રિંગ્જ’ વચ્ચે ભેદ છે. અંગ્રેજી ગીતાંજલિમાં રવીન્દ્રનાથે બંગાળી ગીતાંજલિ ઉપરાંત પોતાના અન્ય કાવ્યસંગ્રહો ‘નૈવેદ્ય’, ‘ગીતિમાલ્ય’, ‘ખેયા’, ‘અચલાયતન’, ‘સ્મરણ’, ‘કલ્પના’, ‘વૈતાલિ’ અને ‘ઉત્સર્ગ’માંથી કાવ્યો પસંદ કરીને જાતે જ તેના કાવ્યાત્મક અંગ્રેજી ગદ્યમાં અનુવાદ કર્યો છે. પ્રસિદ્ધ કવિ અને પછીથી સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા ડબલ્યુ. બી. યેટ્સે તેની ઉષ્માપૂર્ણ ભૂમિકા લખી છે. ૧૯૧૨માં જ એઝરા પાઉન્ડે અંગ્રેજી ગીતાંજલિની હસ્તપ્રતમાંથી છ કાવ્યો પસંદ કરી શિકાગોથી હેરિયર મનરોના તંત્રીપદે શરૂ થયેલા ‘પોએટ્રી’ સામયિક માટે મોકલતાં લખેલું કે આ કાવ્યોનું પ્રકાશન અંગ્રેજી જ નહિ, વિશ્વકવિતાના ઇતિહાસની ઘટના છે. ‘ટાઇમ્સ લિટરટી સપ્લીમેન્ટ’ જેવી પત્રિકાઓએ ગીતાંજલિની અપૂર્વતાને રેખાંકિત કરી. ભાવની રીતે તો ખરી જ, આ રચનાઓ કાવ્યાત્મક ગદ્યના અભિનવ પ્રયોગ તરીકે પ્રશંસા પામી. ૧૯૧૩ના નવેમ્બરમાં ગીતાંજલિને નોબેલ પારિતોષિક મળવાની ઘોષણા થતાં એક બંગાળી ભાષામાં લખતા ભારતીય કવિ રાતોરાત વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. કોઈપણ એશિયાવાસીને આ પ્રકારનો પહેલો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો. ‘ગીતાંજલિ’એ ભારતનાં કીર્તિ અને ગૌરવ આખા વિશ્વમાં પ્રસ્થાપિત કર્યાં. દુનિયાની મહત્ત્વની ભાષાઓમાં તેના અનુવાદો થયા, ફ્રેન્ચમાં આન્દ્રે જિદ અને સ્પેનિશમાં હિમેનેથ જેવા અનુવાદકો મળ્યા, જે પછી સ્વયં સાહિત્યનું નોબેલ ઇનામ મેળવનારા હતા. ગુજરાતીમાં મૂળ અંગ્રેજી કે બંગાળીમાંથી ગીતાંજલિના આજ સુધીમાં નવ જેટલા અનુવાદો થયા છે. પહેલો અનુવાદ હરિભાઈ દેસાઈએ ૧૯૧૭માં બંગાળીમાંથી કરેલો છે, એ પછી બીજો અંગ્રેજી પરથી અનુવાદ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્તે’ કરેલો છે, જે પહેલાં મહારાણી કુંવરબાને નામે ૧૯૧૯માં છપાયેલો. રામચંદ્ર અધ્વર્યુએ તેનો શાસ્ત્રીય રાગોમાં અનુવાદ કર્યો છે, સૌથી શ્રદ્ધેય અનુવાદ નગીનદાસ પારેખે ૧૯૪૨માં કાકાસાહેબ કાલેલકરની પ્રસ્તાવના સાથે પ્રકાશિત કર્યો છે ૧૯૯૪માં કાંતિલાલ પરીખનો એક અનુવાદ પ્રકટ થયો છે. ‘ગીતાંજલિ’ સમગ્રપણે ભક્તિપ્રવણ ગીતોનો સંગ્રહ છે. રવીન્દ્રનાથના ઈશ્વર અથવા જીવનદેવતા કવિને માટે મિત્ર, બંધુ, પ્રિય કે સ્વામીરૂપ પણ છે. જેમ ભક્ત ઈશ્વર માટે તેમ ઈશ્વર ભક્તને માટે અભિમુખ થઈ અભિસાર કરે છે. ગીતાંજલિમાં ભારતીય વૈષ્ણવપરંપરા કે બાઉલ વગેરે લોકધર્મોની રહસ્યપરંપરાય વણાઈ ગઈ છે. રાષ્ટ્રભાવના કે દલિતો પ્રત્યે સમભાવનાં ગીત પણ ગીતાંજલિમાં છે. ગીતાંજલિનાં મૃત્યુવિષયક કાવ્યો પણ વિશિષ્ટ છે. ગીતાંજલિ ભારતીય અર્વાચીન સાહિત્યનો એક ગ્રન્થમણિ છે. ભો.પ.