ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાત : ભારતના પશ્ચિમકાંઠા પર આવેલા ગુજરાતના મધ્યભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ગુજરાતના ત્રણ હિસ્સા છે : ૧, બાર જિલ્લાનું તળગુજરાત ૨, છ જિલ્લાનું સૌરાષ્ટ્ર અને ૩, કચ્છ. પહેલાં ગુજરાતનો ઇતિહાસ જોઇએ. ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે : પ્રાગૈતિહાસિકયુગ; આદ્યઐતિહાસિકયુગ અને ઐતિહાસિકયુગ.


પ્રાગૈતિહાસિકયુગ

ગુજરાતમાં પ્રાગૈતિહાસિકયુગનો પ્રારંભ સાબરમતી, મહી, ઓરસંગ અને નર્મદા નદીને કાંઠે પ્રથમ વાર જોવા મળતા માનવીથી થાય છે. આ નદીઓના કાંપનો અભ્યાસ કરતાં છેલ્લાં બે-ત્રણ લાખ વર્ષ દરમ્યાન હવામાનમાં જે ફેરફારો થયા છે તેનો ખ્યાલ આવે છે. એ નદીઓના કાંઠે વસતા માનવોના અવશેષો પણ આપણને મળે છે. એ અને ત્યાંથી પ્રાપ્ત અન્ય સામગ્રીના આધારે એ જમાનાનો માનવી નદીમાંથી મળતા પથ્થરોનાં હથિયારો બનાવતો, કંદમૂળ ઉખાડીને ખાતો કે શિકાર કરતો તેવી માહિતી મળે છે. આ અવશેષોનો પ્રથમ અભ્યાસ રોબર્ટ બ્રુસે અને ત્યારબાદ હસમુખ સાંકળિયાએ સાબરમતી અને મહી પ્રદેશનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો ત્યારે થયો છે. એફ. ઇ. ઝેનરે માનવનિર્મિત ઓજારોને ભૂસ્તરવિદ્યાના પ્લીસ્ટોસીન નામક યુગની આબોહવા સાથે સાંકળવા પ્રયત્ન કર્યો, તો બી. સુબ્બારાવે મહીપ્રદેશનો વિશેષ અભ્યાસ કર્યો. આ બધા અભ્યાસ પરથી વિદ્વાનોએ તારણ કાઢ્યું કે હિમયુગમાં ગુજરાતની આબોહવામાં અનેક પરિવર્તનો થયાં. તેમાં ભેજવાળી આબોહવાથી માંડી અર્ધ-સૂકી આબોહવા સુધીના પ્રકારો બદલાયેલા જણાયા. હાલની આબોહવા તો બહુ મોડી આવી. ત્યાર પહેલાં બેત્રણ ગાળા ભેજવાળી આબોહવાના આવ્યા હશે. એમાં પ્રથમ ગાળાને પ્રાચીન પાષાણયુગ કહે છે. એ સમયે વસતા માનવીઓએ અણઘડ પથ્થરનાં સ્વરૂપનાં જે ઓજારો ઘડેલાં તેના પરથી એ માન્યતાને ટેકો મળે છે. એમાં ભાંગેલા પથ્થરમાંથી બનાવેલી અણઘડ ફરશીઓ અને પથ્થરની અણીદાર કુહાડી મુખ્ય છે. એથી સારા ઘડતરવાળાં હથિયારોઓજારોમાં મોટી વાંકીચૂંકી ધારવાળી કુહાડી, સીધી ધારવાળી કુહાડી, મોટા પાનાવાળાં ઓજારો વગેરે ગણાવી શકાય. આનો સમય લગભગ અઢી લાખ વર્ષનો ગણાય છે. પછીનો ગાળો માનવવસવાટ જણાવતો નથી. પણ ત્યારબાદ જે ભેજવાળો ત્રીજો ગાળો છે, તેમાં પથ્થરયુગના માનવીના પછીનો માનવી સરસ દાણાદાર પથ્થરનાં ઓજારો બનાવતો થયો હોય એમ લાગે છે. એ ઓજારો સૂક્ષ્મ પાષાણ (Microlithics) તરીકે ઓળખાય છે. સાબરમતીના પ્રદેશમાં આવાં વીસેક સ્થળો મળ્યાં છે. મહેસાણા જિલ્લામાંનું લાંઘણજ એ પૈકીનું મહત્ત્વનું સ્થળ ગણાય. ગુજરાતમાં બીજા સૂકા ગાળા દરમ્યાન રેતી ઊડવાથી જે ટેકરીઓ બનેલી તેમાંથી આઠ માનવહાડપિંજર મળ્યાં છે. ઉત્તર-ગુજરાતનું હાલનું ભૂપૃષ્ઠ એ સમયે બનેલું છે. સમય જતાં રેતીની એ ટેકરીઓ ઉપર વનસ્પતિ ઊગી હશે અને વાતાવરણ નિવાસલાયક બન્યું હશે, ત્યારે આ સૂક્ષ્મ પાષાણયુગના માનવો રહેવા આવ્યા હશે કે ત્યાંથી ચાલ્યા ગયેલા ત્યાં ફરી પાછા રહેવા આવ્યા હશે. તેમનાં ઓજારો ને ત્રિકોણાકાર વગેરે પ્રકાર ઉપરથી ‘ભૌમિક ઓજારો’ કે ‘ભૌમિતિક ઓજારો’ કહી શકાય. એમાં કેટલાંક ગોળાકાર અને મોચીઓ વાપરે એવાં પણ છે. મધ્ય ગુજરાતમાં આવાં માનવનિવાસનાં મહીપ્રદેશમાં ત્રીસ સ્થળો મળ્યાં છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં કરજણ આસપાસ પણ સ્થળો મળ્યાં છે. નર્મદાખીણમાં આર. એન. મહેતાએ આવાં ત્રીસેક સ્થાનો શોધ્યાં છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં પણ શ્રી ફૂટે એવાં અનેક સ્થળો શોધેલાં છે. આથી જણાય છે કે આ સૂક્ષ્મ પાષાણયુગના લોકો ગુજરાતમાં ઠેર ઠેર ફેલાયેલા હતા. લાંઘણજથી મળેલા પ્રાણીઅવશેષોના અભ્યાસ પરથી તે પાલતુ પ્રાણી હોય એમ લાગતું નથી. સંભવ છે કે તે તળાવોના કિનારે રહેતી શિકાર કરતી જાતિઓ ત્યાં તળાવે પાણી પીવા આવનાર ગાય, હરણ, ભેંસ નીલગાય આદિનો શિકાર કરતી હશે કારણકે ત્યાંથી ખોદકામ દરમ્યાન આવાં હાડકાંનો સારો જથ્થો મળી આવ્યો હતો. આમાં ગેંડાનાં હાડકાં પણ છે – એ નોંધવું જોઈએ. ગેંડો હવે આસામમાં મળતું પ્રાણી છે. કદાચ એ વખતે ગુજરાતમાં વધુ વરસાદ થતો હશે અને જંગલો ગાઢ હશે. પ્રાગૈતિહાસિકકાળનો સમયપટ અઢીથી પાંચ લાખ વર્ષ જેટલો લાંબો હોઈ તેને ‘યુગ’ (age) સંજ્ઞા આપવામાં આવે છે.


આદ્યઐતિહાસિકયુગ

લેખનકલાની શોધ પછી માનવસંસ્કૃતિનો ઇતિહાસ અનેક પરિવર્તનો પામે છે. વ્યક્તિ, સ્થળ કે ઘટનાની માહિતી, સમયાંકન અંગે ચોક્કસ અનુમાન કરી શકાય છે. આ કાળના અભિલેખો મળ્યા છે, પરંતુ એની લિપિ હજુ ઉકેલી શકાઈ નથી તેથી ઉપયોગ થઈ શકતો નથી. આથી આ કાળને કેટલાક પ્રાગૈતિહાસિકકાળ ગણવાના મતના છે પરંતુ એ સમયના લેખનકલાના જ્ઞાનને કારણે તેને પ્રાગૈતિહાસિકકાળથી ભિન્ન ગણવો જરૂરી છે. ખરેખર તો આ કાળ ઐતિહાસિક કાળનો આરંભિક તબક્કો છે, પરંતુ ઇતિહાસ માટે આવશ્યક સમકાલીન પુરાવાની લિપિબદ્ધ માહિતીના અભાવે તેને આદ્ય ઐતિહાસિક ગણવામાં આવે છે. આ સમય દરમ્યાન માનવી ધાતુનો ઉપયોગ કરતો થયો એટલે તેને ‘પાષાણયુગ’ને બદલે ‘ધાતુયુગ’ કહી શકાય. આ સમયે તાંબામાં કલાઈ મિશ્ર કરી કાંસાની બનાવટ થતી તેથી તેને ‘તામ્રયુગ’ કે ‘તામ્ર-કાંસ્યયુગ’ પણ કહે છે. ભારતમાં અને ગુજરાતમાં આ સમયની સંસ્કૃતિનાં અનેક સ્થળો મળી આવ્યાં છે. એમાંથી જડેલા નાના-મોટા અભિલેખો ઉકેલી શકાયા નથી. વેદસાહિત્યને, તેના સમકાલીન પુરાવાને અભાવે તથા પુરાણોમાં મળતી રાજવંશાદિની માહિતીના ઐતિહાસિક પુરાવાઓને અભાવે હાલ પૂરતું ‘આદ્યઐતિહાસિક’ સમયમાં ગણી શકાય. એ જ પ્રમાણે બુદ્ધ તથા મહાવીર પહેલાંની અનુશ્રુતિઓ વગેરેને પણ અત્યારે આદ્યઐતિહાસિકકાળમાં ગણવી પડે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આદ્યઐતિહાસિકયુગનાં કેટલાંક સંસ્કૃતિસ્થાનો પ્રાપ્ત થયાં છે. એસ. આર. રાવે લોથલ અને રંગપુર; બી. એ. સુબ્બારાવે અને પી. પી. પંડ્યાએ સોમનાથ, લાખાબાવળ અને અમરા તથા પંડ્યાએ રોઝડી શોધી કાઢેલ. આમાં લોથલ(મરેલાનો ટીંબો) ખંભાતના અખાત પાસે અમદાવાદ જિલ્લાના સરગવાળા પાસે આવેલું છે. સિંધુ સંસ્કૃતિના વ્યાપારીઓનું એ એક મહત્ત્વનું કેન્દ્ર હતું. દસેક ફૂટ ઊંચા પડધાર ઉપર બાંધેલું આ ગામ પાંચ વિભાગોમાં વહેંચાયેલું હતું. દક્ષિણ ભાગમાં અનેક ખંડોવાળું વિશાળ મકાન, ત્યાં ગામનો અગ્રણી રહેતો હશે એમ અનુમાન કરવા પ્રેરે છે. ગામની મધ્યમાં બજાર, બંને બાજુ સીધી હરોળમાં બાંધેલાં મકાનો, સિંધુ સંસ્કૃતિ જેવી પાણીના નિકાલની પદ્ધતિ, ગટરો વગેરે ત્યાંની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. અહીંનું મહત્ત્વનું બાંધકામ ૭૧૦’ x ૧૨૦’ લાંબી-પહોળી ગોદી છે. તેના પ્રવેશદ્વાર પાસેની દીવાલ વગેરે પરથી ભરતી વખતે ત્યાં વહાણો આવતાં હશે એમ જણાય છે. આ ઉપરાંત લોથલમાંથી ઝવેરી, કુંભાર, કંસારા, સલાટ વગેરેનાં કામ દર્શાવતા જે નમૂનાઓ મળ્યા તે એ પ્રદેશની પ્રાચીન પરંપરાનો ખ્યાલ આપે છે. લોથલમાંથી મળેલાં સ્ત્રી-પુરુષનાં એકવડાં ને બેવડાં દફન તે વખતની મૃતદેહની નિકાલ પરંપરાની વિશિષ્ટ માહિતી આપે છે. સૌરાષ્ટ્રમાં રંગપુર, અમરા, લાખાબાવળ, રોઝડી વગેરે ઉપરાંત પ્રાચીન સ્થાનોમાં સોમનાથ કે પ્રભાસ મહત્ત્વનાં સિંધુસંસ્કૃતિનાં સ્થાનો છે. કચ્છમાં પણ દેશલપુર-ગુંતલી, સુરકોટડા, કોટડો આદિ અનેક સ્થળો પ્રકાશમાં આવ્યાં છે.


ઐતિહાસિકયુગ (પ્રાચીનકાળ)

પ્રાગૈતિહાસિક અને આદ્યઐતિહાસિક પછી લિખિત અને ઉત્કીર્ણ આધારો ઉપરથી નિરૂપાતો ઐતિહાસિકકાળ શરૂ થાય છે. આ ઐતિહાસિકકાળના પ્રારંભમાં જે માહિતી પ્રાપ્ત થાય છે તેનો મુખ્ય આધાર પુરાણાદિની અનુશ્રુતિઓ હોવાથી ‘પૌરાણિકકાલ’ કહે છે. આ પૌરાણિક ઇતિહાસ મનુવૈવસ્વતના પુત્ર શર્યાતિથી આરંભાય છે. શર્યાતિની પુત્રી સુકન્યા ભૃગુકુલના ચ્યવન વેરે પરણાવેલી. શર્યાતિના આનર્ત નામના પુત્ર પરથી એ પ્રદેશનું નામ ‘આનર્ત’ પડ્યું. આનર્તનો રેવત થયો. એ ‘કુશસ્થલી’ ઉપર રાજ્ય કરતો હતો. આથી લાગે છે કે ‘આનર્તમાં સુરાષ્ટ્રનો સમાવેશ થતો હશે. ‘રૈવતક’ગિરિ નામ આ રેવત કે તેમના વંશજો પરથી પડ્યું હશે. નર્મદાનું ‘રેવા’ નામ પણ રેવતના વંશજ રેવ પરથી પડ્યું મનાય છે. આ સમય દરમ્યાન યાદવો મથુરા છોડી સુરાષ્ટ્રના પશ્ચિમકાંઠે આવ્યા. તેમાં અંધક વૃષ્ણિકુલના ઉગ્રસેન, સમુદ્રવિજય અને કૃષ્ણવાસુદેવ અગ્રણી હતા. યાદવોએ કુશસ્થલીના દુર્ગને સમરાવી અજેય બનાવ્યો અને નવી નગરી પશ્ચિમભારતના બારા રૂપે ‘બારવતી’ કે ‘દ્વારાવતી’ (દ્વારકા) નામે ઓળખાઈ. કૃષ્ણે પોતાના શત્રુઓનો એક પછી એક નાશ કર્યો. આખરે યાદવો મદિરાથી મત્ત થઈ આપસમાં લડી મર્યા ને દ્વારકા ઉપર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં. બુદ્ધ નિર્વાણ પામ્યા એ અરસામાં(ઈ.સ.પૂ. ૪૮૩) સિંહપુરનો નિર્વાસિત રાજકુમાર વિજય સપરિવાર સિંહલદ્વીપ વસાવી ત્યાં રાજા બન્યો. સિકંદરની ભારત-ચડાઈ સમયની અહીંની ગુજરાતની શી સ્થિતિ હતી તેની માહિતી મળતી નથી. પણ ઉત્તરમાં ચંદ્રગુપ્ત મૌર્યે નંદવંશનો ઉચ્છેદ કરી ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ત્યારે આ પ્રદેશ પણ મગધ નીચે આવ્યો. અશોકના પછી એના વંશજોના સમયમાં મૌર્ય સામ્રાજ્યના ભાગલા પડ્યા ત્યારે સુરાષ્ટ્ર પ્રાંત ઉજ્જયિની(ઉજ્જૈન)માં રહી રાજ્ય કરતા સંપ્રતિ નીચે મુકાયો. સંપ્રતિએ ઘણાં પ્રાચીન જિનબિંબો અને જિન ચૈત્યો કરાવેલાં કહેવાય છે. ગિરિનગર પાસે શ્રમણો માટે શૈલગૃહ પણ તૈયાર કરાયેલાં. બાલ્હીક-યવનોનું શાસન : સિકંદરના સામ્રાજ્ય નીચે એશિયાના મુલકો પર સોલંકીવંશ સત્તા પર હતો. સમય જતાં બાલ્હીક (બલ્ખ)ના યવનો(ગ્રીકો)એ સેલુકની સત્તા ફગાવી દીધી. એમાંના દિમિત્ર(દત્તમિત્ર) નામે રાજાએ ભારત પર ચડાઈ કરી ઘણો પ્રદેશ જીતી લીધેલો. સુરાષ્ટ્ર ને ગુજરાતનો ભારુકચ્છ પ્રદેશ દત્તમિત્રની સત્તા નીચે હતો. એ વખતે અહીં ટ્રેમ નામે સિક્કા વપરાતા હતા. જૈન આચાર્ય કાલકાચાર્યે ઈરાન(પારસદેશ)થી શકો લાવી ઉજ્જયિનીના જુલમી રાજા ગર્દભિલ્લને પદભ્રષ્ટ કર્યો. ગર્દભિલ્લના પુત્ર વિક્રમાદિત્યે શકોને હરાવી ઉજ્જૈનમાં માલવગણ સંવત પ્રવર્તાવ્યો. આ સમય દરમ્યાન ભારતને રોમ સાથે સીધો દરિયાઈ સંબંધ હશે એમ વડોદરા પાસેના અંકોટક(આકોટા)માંથી મળેલી રોમન કલાકૃતિઓ પરથી લાગે છે. શકક્ષત્રપ શાસન : ઉજ્જૈનમાં ફરી શકશાસન આવ્યું. શકો એમના અધિકાર ઉપરથી ‘ક્ષત્રપ’(સૂબા) કહેવાતા. ક્ષત્રપોમાંથી ભૂમક અને નહપાનના સિક્કા જે ‘કાર્ષાપણ’ કહેવાતા તે મળે છે. આમાં નહપાનની સત્તા નાસિક-શૂર્પારક-ભરુકચ્છથી છેક માલવ-સુરાષ્ટ્ર-પુષ્કર પર્યંત હતી. એના જમાઈ ઉષવદાતે ભરુકચ્છ, પ્રભાસ તેમજ અન્ય તીર્થોમાં અનેક ધર્મકાર્ય કરેલાં. ક્ષત્રપસત્તાને ગૌતમીપુત્ર શાતકણિર્એ ઉખેડી નાખી. અને કાર્દમકુલના ક્ષત્રપોની સત્તા સ્થાપી. એના સ્થાપક ચષ્ટનના શકવર્ષ બાવન(૧૩૦)ના લેખ મળ્યા છે. એના પૌત્ર રુદ્રદામા પહેલો આકાર(પૂર્વ માલવ), અવંતિ, અનૂપ (માહિષ્મતી), આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર(સાબરકાંઠા), મરુ (મારવાડ), કચ્છ, સિંધુ(સિંધ), સૌવીર, કુકુર, અપરાન્ત ને નિષાદ પર સત્તા ધરાવતો હતો. તે મહાક્ષત્રપ કહેવાતો. નર્મદાતટથી(અનૂપ) દક્ષિણ પંજાબને અડતા અપરાન્ત સુધી એની સત્તા હતી. તેની રાજધાની ઉજ્જયિની હતી. એની સૂબાગીરી દરમ્યાન શકવર્ષ ૭૨(૧૫૦)માં અતિવૃષ્ટિથી ગિરિનગરનું સુદર્શન તળાવ તૂટેલું તે આનર્ત-સુરાષ્ટ્રનો તેના વતી વહીવટ કરનાર સુવિશાખ નામે પહ્લવે પોતાના ખર્ચે સમરાવી સુદર્શન તળાવનો બંધ ફરી બાંધ્યો. એને લગતો લેખ અશોક મૌર્યના લેખવાળા ખડક પર કોતરેલો છે. ક્ષત્રપવંશમાં અનેક રાજાઓ થયા. તેઓના સિક્કા મળે છે. તેમની સત્તા ૧૩૦થી ૩૯૦ સુધી રહી. તેઓ પાશુપત ધર્મ પાળતા. તેમના સમયમાં લકુલીશ થયા. જૂનાગઢ તથા શામળાજીમાં વિહાર અને શૈલગૃહો બંધાયા. નાગાર્જુનની અધ્યક્ષતા નીચે આગમની વલભી-વાચના તૈયાર થઈ. મગધના ગુપ્તોનું શાસન : ગુપ્તવંશના સમુદ્રગુપ્તે ભારતમાં સત્તા પ્રાપ્ત કરી. તેના પુત્ર ચંદ્રગુપ્તે માલવ, આનર્ત, સુરાષ્ટ્ર જીતી લેતાં આ પ્રદેશ ફરી મગધસામ્રાજ્યનો ભાગ બન્યો તેથી શકસંવતને બદલે ગુપ્તસંવત પ્રચલિત થયો. કુમારગુપ્તના ચાંદીના સિક્કા ગુજરાતનાં ઘણાં સ્થળેથી મળ્યા છે. સ્કંદગુપ્તના સિક્કા પણ મળે છે. તેમણે ભાગવતધર્મને ઉત્તેજન આપ્યું. સ્કંદગુપ્તના સૂબા પર્ણદત્તના સમયમાં સુદર્શનનો બંધ ફરી તૂટ્યો. તે પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે સમરાવ્યો. ગુપ્તવર્ષ ૧૩૮(૪૫૭)માં તેણે વિષ્ણુનું મંદિર બંધાવ્યું. સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્તની સત્તા નબળી પડી. કેટલાક પ્રાંતો સ્વતંત્ર થયા, તેમાં ગુજરાત પણ હતું. મૈત્રકસત્તા : ગુપ્તસત્તા નબળી પડતાં તેના ભટાર્ક નામના સેનાપતિએ સુરાષ્ટ્રમાં પોતાની સત્તા(૮૭૦ આસપાસ) સ્થાપી. તેથી મગધસામ્રાજ્યની અધીનતા મટી ગઈ. સેનાપતિ ભટાર્ક મૈત્રકવંશનો હતો. મૈત્રકો મહેશ્વરને માનતા. ભટાર્કે પોતાની રાજધાની ગિરિનગરને બદલે વલભી(વળા) નામે સમુદ્રતટે આવેલી નગરીમાં કરી. ત્યાંથી હસ્તવપ્ર(હાથબ) તથા અખાતના સામા કાંઠે આવેલું ભરુકચ્છ(ભરૂચ) દરિયાઈ માર્ગે નજીક થતું. ભટાર્ક પછી તેનો પુત્ર ધરસેન થયો. તેણે પણ પોતાનું સેનાપતિપદ ચાલુ રાખ્યું. તેના પછી તેના અનુજ દ્રોણસિંહ અધિપતિ બન્યો. તેના પછીના રાજાઓએ મહાસામંત, મહારાજ વગેરે બિરુદો ધારણ કર્યાં. ભટાર્કની રાજમુદ્રામાં કુલધર્મના પ્રતીક રૂપે નંદી-વૃષભ અને સિક્કામાં ‘શ્રી સર્વ ભટ્ટારક’ નામ રાખતા. શૈવધર્મનું પ્રતીક ત્રિશૂલ તેમના સિક્કાઓમાં જોવા મળે છે. દ્રોણસિંહ પછી તેનો અનુજ ધ્રુવસેન, તેનો અનુજ ધરપટ્ટ ગાદીપતિ થયા. ધરપટ્ટ આદિત્ય ભક્ત હતો. બૌદ્ધધર્મ પણ જોરમાં હતો. મૈત્રકોએ પશ્ચિમ સુરાષ્ટ્રના ગારુલકવંશના સ્થાનિક રાજાઓ ઉપર આધિપત્ય મેળવ્યું. મહારાજ ધરપટ્ટનો પુત્ર ગુહસેન મહાન રાજવી ગણાયો. તેનો પુત્ર ધરસેન(બીજો) થયો. ધરસેન (બીજો)નો પુત્ર શીલાદિત્ય ઘણો પરાક્રમી હતો. તેણે માળવા જીતી તેના પર સત્તા જમાવી. આમ મૈત્રકોની સત્તા કચ્છથી ઉજ્જૈન સુધી ફેલાઈ. તેના પુત્ર દેરભટે મૈત્રકોની એક અલગ શાખા સ્થાપી. શીલાદિત્ય ‘ધર્માદિત્ય’ પણ કહેવાતો. તેના સમયમાં ચીની યાત્રી યુ અન શ્વાંગ વલભી આવેલો. શીલાદિત્યે પોતાના પુત્ર દેરભટને બદલે અનુજ ખરગ્રહને ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યો. ૬૧૬માં એણે ઉજ્જયિનીમાં વિજય છાવણી નાખી હતી. એના નાના પુત્ર ધ્રુવસેન-બાલાદિત્યનો ઉત્તરાપથના ચક્રવર્તી હર્ષે પરાભવ કર્યો ત્યારે નાંદીપુરીના ગુર્જર રાજા દદ્દ(બીજા)એ એનું રક્ષણ કર્યું. છેવટે હર્ષે એ મૈત્રકરાજાને પોતાનો જમાઈ બનાવ્યો. આથી વલભીપતિ ધ્રુવસેનની ભારતના અગ્રણી રાજાઓમાં ગણના થવા લાગી. ધ્રુવસેન પછી તેનો પુત્ર ધરસેન (ચોથો), પછી દેરભટ્ટ, પછી શીલાદિત્ય (બીજો), પછી દેરભટ્ટનો નાનો પુત્ર ધ્રુવસેન (ત્રીજો), પછી ખરગ્રહ (બીજો) અને એના પછી શીલાદિત્ય(બીજા)નો પુત્ર શીલાદિત્ય (ત્રીજો) ગાદીએ આવ્યો. ત્યારપછીના રાજાઓ ગાદીએ આવતાં ‘શીલાદિત્ય’ નામ ધારણ કરતા. શીલાદિત્ય(સાતમા)એ ઈ.સ.૭૬૬માં પોતાની વિજયછાવણી આનંદપુરમાં નાખેલી. આ શીલાદિત્ય મૈત્રકવંશનો છેલ્લો જ્ઞાત રાજા છે. વલભીસંવત ૪૭(૭૬૬)ના દાનશાસન પછીના થોડા જ સમયમાં કાકુ નામના શ્રેષ્ઠીની પ્રેરણાથી સિંધના આરબોએ હુમલો કર્યો. પરિણામે મૈત્રકોના રાજકુલનો અંત આવ્યો. દક્ષિણ ગુજરાતનાં મૈત્રક-સમકાલીન રાજ્યો : મૈત્રકોના સમયમાં અન્ય રાજસત્તાઓ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. ગુપ્તકાલના અંત ભાગમાં દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટક નામે રાજવંશની સત્તા હતી. એમની સત્તા તાપી નદીથી કન્હેરી (મુંબઈ પાસે) સુધી પ્રવર્તતી હોવાનું જણાય છે. ૫૦૦ની આસપાસ વાકાટક રાજવી હરિષેણે ત્રિકૂટ પર્વત(અપરાન્ત) તથા લાટદેશ ઉપર આધિપત્ય જમાવ્યું. છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં લાટ ઉપર કટચ્યુરિ (કલચુરિ) વંશની સત્તા હતી. એ ક્લચુરિવંશના બુદ્ધરાજનું ઈ.સ.૬૦૯ દરમ્યાન ભરુકચ્છ વિષય ઉપર આધિપત્ય હતું. એણે ઉત્તર ગુજરાતમાં આણંદપુર(વડનગર) સુધી વિજયકૂચ કરી હતી. જોકે આ વંશની સત્તા ત્યારબાદ લાંબી ટકી નહીં. નાંદીપુરીનો ગુર્જરનૃપતિવંશ : આ સમય દરમ્યાન ઉત્તર લાટપ્રદેશના નાંદીપુરી(નાંદોદ)માં ગુર્જરનૃપતિવંશની સત્તા હતી. એનો સ્થાપક સામંત દદ્દ હતો જે આબુની ઉત્તરે આવેલા પ્રતીહારવંશના સ્થાપક હરિશ્ચંદ્રનો પુત્ર દદ્દ હોવાની શક્યતા છે. આ વંશમાં થયેલા પ્રશાંતરાગ અર્થાત્ દદ્દ(બીજા)એ મૈત્રક રાજવી વલભીપતિને રક્ષણ આપીને યશ પ્રાપ્ત કરેલો. ત્યારપછી થયેલા બાહુસહાય અર્થાત્ દદ્દ(ત્રીજા)એ મૈત્રકોના હાથ નીચેનો ભરુકચ્છ પ્રદેશ જીતી લીધો. આ બાહુસહાય સુધીના રાજવીઓ ‘આદિત્ય’ ભક્ત હતા. જ્યારે બાહુસહાય અને તેના વંશજો ‘માહેશ્વર’ હતા. આમાં જયભટ્ટ(ચોથા)એ સંભવત : ઈ.સ.૭૩૫ પહેલાં વલભીપુરમાં ચડી આવેલા તાજિકો(આરબો)ની સેનાનો પરાજય કરેલો. આ પછી ગુર્જરવંશ અસ્તાચળે ગયો. ગુર્જરવંશી રાજ્યની સત્તા નાંદીપુરી, ભરુકચ્છ(ભરુચ), અક્રૂરેશ્વર(અંકલેશ્વર) અને સંગેપખેટક(સંખેડા) સુધી હતી અને તેમાં કલચુરિસંવત પ્રચલિત હતો. દક્ષિણ ગુજરાતના ચાહમાનો : ૭૫૦ની આસપાસ અક્રૂરેશ્વર વિષય ઉપર ચાહમાન રાજવી ભર્તુવડ્ડુ(બીજો) સત્તા ભોગવતો હતો. એના પિતાનું નામ ધ્રૂભટ હતું. મૈત્રક રાજવી શીલાદિત્ય (સાતમો) કદાચ આ ચાહવાન ધ્રૂભટનો દોહિત્ર હોય. ભર્તૃવડ્ડુના સમયમાં સિંધના આરબ હાકેમ હિશામે આ પ્રદેશમાં આવેલા ગંધાર બંદર ઉપર હુમલો કર્યો. ત્યાં એક મસ્જિદનું નિર્માણ કર્યું. ગુજરાતની એ પ્રથમ મસ્જિદ જણાય છે. ભર્તૃવડ્ડુ પછી ‘ઉત્તરલાટ’નો પ્રદેશ રાષ્ટ્રકૂટોએ હસ્તગત કર્યો. દક્ષિણ લાટનો સેંદ્રકવંશ : આ સમયગાળા દરમ્યાન દક્ષિણ લાટમાં સત્તાનું પરિવર્તન થતું રહ્યું. કલચુરિસત્તાના અંત પછી સેંદ્રકોની સત્તા જામી. એ વંશના નિકુંભ – અલ્લશક્તિનો લેખ ક.સં.૪૦૬(૬૫૫)નો મળ્યો છે. એણે ત્રેયણ્ણ(તેન) બારડોલી પાસેનું તેન નામે ગામ દાનમાં આપેલું. થોડા સમય પછી અહીં ચૌલુક્યોની સત્તા જોવા મળે છે. દક્ષિણનો ચાલુક્ય વંશ : દક્ષિણના ચાલુક્યવંશનો પુલકેશી (બીજો) ભારતના ચક્રવર્તી રાજવી હર્ષનો પ્રતિસ્પર્ધી હતો. એના પછી વિક્રમાદિત્યની સત્તા દક્ષિણ લાટ ઉપર રહી. એણે એનો વહીવટ પોતાના અનુજ જયસિંહ વર્માને સોંપ્યો. દક્ષિણલાટની રાજધાની નવસારિકા (નવસારી) હતી. ધરાશ્રય જયસિંહ વર્મા પછી એનો નાનો પુત્ર અવનિજનાશ્રય પુલકેશી ગાદીપતિ થયો. એણે સૈન્ધવ, કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવોટક, મૌર્ય, ગુર્જર વગેરે રાજ્યો જીતી દક્ષિણાપથ પર ચડી આવેલા તાજિકો(આરબો)ને નવસારિકામાં હરાવેલા. દક્ષિણના રાષ્ટ્રકૂટો : નવસારિકાના ચાલુક્યો પાસેથી દક્ષિણના રાષ્ટ્રકૂટોએ સત્તા આંચકી લીધી. રાષ્ટ્રકૂટવંશી ઇંદ્રરાજે ખેટક મંડલમાં ચાલુક્ય રાજપુત્રી ભવનાગાનું હરણ કરી તેની સાથે રાક્ષસવિવાહ કરેલો. આમાં આવેલું ખેટક તે જાણીતું ખેડા નહિ પણ દક્ષિણનું અન્ય કોઈ ખેટક હોવું જોઈએ. રાષ્ટ્રકૂટ દંતિદુર્ગના સમયમાં ગુજરાત ઉપર પ્રથમ આક્રમણ થયું લાગે છે. એણે રેવા અને મહીપ્રદેશ હસ્તગત કરી છેક ઉજ્જયિની સુધી વિજયકૂચ કરેલી. એના આક્રમણને કારણે નવસારિકાના ચાલુક્યો તથા નાંદીપુરીના ગુર્જરોની સત્તાનો અંત આવ્યો. ત્યારબાદ દંતિદુર્ગના પિતરાઈ ગોવિંદરાજનો પુત્ર કર્કરાજ દક્ષિણ લાટમાં સત્તાધીશ બન્યો જણાય છે (૭૫૭-૭૮૮). હર્ષપુર(હરસોલ)ના ચંદ્રાદિત્યે પણ એની સત્તા સ્વીકારેલી. એ વખતે કર્કરાજની રાજધાની ખેટકમાં હતી. રાષ્ટ્રકૂટ રાજવી ગોવિંદ(ત્રીજા)એ લાટને ફરી જીતી એનો વહીવટ પોતાના નાના ભાઈ ઇંદ્રરાજને સોંપ્યો (આશરે ૮૦૮), ત્યારથી લાટમાં રાષ્ટ્રકૂટોની અલગ શાખા અસ્તિત્વમાં આવી. ૨૪૯-૨૫૦ દરમ્યાન પ્રચલિત થયેલો મનાતો કલચુરિ સંવત દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત રહ્યો જણાય છે. રાષ્ટ્રકૂટોના શાસન વખતે એને બદલે શકસંવત વપરાવા લાગ્યો. વિક્રમસંવતનો ઉપયોગ તો ઉત્તરના ગૂર્જર પ્રતિહારોના આધિપત્યની અસર નીચે છેક આઠમી સદીમાં શરૂ થયો. મૈત્રકકાલીન સંસ્કૃતિ : સમાજવ્યવસ્થામાં પ્રાચીન વર્ણાશ્રમ પ્રત્યે આદર હતો. મનુ આદિ સ્મૃતિઓને મહત્ત્વ અપાતું. ધર્મભાવનામાં કૃતયુગના આદર્શને અને સ્વર્ગપ્રાપ્તિના ધ્યેયને લક્ષમાં રાખી તે પ્રમાણે યજ્ઞ, પૂજા, દાન, પૂર્તકર્મ, દ્વારા પુણ્યપ્રાપ્તિનું ધ્યેય રહેતું. બ્રાહ્મણોની વસ્તી મુખ્ય નગરોમાં વિશેષ રહેતી. તેઓ ત્રિવિદ્યા કે ચાતુવિર્દ્યા ગ્રહણ કરતા. પોતપોતાની પરંપરાગત વેદશાખાનો અભ્યાસ કરતા. તેઓનાં અનેક ગોત્રોના ઉલ્લેખો મળે છે. તેઓ પંચમહાયજ્ઞ અને અગ્નિહોત્રની ક્રિયાઓ નિયમિત કરતા. રાજાઓ તરફથી તેમને ભૂમિદાન મળતું. તેઓ પુરોહિત, અધ્વર્યુ કે દીક્ષિત, ગણક, ઉપાધ્યાય વગેરે વૃત્તિને અનુસરતા. દેવાલયો, વિહારો, આશ્રમોને મકાનોના સંરક્ષણ તેમજ પૂજાદિના નિર્વાહાર્થે ભૂમિદાન વગેરે દાન મળતાં. પૌરાણિક સંપ્રદાયોમાં માહેશ્વરધર્મ વિશેષ પ્રચલિત હતો. વલભી અને સોમેશ્વરપતન પાશુપત સંપ્રદાયનાં કેન્દ્ર હતાં. ભાગવતસંપ્રદાયને ગુપ્તશાસન દરમ્યાન ઉત્તેજન મળેલું. વિષ્ણુની પૂજા અને એમનાં મંદિરો પ્રચલિત હતાં. નાંદીપુરીના ગુર્જરો આદિત્યભક્ત હતા. સુરાષ્ટ્રમાં અનેક સૂર્યમંદિરો બંધાયાં. મૈત્રકોએ પણ બૌદ્ધધર્મને ઉત્તેજન આપેલું. બૌદ્ધવિહારો બંધાયા. ગ્રન્થો લખાયા. રાજાઓ, અધિકારીઓ, વાણિજકો સૌ આ બધાં કાર્યોમાં ધન ખર્ચ કરતા. જૈનધર્મને પણ ઉત્તેજન મળતું. વલભીમાં આ કાળ દરમ્યાન માથુરીવાચનાને આધારે જૈન આગમોની સંશોધિત વાચના તૈયાર કરી. અન્ય ગ્રન્થો પણ રચાયા. પ્રાથમિક શિક્ષણમાં લિપિવિદ્યા, અંકવિદ્યા શીખવ્યા બાદ શબ્દવિદ્યાનું શિક્ષણ અપાતું. ત્યારબાદ સાહિત્ય, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા, ન્યાય તેમજ અભિધર્મવિદ્યાનું શિક્ષણ અપાતું. ઉપરાંત દરેક પોતપોતાના ધર્મ અનુસાર વેદ-વેદાંગ, ત્રિપિટક, આગમ, રામાયણ, મહાભારતાદિનું અધ્યયન કરતાં. વલભી વિદ્યાપીઠની ગણના ભારતની વિખ્યાત નાલંદા વિદ્યાપીઠ સાથે થતી. તેમાં આકરી પરીક્ષા બાદ પ્રવેશ મળતો. આ સમય દરમ્યાન ‘વસુદેવ હીંડી’, ‘હરિવંશપુરાણ’ જેવા જૈનગ્રન્થો અને ‘ભટ્ટિકાવ્ય’ જેવા નૂતન પ્રકારના મહાકાવ્યની રચના થઈ. પ્રતીહારો ને રાષ્ટ્રકૂટોની ભીંસ : મૈત્રકોની સત્તા ગુજરાતના વિશાળ ભૂભાગ ઉપર હતી. તે રાજ્યનો અંત આવતાં ઉત્તરમાંથી પ્રતીહારવંશી રાજવીઓ અને દક્ષિણમાંથી રાષ્ટ્રકૂટવંશી રાજવીઓ પોતપોતાની સત્તાભૂખ સંતોષવા લાગ્યા હતા. જોકે મૈત્રકરાજ્યના અંત સમયે આ બંને વંશોની સ્પર્ધામાં મૈત્રકો ભીંસાવા લાગ્યા હતા. રાષ્ટ્રકૂટ રાજવી દંતિદુર્ગે ૭૫૭ સુધીમાં રેવા આસપાસનો પ્રદેશ દબાવી દીધેલો. જ્યારે ઉત્તર લાટમાં સત્તા ભોગવતા ચાહમાન રાજાઓ પર પ્રતીહાર રાજા નાગભટ(પહેલા)એ આધિપત્ય જમાવી દીધેલું. રાષ્ટ્રકૂટો લાટમંડલ, મહી અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, અંકોટ્ટક, ચોરાશી, ભરુકચ્છવિષય, માહિષક(મહિસા), નવસારિકા વગેરે પર સત્તા ધરાવતા હતા. આ વિભાગોમાં પણ વધઘટ થયા કરતી. પ્રતીહારોએ આ અરસામાં (૮૮૮ આસપાસ) સૌરાષ્ટ્રમાં પોતાનું આધિપત્ય દૃઢ કર્યું. પ્રતીહારોની સત્તા સુરાષ્ટ્ર-મંડલના દક્ષિણ વિભાગમાં સત્તા ધરાવતા ચાલુક્યો ઉપર તથા વર્ધમાન (વઢવાણ) આસપાસના પ્રદેશ પર સત્તા ધરાવતા ચાપવંશના રાજવીઓ પર ચાલતી હતી. પ્રતીહાર રાજવી મહેન્દ્રપાલે લાટના રાષ્ટ્રકૂટોની સત્તાનું ઉન્મૂલન કરી ખેટકમંડલ કબજે કરેલું. સમકાલીન સ્થાનિક રાજ્યો : મૈત્રકકાલ પછીના લગભગ દોઢસો વર્ષના સમયગાળામાં સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં જાયદ્રથ સૈન્ધવો ૯૨૦ સુધી સત્તા ઉપર રહ્યા. પછીથી આ પ્રદેશ જ્યેષ્ઠુક નામે ઓળખાયો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્ય કુલની સત્તા હતી. ઉત્તર સૌરાષ્ટ્રમાં ચાપકુલની સત્તા હતી. પૂર્વ સૌરાષ્ટ્ર વલભીમાં વાળાઓએ સત્તા જમાવી ને તેમની બીજી શાખા વામનસ્થલી(વંથલી)માં સ્થપાઈ જે આગળ જતાં ચુડાસમાઓએ લઈ લીધી. કચ્છમાં જાડેજાઓની સત્તા હતી. અણહિલપત્તનના ચાવડા : કાન્યકુબ્જના પંચોલીને મારીને એની પાસેથી પ્રાપ્ત ખંડણીની રકમ પડાવી વનરાજ ચાવડાએ જૂના લાખ્ખારામ પાસે અણહિલપત્તન વસાવી ચાવડાઓની સત્તા જમાવી જે ૮૮૦ની આસપાસથી આરંભી ઈ.સ. ૯૪૨ સુધી રહી. અનુમૈત્રકાલીન સંસ્કૃતિ : મૈત્રકો પછીના આ અનુમૈત્રકકાળમાં ધર્મ અને સાહિત્યક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઈ. રાષ્ટ્રકૂટ રાજાઓ તુલાપુરુષ અને હિરણ્યગર્ભના સમારંભ યોજી ઘણું સંપત્તિદાન કરતા. આ સમય દરમ્યાન સાસાની અને ગધૈયા પ્રકારના સિક્કાઓનું પ્રચલન હતું. સંગીતમાં ખંભાયતી અને બિલાવલ રાગ ખંભાત અને વેરાવલની સ્મૃતિ સાચવી રહ્યા. જ્ઞાતિઓમાં નાગરબ્રાહ્મણ, વાળા અને વાલમ, કાયસ્થ જેવી જ્ઞાતિઓ પ્રચલિત થઈ. ઈરાનથી જરથોસ્તીઓ દીવ અને સંજાણ બંદરે ઊતર્યા. ગુપ્તવલભી અને શકસંવત વધુ પ્રચલિત હતા પરંતુ પ્રતીહારોની અસરથી હવે વિક્રમસંવત વપરાવા લાગ્યો. જ્યારે લિપિમાં દક્ષિણી મરોડ પ્રચલિત હતો. તેમાં ઉત્તરી મરોડ ઉમેરાયો. અનુમૈત્રકકાલીન સ્થાપત્યમાં વિભિન્ન શહેરોના ભગ્ન અવશેષો, સૂર્ય, વિષ્ણુ, ભૈરવ, કાતિર્કેય, શિવપાર્વતી, શક્તિ, કુબેર, રામ ઇત્યાદિ દેવ-દેવીઓનાં શિલ્પો, જૈન તથા બૌદ્ધ પ્રતિમાઓ વગેરે મળે છે. સોલંકીરાજ્યની સ્થાપના : ૯૪૨માં ચાલુક્ય મૂળરાજ ચાવડા સત્તાનો હ્રાસ કરી અણહિલપાટક આસપાસનો પ્રદેશ હસ્તગત કરી ચૌલુક્યોની સત્તા સ્થાપે છે. ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં એનું મૂલ્ય ઘણું છે. ‘ગુજરાત’ નામ : મૈત્રકોના સમયમાં આબુની ઉત્તરે આવેલો પ્રદેશ ‘ગુર્જર દેશ’ કે ‘ગુર્જરભૂમિ’ કહેવાતો. ઉજ્જૈન ને કનોજના રાજાઓ પોતાને ગુર્જરેશ્વર કહેવરાવતા. મૂળે ‘ગુજરાત’ નરસિંહરાવ દિવેટિયા જણાવે છે તેમ ગુર્જરનું અરબી પ્રત્યય લાગીને થયેલું બહુવચન છે. પછી પ્રતિનિમિર્તિ ( Back formation) દ્વારા ગુર્જરત્તા >> ગુર્જર થયું હશે, એવી સંભાવનાને કે.કા.શાસ્ત્રી પણ અનુમોદન આપે છે. ભગવાનદાસ ઇન્દ્રજીએ ‘ગુર્જર-રાગ’ શબ્દ સૂચવ્યો છે, તો ‘ગુર્જરાષ્ટ્ર’ અને ‘ગુર્જર લાટ’ જેવાં રૂપો પણ સૂચવાયાં છે. સોલંકીઓનો રાજ્ય-અમલ : મરુદેશના સત્યપુર(સાંચોર)મંડલ અને અણહિલ્લપાટક પાસેના સારસ્વત(સરસ્વતીનદીનો પ્રદેશ) મંડલ, એ બે પ્રદેશો પર મૂળરાજે પ્રારંભમાં સત્તા મેળવી. પછી સૌરાષ્ટ્રના ગ્રહરિપુ અને કચ્છના લાખા ફુલાણીને હરાવ્યા. આબુના પરમારાજા ધરણીવરાહ ઉપર આણ વર્તાવી. મૂળરાજ અને એના પુત્ર-પૌત્રોના સમયમાં માલવા અને લાટ સાથે વિગ્રહ ચાલુ રહ્યો. ભીમદેવ(પહેલા)ના સમય(૧૦૨૨-૧૦૪૬)માં મહમૂદ ગઝનવી ગુજરાત પર ચડી આવ્યો. કર્ણદેવ (૧૦૬૪૧૦૯૪) માલવ સાથેના યુદ્ધમાં ફાવ્યો નહિ. આશાપલ્લીના ભીલસરદારને હરાવી ત્યાં કર્ણાવતીનગરી વસાવી. લાટદેશ જીતી સોલંકીસત્તા વિસ્તારી. તેના પુત્ર સિદ્ધરાજ જયસિંહ(ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩)ના સમયમાં ગુજરાતનો સુવર્ણકાલ શરૂ થયો. તેણે સૌરાષ્ટ્રના બર્બરકને જીત્યો. સોરઠના રા’ખેંગારને તથા માળવાના યશોવર્માને હરાવ્યા. સોલંકી રાજ્યના સીમાડા હાલના ગુજરાત કરતાં પણ ઘણા વધાર્યા. સિદ્ધરાજ અપુત્ર મૃત્યુ પામતાં ભીમદેવની રાણી બકુલાદેવીનો વંશજ કુમારપાલ(૧૧૪૩-૧૧૭૪) ગાદીપતિ બન્યો. તેણે શાકંભરીના ચૌહાણોને હરાવ્યા. કોંકણના મલ્લિકાર્જુનનો વધ કર્યો. કુમારપાલનો ઉત્તરાધિકારી અજયપાલ હતો. તેણે સપાદલક્ષના સોમેશ્વર(પૃથ્વીરાજ ચૌહાણનો પિતા)ને કર દેતો કર્યો. એના પુત્ર બાલ મૂલરાજે મહમદ ઘોરીના હુમલાને મારી હઠાવ્યો. (૧૧૭૮) ભીમદેવ(બીજા)એ(૧૧૭૮-૧૨૪૨) લાંબો સમય રાજ્ય કર્યું. એના સમયમાં કુતુબુદ્દીન ઐબકે બે વાર ગુજરાત પર ચડાઈ કરી. મેવાડ, મારવાડના સામંતો સ્વતંત્ર થયા. ગુજરાતની સત્તા નબળી પડી. ધવલક્ક(ધોળકા)નો માંડલિક લવણપ્રસાદ રાજ્યમાં સર્વેશ્વર બન્યો. તેના યુવરાજ વીરધવલે ગુજરાતના રાજકીય સંરક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. લવણપ્રસાદ ને વીરધવલ પછી વીરધવલના પુત્ર વીસલદેવે સત્તા સંભાળી. ભીમદેવના ઉત્તરાધિકારી ત્રિભુવનપાલ પછી એ (વીસલદેવ) ૧૨૪૪માં પાટણનો રાજા બન્યો. વાઘેલા સોલંકીઓ : ગુજરાતના સોલંકીઓની જગ્યાએ વાઘેલા (સોલંકી)ઓનું શાસન સ્થપાયું. વીસલદેવ(૧૨૪૪-૧૨૬૨)ના રાજ્યારોહણ સમયે તેજપાલ મહામાત્ય હતો. વીસલદેવે માલવા પર ચડાઈ કરી ધારાનો ધ્વંસ કર્યો. મેવાડના રાજા તેજસિંહને હરાવ્યો. કર્ણાટકની રાજ્યલક્ષ્મી લીધી. એના પછી એનો ભત્રીજો અર્જુનદેવ ગાદીપતિ થયો. એના પુત્ર સારંગદેવે માલવરાજ ગોગને તેમજ યાદવરાજા રામચંદ્રને હરાવ્યો. સારંગદેવ પછી એનો ભત્રીજો કર્ણદેવ ગાદીએ બેઠો (૧૨૯૬). તેના સમયમાં અલ્લાઉદ્દીન ખલજીની સેનાએ આક્રમણ કરતાં કર્ણદેવ પાટણ છોડી ચાલ્યો ગયો (૧૨૯૯). આમ ૩૦૦ વર્ષના સોલંકીરાજ્યનો અંત આવ્યો. ગુજરાતનો સુવર્ણકાળ : ગુજરાતના ઇતિહાસના આ સુવર્ણકાળમાં મૈત્રકકાળ કરતાં ગુજરાતનો વિસ્તાર વધારે હતો. રાજ્યતંત્ર વિકસિત હતું. વહીવટી વિભાગોમાં મંડલ, પથક જેવા વિભાગો હતા. જુદાં જુદાં કરણો(ખાતાં) મહામાત્યો, પ્રાદેશિક વહીવટ માટે મહામંડલેશ્વર, દંડનાયક, પંચકુલ આદિ નિમાતા. કુંભાર, સોની, સુથાર વગેરેની ધંધાદારી શ્રેણીઓ હતી. તે સમયે નિષ્ક, દ્રમ્મ, વિંશતક, રૂપક, કાકિણી, પણ, વરાટક નામના સિક્કાઓ વપરાતા. જોકે એના નમૂના ભાગ્યે જ બચ્યા છે. શિવ, વિષ્ણુ, સૂર્ય, શક્તિ ઇત્યાદિ દેવ-દેવીઓની ઉપાસના થતી. વ્રતો ને તહેવારો પળાતા – હેમચન્દ્રાચાર્ય જેવા પ્રસિદ્ધ વિદ્વાન આ કાળમાં થયા. જૈનધર્મની પ્રવૃત્તિ વિકસતાં અહિંસાની ભાવના વધી. સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં હેમચન્દ્રાચાર્યે અને લવણપ્રસાદ વીરધવલના સમયમાં વસ્તુપાલે વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું. અનેક વિદ્વાનોએ તર્કવિદ્યા, દર્શન, સાહિત્ય, કાવ્યશાસ્ત્ર અને શબ્દશાસ્ત્રનું ખેડાણ કર્યું. અનેક ગ્રન્થોની રચના થઈ. ગુર્જર અપભ્રંશ ભાષા તથા નાગરી લિપિ આ સમયમાં પ્રવર્તમાન હતાં જેમાંથી આજની ગુજરાતી ભાષા તથા લિપિ નક્કી થયાં. આ કાળમાં વિક્રમસંવતનું પ્રચલન થયું. એનાં વર્ષ વલભીસંવતની જેમ કાતિર્કાદિ ગણાયાં, વલભીસંવત લુપ્ત થયો. સિદ્ધરાજની સિદ્ધિની યાદમાં ‘સિંહ’ સંવત અસ્તિત્વમાં આવ્યો ને લુપ્ત થયો. સોલંકીકાળની સમૃદ્ધિ અનેક શિલ્પકૃતિઓમાં અને મંદિરોમાં જોવા મળે છે. સોમનાથનું મંદિર, મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમહાલય, આબુ, શત્રુંજો, તારંગા વગેરેનાં દેવાલયો, વડનગર જેવાં તોરણો, ડભોઈ, ઝીંઝુવાડા જેવા દુર્ગો, સહસ્રલિંગ જેવાં સરોવરો, રાણીની વાવ જેવી વાવો સોલંકી શાસનના સુવર્ણયુગની સમૃદ્ધિનાં પરિચાયક છે.


ઐતિહાસિકયુગ (મધ્યકાળ)

ગુજરાતના ઇતિહાસનો મધ્યયુગ એ મુસલમાનસત્તાના ઉદયનો સમય છે. ગુજરાતના કર્ણ વાઘેલાના સમયમાં ૧૨૯૭માં ઉલુગખાનની સરહદ નીચે દિલ્હી-સુલતાન અલાઉદ્દીન ખલજીએ ફોજ મોકલી સોલંકીસત્તાનો અસ્તકાળ આણ્યો ને ૧૩૦૦થી અણહિલપાટકમાં મુસ્લિમ સત્તા સ્થાપિત થઈ. અગાઉનાં મુસ્લિમ આક્રમણો : આ અગાઉ ગુજરાતમાં સાતમી અને આઠમી સદીમાં જુનૈદ, હિશામબિનઉમર તગ્લબી વગેરે આરબ મુસલમાનોએ ગુજરાત પર ચડાઈ કરી હતી પરંતુ તેઓ ટકી શક્યા ન હતા. ઉત્તર ભારતમાં એ વખતે ગુર્જર, પરિહાર કે પ્રતીહાર, ચૌહાણ, ચૌલુક્ય, તુંવર, રાઠોડ, ચંદેલ, વાઘેલા અને બુંદેલ એ નવ રાજવંશોના વંશજો રાજ્ય કરતા હતા. ગુજરાતમાં સોલંકી ભીમદેવ(પહેલા)ના સમયમાં (૧૦૨૫) મહમૂદ ગઝનવીએ, મૂળરાજ(બીજા)(૧૧૭૭)ના સમયમાં શિહાબુદ્દીન ગોરીએ અને ભોળા ભીમ તરીકે જાણીતા થયેલા ભીમદેવ(બીજા)ના સમયમાં (૧૧૯૪ તથા ૧૧૯૬) શિહાબુદ્દીન ગોરીના સરદાર કુત્બુદ્દીન અયબકે ચડાઈ કરી નુકસાન કરેલું. અરબો અને ઈરાનીઓ : અરબો અને ઈરાનીઓના ગુજરાત સાથેના પ્રથમ સંબંધો વેપાર અંગેના હતા. એ અગાઉ લાંબા સમયથી અરબોએ ગુજરાતમાં મોટી સંખ્યામાં વસવાટ શરૂ કર્યો હતો. તેઓ કિનારાના પ્રદેશમાં સ્થાનિક પ્રજા સાથે હળીમળીને રહેતા હતા. હિંદુ રાજાઓ તરફથી તેમને કોઈ કનડગત નહોતી. પારસીઓનું આગમન અને વસવાટ : આ સમય દરમ્યાન ઝરથોસ્તી લોહી ધરાવતા પારસીઓ ઈરાનના અખાતથી થાણાના કિનારા સુધી દરિયાઈ વેપાર ખેડતા હતા. ૬૫૧માં આરબોએ ઈરાન જીતતાં વેપારી પારસીઓ ભારતમાંથી વતન ગયા નહિ અને કેટલાંક કુટુંબો રફતે રફતે ઈરાનથી ભારતમાં આશ્રય લેવા ૭૭૧માં દીવબંદરે ઊતર્યાં અને સંજાણ થઈ ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાઈ ગયાં. તેઓ ખેતી, દારૂતાડીનું વેચાણ, વિશિષ્ટ પ્રકારનું વણાટકામ, વહાણ બાંધવાનું કામ, દલાલી, વ્યાજવટાવ વગેરે ધંધો કરતા. મુસ્લિમ સંતો, ફકીરો, દરવેશો : આ બધા સમય દરમ્યાન મુસલમાન સૂફીઓ, ફકીરો અને દરવેશો અરબસ્તાન તથા ઈરાનમાંથી ભારત આવ્યા ને ભારતનાં અન્ય સ્થળે તથા ગુજરાતમાં વસી ગયા. આ લોકોનું જીવન ત્યાગમય અને ભક્તિઆધારિત હતું. ધર્મપ્રચાર તેમનો હેતુ હતો. ઉપરાંત સોલંકીઓના રાજ્યકાલ દરમ્યાન પણ મુસલમાન વેપારીઓ ને પ્રચારકોને રાજ્યમાં વસવા ઉપરાંત મસ્જિદ બાંધવાની પણ છૂટ અપાયેલી. ગુજરાત નાઝિમોની સત્તા નીચે : અલાઉદ્દીને ગુજરાત-વિજય કર્યા પછી અલપખાનને ગુજરાતના નાઝિમ (હાકેમ) તરીકે મોકલ્યો. દિલ્હીના સુલતાનો તરફથી શરૂ થયેલી હાકેમો કે નાઝિમોની પરંપરા એક સદી પર્યંત ચાલુ રહી. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત : ૧૩૯૮ની તૈમૂરલંગની દિલ્હી લૂંટવાની અને બાળવાની ક્રિયાથી દિલ્હી સલ્તનત હચમચી ગઈ. નબળી પડેલી સલ્તનતોના સૂબાઓના હાકેમો સ્વતંત્ર રાજકર્તા થઈ બેઠા. ૧૩૯૦માં નિમાયેલ ગુજરાતના નાઝિમ ઝફરખાને પાટણમાં સ્વતંત્ર સલ્તનત સ્થાપી. પરિણામે ગુજરાત અને દિલ્હી વચ્ચેનો સંબંધ તૂટ્યો. ઝફરખાનનો પુત્ર તાતારખાન દિલ્હી જીતવાની હોંશ લઈ. ઈ.સ. ૧૪૦૩માં સત્તાધારી બન્યો ને ‘મોહમ્મદશાહ’ ખિતાબ ધારણ કર્યો, પણ અતિ શરાબી હોવાથી બે મહિનામાં જ હૃદયરોગથી મૃત્યુ પામ્યો. ૧૪૦૭માં ઝફરખાન ‘મુઝફ્ફરશાહ’ ખિતાબ ધારણ કરી ફરી ગુજરાતનો સુલતાન બન્યો. પરંતુ બીમારીને કારણે ૧૪૧૦માં પૌત્ર અહમદશાહને તખ્તનશીન કરી નિવૃત્ત થયો. ત્યારબાદ એક પછી એક બાદશાહો આવતા રહ્યા. સુલતાન બહાદુરશાહ(૧૫૨૫-૩૬)ને પરદેશી લોકો પ્રત્યે લાગણી વધતાં સ્થાનિક લોકોની કદર ઘટી ને સલ્તનતની પડતીનાં બી રોપાયાં. મહમદશાહ(ત્રીજા)ના સમય(૧૫૩૬’૫૪)માં એનાં ફળ દેખાવા લાગ્યાં. અહમદશાહ(ત્રીજા)ના રાજ્યકાલ(૧૫૫૪-’૬૦) દરમ્યાન ગુજરાત સલ્તનતનું ઐક્ય તૂટ્યું. અમીરોનો અમલ ને લશ્કરી દોડધામ વધ્યાં. દમણ પોર્ટુગીઝોને હાથ ગયું. છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહના રાજ્યના અંતભાગમાં અમીરોએ સલ્તનતના ભાગ પાડી વહેંચી લીધા, જોકે તેઓમાં પણ કુસંપ હતો. મુગલ સલ્તનત નીચે ગુજરાત : ઈ.સ. ૧૫૭૨માં અકબરે ગુજરાત જીત્યું ને ખાલસા કર્યું. ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ આશ્રય માટે રઝળતો રહ્યો ને છેવટે પકડાયો ને ૧૫૯૧માં આપઘાત કર્યો. આ સમયે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં અમીનખાન ગોરીની સત્તા સર્વોપરી હતી. જામનગર ને કચ્છના રાજાઓ તથા રજપૂત ઠાકરો લાભ જણાય તેને ટેકો આપતા હતા. અકબરે એ સિવાયના ભાગની વ્યવસ્થા ચોકસાઈથી ગોઠવી. અકબર પછી જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ વગેરે બાદશાહો દિલ્હીમાં રાજ્ય કરતા હતા. તેમના તરફથી ગુજરાતમાં સૂબેદારો આવતા ને રહેતા. ઔરંગઝેબ પણ ગુજરાતમાં સૂબાગીરી કરી ગયેલો. મુગલસત્તા નબળી પડતી ગઈ ને છેવટે મરાઠાઓએ તેનો ૧૭૫૭માં અંત આણ્યો. મરાઠી સત્તા અને ગુજરાત : મરાઠાઓએ ગુજરાતમાં મુગલસત્તાના અંતિમ સમયમાં પગપેસારો કર્યો. ત્રીજા પેશ્વા બાલાજીના ભાઈ રઘુનાથરાવ અને ગાયકવાડ દામાજીરાવ(બીજા)નાં સંયુક્ત સૈન્ય ૧૭૫૭માં અમદાવાદ લઈ જઈ ત્યાં પોતાનો ભગવો ઝંડો ફરકાવ્યો. ગુજરાતના મુગલ સુબેદાર જવાંમર્દખાન બાબી બીજાને રાધનપુર અને તેની આસપાસની જાગીર આપી. તેમણે મરાઠી સત્તા ગુજરાતમાં સ્થાપી. બાલાસિનોર, સુરત, ખંભાત, ભરુચ વગેરે જગ્યાઓના નાના મુઘલ ફોજદારો આ સમયની અંધાધૂંધીનો લાભ લઈ સ્વતંત્ર થઈ ગયા. શેરખાન બાબીએ જૂનાગઢમાં સ્વતંત્ર સત્તા સ્થાપી. આમ છતાં ટંકશાળોમાં મુગલ શહેનશાહના નામના સિક્કા પડાતા રહ્યા. સુલતાનોના સમયનો વહીવટ : ગુજરાતના સુલતાનોના સમયમાં સલ્તનત પચીસ ભાગમાં વહેંચવામાં આવેલી. દરેક ભાગને સરકાર કહેતા. ઉપરાંત ૨૫ બંદરો ગુજરાતની હદમાં પશ્ચિમ કિનારા ઉપર ને ૨૬ બંદરો ઈરાની અખાત ને અરબી સમુદ્રમાં હતાં. મુઘલ બાદશાહ અકબરે ગુજરાતને માત્ર નવ સરકાર : ૧, અમદાવાદ ૨, પાટણ ૩, નાંદોલ ૪, બરોદા ૫, ભરુચ ૬, ચાંપાનેર ૭, સુરત ૮, ગોધરા અને ૯, સોરઠમાં વહેંચેલી. આ નવ સરકારમાં ૧૯૮ પરગણા ને ૧૩ બંદરો હતાં. મુઘલના અંત સમયે અંધાધૂંધી પ્રવર્તી તેથી ચોપડા વ્યવસ્થિત રાખી શકાતા નહિ. આમ છતાં મિરાતે અહમદીના કર્તાએ ‘ખાતિમહ’માં દસ સરકાર ને છ જમીનદારો હોવાનું નોંધ્યું છે. આ સમયમાં અનેક ઠકરાતો, જમીનદારો, રાજાઓ અસ્તિત્વમાં આવ્યા. નાઝિમો તેમની સામે લડીને ખંડણી લે એવા શક્તિશાળી હોય તો જ ખંડણી મળતી. નાઝિમોમાંથી અલપખાન(૧૩૦૦-૧૩૧૬), ઝફરખાન (૧૩૧૮-૧૯), મલેક તાજુદ્દીન તુર્ક જાફર(૧૩૨૦-૨૪), નિઝામુલમુલ્ક(૧૩૪૫-૬૨), ઝફરખાન(બીજો) (૧૩૬૯-૭૯) અને ફર્હતુમુલ્ક(૧૩૮૦-૮૭)ને સ્થાનિક પ્રજા સાથે સહાનુભૂતિ હતી. એમના સમયમાં ભાંગેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર પણ થયેલો ને નવાં મંદિરો પણ ચણાયેલાં. બાકીના સમયમાં પ્રજાએ પાર વિનાની હાડમારીનો સામનો કરવો પડેલો. અમદાવાદની સ્થાપના : મુઝફ્ફરશાહ(૧૪૦૭-૧૦), અહમદશાહ(૧૪૧૦-૪૨) અને કુત્બુદ્દીન(૧૪૫૧-૧૪૫૭) જેવાનો મુસ્લિમ સલ્તનતનો સમય બળવો દબાવવા, રાજ્યવૃદ્ધિ કરવા ને સ્થિરતા સ્થાપવામાં ગયો. આમાંના અહમદશાહે રાજ્યવહીવટની સરળતા ખાતર અમદાવાદને રાજધાની બનાવ્યું. તેના સમયમાં બંધાયેલાં જુમા મસ્જિદ(બાદશાહનો હજીરો), રાણીઓનો રોજો(રાણીનો હજીરો)ને ત્રણ દરવાજા નોંધપાત્ર ગણાય. તેણે લશ્કરમાં હિંદુઓની ભરતી કરી તેમજ તેમને ઊંચા હોદ્દા પણ આપ્યા. તેના પુત્ર મોહમ્મદશાહ(બીજા)ના પુત્ર અહમદશાહ(બીજા)ના સમય(૧૪૫૧-૫૮)માં અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ અને તેમાંની નગીનાવાડી બન્યાં. તેણે તળાવકિનારે ‘ઘટામંડળ’ નામે ઓળખાતો મહેલ પણ બનાવેલો. ત્યારપછી મહમૂદ બેગડાના સમયમાં શહેરની વસ્તી ઘણી વધી. મિરઝાપુરમાં આવેલી રાણી રૂપવતીની મસ્જિદ તેના સમયમાં બની. અમદાવાદની સંપત્તિ અને સમૃદ્ધિ ઉત્તરોત્તર વધતાં ગયાં. છેવટે બહાદુરશાહ(૧૫૨૫-૩૬)ના સમય પછી ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો અંત આવ્યો. ગુજરાતના મુસલમાન સુલતાનોના અમલ દરમ્યાન કિલ્લા, મસ્જિદ, ઘુમ્મટ, વાવ અને મિનારા જેવાં સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યાં. આ સ્થાપત્યમાં હિંદુ-મુસ્લિમ કારીગરીનું મિશ્રણ ધ્યાન ખેંચે છે. આ સ્થાપત્યમાં શેખ સીદી સઈદની બંધાયેલી મસ્જિદ (૧૫૭૨-૭૩)ની પશ્ચિમ દીવાલમાં બનાવેલ બે ફૂલવેલ અને વનસ્પતિની કારીગરીયુક્ત જાળી અને હલતા મિનારા સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના છે. સુલતાનોના સમયમાં અમદાવાદ ઉપરાંત સુલતાનપુર, અહમદનગર, મહમૂદાવાદ (મહેમદાબાદ), મુઝફ્ફરાબાદ, જીતપુર વગેરે સ્થળો વસાવ્યાં. દસ ગાડી એક સાથે ચાલી શકે તેવા, બંને બાજુ વૃક્ષો ધરાવતા પહોળા રાજમાર્ગો, તળાવો, બાગો, વિવિધ ફળ-ફૂલો, ઊંચા પ્રકારની ડાંગર વગેરેની અનુકૂળતા કરી ખેતીને ઉત્તેજન આપ્યું. પશુઓના ચરિયાણ માટે બીડ રાખ્યાં. તેમણે અમદાવાદમાં પથ્થરનું કોતરકામ, જરીકામ, કારચોવી(કાષ્ઠશિલ્પ), સુખડ અને હાથીદાંત ઉપરની કારીગરી; કિનખાબ, મખમલ, સુકરાત, ઇલાયચી, અતલસ, ઉત્તમ કાગળ, વગેરેનાં કારખાનાં બનાવરાવ્યાં, જેની કારીગરી દેશપરદેશમાં વખણાતી. દરિયાઈ સૈન્ય : અહમદશાહ(પહેલા)એ ખંભાતને કેન્દ્ર બનાવ્યું. મહમ્મદ બેગડે દરિયાઈ સૈન્ય ઊભું કર્યું. જહાજો તૈયાર કરવા, તોપો બનાવવી વગેરે કાર્યોને ઉત્તેજન મળ્યું. ખંભાતનો અખાત મોટા જુવાળથી પુરાઈ ગયો, ત્યારે દીવ, મીરબહ્રનું મથક બન્યું. ચાંચિયાઓનો વધ કર્યો. દરિયાઈ વેપાર વધ્યો. સુલતાનોની સહિષ્ણુતા : અકબરે ગુજરાત જીત્યા પછી હિંદુમુસ્લિમ સંબંધો વધ્યા. યાત્રાળુઓ મોટા સમૂહોમાં યાત્રાએ જવા લાગ્યા. અકબર અને જહાંગીરે વૈષ્ણવ ધર્મગુરુઓને જમીનો અને ખિતાબો આપી એમનું બહુમાન કર્યું. જૈન સૂરિઓને પણ ધર્મસ્થાનકો માટે દેણગી મળી. હિરવિજયસૂરિની વિનંતીથી અકબરે જજિયાવેરો નાબૂદ કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં વહાણો સુરતમાં વેપાર કરવા આવ્યાં. શાહીબાગ અને શાહી સૂબેદારો : જહાંગીર ૧૬૧૭માં ગુજરાતમાં આવ્યો. શાહજાદો હતો ત્યારે શાહજહાં સૂબેદાર તરીકે આવ્યો. એણે ૧૬૨૨માં એક મોટી હવેલી ને બાગ બનાવરાવ્યો જે ‘શાહીબાગ’ તરીકે ઓળખાય છે. ઔરંગઝેબ ગુજરાતની ભૂમિમાં જન્મ્યો. ૧૬૨૨-’૪૪ દરમ્યાન સૂબેદાર થઈને આવ્યો. તેણે પોતાના શાહજાદા મોહમદ આઝમ પર લખેલા પત્રમાં અમદાવાદને ભારતનું આભૂષણ અને ગુજરાતને સિપાહીઓની ખાણ કહેલું છે. મુઘલ બાદશાહોના ૫૯ સૂબેદારો ગુજરાત આવી ગયા, તેમાં મિરઝા અઝીઝ કોકા, અબ્દુલ રહીમ ખાનખાનાન અને દારા શિકોહ ગુજરાતના હિતેચ્છુ અને શુભેચ્છક તરીકે રહ્યા. અબ્દુલરહીમ ખાનખાનાને તો ફકીર અને ભિખારીઓ માટે પણ જાહેર હમામ બંધાવેલા. આજના મુશાયરા પણ એ ખાનખાનાનની ભેટ છે. ૧૬૧૭ની જહાંગીરની અમદાવાદની મુલાકાત સમયે ખાનખાનાનની પુત્રી ખૈરુન્નિસાએ પાનખર ઋતુમાં કાગળ અને મીણ વડે વૃક્ષોને બનાવટી ફળફૂલથી શોભિત બનાવેલાં જે વસંતનો ખ્યાલ આપતા હતા. જહાંગીર તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયેલો. ૧૬૨૯ના ભયંકર દુષ્કાળ વખતે શાહજહાંએ લંગરખાનાં ખોલાવેલાં. એટલું જ નહિ અમદાવાદને થયેલું નુકસાન જોતાં બહારથી અનાજ મંગાવવા શાહી ખજાનામાંથી સહાય કરેલી. સુરત સોનાની મૂરત : સુરત એ વખતે ભારતનું મોટામાં મોટું બંદર હતું. સુરતથી સમગ્ર ભારતમાં જવા માટે ધોરીમાર્ગો પસાર થતા, જેના પર આખલા, ઊંટ, કે બળદગાડાં પર લાદીને માલ રવાના થતો. સુરતનાં વહાણો ભારતના દક્ષિણ કિનારાનાં બંદરો ઉપરાંત સિંહલદ્ધીપ, ઈરાન, અરબસ્તાન, આફ્રિકા ને રાતાસમુદ્રનાં બંદરો પેગુ વગેરે તથા જાવા-સુમાત્રા સુધી જતાંઆવતાં. સુરત ‘મક્કાનો દરવાજો’ ગણાતું. ૧૫૮૨થી ફારસી દફતરી ભાષા તથા રાજભાષા બની. શાસકોનાં ફરમાનો, ખતપત્રો તથા ન્યાય ફારસીમાં અપાતાં. ૧૮૪૪માં ફારસીનું સ્થાન અંગ્રેજીએ લીધું. આમ મધ્યકાલીન સમયના ગુજરાતમાં મુસ્લિમ અમલ (૧૩૦૦થી ૧૭૫૩) દરમ્યાન અને મરાઠી સત્તા આવી ત્યાં સુધી સ્થાપત્ય, રાજ્યવહીવટ કચેરી, રહેણીકરણી અને ભાષા ઉપર તેમની અસર રહી.


ઐતિહાસિકયુગ (અર્વાચીનકાળ)

મુસ્લિમ અમલ દરમ્યાન દિલ્હીના સૂબાઓનું શાસન ગુજરાતે અનુભવ્યું. મોગલોના અવનતિના સમયે ગુજરાત એક તરફથી સમૃદ્ધ હતું તો બીજી તરફ એની સમૃદ્ધિ જ એની વેરી બની, પરદેશીઓને લલચાવી રહી હતી. પોર્ટુગીઝો : ગુજરાતમાં વેપારને બહાને પ્રથમ પ્રવેશ કરનાર પોર્ટુગીઝો હતા. તેમણે ૧૫૧૦માં ગોવા જીતી ત્યાંથી ગુજરાતકાઠિયાવાડના સમુદ્રકિનારે થાણાં સ્થાપવા પ્રયત્ન કર્યો. ૧૫૩૧માં દીવ તથા અન્ય સ્થાનો ઉપર હુમલાઓ કર્યા. છેવટે ૧૫૩૮માં દીવ અને ૧૫૫૯માં દમણ જીતી લીધાં. પછી આવેલા ડચ કે ફ્રેન્ચો ખાસ કાંઈ કરી શક્યા નહિ. અંગ્રેજોનું આગમન : આ સમય દરમ્યાન ૧૬૧૨માં અંગ્રેજોએ સુરતમાં કોઠી નાખી વેપાર આરંભ્યો. પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચો તેમના દુશ્મનો બની રહ્યા. ૧૬૬૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈનો ટાપુ મેળવી ત્યાં વડું મથક બનાવ્યું. મરાઠી સત્તાનાં પગરણ : આ સમય દરમ્યાન મરાઠાઓ પોતાના બાહુબળથી આગળ વધી રહ્યા હતા. ૧૬૬૪માં શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારથી એનાં પગરણ શરૂ થયાં ગણાય. સુરતને એણે ત્રણ ત્રણ વાર લૂંટ્યું ને ધીમે ધીમે ગુજરાતમાં પગપેસારો શરૂ કર્યો. ગાયકવાડી સત્તા : ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા જો ક્યાંય સ્થપાઈ હોય તો તે વડોદરામાં હતી. અઢારમી સદીના આરંભમાં પેશ્વા બાલાજી વિશ્વનાથે ગુજરાત-કાઠિયાવાડની ખંડણી વસૂલ કરવા ખંડેરાવ દાભાડેને સેનાપતિપદ આપેલું. આ દાભાડે સાથે દામાજી ગાયકવાડ નામે સરદાર પણ હતો. તેણે બાલાપુરમાં પોતાની તાકાતનો પરિચય આપતાં તેને નાયબ સેનાપતિપદ મળ્યું. દામાજીના અનુગામી પિલાજીરાવે સોનગઢમાં થાણું રાખી દક્ષિણ ગુજરાત પર હલ્લા શરૂ કર્યા. તેને કંતાજી કદમ બાંડે સાથે સંઘર્ષ થતા તેનું સમાધાન કરી પિલાજીરાવે મહીનદીથી દક્ષિણમાં અને પેશ્વાએ તેની ઉત્તરના ભાગમાં ખંડણી ઉઘરાવવાનું ઠરાવ્યું. ૧૭૩૧માં વડોદરા મુસ્લિમ સૂબા પાસેથી આંચકી લેવામાં આવ્યું. આથી મરાઠા અને મુસ્લિમ સૂબાઓ વચ્ચે ઘર્ષણ ચાલવા લાગ્યું, જેનો લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો. ૧૭૫૯માં એમણે સુરતનો વહીવટ લીધો. ૧૭૭૨માં ભરૂચ કબજે કર્યું. જેમાં મરાઠાઓના ખંડણી માટેના હક્કો કબૂલ રાખ્યા. પેશ્વા અને ગાયકવાડના હક્કો અંગેના ઘર્ષણનો લાભ લઈ અંગ્રેજોએ તેમાં દરમ્યાનગીરી કરી મરાઠાઓની ગુજરાતકાઠિયાવાડની ખંડણીના હક્કો ઓછા કરાવવાની નીતિ રાખી. પેશ્વાનો શેલુકર નામનો સેનાપતિ હારતાં પેશ્વાને તેમના ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાના હક્ક ગાયકવાડને આપવા પડ્યા. આ સમય દરમ્યાન સહાયકારી સૈન્યની યોજનાનો લાભ લઈ અંગ્રેજોએ દેશી રાજ્યો અને મરાઠાઓમાં પગપેસારો કર્યો. ૧૮૦૨માં મલ્હારાવ ગાયકવાડે પણ આ યોજના સ્વીકારી. વડોદરામાં અંગ્રેજ રેસિડેન્ટ રાખ્યો. કાઠિયાવાડમાં ૨૯૨ જેટલાં રજવાડાંઓને લીધે નિયમિત વસૂલાત ભાગ્યે જ થતી. આથી કંપની સરકારે પેશ્વા અને ગાયકવાડનો પક્ષ લેવાનું બહાનું કરી ત્યાં પણ પગપેસારો કર્યો. પેશ્વાએ લશ્કરી મદદના બદલામાં કાઠિયાવાડની ખંડણી અંગ્રેજોને આપી હતી. ૧૮૧૭-’૧૮માં ગાયકવાડ સાથે કરાર કરી લશ્કરી મદદના બદલામાં અમદાવાદના હક્ક અને બીજાં મહત્ત્વનાં સ્થળો પ્રાપ્ત કર્યાં. ૧૮૧૯માં પેશ્વાની સત્તા જતાં ગુજરાતની ખંડણીના હક્ક મળ્યા ને ૧૮૨૦માં તો લગભગ સમગ્ર ગુજરાતનો કારભાર અંગ્રેજહસ્તક આવી ગયો. અમદાવાદનો સૂબો કચ્છની ખંડણી ઉઘરાવી લાવતો. કચ્છની નાની નાની ઠકરાતોનું કચ્છના રાવ ખેંગારજી (પહેલા) દ્વારા એકીકરણ કરાતાં કચ્છનો વિકાસ થયો હતો. કંપની સરકારનો સૌપ્રથમ સંબંધ ૧૮૧૫થી સ્થપાયો. ૧૮૧૮માં દરમ્યાનગીરી કરી, બ્રિટિશ રેસિડેન્ટ રાખવાની શરૂઆત કરી અને પછી કચ્છ ઉપર પણ બ્રિટિશરોનો કાબૂ આવી ગયો. અંગ્રેજશાસન : ૧૮૧૯માં મરાઠા સત્તાના અંત પછી કંપની બધે સર્વોપરિ બની. ૧૮૭૦માં મલ્હારાવ વડોદરાની ગાદીએ આવ્યા પછી બ્રિટિશ રેસિડેન્ટ સાથે ઘર્ષણ વધ્યું. તેમને દોષિત ઠેરવી પદભ્રષ્ટ કર્યા. ૧૮૭૫માં સયાજીરાવ (ત્રીજા) ગાદીએ આવ્યા. તેમના સમયમાં વડોદરા રાજ્યે અનેક ક્ષેત્રે સારી પ્રગતિ કરી. ૧૯૩૯માં સયાજીરાવ મૃત્યુ પામતાં પ્રતાપસિંહ છેક વિલીનીકરણ થયું ત્યાં સુધી રાજ્યકર્તા રહ્યા. અંગ્રેજી શિક્ષણ : ૧૮૨૪માં સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટીતંત્ર વ્યવસ્થિત રીતે સ્થાપવાનો પ્રારંભ થયો. ૧૮૩૬માં કર્નલ કિટિંજે સૌરાષ્ટ્રના ઠાકોરોને સાત વર્ગમાં વહેંચી તેમને દિવાની ફોજદારી અધિકારો આપ્યા. એ દરમ્યાન વિભિન્ન સ્થળોએ વહીવટ માટે એજન્સીની પદ્ધતિ દાખલ કરવામાં આવી. ૧૮૨૬થી ૧૮૫૭ સુધીમાં શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે સુધારા થતા રહ્યા. ૧૮૨૬માં સુરત, ભરુચ, અમદાવાદ, ખેડા, નડિયાદ વગેરે સ્થળે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. ૧૮૪૨માં સુરતમાં, ૧૮૪૬માં અમદાવાદ, ૧૮૫૬માં ખેડા અને નડિયાદમાં અંગ્રેજી શાળાઓ સ્થપાઈ. વડોદરા, ભાવનગર, જૂનાગઢ, નવાનગર જેવાં દેશી રાજ્યોનાં શહેરોમાં પણ ગુજરાતી તથા અંગ્રેજી શાળાઓ શરૂ થઈ. ૧૮૫૧માં સૌ પ્રથમ કન્યાશાળા, ૧૮૫૭માં ગુજરાત ટ્રેનિંગ કોલેજ(પ્રેમચંદ રાયચંદ) અને ૧૮૭૧માં શિક્ષિકાઓ માટે ‘ફિમેલ ટ્રેનિંગ કોલેજ’ સ્થપાઈ. રાજકોટ ને વડોદરા રાજ્યમાં પણ આવી શાળાઓ શરૂ થઈ. અમદાવાદમાં વિનયન વિદ્યાશાખા(બૅચલર ઓફ આર્ટ્સ)ના શિક્ષણ માટે સ્વતંત્ર (ગુજરાત) કોલેજ ૧૮૮૭માં શરૂ થઈ. ૧૮૭૦માં રાજકોટમાં રાજકુમારો માટે ‘રાજકુમાર કોલેજ’ની સ્થાપના થઈ. આ દરમ્યાન સુરતમાં નેટિવ લાયબ્રેરી(૧૮૨૪) સ્થપાઈ. ઉપરાંત વિભિન્ન સભાઓ દ્વારા સમાજક્ષેત્રે કેટલાક સુધારા શરૂ થયા. સાહિત્યક્ષેત્રે તથા ધર્મક્ષેત્રે કેટલાક નોંધનીય સાહિત્યકારો અને ધર્મપુરુષો થયા. અંગ્રેજો સામે લડતનાં મંડાણ : ૧૮૫૭ પહેલાં બ્રિટિશસત્તા સામે પ્રજાની લડતનો પ્રારંભ થઈ ગયેલો જોવા મળે છે. ૧૮૪૪માં મીઠાવેરા વિરોધી હુલ્લડો થયાં. ૧૮૪૮માં નવાં તોલમાપના વિરોધમાં હડતાલ થતાં જૂનાં તોલમાપ ચાલુ રહ્યાં. ૧૮૩૫ મહીકાંઠામાં સરકાર સામે સશસ્ત્ર વિરોધ થયો. રાજકીય ક્રાંતિનો આરંભ : ૧૮૫૭ના વિપ્લવની અસર પ્રમાણમાં ઓછી જણાય છે. વડોદરા વફાદાર રાજ્ય રહ્યું, પણ આબુ અને પંચમહાલના પ્રદેશોમાં વધુ અસર થયેલી. મોટાં શહેરોની મસ્જિદોમાં દિલ્હીના બાદશાહના વિજય માટે બંદગીઓ થયેલી. ૧૮૫૭માં દાહોદ, અમદાવાદ, આણંદના સૈનિકોએ માથું ઊંચકેલું. અંગ્રેજોએ દિલ્હીમાં કાબૂ મેળવતાં જ બધે સખ્તાઈપૂર્વક વિદ્રોહીઓને દાબી દેવામાં આવ્યા. ૧૮૫૯માં ઓખામંડળના વાઘેરોએ રમખાણ મચાવ્યું પણ ફાવ્યા નહિ. સામાજિક ક્રાંતિ તરફ : વીસમી સદીના પ્રારંભથી રાષ્ટ્રીય ચળવળ મહત્ત્વ ધારણ કરવા લાગી. ૧૮૭૮માં સુરતમાં આવકવેરો ને પરવાનાવેરા વિરુદ્ધ હડતાળો પડી. તેમાં ઇચ્છારામ સૂ. દેસાઈની સામેના મુકદ્દમામાં ફિરોજશાહ મહેતાએ કેસ લડી તેમને નિર્દોષ છોડાવ્યા. આ સમય દરમ્યાન અનેક સાહિત્યકારો, આચાર્યો, ધારાશાસ્ત્રીઓ અને સમાજસેવકોએ પોતાની સેવાઓ આપી. આર્યસમાજ, થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના થઈ. ધાર્મિકક્ષેત્રે પણ નવા વિચારો આવ્યા. ૧૮૫૯માં અમદાવાદમાં કાપડની મિલ શરૂ થઈ. ૧૮૭૫માં સ્વદેશી ચીજો વાપરવા માટેની હિલચાલ થઈ. ૧૮૭૪માં સુરતમાં પારસી સ્ત્રીઓએ રેંટિયા ને હાથકાંતણના સૂતરની કસ્તી માટે સત્યાગ્રહ કરેલો. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ની સ્થાપના થઈ. બુદ્ધિશાળી વર્ગ રાષ્ટ્રીય હિત સમજવા લાગ્યો. દયાળજી કૃષ્ણવર્મા જેવા ક્રાંતિકારી દેશ છોડી પરદેશ જઈ રહ્યા ને ત્યાંથી ભારતની સ્વતંત્રતા માટે વર્તમાનપત્ર દ્વારા હિલચાલ શરૂ કરી. ૧૯૦૫માં બંગભંગ ચળવળ થઈ. અમદાવાદ અને અન્ય સ્થળે સ્વદેશી માલ વાપરવાની ચળવળ શરૂ થઈ. રાષ્ટ્રવાદ તરફની વૃત્તિ વધવા લાગી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદી લોકો માટે સેવાકાર્ય શરૂ કર્યું ને ત્યાંની સરકારની હિંદીવિરોધી નીતિ સામે સત્યાગ્રહ કર્યો. ૧૯૧૫માં તે ભારત પાછા આવ્યા. ગાંધીજીના આગમન પછી : આ સમય દરમ્યાન ગુજરાત અને સમગ્ર ભારતમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવા વિચારોનો પ્રવાહ વેગથી વહેવા લાગ્યો. પ્રજાતંત્ર ને પ્રજાસ્વાતંત્ર્યમાં માનનારા લોકો વધવા લાગ્યા. ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધ પછી સ્વરાજ્ય અંગેની ચળવળો શરૂ થઈ. ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ પ્રાંતિકપરિષદ ને હોમરૂલ જેવી સંસ્થાઓ કામ કરતી થઈ. આણંદમાં ચરોતર એજ્યુકેશન સોસાયટી તથા ભાવનગરમાં દક્ષિણામૂર્તિ જેવી શિક્ષણસંસ્થાઓ શરૂ થઈ. ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ શરૂ કર્યો. આ બધાં કાર્યોને વેગ આપવા ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ વગેરે વર્તમાનપત્રો પ્રજા-જાગૃતિનું કાર્ય કરવા લાગ્યાં. મજૂર-ચળવળ : ૧૯૧૮માં મજૂર સત્યાગ્રહ થયો. મજૂર સંગઠનનું હિત જોનાર અનસૂયાબહેન અને ગાંધીજીએ મજૂરો અને મિલમાલિકો વચ્ચે સમાધાનના પ્રયત્નો કર્યા જેમાં ગાંધીજીએ ઉપવાસનો આશ્રય પણ લીધો. ૧૯૧૯માં ખેડામાં મહેસૂલ પ્રશન્ે સરકારની કડકાઈ સામે પ્રજાવિરોધ થયો ને છેવટે સત્યાગ્રહ સામે સરકારને નમવું પડ્યું. સરકારી દમનનીતિ અને ‘રોલેટ એક્ટ’ જેવા કાયદાઓ, અમૃતસરનો હત્યાકાંડ વગેરેએ પ્રજાને જાગૃત કરી દીધી હતી. આ દરમ્યાન ૧૯૨૩-૨૪માં બોરસદ સત્યાગ્રહ થયો. પ્રજાએ શાંત અને શિસ્તબદ્ધ રીતે કાર્ય કર્યું. લડત મક્કમતાથી આગળ ચાલી ને છેવટે સરકારને નમતું મૂકવું પડ્યું. ૧૯૨૯ આસપાસ કોમવાદ વકરતો ગયો. હિંદુ-મુસ્લિમ વૈમનસ્યને કારણે હુલ્લડો ને તોફાનો થયાં. દેશીરાજ્યોમાં પણ સુધારા માટેની પ્રજાની માગણીઓ શરૂ થઈ, પરિણામે રાજકોટ, ગોંડલ, જામનગરમાં ચળવળ આગળ વધવા લાગી. દરમ્યાન બારડોલી સત્યાગ્રહની સફળતાથી પ્રજામાં ઉત્સાહ વધ્યો. ક્રાંતિનો બીજો તબક્કો : હવે રાષ્ટ્રીય ધોરણે કામ શરૂ થયું. સાયમન કમિશન અને સરકારની દમનનીતિનો ખુલ્લો વિરોધ થયો. કોમી હુલ્લડો થયાં. ૧૯૩૫માં નવા કાયદા નીચે પ્રાંતિક સરકાર અસ્તિત્વમાં આવી. સ્ત્રી પણ ભાગ લેવા આગળ આવી. સામાજિક સુધારાઓ થયા. મહિલામંડળો શરૂ થયાં. ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ધ અંગે પ્રજાનો મત જાણ્યા વિના બ્રિટિશ સરકારે ભારતને તેમાં સામેલ ગણ્યું. આથી ફરી સત્યાગ્રહ શરૂ થયો. રાજકીય કેદીઓથી જેલો ભરાવા લાગી. જેલમાં જનારાઓએ જેલોને જીવંત વિદ્યાપીઠ બનાવી. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલન શરૂ થયું. ઠેકાણે ઠેકાણે ગોળીબારો થયા. રાજકીય બનાવો ઝડપથી બનવા લાગ્યા. વિશ્વયુદ્ધ બંધ પડતાં ભારતને સ્વાતંત્ર્ય આપવા માટેનાં ચક્રો ગતિમાન બન્યાં. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે હિંદના ભાગલા કરી સ્વતંત્રતા આપવામાં આવી. વલ્લભભાઈએ દેશીરાજ્યોનો પ્રશન્ ઉકેલ્યો. પરિણામે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દેશીરાજ્યોનું વિલીનીકરણ થયું. ગુજરાતનો પ્રદેશ મુંબઈરાજ્યમાં ભળ્યો. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય થયું. કચ્છ ભારત સરકાર નીચે રહ્યું. મુંબઈ મહાદ્વિભાષી રાજ્ય ૧૯૫૬માં અમલમાં આવ્યું ને વળી તૂટ્યું. તેમાંથી કચ્છ, સૌરાષ્ટ્ર ને ગુજરાતનું ગુજરાતીભાષી રાજ્ય ૧ મે, ૧૯૬૦થી આકાર પામ્યું, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ભૂગોળ : ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ‘ગુજરાત’ તેના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશથી કુદરતી રીતે જુદો તરી આવે છે. કચ્છ પ્રદેશ ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલ છે. એની ઉત્તરે કચ્છનું રણ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વમાં કચ્છનું નાનું રણ અને દક્ષિણે કચ્છનો અખાત તથા સૌરાષ્ટ્ર પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પૂર્વે ભાગ આવેલા છે. પશ્ચિમે અરબી-સમુદ્ર છે. જૂના સમયમાં સૌરાષ્ટ્ર દ્વીપ (બેટ) હતો. કચ્છના નાના રણ અને ખંભાતના અખાત વચ્ચેનો ‘ભાલ-નળકાંઠા’નો નીચો ભૂમિપ્રદેશ છે ત્યાં સમુદ્રની ખાડી હતી. તે ખાડી પુરાઈ જતાં ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્ર ગુજરાતની તળભૂમિ સાથે જોડાઈ ગયો. આમ થતાં સૌરાષ્ટ્ર બેટ મટીને દ્વીપકલ્પ બની ગયો. ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્રને ઘણીવાર ‘દ્વીપકલ્પીય ગુજરાત’ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ગુજરાતનો બાકીનો પ્રદેશ ‘તળ ગુજરાત’ કે ‘મુખ્ય ભૂમિ ગુજરાત’ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, તળ ગુજરાતની સાથે ભાષા, સંસ્કૃતિ અને વહીવટની દૃષ્ટિએ ગાઢ રીતે સંકળાયેલા છે. સેંકડો વર્ષોથી આ ત્રણે પ્રદેશો પશ્ચિમ ભારતના એક સંકલિત પ્રદેશ રૂપે સંયોજાયા છે. પ્રાકૃતિક ભૂગોળની દૃષ્ટિએ ગુજરાતના આ સમસ્ત પ્રદેશને ૧, ડુંગરાળ પ્રદેશ, ૨, અંદરનો સપાટ પ્રદેશ અને ૩, સમુદ્રતટનો પ્રદેશ – એમ ત્રણ વિભાગમાં વહેંચી શકાય. જમીનના પ્રકારો, આબોહવા, ખનિજો, માનવજીવનનાં વિવિધ પાસાંઓની દૃષ્ટિએ આ પ્રદેશ બહુવિધતા અને લોકજીવનનું વૈવિધ્ય ધરાવે છે. જમીનનું વૈવિધ્ય, આબોહવા ને ખનિજોના વિપુલ જથ્થાની દૃષ્ટિએ ગુજરાત એક સમૃદ્ધ પ્રદેશ છે. વનસ્પતિ : ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પ્રકારની તેમજ વિવિધ સ્વરૂપની વનશ્રી પથરાયેલી છે. આ વનસ્પતિનો આધાર તેનાં સ્થાન, વર્ષા, ભૂ-સપાટી તેમજ જમીનના પ્રકાર ઉપર અવલંબે છે. દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર કરતાં વરસાદનું પ્રમાણ વધુ છે, આથી એ વિસ્તાર વનસ્પતિની વિપુલતા તેમજ વનરાજિની ગુણવત્તાની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે. આ વિસ્તારનો ઘણોખરો ભાગ ડુંગરો અને જંગલોથી ભરેલો છે. એમાં ડાંગ, રાજપીપળા, છોટાઉદેપુર અને દેવગઢબારિયાના વનપ્રદેશનો સમાવેશ થાય છે. આ જંગલો સીસમ, ખેર જેવાં વૃક્ષો માટે તેમજ વાંસ, ટીમરૂનાં પાન, મધ, મીણ, રંગ અને ઇંધણનાં લાકડાં માટે ઉપયોગી બને તેમ છે. ઔષઘિ માટેના છોડવાઓ પણ તેમાં ખરા. મધ્ય ગુજરાતનો પ્રદેશ ફળદ્રુપ અને કાંપયુક્ત જમીન ધરાવે છે એટલે વનશ્રીની દૃષ્ટિએ એ સમૃદ્ધ છે. આ પ્રદેશ વાંસ, મહુડા, સાગ વગેરેથી છવાયેલ છે. તેમાં ઇમારતી લાકડું પણ મળે છે. કચ્છના રણને અડીને આવેલા વિસ્તારો સૂકા અને વેરાન છે, જ્યારે અરવલ્લી પર્વતમાળાની ટેકરી પ્રમાણમાં વધુ સારી ને સુરક્ષિત છે. પાલનપુર જિલ્લાનાં જંગલો મધમાખનું મીણ, ગરમાળાની શીંગો જેવી પેદાશ માટે જાણીતાં છે. જેસોરની ભૂમિ વાંસ અને પશુઉછેર માટે ઘાસ આપે એવી છે. ગુજરાતની પ્રજાનો ઘણોભાગ ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે, જેમાં કેટલાક છોડના જુદા જુદા ભાગોનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. સેજીટારીઆ, કનક, ધ્રોખડચીયો, ટાક્કા અને કમળ જેવા જંગલી છોડોના ભૂગર્ભમાં રહેલા ભાગોને સસ્તા ખોરાક તરીકે જ્યારે ચીલ, લૂણી, તાંદળજો વગેરે છોડનાં પાન શાકભાજી તરીકે વાપરવામાં આવે છે. બોરડી, ગોરસ-આમલી, કોઠી, રાયણ, ચારોળી જેવાં વૃક્ષો એનાં સ્વાદિષ્ટ ફળ માટે કીમતી ગણાય છે. ઉપરાંત વન્ય પશુઓના ખોરાક તરીકે પણ ઉપયોગમાં આવે છે. કપાસ, શણ, ઉપરાંત કાગળ બનાવવામાં ઉપયોગી એવાં ભીંડો, વનભીંડો વગેરે વૃક્ષોનાં વાવેતર થાય છે. વળી, ઔષધિયુક્ત છોડ ઉપર ભાગ્યે જ ધ્યાન અપાય છે. સર્પગંધા, અશ્વગંધા, કીડામારી, શંખાવલિ જેવી અનેક ઔષધિઓ અહીં મળે છે. આ બધી ગુજરાતની સમૃદ્ધ વનસંપત્તિનો પરિચય આપે છે. પશુ-પંખીઓ : પશુ-પંખી માટે આવશ્યક પ્રદેશ ગુજરાતમાં ઠીક ઠીક છે. પંચમહાલ અને ગીરપ્રદેશ મુખ્યત્વે છીંકારાં અને પોલાં શીંગડાંવાળાં હરણો ધરાવે છે. એક સમયે એશિયાઈ સિંહની વસ્તી અહીં હતી. હવે તો ગીરનાં જંગલોમાં પણ એની વસ્તી ઘટી ગઈ છે. ગુજરાતમાં હાથી પહેલાંના વખતમાં હશે એમ ઇતિહાસ પરથી જાણી શકાય છે. ૧૬૧૬માં જહાંગીર બાદશાહ હાથીઓનો શિકાર કરવા દાહોદ આવ્યો હતો. આ ઉપરાંત અન્ય પ્રાણીઓમાં વાંદરાં, ગધેડાં, લોંકડી, રાની બિલાડો, નોળિયો, વરુ, સસલું, વનિયર તેમજ નાનાં પ્રાણીઓમાં છછુંદર, શેળો, શાહુડી, ખિસકોલી અને ઊંદરના વર્ગનાં પ્રાણીઓ મળી આવે છે. જંગલી, ફાડી ખાનારાં પ્રાણીઓમાં સિંહ ઉપરાંત દીપડો, ચિત્તો, વરુ ગણાવી શકાય. ખરીવાળાં પ્રાણીઓમાં ઘોડાં, બળદ, બકરાં, ઘેટાં, પાડો ઉપરાંત મૃગ, ડુક્કર ગણાવી શકાય. વિશિષ્ટ પ્રાણીઓ તરીકે ઘુડખર કે જંગલી ગધેડાને ગણાવી શકાય. પેટે ચાલનારાં (સરીસૃપ વર્ગનાં) પ્રાણીઓમાં મગર, કાચબો, ગરોળી, પાટલા ઘો, સાંઢો, કાચંડો, સરડો, બામણી, નાગ, ખડચીતળો, ભંફોળી, ધામણ ને ડેંડાં મળી આવે છે. તેમાં દેડકાં અને ઝાડ ઉપરના દેડકાંની બે જાત ઉમેરી શકાય. નદીઓમાં માછલી, મગર અને કરચલાની જાતો જોવા મળે છે. પક્ષીઓમાં ગણીગાંઠી જાતો વિશિષ્ટ છે. કાગડો, લેલાં / લલેડાં(સાતભાઈ), બુલબુલ, દૈયડ, કાળોકોશી, પીળક, કાબર, સુગરી, ચકલી, અબાબીલ, શક્કરખોર, લક્કડખોદ, કોયલ, કલકલિયો, ઘુવડ, ગીધ, કબૂતર, કપીંજર, તેતર, સારસ, બગલો, બતક, પોપટ વગેરે આ પ્રદેશમાં જોવા મળતાં પંખીઓ છે. પ્રજા : ઈસ્વીસનની છઠ્ઠી સદી આસપાસ ગુજરાતમાં આવીને વસેલી ગુર્જર નામે ઓળખાતી પ્રજાની પહેલાં ગુજરાતમાં કઈ પ્રજા ક્યાંથી આવીને વસી તે કહેવું મુશ્કેલ છે; પરંતુ પ્રાપ્ત હકીકતો પરથી એમ લાગે છે કે ઈ.સ. પૂ. ૩૦૦૦થી ૨૫૦૦ આસપાસની સિન્ધુ સંસ્કૃતિના કેન્દ્ર સમા ગુજરાતના ધોળકાલોથલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સંસ્કૃત પ્રજા પ્રસરેલી હશે. ત્યારબાદ કેટલાક વિદ્વાનોના કહેવા પ્રમાણે ઈ.સ. પૂ. ૨૦૦૦૧૮૦૦ દરમ્યાન આર્યો આવ્યા. ઈ.સ. પૂ. ૧૬૪૦ આસપાસ યાદવો, ઈ.પૂ. ૩૨૫ આસપાસ ગ્રીકો, ૧૮૦ આસપાસ શકોક્ષત્રપો, ઈસ્વીસનના પ્રારંભમાં ઈરાની પહેલવીઓ આવ્યા. ૭૭૦માં રાજસ્થાનમાંથી ચાવડા આવ્યા. ૯૦૦માં સિરોહીથી ચૌહાણો, ૧૦૦૦માં જોધપુરના પરિહારો ઈડરમાં આવ્યા. તેરમા શતકમાં વાજા અને વાઘેલા મારવાડથી આવ્યા. ૧૨૫૭માં રાઠોડ–ગોહિલો અને ૧૩૦૦ અને ૧૪૦૦માં પરમારો (સોઢા) સિંધથી સૌરાષ્ટ્રમાં આવ્યા. ગુર્જરોના આગમન બાદ સાતમી સદીમાં આરબો, આઠમી સદી આસપાસ પારસીઓ, ત્યારબાદ ૧૦૦૦ની આસપાસ પઠાણો ને મુઘલો તેમજ નાનીમોટી મુસ્લિમ જાતિ અને સમૂહોએ ગુજરાતમાં આવી સ્થાયી વસવાટ કર્યો. મુસ્લિમોના રાજ્યકાળ દરમ્યાન મુસ્લિમસમૂહો આવ્યા. યુરોપિયન પ્રજાઓમાં ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આવ્યા. આમાંના પોર્ટુગીઝોનું ગુજરાતના દીવ અને દમણપ્રદેશમાં આધિપત્ય રહ્યું. ડચ, ફ્રેન્ચ છૂટાછવાયા સૈન્યમાં ગોઠવાયેલા પણ અંગ્રેજોએ ભારત પર આધિપત્ય જમાવતાં અંગ્રેજો વિશેષ પ્રમાણમાં આવ્યા. ભારત અને ગુજરાતમાં પણ તેમનો રાજઅમલ રહ્યો પરંતુ આ યુરોપિયન પ્રજામાંથી કોઈએ ગુજરાતમાં પોતાનો સ્થાયી વસવાટ કર્યો નહિ તેમજ ગુજરાતી પ્રજામાં તે ઓતપ્રોત પણ થઈ નથી. સંસ્કૃતિ : ગુજરાતની સંસ્કૃતિના વ્યાપમાં એના વિભિન્ન પ્રદેશોની પ્રાકૃતિક ભૂગોળથી માંડી રાજકારણ, લોકો, લોકોની ધર્મપ્રિયતા ને ધર્મનિરપેક્ષતા, સામાજિક કાર્યો, વિભિન્ન પ્રવૃત્તિઓ એમ અનેક ક્ષેત્રોનો સમાસ થાય છે. ગુજરાતને ઘણો લાંબો ભૂતકાળ છે. આ લાંબા સમય દરમ્યાન એણે અનેક આસમાની-સુલતાની જોઈ છે. પ્રાચીન આનર્ત, લાટ, અપરાંત, શ્વભ્ર આદિ પ્રદેશોની સીમાઓ વિસ્તરતી કે સંકોચાતી રહી છે. ક્યારેક ગુજરાતની હદ છેક મારવાડ, રાજસ્થાન અને માળવા સુધી લંબાઈ છે, તો ક્યારેક સંકોચાઈને નાના પ્રદેશોમાં વિભક્ત થઈ છે. સમુદ્રના સામીપ્યને કારણે પરદેશો સાથેના એના સંપર્કો રહ્યા છે. એને કારણે પરદેશથી ગ્રીક, રોમનથી માંડીને શક, હૂણ, કુશાન જેવી અનેક જાતિઓ અહીં આવી. ધર્મઝનૂનનો અભાવ, સમાધાનપ્રિયતા અને ગણતરીપ્રેમી માનસ બંધાવાથી એમાં વિશ્વનાગરિકત્વના અંશો જોવા મળે છે. ગુજરાતનાં બંદરોની અઢળક આવકને કારણે ગુજરાતી સુલતાનો પોતાને ‘હીરા-મોતીનો ઉછેર કરનારા’ જણાવતા ને દિલ્હી સુલતાનોને ‘ઘઉં બાજરીની ઉઘરાત પર જીવનારા’ ગણાવતા. કલાક્ષેત્રે ગુજરાતનું નામ આગવું રહેતું. અકબરની કલાશાળાના હિંદી ચિત્રકારો પોતાને ‘ગુજરાતી’ કહેવરાવવામાં ગૌરવ અનુભવતા. અહીં મોંહેજો-દરો’ ને હડપ્પાની સમકાલીન સંસ્કૃતિનાં રંગપુર, લોથલ, સુરકોટડા, દેશલપુર, ગુંતલી જેવાં અનેક કેન્દ્રો ઉત્ખનન દરમ્યાન મળ્યાં છે. અહીંની લોકકથામાં વહાણવટાના અને પરદેશની સમૃદ્ધિ દેશમાં લાવવાના અનેક ઉલ્લેખો મળે છે. વહાણવટ જૂની હતી, એટલું જ નહિ અહીં વહાણો બંધાતાં. અહીં ફેલાયેલી બૌદ્ધ ને જૈનધર્મની વટાળ વગરની પ્રવૃત્તિને કારણે પરદેશની પ્રજાને અહીં આવવાનું ઉત્તેજન મળતું તેમ સૌરાષ્ટ્ર જેવા પ્રદેશમાં જઈ આવનારને પ્રાયશ્ચિત્ત કરવું પડતું. અહીં અનેક ધર્મો ફૂલ્યા-ફાલ્યા. શૈવ, વિષ્ણુ, બ્રહ્મા, બૌદ્ધ, જૈન અને એ દરેક ધર્મની અનેક શાખા અહીં જોવા મળે છે. એને જ કારણે કદાચ નાતજાતના સંકુચિત વાડાઓ પણ બંધાયા. રાજકીય સંપર્કો વધ્યા. ગ્રીસ, રોમ, આફ્રિકા, યુરોપ, અરબસ્તાન, ઈરાન, મકરાણ, બલુચિસ્તાન, શકસ્તાન સાથે વાણિજ્યસંપર્કોની સાથે રાજકીય સંબંધો પણ બંધાયા ને તૂટ્યા. પરદેશીઓના સંસ્કારને કારણે કર્મકાંડમાં શિથિલતા પ્રવેશી. વર્ણભેદો વધ્યા. શિષ્ટ ભાષાનું સ્થાન લોકભાષા બની. કદાચ વિશાળ સામ્રાજ્યના ભાગ રૂપે રહેવાથી અહીંની પ્રજામાં રાષ્ટ્રનું કે ધર્મનું મહત્ત્વ ઓછું રહ્યું. વલભીના મૈત્રકોએ ને પછી ગૂર્જરોએ અને પ્રતિહારોએ તેને વિશાળ સામ્રાજ્યનો અને પોતીકાપણાનો ભાવ આપ્યો. સોલંકીકાળમાં એની સાંસ્કારિક વિશિષ્ટતા વિકસી. એનાં મંદિરો ને ધર્મસ્થાનોમાં એ સંસ્કાર આજે પણ અવશિષ્ટ રહેલા જોવા મળે છે. રાજકીય ગૌરવ ત્યારપછી વિકાસ પામવા લાગ્યું. મુસ્લિમ સંસ્કૃતિના અનેક અંશો ઓગાળી હિંદુ-મુસ્લિમ એકતા સાધી, અંગ્રેજો સામે ખભેખભો મિલાવી લડ્યા અને સ્વતંત્રતા મેળવી. દેશી રાજાઓએ પણ સત્તા છોડી સંપૂર્ણ સાર્વભૌમત્વ ને સ્વતંત્રતાનો અનુભવ લીધો. અને આટલાં વર્ષો વીતવા છતાં એની સંસ્કૃતિમાં ઓટ આવી નથી. એની સમન્વયશીલતા ઘટી નથી એ જ ગુજરાતની સંસ્કૃતિનું જમા પાસું છે. રાજકારણ : ગુજરાતે અત્યાર સુધીમાં ઘણાં રાજકારણ જોયાં છે, તેમાં અશોકના સમયમાં ગિરનારમાં રહી રાજ્ય કરતા રજ્જુક (રાજુક) અને પ્રાદસિક (પ્રાદેશિક) અધિકારીઓના અમલ નીચે રહીને ગુજરાતે ગુપ્તકાલ સુધી કેન્દ્રીય શાસનનો અનુભવ લીધો છે. મૈત્રક અને અનુમૈત્રકકાળ : ૪૮૦થી ૯૪૨ સુધી લગભગ રાજા રાજ્યનો સર્વોપરી ગણાતો. વહીવટ કેન્દ્રના બદલે ગુજરાતમાંથી જ થતો હતો. રાજ્યનો વારસો કુલપરંપરાગત હતો. પ્રજાપાલન, શાંતિ, સલામતી અને વ્યવસ્થા માટે એ પ્રબંધ કરતો. છેક સોલંકીકાળ(૯૪૩થી ૧૩૦૪) સુધી મુખ્યત્વે આ પ્રકારની વ્યવસ્થા રહી. ૧૩૦૫થી સલ્તનતકાળનો આરંભ અને મુસ્લિમ સત્તાનો ઉદય થતાં રાજ્ય મુખ્યત્વે કેન્દ્રશાસિત બન્યું. રાજા કરતાં થોડી ભિન્ન સરમુખત્યારશાહી પદ્ધતિની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. ગુજરાતમાં તેનો લશ્કરી હાકેમ (નાઝિમ= વ્યવસ્થાપક) રહેતો. તંત્ર ઇસ્લામના નિયમ પ્રમાણે ચાલતું. મુઘલસમયમાં રાજ્યનું સ્વરૂપ લશ્કરીશાસનનું હતું. તે પણ કેન્દ્રીય શાસન હતું. ગુજરાતનાં અમદાવાદ, પાટણ, નાંદોદ, વડોદરા, ભરૂચ, ચાંપાનેર, સુરત, ગોધરા, સોરઠ અને પાછળથી નવાનગર એની નીચે હતાં. કચ્છ સ્વતંત્ર પણ ખંડિયારાજ્ય તરીકે હતું. ૧૭૦૬-૧૭૧૬ દરમ્યાન દાભાડેની ટુકડીઓ ગુજરાતની સીમા સુધી ફરતી હતી. ૧૭૨૨માં શિહોરના ગોહિલો સામેના આક્રમણ પછી ગાયકવાડની સત્તા જોવા મળે છે. જો કે સૌરાષ્ટ્રકચ્છમાં મોટાભાગે રાજાઓનું શાસન હતું. ઓગણીસમી સદીના આરંભ સુધી પ્રવાહી સ્થિતિ રહી. એ વખતે અંગ્રેજોનું આગમન થઈ ગયું હતું. ૧૮૦૦માં સુરત જિલ્લાથી એનો આરંભ થયો ત્યારપછી પણ દેશી રજવાડાં, ગાયકવાડ અને અંગ્રેજો વચ્ચે ગુજરાતની રાજ્યસત્તા વહેંચાયેલી રહી. ૧૯૪૭માં અંગ્રેજો વિદાય થયા ત્યાં સુધી મુખ્યત્વે એની ઉપર અંગ્રેજોનું આધિપત્ય અને ભિન્ન ભિન્ન રાજાઓનું રાજ્ય રહ્યું. ૧૯૫૬માં સ્વતંત્રતા પ્રાપ્તિ પછી પણ ગુજરાતે દ્વિભાષી મુંબઈ રાજ્યમાં રહી વહીવટ ચલાવ્યો. છેવટે પહેલી મે, ૧૯૬૦થી ગુજરાતનું સ્વતંત્ર લોકશાહી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આમ ગુજરાતનું રાજકારણ, કેન્દ્રીય ને લશ્કરી સત્તાના તેમજ સ્વતંત્ર રાજવીસત્તાના અનુભવ પછી હવે ચૂંટાયેલા સભ્યો દ્વારા લોકશાહી શાસનમાં પ્રવેશેલું છે. નગરચના : પ્રાચીનકાળમાં શાસ્ત્રસંમત પદ્ધતિઓ દ્વારા નગરઆયોજન થતું હશે એમ મોહેં-જો-દરો કે ગુજરાતના લોથલ, રંગપુર વગેરેના ઉત્ખનન પરથી અનુમાન કરી શકાય છે. મધ્યકાલીન સમયમાં કદાચ એ શાસ્ત્ર પરિવર્તન પામ્યું હશે કે વિસ્મૃત થયું હશે. ‘માનસાર’, ‘શુક્રનીતિ’ વગેરે સંસ્કૃત ગ્રન્થોમાં નગરચના, પાટનગરની વિશિષ્ટતા, બાંધણી અંગે માહિતી મળે છે. આવા ગ્રન્થોમાં અપાયેલાં ગ્રામલક્ષણ અને નગરલક્ષણોમાં કેટલોક ભેદ જોવા મળે છે. ‘માનસાર’ નગરના નીચે પ્રમાણે આઠ ભેદ આપે છે : ૧, રાજધાનીય નગર, ૨, કેવલનગર, ૩, પુર, ૪, નગરી, ૫, ખેટ, ૬, ખર્વટ, ૭, કુબ્જ અને ૮, પટ્ટન. આ ભેદો સામાન્ય હશે એમ ખેડા, પાટણ, કાન્યકુબ્જ વગેરે પ્રચલિત નામો ઉપરથી કહી શકાય. જ્યારે ‘પુર’, ‘નગર’ કે ‘નગરી’ નામાંત ધરાવતાં અનેક ગામો બધે અસ્તિત્વ ધરાવે છે અને તદ્દન સામાન્ય બની લોકજીભે વસી ગયાં છે. નગરરચનામાં બાંધણીના વિવિધ આકારો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત થતું હશે, એમ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં જણાય છે. આ પ્રકારની નગરરચનામાં દંડક, સર્વતોભદ્ર, નન્દ્યાવર્ત, પદ્મક, સ્વસ્તિક, પ્રસ્તર, કાર્મુક અને ચતુર્મુખ જેવા બાંધણીના આકારો ઉપરથી જણાય છે કે આપણે ત્યાં નગર આયોજન કરતી વખતે આ બધું લક્ષમાં લેવાતું હશે. બંદરો : ભારતના કુલ સાગરકાંઠાનો ત્રીજો ભાગ ધરાવતા ગુજરાતના હજારેક માઈલના સાગરકાંઠાએ ગુજરાતને અનેક બંદરો આપ્યાં છે. પ્રાચીન સમયમાં કચ્છનું રણ, સૌરાષ્ટ્ર-લીંબડી પાસેનો ભાલપ્રદેશ અને નળકાંઠો સાગરના તળિયે હતાં. એ વખતે ગુજરાતના સાગરકાંઠાની લંબાઈ ચૌદસો માઈલ જેટલી હતી. પછી ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છના ભૂસ્તરમાં ધરતીકંપ તેમજ અન્ય કારણથી ફેરફારો થયા. આને કારણે કેટલાંય બંદરો લુપ્ત કે લુપ્તપ્રાય : બન્યાં. કચ્છનું નાનું અને મોટું રણ અસ્તિત્વમાં આવ્યું. જૂનાં બંદરોની જગ્યાએ નવાં બંદરો અસ્તિત્વમાં આવ્યાં ને વિકસ્યાં. આમ વારંવાર ફેરફારો થતા રહ્યા. જળમાર્ગની સુરક્ષા માટે સલામત બંદરની આવશ્યકતા રહે છે. કચ્છના લખપત બંદરથી માંડી છેક શૂર્પારક સુધીના સાગરકાંઠાએ ઘણી ચડતીપડતી જોઈ છે. છેક વેદકાલીન સમયથી ગુજરાતનું વહાણવટું અસ્તિત્વ ધરાવે છે. જેમકે તુગ્રીય ભુજ્યુને અશ્વિનોએ નૌકા દ્વારા ડૂબતાં બચાવી લીધેલો. ગુજરાતના ઇતિહાસમાં જુદા જુદા સમયે સોમનાથ, મંગલપુર, સૂર્યપુર, સ્તંભતીર્થ, ભરુ-કચ્છ, નવસારિકા, ધવલ્લક, ગુંદીગઢ, હસ્તવપ્ર, વલભી, મધુમતી, દ્વારાવતી, દેવપત્તન, ગોપનાથ, તારકપુર વગેરે કુદરતી રીતે રક્ષાયેલાં ધીકતાં બંદરો હોવાનું જણાયું છે. સાબરમતીના મુખમાં થઈ આગળ જતાં આવતું લોથલ બંદર મેસોપોટેમિયા અને અન્ય પ્રાચીન બંદરો સાથે ગાઢ વેપાર ધરાવતું હતું. લોથલથી ત્રણ માઈલ દૂરના ભોળાદ બંદરે ચૌદમી સદીમાં વહાણો લાંગરતાં હતાં. વલભી બંદર હતું, એના પરદેશ સાથેના સંબંધો અનેક પ્રાચીનગ્રન્થોમાં જોવા મળે છે. ‘પેરિપ્લસ’ના ગ્રન્થમાં તથા ટોલેમીની ભૂગોળ (૧૫૦)માં વલભીનો ઉલ્લેખ મળે છે. ચીની યાત્રી યુ અન શ્વાંગ પણ સાતમી સદીમાં એનો ઉલ્લેખ કરે છે. કચ્છના વહાણવટીઓ મિસર, મસૂંગા, મલય, સુમાત્રા, બલી, થાઈ, પંચા, કંબુજ, તાઈવાન સુધી વહાણો ફેરવતા. રાયપુર (માંડવી) મુખ્ય બંદરને માંડવી (જકાતી) નાકું હતું. મહાભારતકાળમાં ભરુ-કચ્છ ને શૂર્પારક સમૃદ્ધ બંદરો હતાં. ત્યાંથી વેપારીઓ રત્નદ્વીપ કે સપ્તરત્નદ્વીપ હંકારી જતા. સોલંકીકાળમાં ખંભાત, ભૃગુપુર, દ્વારકા, દેવપત્તન, મધુમતી, ગોપનાથ પ્રખ્યાત હતાં. મુઘલકાળમાં સુરત ‘૮૪ બંદરોનો વાવટો’ ગણાતું. ગુજરાતને તેનાથી કરોડોની જકાત આવક થતી. ‘શ્રી રત્નાકરની મહેર હજો’ એવું વાક્ય વહાણવટાના ગૌરવનું સૂચક છે. પ્રાચીનકાળમાં ગુજરાતે ભારતને સમૃદ્ધિ અને ગૌરવ બંને અપાવેલાં. વસાહતી પ્રવૃત્તિઓ : ગુજરાતના પરદેશો સાથેના સંબંધો ઘણા લાંબા સમયથી જાણીતા છે. આના કારણે જગતના અનેક દેશોમાં ગુજરાતની વસાહતી પ્રવૃત્તિ થયેલી જોવા મળે છે. આ પ્રવૃત્તિમાં અવારનવાર ભરતીઓટ આવ્યા કરે છે. અઢારમી સદીમાં મુઘલસત્તા નબળી પડતાં મરાઠીસત્તા આવી. તેની મુલ્કગીરીને કારણે અશાંતિ ને અસ્થિરતા વધ્યાં. વેપારઉદ્યોગ પાયમાલ થયા. પરદેશગમનની પ્રવૃત્તિને ઉત્તેજન મળતાં કચ્છના ખોજા, ભાટિયા, લોહાણા, હાલારના ભાટિયા લોહાણા ને બ્રાહ્મણો; પોરબંદરના ખોજા, સુરતના મુસલમાનો અને સૌરાષ્ટ્રના મેમણો આ પ્રવૃત્તિમાં આગળ પડતા રહ્યા. કચ્છી વેપારીઓનો મસ્કત અને પૂર્વ આફ્રિકા સાથે મોટો વેપાર ૩૦૦ વર્ષો ઉપરાંતથી હતો. તેમાં જંગબાર ને પૂર્વ આફ્રિકા આરબોએ જીતી લીધા. કચ્છીઓ ને ગુજરાતીઓની અનેક પેઢીઓ જંગબારમાં અસ્તિત્વમાં આવી. ૧૮૪૦માં ત્યાં ગુજરાતીઓની વસ્તી ૧૦૦૦ હતી તે વીસ વર્ષમાં વધીને છગણી થઈ ગઈ. આજે તો એ મર્યાદા પણ તૂટી ગઈ છે. વેપારની દૃષ્ટિએ જોઈએ તો હાથીદાંત, લવિંગ, સોનું, ગુલામોનું વેચાણ, કોપલગમ વગેરેનો વેપાર તેમના હસ્તક હતો. ઉપરાંત વિનિમયના ધોરણે ખંભાતી કાપડ અને મણકાના બદલામાં સોનું, હાથીદાંત, શીંગડાં વગેરે મેળવાતાં. આ વસાહતીઓએ સ્થાનિક રાજ્યકર્તાઓની રાજ્યસત્તા ટકાવવામાં પણ ભાગ લીધેલો. ટાંગા, મોમ્બાસાનો વેપાર ગુજરાતીઓને હસ્તક હતો. ૧૭૫૮માં બ્રહ્મદેશમાં ગુજરાતીઓની વસાહતનો પ્રારંભ થયો. ચોખા, ઝવેરાત ને લાકડાં ત્યાંનો મુખ્ય વેપાર હતો. ૧૮૦૮માં મલાકા ગયેલા ગુજરાતીઓ કાપડના વેપારીઓ હતા. તેઓ સુરત ને ખંભાતથી ગયેલા. ઈરાની અખાતના દેશો, ઓમાન, મસ્કત, બહેરીન તથા ઈરાનના હોરમઝ બંદરમાં ઘણા ગુજરાતીઓ હતા. ગુજરાત બહાર પણ ભારતમાં મોટાં શહેરોમાં કોચીન, કાલીકટ, મદ્રાસ, મેંગલોર, બેંગલોર, મુંબઈ, કલકત્તા, દિલ્હી, જયપુર, અજમેર, સોલાપુર, મરિયા, પૂના, કાનપુર, ભુવનેશ્વર જેવાં અગત્યનાં શહેરોમાં આજે પણ અનેક ગુજરાતી વેપારીઓ સહકુટુંબ વસેલા છે. આઝાદી પછી સિંધ અને બાંગ્લાદેશથી અનેક ગુજરાતીઓ ગુજરાતમાં હિજરત કરીને પાછા ફર્યા. ત્યારબાદ સ્થિરતા પ્રવર્તતાં ભારતના આંતરિક પ્રદેશો ઉપરાંત રાતા સમુદ્રના દેશો, જાપાન, અમેરિકા, રશિયા, જર્મની વગેરે સાથે ગુજરાતનો વેપાર વધતાં અનેક લોકો તે તે દેશોમાં જઈ વસ્યા છે. જગતનો કોઈ ભાગ એવો નહિ હોય જ્યાં ગુજરાતી વસતો ન હોય. કુદરતી આફતો : કુદરતી આફત દુષ્કાળ રૂપે, ધરતીકંપ રૂપે, આગ કે જળપ્રલય રૂપે, યુદ્ધ કે રોગચાળાની મહામારી રૂપે, જ્વાળામુખી રૂપે કે એવા બીજા કોઈ સ્વરૂપે દેખા દે છે. આ આફતો હજારો વર્ષથી માનવી સહેતો આવ્યો છે. છેલ્લાં સોએક વર્ષ ઉપર નજર ફેરવતાં જણાય છે કે ૧૮૦૧માં ‘સત્તાવનો દુકાળ’ પડ્યો. એમાંથી પાર ઊતરતાં ૧૮૦૪માં ‘સાઠો દુકાળ’ પડ્યો. ૧૮૧૨માં અતિવૃષ્ટિ થઈ. વાવેતર બધું તણાઈ ગયું. અનાજ સડી ગયું. બાકી હતું તે તીડ આવ્યાં ને બધું સાફ કરી ગયાં. ૧૮૧૩ની સાલમાં ‘અગણોતરો’ કાળ પડ્યો. અનાજ અને ઘાસની તંગીમાં માણસો અને પશુધન નાશ પામ્યું. ૧૮૧૫માં ઊંદરિયો કાળ થયો. અનાજ પાકે ત્યાર પહેલાં ઊંદરો બધું સાફ કરી ગયાં. ૧૮૧૯માં કચ્છમાં ભયંકર ધરતીકંપ થયો, જેની દૂરગામી અસરો પડી. ૧૮૨૦માં ભરૂચ, અમદાવાદ ને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ. રોગ અને ભૂખમરાથી ઘણા લોકો ને ઢોરો નાશ પામ્યાં. ત્યાં ૧૮૨૧માં બીજે જ વર્ષે ધરતીકંપ થયો. પછી ત્રણચાર વર્ષ શાંતિનાં વીત્યાં, ત્યાં ૧૮૨૫માં ‘એકાશિયો’ કાળ પડ્યો. બીજે જ વર્ષે ૧૮૨૬માં વરસાદ ઓછો થયો. જે કાંઈ થોડુંઘણું પાક્યું તે તીડ સાફ કરી ગયાં. ૧૮૪૫માં ફરી ધરતીકંપ. કચ્છમાં વહેતું સિંધુનું વહેણ જમીન ઊંચી આવતાં કચ્છમાં વહેતું બંધ થયું. આનો અર્થ એમ નથી કે વચ્ચેનો ગાળો સુખશાંતિનો હતો. આ ગાળા દરમ્યાન ૧૮૨૨-૩૫-૩૭-૪૩-૪૯ની સાલ દરમ્યાન તાપી નદીમાં ભયંકર રેલ (પાણીનાં પૂર) આવતાં અપાર નુકસાન થયેલું. સુરતમાં ૧૮૩૭માં તો ઊકળતા ડામરમાંથી આગ ફાટી નીકળતાં ત્રીસ માઈલ સુધી એના ભડકા દેખાયેલા. ૧૮૬૮માં ભયંકર વાવાઝોડું ફૂંકાયું ને અનરાધાર વરસાદ તૂટી પડતાં પુષ્કળ નુકસાન થયું. ૧૮૭૫માં સાબરમતીમાં ભારે પૂર આવતાં અમદાવાદમાં ૩૮૦૦ મકાન પડી ગયેલાં. પૂલો ને માણસોની નુકસાની થયેલી તે જુદી. ૧૮૭૬માં સુરતમાં ભયંકર વરસાદ ને પાણીની રેલને કારણે પુષ્કળ નુકસાન થયું. એ જ પ્રમાણે ૧૮૮૨માં તાપીમાં રેલ આવતાં અનેક મકાનો પડી ગયાં. જ્યારે ૧૮૬૪-૧૮૭૫-૧૮૮૧નાં વર્ષોમાં કોલેરા ફાટી નીકળતાં સમગ્ર ગુજરાતમાં પાર વગરની જાનહાનિ થયેલી. ૧૮૬૯માં સુરતમાં ભયંકર આગ ફાટી નીકળી. તેમાં ૬૨ દુકાનો બળીને ભસ્મીભૂત થઈ ગઈ. ૧૮૭૭માં ચોત્રીસો દુકાળ પડ્યો. એ સૈકાના બીજા બનાવોને જવા દઈએ તો પણ ગુજરાતમાં આઝાદી પછી પણ દુષ્કાળ અને પાણીની તંગીનો અંત આવ્યો નથી. સમાજરચના : ગુજરાતની પ્રજા એ પચરંગી પ્રજા છે. પાષાણયુગીન માનવથી માંડીને જ્યાં સુધી કહેવાતા પરદેશીઓનાં ધાડાં ભારત અને ગુજરાતની ધરતી ઉપર આવતાં રહ્યાં ત્યાં સુધી આગંતુકોને એણે સ્વીકાર્યા, જરૂર જણાઈ ત્યારે શુદ્ધિ કરી પોતાનામાં સમાવિષ્ટ કરી લીધાં. છેક પુરાણકથાથી માંડીને શાર્યાતો, ભાર્ગવો, હૈહયો, પુણ્યજનો, યાદવો, આભીરો, નાગો, સુ અને રદ્વ જાતિના લોકો, અંધ્રો, ભોજકો, રાષ્ટ્રિકો, પુલિંદો, નિષાદો, ભિલ્લો વગેરેથી માંડી ગ્રીકો, પહ્લવો, શક્કો, કુષાણો, ખઝરો, તુર્કો, મદ્રો, જત્રિકો, મિહિરો, જેષ્ટુકો વગેરે અનેક જાતિના લોકોને પોતાનામાં સમાવી લીધા. છેવટે ગુર્જરોએ ગુજરાતને પોતાનું નામ આપ્યું ત્યારપછી પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિઓમાં આવાગમન થતું જ રહ્યું. ગુજરાતે એ રીતે અનેક જાતિઓને પોતાના વિશાળ પ્રદેશમાં સમાવી પોતાની કરી લીધી છે. આ જાતિઓમાં વલભીરાજ તૂટ્યા પછી રાજસ્થાનમાંથી અનેક ક્ષત્રિય જાતિઓ જેવી કે ચાવડા, સિરોહીથી ચૌહાણો જોધપુરથી પરિહારો, મારવાડથી વાજા, વાઘેલા ને ત્યારબાદ રાઠોડો સૌરાષ્ટ્રમાં આવી વસ્યા. પછી ખેરગઢથી ગૂહિલો આવ્યા. સિંધમાંથી કચ્છરસ્તે મકવાણા ને પરમારો આવ્યા. બ્રાહ્મણોને છેક ઉત્તર ભારતમાંથી મૂળરાજે તેડાવ્યાથી આવ્યા. તે ઉદીચ્યો (ઔદિચ્ય), વડનગરા ને વિસનગરા નાગરો, મેવાડના મેવાડા, પુષ્કરક્ષેત્રના પુષ્કરણા કે પોકરણા, ઉત્તર ગુજરાતના મોઢેરાના મોઢ, મારવાડના નંદવાણા ને જોધપુરના સાચોરા બધા અહીં આવી ગુજરાતી બની ગયા. આ ઉપરાંત શ્રીમાળી, મારૂ વગેરે શાખાના સોનીઓ, ગુજરાને મેવાડા સુથારો પણ મારવાડથી આવ્યા. વળી કોળી, ઠાકરડા અને અન્ય હરિજન કોમોમાં જોવા મળતી સોલંકી, પરમાર, ચૌહાણ વગેરે અટક એ જાતિઓનો જ વંશવેલો ગણાય છે. આમ ગુજરાતની પ્રજા એ વિવિધ સ્થળેથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવી સ્થાયી થયેલી જણાય છે. રાજધાનીઓ : પુરાણકાળમાં આજનું ગુજરાત ૧, આનર્ત (હાલનું ઉત્તર ગુજરાત), ૨, સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) અને ૩, લાટ (દક્ષિણ ગુજરાત), એમ ત્રણ અલગ રાજ્યોમાં વહેંચાયેલું હતું. આનર્તપુર (સંભવત : આજના વડનગર પાસેનું સ્થળ) ગુજરાતની પ્રથમ રાજધાની હતું. ત્યારબાદ શ્રીકૃષ્ણે કુશસ્થલી કે દ્વારાવતીમાં રાજધાની સ્થાપી. ઐતિહાસિક દૃષ્ટિએ તપાસતાં ગિરિનગર (વર્તમાન જૂનાગઢ પાસે) આપણી પ્રથમ રાજધાની ગણાય. ઈ.સ.પૂ. બીજા-ત્રીજા શતકમાં એની જાહોજલાલી હતી. ત્યારબાદ ૪૮૦માં મૈત્રકોએ વલભી (વર્તમાન વળા) રાજધાની તરીકે પસંદ કર્યું. ચીની મુસાફર યુ એન શ્વાંગે એનું સરસ વર્ણન કર્યું છે. વલભીના પતન પછી રાજધાનીનું સ્થળ સૌરાષ્ટ્રમાંથી ખસીને ગુજરાતમાં ગયું. વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણને રાજધાની બનાવી. સોલંકીઓના સમયમાં તેની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી. ૭૨૦થી ૧૨૯૭ સુધી તેણે એકચક્રી શાસન કર્યું. ત્યારપછી મુસ્લિમો આવતાં ૧૪૧૧માં સુલતાન અહમદશાહે સાબરમતીના કાંઠે જૂના આશાવલ અને કર્ણાવતી પાસે નવું પાટનગર અહમદાબાદ વસાવ્યું જે પછી અમદાવાદ થઈ, રાજધાની બની રહ્યું. મુઘલોએ અમદાવાદ જીત્યા પછી માત્ર ‘જૂની રાજધાની’ તરીકે એ દિવસો કાપવા લાગ્યું. ૧૯૬૦ના મે માસની પહેલી તારીખે લોકશાહી રાજ્યના કામચલાઉ પાટનગર તરીકે અમદાવાદ ઉપર કળશ તો ઢોળાયો પણ છેવટે ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગી થઈ છે. ગાંધીનગર ગુજરાતની સાતમી રાજધાની છે. હુન્નર-ઉદ્યોગો : ગુજરાતમાં પ્રાચીન સમયથી કેટલાક ઉદ્યોગ ખીલ્યા હતા, તેમાં કાપડઉદ્યોગ મુખ્ય હતો. ઇંગ્લેન્ડ, આફ્રિકા, યુરોપના દેશો અને રાતા સમુદ્રના દેશો તેમજ ઈરાની અખાતના રાજ્યોમાં તેની નિકાસ થતી. મલમલ, રેશમી કાપડ, જરિયાન, કિનકાબ, રેશમી રૂમાલો બધે વખણાતાં. ચામડાનું કામ અને ધાતુકામ પણ ઘણાને રોજીરોટી આપતું હતું. અંગ્રેજો ભારતમાં આવતાં તેમણે દેશી રાજાઓ ઉપર દબાણ કરી, વણકરો ઉપર જુલમો ગુજારી કાપડઉદ્યોગનો લગભગ નાશ કર્યો. કાપડઉદ્યોગ ઉપરાંત ગુજરાતના વહાણો બાંધવાના ઉદ્યોગને ઘણું નુકસાન પહોંચાડ્યું. જરીકામ, તમાકુ અને બીડીઉદ્યોગ, અકીકઉદ્યોગ, લાખકામ, ત્રાંબા-પિત્તળનાં વાસણ બનાવવાનો ઉદ્યોગ લઘુ ઉદ્યોગ તરીકે ચાલુ રહ્યા. ઇંગ્લેન્ડથી લોખંડના સસ્તા માલની આયાત થતાં લોખંડ ઉદ્યોગ મૃત :પ્રાય સ્થિતિમાં આવી ગયો. સોની, લુહાર, સુથાર વગેરે સ્થાનિક માંગ પ્રમાણે માલ તૈયાર કરતાં. માલનું નિકાસબજાર નહોતું. પાછળથી આ પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. બીજા વિશ્વયુદ્ધને કારણે ગુજરાતના ઉદ્યોગને ટેકો મળ્યો. પરદેશી માલના બહિષ્કારને કારણે તથા સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓના સતત દબાણને લીધે બ્રિટિશસરકારને ભારતના ઉદ્યોગોને રક્ષણ આપવાની ફરજ પડી. જેમ જેમ પરિસ્થિતિ અનુકૂળ થતી ગઈ તેમ ઉદ્યોગને રાહત મળવા લાગી. જોકે ૧૯૩૦-૪૦ના ગાળામાં આવેલી મંદીને કારણે ઉદ્યોગોને ઘણું સહન કરવું પડ્યું. દરિયાકિનારે રસાયણ અને મીઠાનો ઉદ્યોગ વિકસ્યો. ઉપરાંત સિમેન્ટ, પોટરીઉદ્યોગ, દીવાસળીનાં કારખાનાં, કાગળ અને હાથકાગળઉદ્યોગ, બોબીન બનાવવાનો ઉદ્યોગ, ગોળ બનાવવાનો ઉદ્યોગ, દાળ બનાવવાનો, છીંકણી, વિવિધ પ્રકારના કાપડનો ઉદ્યોગ, સોના-ચાંદીની ઝરી બનાવવાનો ઉદ્યોગ, તાંબાપિત્તળનાં વાસણોનો ઉદ્યોગ, ખાંડનાં કારખાનાં – એમ ઉદ્યોગક્ષેત્રે હરણફાળ ભરવા માંડી. સોડા, વેજીટેબલ ઘી, દવાઓ, ઇલેકટ્રીક સામાન, ખાતર, કેરોસીન, માખણ, મત્સ્ય ઉદ્યોગ, લિગ્નાઈટ, અને ફ્લોરાઈટનો ઉદ્યોગ એમ અનેક પ્રકારના ઉદ્યોગો આજે ગુજરાતમાં વિકસ્યા છે. વહાણવટું : ગુજરાતનું વહાણવટુ ઘણા પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. વેપારની સરળતાને કારણે યાદવો સમૃદ્ધ બનેલા એમ ‘હરિવંશ’ ઉપરથી જણાય છે. શ્રીકૃષ્ણના સમયથી દ્વારાવતી અને અસીરિયા વચ્ચે સંબંધો હતા. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં પશ્ચિમકાંઠાની સાગરપટ્ટી પર વસનાર પ્રજાનો વહાણવટું એ મુખ્ય વ્યવસાય ગણાયેલો છે. પ્રાચીનકાળથી ગુજરાતને પશ્ચિમમાં અરબસ્તાન, આફ્રિકા, ઈરાન, ઇજિપ્ત અને છેક રોમ અને ગ્રીસ સાથે સંબંધો હતા. તેમજ દક્ષિણ તથા પૂર્વમાં સિલોન, જાવા અને ચીન સુધી આ વેપાર ફેલાયેલો હતો. ઇજિપ્તની કબરોમાંથી પ્રાપ્ત થયેલ ‘સિંધુ’ નામની મલમલ અને ગુજરાતની ગળી તેના ત્રણ હજાર વર્ષ જેટલા જૂનાં વહાણવટાની શાખ પૂરે છે. ‘દશકુમારચરિત’, ‘કથાસરિત્સાગર’, ‘મંજૂશ્રી’ મૂળકલ્પ જેવા ગ્રન્થો પણ એની ખાતરી આપે છે. કચ્છની દરિયાઈ રાજધાની ‘રાયપુર’ ધીકતું બંદર હતું. ત્યાંથી વિભિન્ન સ્થળે જવા માટે વહાણો નીકળતાં. આજનું માંડવી જકાતી થાણાનું સ્થળ હતું. ત્યાં પચરંગી પ્રજા રહેતી અને રુકમાવતી નદીના બંને કાંઠાના સુથારવાડા ગાજતા રહેતા. ઈસુની છઠ્ઠી સદીમાં જાવામાં ક્ષત્રપોએ બંધાવેલું બોરોબુદુરનું બૌદ્ધમંદિર ગુજરાતનાં વહાણોનું શિલ્પકામ સાચવી બેઠું છે. સોલંકીકાળમાં એ વહાણવટું વધ્યું ને વ્યવસ્થિત નૌકાસૈન્ય પણ રહેતું. ઘોઘા (સૌરાષ્ટ્ર) પણ નૌકાસૈન્યનું મથક હતું. દસમી સદીમાં ખંભાતે એ સ્થાન લીધેલું જણાય છે. ગુજરાતનાં આ બંદરો દ્વારા સૂંઠ, કપાસ, ગૂગળ, સુગંધી પદાર્થો, વિવિધ પ્રકારનાં કાપડ, લાખ, ચામડાં વગેરેની નિકાસ અને સોનું, રૂપું, તાંબું, ઘોડા વગેરે આયાત થતાં. ગુપ્ત અને હૂણોના સિક્કાઓ આફ્રિકા, જાવા વગેરે દેશોમાંથી મળ્યા છે, જે આ વહાણવટાની સાક્ષીરૂપ ગણાય. મુઘલકાળમાં વહાણવટાને ઉત્તેજન મળ્યું ને ગુજરાતનાં બંદરો વહાણો, ખલાસીઓ ને વેપારીઓથી ગાજી રહેતાં. દીવ બંદર પાસે બૂરજ-દીવાદાંડી બાંધવામાં આવ્યાનો ઉલ્લેખ મળે છે. અકબરના સમય પછી પરદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા. સત્તરમી સદીના અંતમાં ૮૪ બંદરોનો વાવટો ગણાતું સુરત ધમધમતું બંદરી મથક હતું. ઓગણીસમી સદીમાં બ્રિટનની મનવારો સુરતમાં બંધાયેલી. એ ગુજરાતના વિકસિત વહાણવટાની નિશાનીરૂપ ગણાય. આજે કચ્છના કંડલા બંદરે એ સ્થાન લીધું છે. ધર્મો : ગુજરાત પ્રાચીનકાળથી ધર્મપ્રિય પ્રદેશ રહ્યો છે. અહીં દ્વારકામાં શ્રીકૃષ્ણનો નિવાસ હોવાથી મહાભારતકાળથી ગુજરાત ધર્મભૂમિ તરીકે પ્રસિદ્ધ થયું છે. છેક વૈદિકસમયથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સાંસ્કારિક દૃષ્ટિએ જુદાં જુદાં સ્થાને હતા. બ્રાહ્મણો વૈદિકધર્મને અનુસરી કર્મકાંડ પ્રમાણે યજ્ઞો કરતા, બ્રહ્મચિંતન કરતા. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ માર્ગથી લોકોને આધ્યાત્મિક સંતોષ મળતો. સમય જતાં એમાં પરિવર્તન થતું રહ્યું. ધર્મ અનેક સ્વરૂપે લોકોમાં જીવંત રહ્યો. શૈવધર્મ વેદકાળથી પ્રચલિત સંપ્રદાય ગણાય છે. એમાં ભગવાન શિવની ભક્તિ મુખ્ય છે. પ્રાચીન ઉત્ખનનો પરથી જણાય છે કે એમાં લિંગપૂજા પ્રચલિત હતી. ઋગ્વેદમાં વર્ણવેલ રુદ્ર તે પશુ અને વનસ્પતિનો દેવ છે. સમય જતાં તેમાંથી કલ્યાણકારી દેવ ‘શિવ’ની કલ્પના વિકસી. આગળ જતાં એમાં પણ અનેક મતો પ્રચલિત થયા. અને એથી પાશુપત કે માહેશ્વરસંપ્રદાય, કાપાલિકસંપ્રદાય, દ્રવિડસંપ્રદાય, કાશ્મીરીશૈવસંપ્રદાય, વીરશૈવસંપ્રદાય અને નાથસંપ્રદાય જેવા સંપ્રદાયો વિકસ્યા. વૈષ્ણવસંપ્રદાયનું મૂળ મહાભારતના નારાયણીપર્વમાં જોવા મળે છે. ભગવદ્ગીતામાં ભક્તિનું તત્ત્વ ભારોભાર વધ્યું છે. રામાનુજે આ સંપ્રદાયને વ્યવસ્થિત રૂપ આપ્યું. જ્ઞાન અને કર્મ કરતાં પ્રેમભાવને વિશેષ મહત્ત્વ અપાયું; આથી ભક્તિરસમાંથી શૃંગારસ અને ક્યારેક વિલાસ પણ જન્મ્યો. આ સંપ્રદાયમાંથી રામાનુજ, નિમ્બાર્ક, મધ્વ, ચૈત્ય, પુષ્ટિ કે વલ્લભસંપ્રદાય, સ્વામીનારાયણ અથવા ઉદ્વવસંપ્રદાય, રામાનંદી, રાધાસ્વામી અને પ્રણામીપંથ નીકળ્યા છે. શાક્તસંપ્રદાય પ્રાચીનકાળથી પ્રચલિત સંપ્રદાયમાંનો એક છે. શક્તિસંપ્રદાયના અનુયાયીને શાકત કહેતા. તેઓ પૂજાદ્રવ્ય તરીકે સ્ત્રી, મદ્ય, માંસ આદિનો ઉપયોગ કરતા. કેટલાક એને ‘વામમાર્ગ’ કહે છે. તેઓ યંત્ર, મંત્ર દ્વારા શક્તિ-આરાધના કરતા. શક્તિયંત્રને ‘શ્રીચક્ર’ કહેલ છે. દેવીભાગવતમાં શક્તિપૂજાનાં સ્થાનો અને નામો મળે છે. ગુજરાતમાં શાક્તપીઠોમાં આરાસુર(અંબિકા), પાવાગઢ(કાલિકા), ચુંવાળમાં બહુચરા, પોરબંદર પાસે હરસિદ્ધ, દ્વારકામાં રુક્મિણી, ઓખામાં અભયામાતા, હળવદમાં સુંદરી ભવાની, ચોટીલામાં ચામુંડા અને કચ્છમાં આશાપુરા તેમજ નર્મદાકાંઠે અનસૂયાક્ષેત્ર જાણીતાં દેવસ્થાનો છે. આ મુખ્ય ધર્મસપંપ્રદાયો ઉપરાંત ગુજરાતમાં સૂર્યપૂજા, બ્રહ્માની પૂજા, ગણેશપૂજા, હનુમાનપૂજા, વાયુપૂજા, દિક્પાલ, નાગપૂજા, શંખપૂજા, નવગ્રહપૂજા, શાલિગ્રામપૂજા, રામપૂજા, વિશ્વકર્માપૂજા, બળિયાદેવ, સરસ્વતી, કાતિર્કેય, શીતળા, રામદેવપીર તેમજ અન્ય દેવીઓમાં ખોડિયાર, વેરાઈ, સંતોષી, બગલામુખી, મેલડી વગેરેની પૂજા પણ થતી રહી છે. શિવ ને વિષ્ણુની પૂજા સાથે આમ વિવિધ દેવી-દેવતાઓની પૂજા વર્તમાન સમયમાં પણ પ્રચલિત રહી છે. ગુજરાતમાં હિંદુધર્મ પછી બીજો મહત્ત્વનો ધર્મ તે જૈનધર્મ. ભારતીય ધર્મપરંપરામાં ‘બ્રાહ્મણ’ અને ‘શ્રમણ’ એ બે ધર્મ મોખરે રહ્યા છે. બ્રાહ્મણપરંપરામાં યજ્ઞયાગાદિનું પ્રભુત્વ હતું તો જૈનપરંપરામાં અહિંસા ઉપર લક્ષ કેન્દ્રિત કરાયેલું છે. જૈનધર્મમાં જીવ, અજીવ, પાપ, પુણ્ય, બંધ, મોક્ષ, આસ્રવ, સંવર અને નિર્જરા એને કર્મક્ષય માટે મહત્ત્વનાં ગણ્યાં છે. એમાં શ્વેતાંબર અને દિગંબર એમ બે સંપ્રદાયો છે. સમયના વહન સાથે તેમાં અનેક ગચ્છ અને પેટાગચ્છ અસ્તિત્વમાં આવ્યા છે. ભારતના અને જગતના પ્રાચીનધર્મોમાંનો એક બૌદ્ધધર્મ છે. સમય જતાં ભારતમાંથી એ લુપ્ત થયો પણ આસપાસના અનેક દેશોમાં તે પ્રસરી ગયો. ગૌતમ બુદ્ધ એના પ્રવર્તક ગણાય છે. સંસારત્યાગ અને વર્ષોની તપશ્ચર્યા બાદ એમને થયેલા સત્યદર્શનમાંથી જગતના કલ્યાણાર્થે એમણે પ્રયત્ન કર્યો. પાછળથી એમાં મૂર્તિપૂજા પ્રવેશી. જૂનાગઢનો બોરિયાસ્તૂપ અને ગુજરાતમાં શામળાજી પાસેનો દેવની મોરીનો સ્તૂપ; તળાજા, સાણા વગેરેની ગુફાઓ અને ચૈત્યો, વિહારો એની પ્રાચીન જાહોજલાલીનાં દ્યોતક છે. હજરત મહંમહ પેગંબર દ્વારા પ્રવતિર્ત ધર્મ ‘ઇસ્લામ’ નામે ઓળખાય છે. ઇસ્લામના અનુયાયીઓ તે મુસલમાન. એનું ધ્યેય માનવમાત્રને શાંતિ આપવાનું છે. સિદ્ધાન્તની દૃષ્ટિએ ઇસ્લામનાં બે મહત્ત્વનાં અંગ છે : ઇમાન અને દીન. ગુજરાતમાં શિયા અને સુન્ની એમ બે શાખાના મુસ્લિમો છે. તેમાં ધર્મોપદેશકોએ શિયાપંથનો અને બાદશાહોએ સુન્નીપંથનો પ્રચાર કરેલો. ગુજરાતના વહોરા અને ખોજા ધર્મપ્રચારને કારણે હિંદુમાંથી મુસ્લિમ બનેલા છે. આ ઉપરાંત ઇસ્લામમાં પીરાણાપંથ, મહેદવીપંથ અને દાદુપંથના અનુયાયીઓ પણ ગુજરાતમાં છે. પારસ(ઈરાન)થી આરબોના ત્રાસે ભારતમાં આવનાર જરથોસ્તીઓએ બહેરામ આતશની સ્થાપના કરી અને તેઓ ગુજરાતમાં ઠરીઠામ થયા. અષો જરથુષ્ટ્ર આ ધર્મના મૂળ પ્રસારક ગણાય છે. અગ્નિ અને ગાયને તેઓ પવિત્ર માને છે. એ ધર્મના અનુયાયી પારસીઓ અમદાવાદ, સુરત, નવસારી વગેરે સ્થળે વસેલા છે. યહૂદીધર્મ, અત્યંત પ્રાચીન ધર્મોમાંનો એક છે. એમના પેગંબર મોઝીઝ ઇજીપ્તથી નાસી પેલેસ્ટાઈન આવતાં પેલેસ્ટાઈન તેમની માતૃભૂમિ બન્યું. યહૂદીઓને ધર્મને કારણે વારંવાર માતૃભૂમિ છોડવી પડેલી. હાલ ઇઝરાયેલ તેમનું મુખ્યમથક છે. તેઓ એકેશ્વરવાદમાં માને છે. મુખ્યદેવ ‘યહોવાહ’ છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, ડીસા, ભુજ(કચ્છ)માંથી તેમનાં કબ્રસ્તાનો મળ્યાં છે. સેમેટિક પ્રજાનો યહૂદી ઉપરાંત બીજો નોંધપાત્ર ધર્મ ખ્રિસ્તી છે. તેના મુખ્ય પ્રચારક ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા. માનવજાતના કલ્યાણ માટે એમણે નવી વિચારધારા પ્રગટાવી. તેમનો ઉપદેશ ‘ગિરિપ્રવચન’ તરીકે જાણીતો છે. ખ્રિસ્તીઓનો પ્રભાવ અંગ્રેજોના આગમન પછી ઘણો વધ્યો. ગુજરાતમાં ઘણા સ્થળે ખ્રિસ્તી મિશનરીઓએ નીચલા વર્ગની પ્રજાને આકર્ષી. અમદાવાદ, ભરુચ, સુરત, બોરસદ, આણંદ, ઘોઘા, રાજકોટ એમ અનેક સ્થળે ખ્રિસ્તીધર્મનાં મથકો છે. એમાં કેથોલિક અને પ્રોટેસ્ટંટ જેવા મુખ્ય સંપ્રદાયો છે. જ્ઞાતિવ્યવસ્થા : જ્ઞાતિવ્યવસ્થા ભારત અને ગુજરાતમાં ઘણા લાંબા સમયથી ચાલી આવેલી છે. સ્મૃતિકારોએ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા વર્ણવી છે. ગુણ અને કર્મ અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણો હતા. એ યુગમાં બધી જ્ઞાતિની ઉત્પત્તિ ગમે તેમ કરીને ચાતુર્વર્ણ્યની જુદી જુદી શાખાને આધારે જ બતાવવામાં આવતી. આમ છતાં ભિન્ન ભિન્ન વર્ણોનું મિશ્રણ થયા કરતું ને તે પ્રમાણે જ્ઞાતિવ્યવસ્થામાં ફેરફાર થયા કરતા. ડી. એ. સુલિઇકનના મંતવ્ય પ્રમાણે ચોથીથી નવમી સદી સુધીમાં જ્ઞાતિઓ સ્થપાઈ ચૂકી હતી. પ્રબંધાત્મક સાહિત્ય અને અભિલેખોમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિઓના ઉલ્લેખો સોલંકી સમયમાં જ્ઞાતિઓના પેટાવિભાગ શરૂ થવાનાં વલણ દર્શાવે છે. સલ્તનતકાળમાં જ્ઞાતિઓની અનેક શાખા-ઉપશાખાઓ થઈ. જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે તેમજ એક જ જ્ઞાતિની જુદી જુદી શાખાઓમાં પણ ઊંચનીચનો ભાવ વણાઈ ગયો હતો. નવ નારુ (કંદોઈ, કાછિયા, કુંભાર, માળી, મર્દનિયા, સુથાર, ભરવાડ, તંબોળી અને સોની) અને પાંચ કારુ (ગાંછા, છીપા, લુહાર, મોચી અને ચમાર) મળી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ કુલ ૧૮ ‘વરણ’ ગણાતા હતા. મુઘલસમયમાં ગુજરાતના હિંદુઓનું સામાજિક જીવન જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓ ઉપરાંત ગોળો અને એથી પણ નાના ‘એકડા’ઓમાં વહેંચાઈ ગયું હતું. બ્રાહ્મણો, વણિકો ૮૪ જ્ઞાતિઓમાં અને જૈનો ૮૪ ગચ્છમાં વિભક્ત થઈ ગયા હતા. મરાઠા સમયમાં વસ્તીની હેરફેર વધી. લોકો જ્યાં ઓછો ત્રાસ હોય ત્યાં જઈ રહેવાનું પસંદ કરતા. મુસલમાનોના પેટાવિભાગ થવા લાગ્યા હતા તે ધંધાને અનુરૂપ હતા. નાના નાના વાડા ને પ્રાદેશિક વિશેષતાઓ દેખાવા લાગી હતી. ત્યારબાદ અંગ્રેજ સમયમાં દલપતરામે લખેલ ‘જ્ઞાતિનિબંધ’માં બ્રાહ્મણોની ૮૪, ક્ષત્રિયોની ૯૯, વણિકોની ૮૪ અને શૂદ્રોની ધંધા પ્રમાણે ૫૩ જ્ઞાતિઓ હોવાનું જાણવા મળે છે. આઝાદી પહેલાં અને પછી આ પરિસ્થતિમાં ઘણો ફેરફાર થયેલો જોવા મળે છે. પહેલાં શહેરી ને ગ્રામસમાજ જ્ઞાતિની પકડમાં હતો. ત્યારબાદ સુધારકબળોની અસર વધતાં જ્ઞાતિપ્રથાનું બળ ઘટતું ગયું. જ્ઞાતિપ્રથા પણ તૂટતી ગઈ અને અત્યારે જ્ઞાતિપ્રથા અવગણનાપાત્ર ને તિરસ્કૃત બની છે. લગ્નસંસ્થા : ‘મનુસ્મૃતિ’માં લગ્નના આઠ પ્રકારોનો ઉલ્લેખ મળે છે. તેમાં બ્રાહ્મ, દેવ, પ્રાજાપત્ય અને આર્ષ એ સ્વરૂપો તે ધર્મ્ય અથવા માન્ય ગણ્યા છે, જ્યારે ગાંધર્વ, અસુરલગ્ન, રાક્ષસવિવાહ અને પિશાચલગ્નને અધર્મ્ય કે અમાન્ય ગણેલ છે. આ બધા પ્રકારોમાં વિભિન્નતા છે. દરેક લગ્ન પ્રકારમાં કોઈ ને કોઈ પ્રકારની લેવડદેવડ જોવા મળે છે જેમાં આર્થિક લેવડદેવડનું પ્રમાણ વિશેષ હોય છે. આર્થિક લેવડદેવડ નીચે થયેલા લગ્નનું સ્થાન સમાજમાં બહુ ઊંચું ગણાતું નથી. આ બધા પ્રકારોમાં વડીલોની સંમતિવાળાં કે વડીલો દ્વારા કરાવવામાં આવેલાં લગ્નો આવકાર્ય લેખાય છે. આ ઉપરાંત પછીના સમયમાં લગ્નપ્રથામાં સમયાનુસાર ફેરફારો થતા રહ્યા છે. તેમાં કેટલાંક લગ્નો પાછળથી દૂષિત જણાયાં છે. આવાં લગ્નોમાં બાળલગ્ન અને વૃદ્ધલગ્ન વિશેષ ધ્યાન ખેંચે છે. બાલ્યકાળમાં લગ્ન કરી દેવાની પ્રથા આજે લગભગ તૂટી ગઈ છે. વૃદ્ધલગ્નમાં નાની વયની કન્યાને મોટી ઉંમરના વૃદ્ધ સાથે પરણાવવાની પ્રથા હતી. આ પ્રથા પણ આજે લગભગ નિર્મૂળ બની ગઈ છે. આ ઉપરાંત સાટાલગ્ન પણ થતાં. તેમાં પરસ્પર દીકરો-દીકરી આપવાની કબૂલાત કરવામાં આવતી. સમાજના નિમ્નકક્ષાના વર્ણોમાં આ પ્રથા વધુ હતી. લોકવિદ્યા : અંગ્રેજીમાં ફોકલોર (Folklore) શબ્દ છે, તેના પર્યાયરૂપે આપણે ત્યાં હજુ કોઈ શબ્દ રૂઢ થયો નથી. ભિન્ન ભિન્ન લોકો એના માટે ભિન્ન ભિન્ન શબ્દો જેવા કે લોકવાર્તા, લોકકથા, લોકસંસ્કૃતિ, લોકયાન, જનવાર્તા, લોકશાસ્ત્ર, લોકવિજ્ઞાન અને લોકવિદ્યા, લોકવાઙમય જેવા શબ્દો પ્રયુક્ત કરે છે. આમ ‘ફોકલોર’ માટે પર્યાય પસંદ કરવામાં મતમતાંતર પ્રવર્તે છે. ‘લોકવિદ્યા’ પણ એમાંનો એક પર્યાય કહી શકાય. એ માટે ગમે તે શબ્દ પ્રયુક્ત કરીએ, પરંતુ એમાં લોકસાહિત્ય, લોકનૃત્ય, લોકસંગીત, લોકકલા એ બધું સમાવિષ્ટ થઈ શકે છે. એમાં વિદ્યા, કલા કે શાસ્ત્ર ઉપર સમાન વજન રહે તે આવશ્યક છે. લોકકથા, લોકગીત, લોકનાટ્ય વગેરે કલાનાં અંગ છે. સાથોસાથ તેમાં વિજ્ઞાન કે શાસ્ત્રનું ઊંડાણ સાધવું તે પણ એટલું જ જરૂરી છે. જયમલ્લ પરમાર નોંધે છે કે ‘ફોકલોર’ની વ્યાખ્યાના અર્થમાં બેસે એવાં એકેય શબ્દ આપણે ત્યાં નથી. આપણા લોક, એની સંસ્કૃતિ અને એનું સાહિત્ય ‘ફોકલોર’ના પાશ્ચાત્ય અર્થ કરતાં ઘણોબધો વિશાળ અર્થ ધરાવે છે. એ આખી સંસ્કૃતિ અને દૃષ્ટિની જ ભિન્નતા છે. સોફિયા બર્ન ‘ફોકલોર’ને આદિમાનસની અભિવ્યક્તિ કહે છે અને તે અભિવ્યક્તિ દર્શન, ધર્મ, વિજ્ઞાન કે વૈદકીય ક્ષેત્રે થઈ હોય કે તેના સંગઠન કે વિધિવિધાન રૂપે થઈ હોય કે કોઈ બૌદ્ધિક પ્રદેશમાં તેનો વિકાસ થયો હોય. ‘ફોકલોર’ને એઓ ત્રણ મુખ્ય વિભાગમાં સમાવી લે છે : લોકવિશ્વાસ અને અંધપરંપરાઓ, રીતરિવાજ અને પ્રથા તેમજ લોકસાહિત્ય. પહેલા વિભાગમાં પૃથ્વી તથા આકાશ, વનસ્પતિજગત, પશુજગત, માનવ અને તેની બનાવેલી વસ્તુઓ, આત્મા અને પરલોક; પરામાનવી, વ્યક્તિ, આકાશવાણી, જાદુમંતર વગેરે વિષયક લોકમાન્યતાઓ અને પરંપરાઓ તેમાં આવી જાય છે. બીજા વિભાગમાં સામાજિક ને રાજનૈતિક સંસ્થાઓ, વ્યક્તિગત જીવનના અધિકાર, વ્યવસાય, ઉદ્યોગધંધા, વ્રતો ને તહેવારો વગેરે અંગે પ્રચલિત રીતરિવાજ વગેરે સમાવિષ્ટ થાય છે. જ્યારે લોકસાહિત્યના ત્રીજા વિભાગમાં લોકગીતો, કથાગીતો, લોકકથાઓ, લોકનાટ્ય, કહેવતો ને ઉખાણાં, ટૂચકા વગેરેનો સમાસ થાય છે. આમ આપણે જેને લોકવિદ્યા કહી શકીએ તે ઘણો વિશાળ વ્યાપ ધરાવે છે. વ્રતઉત્સવો : કોઈપણ પ્રજા એક યા બીજી રીતે ઉત્સવપ્રિય તો હોય છે જ. ગુજરાતી પ્રજા પણ જન્મ, લગ્ન તેમજ વિવિધ પ્રસંગોની સ્મૃતિમાં ઉત્સવો ઊજવે છે. દેવદેવીઓના નિમિત્તે થતા ધાર્મિક ઉત્સવો, ઋતુઓના કારણે થતા પ્રકૃતિના ઉત્સવોનો પણ એમાં સમાવેશ કરી શકાય. મકરસંક્રાન્તિનો પતંગમહિમા, વસન્તપંચમીનો ઋતુઉત્સવ, હોળીનું હોળીગીતો અને નાચગાનથી ભરપૂર પર્વ, વટસાવત્રી નિમિત્તે વડપૂજન, કન્યાઓનું ગૌરીવ્રત, રથયાત્રાનો સામૂહિક ઉમંગ, ગણપતિઉત્સવ, મુસ્લિમોના તાજિયા, દિવાસાના દિવસોમાં દૂબળાઓ દ્વારા ચીંથરાના ઢીંગલાઓનું નદીકાંઠે મેળારૂપમાં કરાતું વિસર્જન, નાગપંચમી ને નાગપૂજન, શીતળા સાતમે ટાઢું ખાવાની પ્રથા, નારિયેળી પૂણિર્માએ રક્ષાબંધન અને ગુજરાતી દરિયાખેડૂ પ્રજાનું હોડીપૂજન, જન્માષ્ટમીનો તહેવાર, ભવાઈ નાટ્યગીતો અને ગરબાથી ગાજતી નવરાત્રી, પર્યુષણ પછીની ઉજવણી વગેરેમાં ગુજરાતી પ્રજાની ઉત્સવસમૃદ્ધિ જોઈ શકાય છે. વેશભૂષા : ગુજરાતની વસ્ત્રપરિધાનકલાનો ખ્યાલ પ્રાચીન ચિત્રકલા પરથી આવી શકે છે. જો કે આ ચિત્રોમાંનો મોટો ભાગ દેવી-દેવતાનાં કે ધર્મગ્રન્થોની કથાનો છે; છતાંય એમાંથી આપણને વિભિન્ન વસ્ત્રોનો ખ્યાલ આવી શકે છે. એમ લાગે છે કે સોલંકીયુગમાં પુરુષોનો પોશાક સાવ સાદો હતો. હીરકોરી ધોતિયાં, શરીરને ઢાંકતી શાલ ને એક ઉપવસ્ત્ર, એને વ્યવસ્થિત રાખવા ભેટ બાંધતા કે કમરે કંદોરો પહેરાતો. સ્ત્રીઓની વેશભૂષામાં આજે જોવા મળતી ગુજરાતી ઢબની સાડી, એનો પાલવ છેક નીચે સુધી ઢળતો રહેતો. તેના પર છપાઈ થતી કે ભરત કે કસબની સુંદર કલાકૃતિ જોવા મળતી. વસ્ત્રોમાં સૂતર, રેશમ અને શણનો ઉપયોગ થતો. ધાર્મિક પ્રસંગોએ રેશમી વસ્ત્રો વપરાતાં. સાડી સિવાયનું વસ્ત્રાભૂષણ રાજસ્થાની સંસ્કાર ગણાતો. વાનપ્રસ્થ સ્ત્રીઓ, સાધ્વીઓ વગેરેના પોશાકમાં સ્વચ્છતા ને સાદાઈ વધુ રહેતી. સાધ્વીઓ શ્વેત વસ્ત્ર પહેરતી, અન્ય સ્ત્રીઓ રંગવૈવિધ્યને મહત્ત્વ આપતી. નાની બાળાઓ ચોળીચણિયા પહેરતી. ગ્રામીણ સ્ત્રીઓની વેશભૂષામાં શ્રમજીવનને અનુરૂપ વસ્ત્રો રહેતાં. વ્યવસાય, કોમ અને આર્થિક પરિસ્થિતિ વસ્ત્રોમાં મહત્ત્વનો ભાગ ભજવતી. દિલ્હીમાં ખીલજી રાજ્યશાસનથી પુરુષોના પોષાકમાં પરિવર્તન આવ્યું. કલા ને સૌન્દર્યનો લોપ થતો ચાલ્યો. પુરુષો સીવેલાં વસ્ત્રો પહેરવા લાગ્યા. ધોતિયાંને સ્થાને ચોરણા આવ્યા ને ઉપર પહેરણ કે અંગરખું વપરાવા લાગ્યું. સ્ત્રીઓનું સૌન્દર્ય ન દેખાય માટે ઘૂમટો આવ્યો. ભરત-ગૂંથણ કરમાઈ ગયાં. કેશભૂષા સાદી બની. પાછળથી ગુજરાતી સલ્તનતના સમયમાં વળી પાછું પરિવર્તન આરંભાયું. પ્રેમાનંદનો સમય આવતાં વિભિન્ન વર્ગો, વ્યવસાયો અને કોમોમાં ભેદ વિકાસ પામ્યા. સૌથી વિશેષ ભેદ પ્રાદેશિક હતો જે વડોદરાની બાબાશાહી, અમદાવાદી, પટ્ટણી, ઝાલાવાડી, ભાવનગરી હાલારી, કચ્છી, મોરબીશાઈ, જૂનાગઢી વગેરે પ્રકારની પાઘડીઓના વૈવિધ્ય પરથી જણાય છે. પાછળથી અંગ્રેજોની અને ત્યારબાદ ગાંધીજીની અસર નીચે ફેરફારો થયા ને પાઘડીઓ ને ટોપી લગભગ જતી રહી સ્ત્રીઓના પોશાકમાં પાંચ વારની સાડી ને ત્રણ વારનો ચણિયો ટકી રહ્યાં ને ચોળી ચાલી જતાં તેનું સ્થાન કબજા / કમખાએ લીધું. સાડી પહેરવાની ઢબ પણ બદલાતી રહી. આજના યુગમાં હવે બધું પશ્ચિમની અસર નીચે બદલાય છે ખરું પરંતુ તે મોટે ભાગે યુવાન-યુવતી અને બાળકોની વેશભૂષા ઉપર વિશેષ પ્રભાવ નાખે છે. વાનગીઓ : ગુજરાતનાં હડપ્પન સંસ્કૃતિનાં સ્થાનોમાંથી માત્ર બળી ગયેલાં અનાજના કણો જ પ્રાપ્ત થાય છે, એટલે તે વખતે ઘઉં, જવ, બાજરી આદિ અનાજની વાનગીઓ બનતી હશે એમ માનવાનું રહ્યું. જોકે ત્યારપછીના મૌર્ય અને ગુપ્તકાળ દરમ્યાન લખાયેલા ‘અંગવિજ્જા’ અને ‘વસુદેવહિંડી’ જેવા ગ્રન્થોમાં વાનગીઓના ઉલ્લેખ મળે છે પરંતુ તેથી કોઈ સ્પષ્ટ ચિત્ર દોરવું સરળ નથી. મૈત્રક અને અનુમૈત્રકકાળમાં માંસાહાર અને નિરામિષઆહાર બંનેનો ઉપયોગ થતો. ધાન્યમાં મુખ્યત્વે ઘઉં અને ડાંગર હોવાથી ઘઉં તથા ચોખાની વિવિધ વાનગીઓ બનતી હશે. યુ એન શ્વાંગે ઘઉંની ચાનકીનો ઉલ્લેખ કર્યો છે. સોલંકીકાલીન સમય વિવિધ ખાદ્ય ને પેય પદાર્થોથી ભરેલો છે : તે સમયે મોદક (લાડુ), અપૂપ, આમિદી (ઉકળતા દૂધમાં દહીં નાખવાથી બનતી વાનગી), શષ્કુલી (સાંકળી), ખાદ્ય-ખાજું, ઊર્ણાય – સૂતરફેણી, વટી-વડી, કરંભક (કરમો) વગેરે નોંધપાત્ર છે. રાજપૂતોમાં માંસાહાર સામાન્ય હતો. સલ્તનતકાળમાં ગુજરાતી મુસલમાનો માંસાહાર કરતા તેમ ખીચડી પણ ખાતા. ખીચડી અમીરથી માંડી ગરીબ સુધીનો સામાન્ય ખોરાક હતો. ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ વપરાતી જેમાં લાડુ, ખાજાં, ઘેબર, સુખડી, વેઢમી, લાપસી, ખીર, દૂધપાક, ઓસાવેલી સેવ, ઘારી, ચૂરમું, ગુંદરપાક, જલેબી, ફેણી, મગજ વગેરે ગણાવી શકાય. હાંડવો, ખાંડવી, ખમણ, વડી, દાળઢોકળી, ઇદડાં/ઢોકળાં વગેરે નોંધપાત્ર ગુજરાતી વાનગી ગણી શકાય. મુઘલકાળમાં પણ સમાજનો ઉચ્ચ વર્ગ પ્રાત :કાળ, મધ્યાહ્ન અને સાંજના વાળુમાં વૈભવપૂર્ણ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરતો. તેમાં મેવામીઠાઈ પણ રહેતાં. મુસ્લિમો માંસાહાર કરતા, ઉપરાંત સુગંધી બિરંજ, પુલાવ, બિરયાની વગેરે બનાવતા. મધ્યમવર્ગનો માનવી બે વખત ભોજન લેતો. તેમાં રોટલા, રોટલી, શાક, દૂધ, ઘી, વગેરેનો ઉપયોગ થતો. મેવા, મીઠાઈ ને ફરસાણનો ક્યારેક ઉપયોગ થતો. ગરીબો એક વખત જ ભોજન લઈ શકતા, જેમાં મુખ્યત્વે રોટલા, ખીચડી, દહીં ને અથાણું રહેતાં. ખીર એમનું મિષ્ટાન્ન હતું. અંગ્રેજો આવ્યા પછી આપણી વાનગીઓમાં અવારનવાર પરિવર્તન થયા કર્યું છે. સ્વાતંત્ર્ય પછી ઘર કરતાં બહાર ખાવાનો રિવાજ વધુ પ્રચલિત બનતો જાય છે. લોકકલાઓ : લોકકલાને બે ભાગમાં વહેંચી શકાય. પહેલામાં નૈસર્ગિક બળો અને વનચર પશુઓ તથા રોગચાળાથી બચવાબચાવવાની વૃત્તિ કામ કરે છે. એમાં દેવી-દેવતાની અને સંહારક બળોની મૂર્તિઓની રચના કરવી, યોગ્ય સ્થળે અને સમયે તેની સ્થાપના કરવી, પૂજાવિધિ કરવો વગેરે મુખ્ય લક્ષણો ગણાવી શકાય. જ્યારે બીજા પ્રકારમાં ગૃહજીવનને નીરસ ને શુષ્ક બનતું અટકાવી તેને રંગીન બનાવવાનો હેતુ હતો. પરિણામે ગૃહશણગાર અને ગૃહસુશોભનની વિવિધ પ્રવૃત્તિઓ ફૂલીફાલી. સાંકળોથી ઝૂલતો હીંચકો ગુજરાતનું પ્રિય રાચ છે. દેવના ઘોડાઓ, પીઠોરાનાં ચિત્રો, આદિવાસીઓ દ્વારા નિમિર્ત ખતરું અને પાળિયા એના પ્રથમ વિભાગમાં આવી શકે. જ્યારે ભરતકામ, મોતીકામ, ઘર ને મંદિરોની દીવાલો ઉપરનાં આલેખનો, કાષ્ઠકામ, વાસણોની કલામય ગોઠવણી વગેરે બીજા વિભાગમાં આવી શકે. આ બંને વિભાગો પરસ્પર આધારિત છે. લોકભરત, મોચીભરત, કાઠીભરત, આહીરભરત, કણબીભરત, આભલાભરત, મોતીકામ, ઘર તથા મંદિરોની દીવાલો પરનાં આલેખનો, ચિત્રો, ગાર-માટીનું લીંપણ, પાળિયાઓ, દેવના ઘોડા, માટીનાં રમકડાં વગેરે અંગે વિચારી શકાય. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતકામ અને મોતીકામ નિકાસ પામ્યાં છે. એમાં નવવધૂનાં કપડાં, ગૃહસુશોભનની વસ્તુઓ, ગૃહોપયોગી(પંખા, ઓશિકાં વગેરે)ચીજો, તોરણો, ચાકળા-ચંદરવા, ટોડલિયા વગેરે આવી શકે. ભીંતચિત્રોમાં રામાયણ, મહાભારત, ભાગવત વગેરેનાં પ્રસંગચિત્રો, લડાઈનાં ચિત્રો વગેરે થતાં. છોટાઉદેપુર તથા અન્ય ભીલ વિસ્તારમાં ‘પીઠોરા’દેવનાં ચિત્રો ચિતરાવવાની પ્રથા છે. વર્ષ સારું આવે તો ચિતારાને બોલાવી ઘરની ઓશરીમાં દેવ-દેવીઓના આશીર્વાદ ઊતરે તે માટે ચિતરામણ કરાવાય છે. પકવેલ માટીનાં રમકડાંઓની પરંપરા હડપ્પા અને મોંહે-જો-દડો જેટલી પ્રાચીન છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ‘ઘંટી-ઘોડા’ નામનાં રમકડાં બને છે તે એમાંથી ઊતરેલાં ગણાય છે. ગુજરાતમાં ભીલલોકો માટીના ‘દેવ’ બનાવે છે. તે હાથે ઘડીને કે ચાકડા ઉપર ઉતારીને બનાવાય છે. પાળિયાપ્રથા સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હજુ પણ સચવાયેલી છે. આદિવાસીઓ લાકડાનો ઉપયોગ કરી ‘પીઠોરા’ ચિત્રની જેમ જીવનની વિવિધ પ્રવૃત્તિઓનું આલેખન કરે છે. સ્વરૂપદૃષ્ટિએ એ પાળિયાથી ભિન્ન નથી પણ તેનો હેતુ જુદો છે. આ ઉપરાંત કોતર્યા વિનાના સાદા પથ્થર ઉપર સિંદુરંગી આલેખનો કરી ‘ખતરું’ બનાવવામાં આવે છે. ત્રાજવાં ત્રોફાવવાની કલા, લોકવાદ્યોને આકર્ષક બનાવવા માટે થતી કલા, કચ્છમાં લીંપણમાં પ્રયોજાતી કલા વગેરેનો પણ અહીં ઉલ્લેખ કરી શકાય. લોકવાદ્યો : ગુજરાત પાસે ભિન્ન ભિન્ન પ્રકારનાં લોકવાદ્યોની લાંબી પરંપરા છે. લોકવાદ્યોને આ પ્રમાણે વિભાજિત કરી શકાય : આઘાતીવર્ગમાં આવતાં વાદ્યો આંગળીથી કે આંગળી ઉપર લોઢાની નખી પહેરીને કે લોઢાની સળી કે વાંસની ખપાટ વગેરેથી સિતાર કે સરોદની જેમ તારને છેડીને વગાડાય તેવાં વાદ્યો છે, જેવાં કે રામસાગર, ચોનકુ, ઘાંગળી, ઘાંઘલો, જંતર, મલંગો વગેરે. ઘર્ષણીયવર્ગમાં વાદ્યની તંત્રીને કામઠી ઉપર ઘોડાના વાળની લચ્છી વડે ઘસીને વગાડવામાં આવે છે. આ વર્ગનાં વાદ્યોમાં રાવણહથ્થો, ગુજરી, સારંગી, અંબાડાની થાળી વગેરે ગણાવી શકાય. અવનદ્ધવાદ્ય ચામડે મઢેલાં હોય છે. કદમાં મોટાં અને ભારે હોય છે. તે દાંડીથી વગાડવામાં આવે છે. વાદ્યને ગાય કે ભેંસનાં ચામડાંથી મઢવામાં આવે છે. નાનાં વાદ્યને બકરી કે ઘેટાંનાં પાતળાં ચામડાંથી મઢાય છે. આમાં મૃદંગ ને દુંદુભિ એમ બે વર્ગ પડાય છે. પ્રથમમાં મૃદંગ, ડફ, ડમરૂ, ખંજરી વગેરે અને બીજામાં ઢોલ, કુંડી, નગારાં, ચોઘડિયાં વગેરે ગણાય છે. આ ઉપરાંત અન્ય પ્રકારો પણ પડાય છે : સામસામે અથડાવાથી અવાજ પેદા કરે એવાં વાદ્યો ઘનવર્ગમાં ગણવામાં આવે છે. કાંસ્યવર્ગમાં રણકો ઉત્પન્ન કરનાર ધાતુવાદ્યો અને દંડવર્ગમાં દાંડિયા કરગેસ વગેરે ગણાય છે. સુષિરવાદ્યોને વાંસળી, દત્તિ, બાકુર અને પાવો એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. વાંસળીવર્ગમાં કાની વગેરે, દૃત્તિવર્ગમાં મહુવર, ડોબરૂ, તાડપું વગેરે; બાકુરવર્ગમાં રણશિંગું, નાગફણી, ભૂંગળ વગેરે અને પાવાવર્ગમાં પાવો, પીહો, વેણો, શરણાઈ આદિનો સમાવેશ થાય છે. સ્થાપત્ય : ગુજરાતની સ્થાપત્યકલાના પુરાવા છેક હડપ્પન સમયથી મળે છે. લોથલ, સુરકોટડા, કોટડા, દેશલપુર, રંગપુર વગેરે સ્થળોએથી નગરઆયોજનના પુરાવા પ્રાપ્ત થાય છે. તે સમયમાં વસાહતને દરબારગઢ તથા રહેણાકી વિસ્તારમાં વહેંચવામાં આવતી. મકાનો કાટખૂણે પડતી શેરીઓમાં બાંધવામાં આવતાં. ચણતરમાં ચિરોડી જેવા પદાર્થ કે ચૂનાનો ઉપયોગ થતો. મોટાભાગે મકાનો માટીથી ચણાતાં. તેમાં કાચી તથા પાકી ઈંટો મુખ્યત્વે વપરાતી. ક્યારેક પથ્થર પણ વપરાતો. ગટરવ્યવસ્થા, શતરંજના ખાનાની જેમ કાટખૂણે કાપતા રસ્તાઓ અને શેરીઓ, ગોદી, ગોદામ વગેરે રહેતાં. કેટલાક સ્થળે ગઢ પણ જોવા મળે છે. મૈત્રક અને અનુમૈત્રક સમયના નાગરિક સ્થાપત્યની વિગતો અને રચના અંગે ખાસ સંશોધન થયું નથી. ધાર્મિક સ્થાપત્યના આભિલેખિક અને સાહિત્યિક ઉલ્લેખો મળે છે, જ્યારે નગર, પ્રાસાદ(મહેલ), દુર્ગ(પ્રાકાર), જલાશય વગેરેમાં સોલંકીસમયનો ઝીંઝુવાડાનો કિલ્લો, ડભોઈનો કિલ્લો, વડનગરનો કોટ, શમિર્ષ્ઠાતળાવ, અણહિલવાડ પાટણનું સહસ્રલિંગતળાવ વગેરે જાણીતાં છે. મુસ્લિમસમયમાં સ્થપાયેલાં નગરોમાં અહમદાબાદ (અમદાવાદ), અહમદનગર(હિંમતનગર), મુહમ્મદાબાદ (ચાંપાનેર), મુસ્તફાબાદ(જૂનાગઢ) અને મહમૂદાબાદ (મેહમદાવાદ) મુખ્ય ગણાય. તેમાં ‘સમરાંગણસૂત્રધાર’ અને ‘અપરાજિતપૃચ્છા’માંના સિદ્ધાન્તોનું ઘણુંખરું પાલન થયેલું છે. ઓગણીસમી સદીના પાટણ, સિદ્ધપુર, શિહોર, તળાજા, સુરત, ભરુચ, ખંભાત ને અમદાવાદનાં રસ્તાઓ ને પોળો સંરક્ષણદૃષ્ટિને લક્ષમાં રાખીને બનાવાયાં છે. પોળોના દરવાજા ઉપરની મેડી પણ રક્ષાનો હેતુ સ્પષ્ટ કરે છે. જૂનાં મકાનોની બાંધણીની દૃષ્ટિએ જોતાં પ્રથમ પરસાળ પછી ચોક અને અંદર એક કે વધુ ઓરડા જોવા મળે. ચોકની એક તરફ સામાન્ય રસોડું, તેમાં કાણાં દ્વારા આગંતુકને જોવાની વ્યવસ્થા, ખૂણામાં પાણીના ટાંકા, દેવઘરમાં પણ ટાંકો કે નાનો ગોખ જોવા મળે. સૌરાષ્ટ્રમાં આ રચના થોડી ફરે. તેમાં ગરાસદારો કે સુખી ખેડૂતોના ઘરમાં આગળ ડેલી, ફળિયું, ઓસરી ને પછી હારબંધ ઓરડા, ઓસરીને અડીને પાણિયારું ને રસોડું, જેમાં નાનકડી હવાબારી દ્વારા અવરજવર જોવાય. ચોકની ઉપરના ભાગે હવાપ્રકાશ માટે જાળી, ફરતી અગાસી, આગળની પરસાળ ઉપર મેડી કે દીવાનખંડ કે બેઠકખંડ. ગરીબ માણસોનાં મકાનોનું ચણતર માટીનું જ્યારે સુખી ગૃહસ્થોનાં મકાન પથ્થર-ચૂનાનાં કે ઈંટ-ચૂનાનાં. ગરીબોનું ઘર ઓરડો-ઓસરીમાં સમાપ્ત. મધ્મય કે સુખી ગૃહસ્થોના ઘરમાં ઓરડા વધુ, તેમાં પાછળના સ્ત્રીઓ માટેના ઓરડામાં કોડાર તથા પટારા વગેરે રાખવાની સગવડ થતી. સુખી ગૃહસ્થો ક્યારેક હીંચકો કે પાટ વાપરતા. આધુનિક સમયમાં આ બધાંમાં અનેક ફેરફારો થયા છે, જે આપણે જોઈએ છીએ. શિલ્પ : ચન્દ્રગુપ્ત મૌર્યે ગ્રીકોને હરાવી ભારતમાં કલાસંસ્કારનું નવપ્રસ્થાન કર્યું. બૌદ્ધસાધુઓ માટેની જે ગુફાઓ જોવા મળી છે તેમાં ઘસાઈ ગયેલી શિલ્પકૃતિઓ કુશળ શિલ્પીઓનું કામ હોય એવી લાગે છે. મૈત્રકકાલીન શિવમંદિરો પર ગુપ્તકલાની થોડી અસર જોવા મળે છે. કચ્છના કેરા અને કોટાયનાં શિવમંદિરોની શિલ્પકૃતિઓ, અપ્સરાઓ, કમળનાં પ્રતીકો, હીંચકો વગેરે નોંધપાત્ર નમૂના છે. ઈડર અને શામળાજીનાં રોડાનાં મંદિરો અને શિલ્પકૃતિઓ, શિવપાર્વતી તથા બીજી અનેક પ્રતિમાઓ અદ્ભુત કલાકૃતિઓ છે. કઠલાલમાંથી મળેલી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને વરાહની મૂર્તિઓ ઉત્તર ભારતનાં ગુપ્તકાલીન શિલ્પો સાથે સરસાઈ કરે તેવી છે. અકોટામાંથી મળેલ મહાવીરની ધાતુપ્રતિમા તથા કારવણની અનેકવિધ પ્રતિમાઓ શિલ્પકલાની દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. સોમનાથના અવશેષોમાંથી પ્રાપ્ત અપ્સરાઓ, ગંધર્વો, સોલંકીકાલીન શિલ્પના ઉત્તમ નમૂનાઓ છે. એ જ પ્રમાણે સિદ્ધપુરના રુદ્રમહાલયના સ્તંભો પરની મૂર્તિઓ, અમદાવાદમાંના હઠીસિંગના મંદિરની જિનપ્રતિમાઓ વગેરેમાં સાંપ્રદાયિક ભિન્નતા છતાં કલાવિધાનની સમાનતા સ્પષ્ટ નજરે ચડે તેવી છે. ધર્મસંપ્રદાયના આશ્રયે વિકસેલાં કલા અને શિલ્પનાં અનેક ભવ્ય સ્વરૂપો ગુજરાતનો સમૃદ્ધ વારસો છે. મુસ્લિમ સમયમાં અવશિષ્ટ શિલ્પોમાંનું ઘણું નાશ પામ્યું. કર્ણાવતી, કુંભારિયા, સોમનાથ અસ્તવ્યસ્ત થઈ ગયાં ને છેક વસ્તુપાળ-તેજપાળના સમયમાં તેનું પુન :સ્થાપન થવા લાગ્યું. મુસ્લિમસમયમાં અમદાવાદના સુલતાનોએ મિનારા, મસ્જિદ આદિનું જે નિર્માણ કરાવ્યું તેમાં માનવઆકૃતિઓનું સ્થાન નહોતું પરંતુ જાળીઓ, દરવાજા, ઝરૂખા વગેરે બેનમૂન કલાકારીગરીના ઉત્તમ નમૂના બની રહ્યાં. અંગ્રેજસમયમાં આ કલાસ્વરૂપોનો સદંતર અનાદર થયો. ક્યાંક પાશ્ચાત્યશૈલીનું અનુકરણ કરતી કૃતિઓ જોવા મળે છે. સ્વાતંત્ર્ય બાદ હવે ગુજરાત પોતાની આગવી રીતે આગળ વધી રહ્યું છે. કાષ્ઠશિલ્પ : કાષ્ઠકલા એ ગુજરાતનો સુવિકસિત વારસો છે. પ્રાચીન સમયમાં પણ કાષ્ઠકલાનો સારો એવો પ્રયોગ થતો હશે એમ કેટલાક ઉલ્લેખો પરથી લાગે છે. કહે છે કે સોમનાથ પ્રભાસપાટણનું પ્રસિદ્ધ મંદિર એક જમાનામાં લાકડાનું હતું જે પાછળથી પથ્થરનું બનાવાયું. આજે પણ કેટલાંક મંદિરોમાં કાષ્ઠકલાના નમૂનારૂપ ભાગો સચવાઈ રહ્યા છે. અમદાવાદ અને અન્ય સ્થળોનાં સ્વામીનારાયણ મંદિરોના ઘાટ, વિશાળ ચોક, દરવાજા, સભાસ્થાન બધું ભવ્ય અને કલાયુક્ત છે. સભાસ્થાન પાસેનું કાષ્ઠનું કોતરકામ કચ્છના સત્સંગી કારીગરોની કલાનો સુંદર નમૂનો છે. કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ મૂર્તિઓ, સભાસ્થાનના સ્થંભોમાં ગ્રીક ડોરિયન શૈલીનું અનુકરણ હોવા છતાં તેમાંના સ્વસ્તિક, વિવિધ ચતુષ્કોણો, માળાના બેરખા, પક્ષીઓ સંપૂર્ણ સ્વદેશી ઘાટનાં બન્યાં છે. કથામંડપ પાસેનું કાષ્ઠનું કોતરકામ વૈવિધ્યપૂર્ણ ને બારીક છે. અંદરનાં મંદિરોમાંની સ્વામી સહજાનંદની કાષ્ઠની મૂર્તિ ને વડતાલની મૂર્તિઓ સમાન રેખા ધરાવે છે. મૂળી, જૂનાગઢ, વઢવાણ, ગઢડા, બોચાસણ વગેરે સ્થળોનાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો એક જ ઢબ ધરાવે છે, પરંતુ તેમાં મૂળી અને ગઢડાની કાષ્ઠકલા જુદી પડી આવે છે. હળવદના રાજમહેલમાં કલાના નમૂનારૂપ દાદર અને અન્ય કલાકૃતિઓ, સાયલા મંદિરમાં તથા ગામમાં ઠેર ઠેર જોવા મળતા કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ પૂરા પાડે છે. અમદાવાદ, ભરૂચ, પાટણ વગેરે સ્થળોનાં જૈનમંદિરો, ખાનગી મકાનો વગેરે ઉપરની બારીક કોતરણી, દરવાજા, મજલાઓ, કમાનો (બ્રેકેટ્સ) વગેરેની કાષ્ઠકલા પણ ધ્યાનાર્હ છે. અગાઉ મકાનબાંધકામમાં લાકડાનો ખૂબ ઉપયોગ થતો હતો એટલે કાષ્ઠ-સ્થાપત્ય અને કાષ્ઠકલામાં ગુજરાતે સારો વિકાસ સાધેલો. હવે લાકડું અને પથ્થર મેળવવાની મુશ્કેલી અને સિમેન્ટના વધેલા ઉપયોગે કાષ્ઠકલા ઉપર અંકુશ મૂકી દીધો છે. ચિત્રકલા : ભારતની ચિત્રકલાની પરંપરા ગુજરાતે શ્રેષ્ઠ રીતે સાચવી છે. પ્રાચીનકાળમાં અજંતા અને ઇલોરામાં તેનો સુવર્ણયુગ ગણાય તેમ છે. ત્યારબાદ મોગલશૈલી અને રાજપૂતશૈલીની સાથે ગુજરાતની વિશિષ્ટ ચિત્રકલાના નમૂના જૈનગ્રન્થોમાં સચવાયા છે. એ સમગ્ર દેશની સાંસ્કૃતિક મૂડી છે. અઢારમી સદી પૂર્વે ગામોમાં અને શહેરોમાં મંદિરોની દીવાલો પર અને રાજમહેલની ભીંતો પર ભીંતચિત્રો દોરાતાં હતાં. તેમાં રામાયણ, મહાભારત કે પુરાણોના પ્રસંગોનું આલેખન થતું. શિહોરનાં, જામનગરનાં, પાડરશિંગાનાં, કચ્છનાં ભીંતચિત્રો પ્રસિદ્ધ છે. ૧૮૫૭માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઓફ આર્ટના જન્મ પછી ચિત્રકલામાં પરિવર્તન આવતું ગયું. રૂઢ તરેહનાં સુશોભનો, દેવદેવીઓનાં કે પશુપંખીનાં આલેખનો લોકકલાના ભાગરૂપ બની ગયાં. ૧૯૧૬ પછી ગુજરાતમાં ભારતીય પરંપરાની ચિત્રકલાનું બહુમાન થયું. અનેક કલાકારોને પ્રોત્સાહન મળ્યું. સ્કેચ, વોટરકલર, ચિત્રાલેખન, વૂડકટ, લીનોકટ વગેરેને વેગ મળ્યો. ગુજરાતનો આ કલાસ્રોત પરંપરાપ્રેરિત પુનરુત્થાનની ભાવનાવાળો અને વાસ્તવલક્ષી એમ બે પ્રવાહમાં વહેતો જોવા મળે છે. આઝાદી પછીના આધુનિકયુગમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળે છે. કલા માનસચિત્રણ અંગે નવા આકારોની, શૈલીની શોધ આરંભે છે. અને તેમાંથી આધુનિક ચિત્રકલાનાં વિવિધ રૂપો પાંગરે છે. રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, સોમાલાલ શાહ, પિરાજી સાગરા, ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ વગેરેનું ગુજરાતના ચિત્રકલાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. સંગીત : ભારતભરમાં પ્રસિદ્ધ સંગીતના મહાપુરુષો ગુજરાતે આપ્યા છે. ગુજરાત-જૂનાગઢનો ભક્ત નરસૈંયો પ્રથમ પંક્તિનો ગાયક હતો. તેણે કેદારા રાગને ગીરો મૂકેલો. મહાન સંગીતકાર તાનસેન ગુજરાતના ચાંપાનેરનો હતો. દીપક રાગથી દાઝેલા તાનસેનને વડનગરની તાના રીરીએ મલ્હાર રાગ ગાઈ તેના ઘા રૂઝવી દીધેલા. ગુજરાતના સોમનાથ ભટ્ટે સંસ્કૃતમાં સંગીત ઉપર રચના કરેલી. મુસ્લિમ–શાસનના અંધાધૂંધીભર્યા સમયને કારણે સંગીત, શિલ્પ વગેરે કલાઓ કરમાઈ, અંગ્રેજોના સમયમાં સાવ ઘસાઈને મૃત :પ્રાય બની ગઈ. આમ છતાં વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ધરમપુર, વાંસદા જેવાં રાજ્યોએ એ કલાવારસાને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આધુનિક ગુજરાતમાં સંગીત મુખ્યત્વે ચાર સ્વરૂપે જળવાયેલું જોઈ શકાય છે. શિષ્ટ સંગીત, સુગમ સંગીત, નાટ્યસંગીત અને લોકસંગીત. એમાં શિષ્ટસંગીત મહત્ત્વનું સ્વરૂપ છે. સંગીતપરિષદો, જલસાઓ, સંગીતકેન્દ્રો, આકાશવાણી વગેરે દ્વારા એને પ્રોત્સાહન મળવા લાગ્યું. સાથે સાથે હળવું કે સુગમ સંગીત ચલચિત્રો તથા આકાશવાણીને કારણે વધુ પ્રચલિત બન્યું. જનસમાજમાં શિષ્ટ કે શાસ્ત્રીય સંગીત અંગેની સમજ વધી છે. નારાયણ મોરેશ્વર ખરે, પં. વિષ્ણુ દિગંબર, નારાયણરાવ વ્યાસ, શંકરાવ વ્યાસ ઉપરાંત આદિત્યરામ વ્યાસ, (૧૮૧૯–’૮૦) ‘સંગીત કલાધર’ મહાગ્રન્થના રચયિતા ડાહ્યાલાલ શિવલાલ નાયક (૧૮૬૯-૧૯૨૫) મૌલાબક્ષ, ફૈયાઝ હુસેનખાં, પંડિત ઓમકારનાથ, મહારાણા શ્રી જયવંતસિંહજી વગેરે સંગીતજ્ઞોઓ ગુજરાતના સંગીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. નાટ્યસંગીત એ લોકસંગીત અને શિષ્ટ સંગીતને જોડતી કડી ગણાવી શકાય. નાટ્યસંગીતની આ શાખા ખાસ વિકાસ સાધી શકી નથી. જ્યારે લોકસંગીતે ગુજરાતને સમૃદ્ધ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એ મૂળ અવસ્થામાં જળવાઈ રહ્યું છે. દુહા, ભજન, સરજુ, ગરબા, રાસ વગેરેને સાચવવામાં ગ્રામજનોની સાથે ચારણોએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. આમાંના ગરબા અને ‘લાસ્યનૃત્ય’નો ઉલ્લેખ ‘સંગીતરત્નાકર’માં પણ થયેલો છે. લોકગીતોના અનેક પ્રકારના તાલ અને લયમાં બાંધેલાં સેંકડો ગીતો લોકો ગાય છે, જેમાં હાલરડાં, ઘંટીગીતો, લગ્નગીતો, પ્રભાતિયાં, માછીમારોનાં ગીતો, વ્રતો અને ઉત્સવોમાં ગવાતાં ગીતો વગેરેની વિશાળ સૃષ્ટિ જોવા મળે છે. ગુજરાતની મીર, ગંધર્વ, લંઘા, ભોજક વગેરે કોમોએ અનેક સંગીતકારોની ગુજરાતને ભેટ ધરી છે. નૃત્યો : આદિવાસીઓ અને ગ્રામવાસીઓમાં જેટલો સંસ્કારભેદ છે એટલો જ એનાં નૃત્યો અને ગીતોમાં પણ ભેદ છે. આદિવાસીઓમાં નૃત્યવૈવિધ્ય છે જ્યારે ગ્રામવાસીઓમાં ગીતવૈવિધ્ય છે. ગ્રામવાસીઓનું નૃત્ય બહુધા ગોળાકારે છે જ્યારે આદિવાસીઓમાં આકાર વૈવિધ્ય છે. ડાંગી આદિવાસીઓનું ‘ચાળો’ નૃત્ય, દૂબળા લોકોનું ઘેરૈયાનૃત્ય, કોંકણી આદિવાસીઓનું ભવાડાનૃત્ય, તાડવાનૃત્ય, થાળીકુંડીનૃત્ય માદડનૃત્ય જાણીતાં છે. લોકનૃત્ય શીખવા માટે કોઈ તાલીમની સીધી જરૂર નથી. લોકનૃત્ય સમૂહમાં થાય છે અને પરંપરાગત વારસામાં ઊતરતું આવે છે. એમાં સાદું હલનચલન અને પ્રાકૃતિક જોમ અને જોશ અગત્યની ભૂમિકા ભજવે છે. ગરબો, ગરબી કે રાસમાં ગુજરાતી લોકનૃત્યોનો વિશેષ છે. જીવંત પઢારનૃત્ય, ટિપ્પણીનૃત્ય, સીદીનૃત્ય, હાલી નૃત્ય, ભીલી નૃત્ય, આગવાનૃત્ય, માંડવીનૃત્ય, જાગનૃત્ય, રૂમાલનૃત્ય, માટલીનૃત્ય વગેરે ગુજરાતનાં નોંધપાત્ર લોકનૃત્યો ગણાય છે. ભવાઈનાં નૃત્યો પણ એમાં ઉમેરી શકાય. ગુજરાત સાથે કોઈ શાસ્ત્રીય નૃત્યનું નામ મળતું નથી; માત્ર લોકનૃત્યોનાં નામ મળે છે. સંભવ છે કે ગુજરાતમાં જૈન અને બૌદ્ધધર્મની અસર વિશેષ હોવાને કારણે તેને પોતાની આગવી નૃત્યકલા વિકસાવવાની તક નહિ મળી હોય. આજે ભારતનાં શાસ્ત્રીય નૃત્યોની તાલીમ આપતી ઘણી સંસ્થાઓ ગુજરાતમાં છે. ગ્રન્થાલયો : ભારતમાં પ્રાચીન સમયથી જ ગ્રન્થરચના અને ગ્રન્થાલય-પ્રવૃત્તિ થતી રહી છે. ખંભાત, અમદાવાદ, પાટણ આવી પ્રવૃત્તિઓના કેન્દ્રમાં હતાં. મૈત્રકોના સમયમાં વલભી વિદ્યાનું કેન્દ્ર હતું. માળવાનો ગ્રન્થભંડાર પાટણમાં આવ્યાની ઘટના જાણીતી છે. મુસ્લિમસમયમાં ઘણાં ગ્રન્થો – ગ્રન્થાલયો નષ્ટ થયાં. અંગ્રેજીરાજ્ય ‘અમલ દરમ્યાન પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. ૧૯૦૫માં રાષ્ટ્રવાદની પ્રવૃત્તિ વધી. મોતીભાઈ અમીન, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અગ્રણીઓએ અને વડોદરામાં સયાજીરાવે આ પ્રવૃત્તિને વેગ આપ્યો. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પ્રાચ્યવિદ્યા અને ગ્રન્થો માટે મંડળ થયું. અન્ય રાજ્યોમાં પણ એની અસર થઈ. ૧૯૦૬માં ‘મિત્રમંડળ’ તરફથી બે જ વર્ષમાં ૧૫૦ પુસ્તકાલયો સ્થપાયાં. ૧૯૧૬-૧૭માં ઇન્દુલાલે કેળવણીમંડળની મદદથી ૮૦ જેટલાં પુસ્તકાલયો શરૂ કર્યાં. ચરોતર એજ્યુકેશન સોસાયટી, હોમરૂલલીગ વગેરેએ ગ્રન્થાલયપ્રવૃત્તિને વેગ આપ્યો. સ્વાતંત્ર્ય પછી ગ્રન્થાલયપ્રવૃત્તિમાં ઘણો વેગ આવ્યો છે. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠગ્રન્થાલય, માણેકલાલ જેઠાભાઈ ગ્રન્થાલય, વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી ભાવનગરની બાર્ટન લાઇબ્રેરી કે રાજકોટની લેંગ લાઇબ્રેરી – મહત્ત્વનાં ગ્રન્થાલયો છે. ગામડે ગામડે શાળાઓ થતાં ગ્રામકક્ષાએ શાળાઓ અને પંચાયતોમાં પુસ્તકાલયો થયાં છે. શહેરોમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોથી માંડી યુનિવર્સિટીકક્ષા સુધી મોટી જરૂરત ઊભી થતાં ગ્રન્થાલયો અસ્તિત્વમાં આવ્યાં. સરકારે જિલ્લાકક્ષાએ જિલ્લાગ્રન્થાલયોની રચના કરી છે. તો ખાનગીસંસ્થાઓ, સામાજિકમંડળો, મજૂરમંડળો વગેરે અનેક સંસ્થાઓ બાળપુસ્તકાલયથી માંડીને વિજ્ઞાનના ઉચ્ચતમ કક્ષા સુધીના વૈવિધ્યસભર ગ્રન્થોથી સમૃદ્ધ છે. સંગ્રહસ્થાનો : ૧૭૯૬માં કલકત્તા ખાતે સંગ્રહસ્થાન સ્થપાયા પછી ઘણા લાંબા ગાળે ગુજરાતમાં મ્યુઝિયમ કે સંગ્રહસ્થાનોનો પ્રારંભ થયો. આ સંગ્રહસ્થાનોમાં પ્રાગૈતિહાસિક સમયથી માંડીને મૌર્ય, શુંગ, કુશાન, ગાંધાર, ગુપ્તકાલીન સમયના અને મધ્યકાલીનસમયના કલા અને ઇતિહાસને લગતા નમૂના તેમજ ઔદ્યોગિકકલા, ચિત્રકલા વગેરે વિભાગો હોય છે. ૧૮૭૭માં સ્થપાયેલ ભુજ(કચ્છ)નું સંગ્રહસ્થાન કચ્છની કલાકારીગરી, પ્રાચીન શિલાલેખો, ચાંદીકામ, મીનાકામ વગેરેથી સમૃદ્ધ છે. પછી ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયા જ્યુબિલી પ્રસંગે વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે સ્થળે સંગ્રહસ્થાનો સ્થપાયાં એમાં વડોદરાનું સંગ્રહસ્થાન અને પિક્ચરગેલેરી આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. રાજકોટનું વોટસન મ્યૂઝીયમ પણ જાણીતું છે. અમદાવાદ મ્યુનિસિપલ મ્યૂઝીયમ સંસ્કારકેન્દ્ર તેમજ ભો. જે. વિદ્યાભવન : અમદાવાદ, હસ્તલિખિતપત્રો, તામ્રપત્રો, સિક્કા, પુરાવશેષો વગેરે માટે જાણીતાં છે. કેલિકો મ્યૂઝીયમ ઓફ ટેક્સટાઇલ : અમદાવાદ, કાપડઉદ્યોગને લગતું એકમાત્ર મ્યૂઝીયમ છે કે જેમાં વિવિધ કાપડ અને વિશિષ્ટ પોષાકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લા. દ. પ્રાચ્યવિદ્યાનું સંગ્રહસ્થાન તથા કોબાનું જૈનમ્યૂઝીયમ નોંધપાત્ર છે. ગિરધરભાઈ બાળસંગ્રહાલય અમરેલીનું સંગ્રહસ્થાન પ્રાચીન પુરાવશેષો ઉપરાંત અન્ય વિભાગો ધરાવે છે. બાર્ટનમ્યૂઝીયમ, ભાવનગર, ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. અને તેમાં પણ શિલ્પ, શિલાલેખો, માટી ને વાસણના અવશેષો વૈવિધ્યપૂર્ણ છે. લેડી વિલ્સન મ્યૂઝીયમ ધરમપુરમાં ભૂસ્તર, પ્રાણીવિભાગ, ઉદ્યોગ, કૃષિ વગેરે વિભાગ છે. જામનગરમાં મ્યૂઝીયમ ઓફ એન્ટીક્વિટીઝ અને જૂનાગઢનું સંગ્રહસ્થાન અનેક બહુમૂલ્ય પુરાવશેષો ધરાવે છે. અ.પ.મ્યૂઝીયમ, સુરત પીછવાઈઓ, જૈનચિત્રો, કાચ અને લાકડાનાં ફલકચિત્રો વગેરેથી સમૃદ્ધ છે. તો આર્ટ અને આકિર્યોલોજી સંગ્રહાલય વલ્લભવિદ્યાનગરમાં ધાતુમૂર્તિઓ, સ્થાપત્ય, શિલ્પ વગેરેના સુંદર નમૂના ધરાવે છે. યુનિવર્સિટીઓ : ભારતમાં નાલંદા અને ગુજરાતમાં વલભી પ્રખ્યાત વિદ્યાપીઠનું ગૌરવ ધરાવતાં પ્રાચીનકેન્દ્રો હતાં. ગુજરાતમાં ગુજરાતીભાષી પ્રદેશની યુનિવર્સિટી તરીકે તા. ૨૩-૧૧-૧૯૫૦ના રોજ ‘ગુજરાત યુનિવર્સિટી’ની સ્થાપના થઈ. આ યુનિવર્સિટી ગુજરાતમાં અગ્રણી બની અનેક ક્ષેત્રમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. સરદાર પટેલ મહાવિદ્યાપીઠ : વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી ક્ષેત્રે ગ્રામ અને નગર બંનેનું સુભગ સંમિશ્રણ છે. ચારુત્તર વિદ્યામંડળે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની જનેતા બનીને ૧૯૪૭થી વલ્લભવિદ્યાનગરની આ મહાવિદ્યાપીઠને અનેક ક્ષેત્રે યશ અપાવ્યો છે. ગાંધીજીના કુલપતિપદે અને સરદાર પટેલના પ્રથમ કુલનાયકપદે વિકસિત થયેલ ‘ગૂજરાત વિદ્યાપીઠ’ : અમદાવાદ સ્વરાજપ્રાપ્તિના એક ભાગ તરીકે ૧૯૨૦માં જન્મ પામેલી આજે અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી વિકસિત છે. છેક ૧૯૦૯માં ભૂતપૂર્વ વડોદરારાજ્યમાં જેની સ્થાપનાનાં ચક્રો ગતિમાન થયેલાં તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી : વડોદરા ૧૯૩૫-૧૯૪૯ દરમ્યાન ગતિમાન બની. ૧૯૪૯થી અસ્તિત્વમાં આવી. અંગ્રેજી માધ્યમ દ્વારા આજે અનેક ક્ષેત્રે એણે પ્રગતિ સાધી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ વિવિધ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરી રહી છે. સત્યાગ્રહો : ગુજરાતના જનજીવનમાં સત્ય અને આગ્રહના મિશ્રણયુક્ત ધર્મ અને ક્રાન્તિનો સમન્વય કરી પરિવર્તનને આરે મૂકી દેનાર સત્યાગ્રહો થયા છે. દેશીરાજ્યો અને પરદેશી અંગ્રેજસરકાર સામે એનો સફળ પ્રયોગ થયો. વીરમગામની જકાતબારી અંગે આંદોલન (૧૯૧૫-૧૯) થાય તે પહેલાં તે બંધ કરી દેવાઈ. અમદાવાદના મિલમાલિકો અને મજૂરો વચ્ચેનો સંઘર્ષ (૧૯૧૮) લવાદથી ઉકેલાયો. એ બધાના પાયા ઉપર ખેડામાં સત્યાગ્રહનાં મંડાણ થયાં. વારંવારના દુષ્કાળથી પીડિત ખેડાજિલ્લાની પ્રજા માથે ખોટી આનાવારી દ્વારા મહેસૂલવધારો ઠોકી બેસાડ્યો ત્યારે વલ્લભભાઈ અને અન્ય અગ્રણીઓના સાથથી પ્રજાએ ૧૯૧૮માં સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ૨૨ એપ્રિલના સત્યાગ્રહની હાકલ કરી. આંદોલનો થયાં. સભાઓ થઈ ને છેવટે સરકારે પ્રજાની વાત માની મહેસૂલવધારો દૂર કર્યો. ૧૯૨૩-૨૪માં બોરસદમાં બહારવટિયાના ત્રાસે માઝા મૂકી. સરકારે પ્રજાને દોષિત ગણી શિક્ષાત્મક વેરો નાખ્યો. તે સામે સત્યાગ્રહ થયો. જપ્તી અમલદારો સામે પ્રજાએ નાસી જઈને જપ્તીઓ ટાળી. બોરસદ ભાંગવા અંગે બહારવટિયાનો જાસો આવતાં તે અમલદારને આપી પોતાની નિર્દોષતા સિદ્ધ કરી. ગવર્નરે સર મોરીસ હેવર્ડને તપાસ સોંપી. તેણે પણ શિક્ષાત્મક વેરો દૂર કરવા ભલામણ કરતાં પ્રજાનો વિજય થયો. ૧૯૨૮માં સરકારે લોકમતની અવગણના કરી મહેસૂલદર વધારી તે વસૂલાતના હુકમો કરતાં બારડોલીની પ્રજાએ વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે સત્યાગ્રહ શરૂ કર્યો. છાવણીઓ નાખીને વ્યવસ્થિત આંદોલન ચલાવ્યું. સરકારે લોકોને અનેક રીતે ત્રાસ આપ્યો છતાં પ્રજા મક્કમ રહી. ધારાસભ્યો અને તલાટીઓએ નોકરીમાંથી રાજીનામાં આપ્યાં. છેવટે સરકારે નમતું જોખ્યું. લોકોએ વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ આપ્યું. મીઠા(નમક) ઉપર સરકારે વધુ પડતો કર નાખતાં તેની સામે ગાંધીજીએ સત્યાગ્રહનું એલાન આપ્યું. સાબરમતીથી દાંડી સુધી કૂચ કરી. તા. ૬-૪-૧૯૩૦ના દિવસે નમકકાનૂનનો ભંગ કર્યો. વળી દાંડી, વિજલપર, કરાડી વગેરે સ્થળે ભાષણો કરી ધરાસણાના મીઠાના અગર ઉપર જવાનું નક્કી કર્યું. ગાંધીજીની ધરપકડ થઈ. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. અનેક સ્થળોએ હજારોની સંખ્યામાં લોકો પકડાયા, ઘાયલ થયા. દેશપરદેશમાં તેના પડઘા પડ્યા. અંતે સરકારને ઝૂકવું પડ્યું. આ ઉપરાંત રાજકોટ, વીરમગામ, લીંબડી, મોરબી, ધ્રાંગધ્રા, ખાખરેચી, વણોદ વગેરે સ્થળે સત્યાગ્રહો થયા. પરિણામે લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવી જે આગળ જતાં બહુ કારગત નીવડી.