ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સામયિકો



ગુજરાતી સામયિકો: અંગ્રેજી કેળવણી અને મુદ્રણયંત્રના પ્રભાવને કારણે નવજાગૃતિના એક સાધન લેખે ચોપાનિયાં અને સામયિકોના પ્રકાશનયુગનો આરંભ થયો. ગુજરાતી ભાષામાં આઠસોથી વધારે સામયિકો અને બારસો ઉપરાંત સંપાદકોનાં નામ જડે છે. ‘બુદ્ધિપ્રકાશ’ જેવું સામયિક દોઢસો વર્ષને તેમ ‘કુમાર’ અને ‘ફાર્બસ સભા ત્રૈમાસિક’ અમૃતવર્ષને વટાવી ગયાં છે એ આપણાં સામયિકોની દીર્ઘ પરંપરાને દર્શાવી આપે છે તેમજ આ દિશાના બે શતકને આંબવા આવેલા અભ્યાસગ્રંથો પણ સામયિકોની સમૃદ્ધિ અને એના પ્રભાવને ચીંધે છે. આપણા મહત્ત્વના તમામ સર્જકોએ સામયિકોનો આરંભ કર્યો છે અથવા તો એ સામયિકો સાથે કોઈ ને કોઈ રીતે ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા છે એ પણ સામયિકોની રિદ્ધિસિદ્ધિના સૂચક છે. ગુજરાતી સામયિકના પ્રથમ પ્રકાશનનું પગેરું મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રો. રીડ અને એમની પ્રેરણાથી એમના વિદ્યાર્થીઓએ સ્થાપેલી ‘સ્ટુડન્ટ સોસાયટી – ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી’માં જડે છે. આ મંડળીઓ એની જ્ઞાનવર્ધકપ્રસારક પ્રવૃત્તિઓનો લાભ સામાન્ય પ્રજાને પણ મળે એવા ઉમદા આશયથી ૧૮૪૯માં, ‘ગનેઆન પરસારક એટલે જે એલમ તથા હોનરોનો ફેલાવો કરનાર ચોપાનીઉં’ એવું લાંબું નામ ધરાવતું મુખપત્ર પ્રકાશિત કરેલું જે પછીથી, જોડણીની શુદ્ધિના આગ્રહ અનુસાર ‘જ્ઞાનપ્રસારક’ નામે પ્રગટ થતું રહેલું. મંડળી મળવાથી થતા લાભોથી સજ્જ થયેલા કેટલાક નવશિક્ષિતોએ દાદાભાઈ નવરોજીએ કાઢેલા ‘રાસ્તગોફતાર’ તથા ‘જ્ઞાનપ્રસારક’ – ‘બુદ્ધિવર્ધક’ અને ‘સ્ત્રીબોધ’ જેવાં સામયિકોને લેખો લખી આપીને સહકાર આપેલો. પરંતુ એ સામયિકોના સીમિત વાચકવર્ગની બહાર રહી જતી આમપ્રજાને જાગૃત કરવાની લગનીએ કેટલાક જાગૃત યુવાનોને પોતાનું સામયિક પ્રકાશિત કરવા પ્રેર્યા, એમાં કરસનદાસ મૂળજી અગ્રજ ગણાવા જોઈએ. એમણે સ્થાપેલા સામયિક ‘સત્યપ્રકાશ’(૧૮૫૫) દ્વારા એમણે ધર્મ અને સમાજમાં ફેલાયેલી ગંદકી અને કુરૂઢિઓ સામે પ્રબળ પુરુષાર્થ કરી નવજાગૃતિની લહેર ફેલાવી. અલબત્ત, ‘સત્યપ્રકાશ’નું લક્ષ્ય સંસારસુધારા પર હતું તેટલું પત્રકારત્વની પરંપરા સ્થાપવા તરફ ન હતું. નર્મદનું ‘ડાંડિયો’ (૧૮૯૪) સુધારાલક્ષી પત્રકારત્વનું જ નહીં, સાહિત્યિક ને વૈચારિક ગદ્યસાહિત્યનું પ્રેરક પણ બન્યું. નવલરામે ૧૮૭૦થી ‘ગુજરાત શાળાપત્ર’ના તંત્રીપદે ગ્રંથસમીક્ષાની મહત્તા આરંભી આ સમયગાળાનાં સામયિકોએ ગદ્યની પ્રતિષ્ઠા કરી ઉત્તમ પરિણામો મેળવવા માંડ્યા. સાક્ષરયુગના ધ્યેયલક્ષી પત્રકારત્વે જીવનની અભ્યુદય થઈ શકે એ હેતુથી પૂર્વ-પશ્ચિમ ઉભયની સંસ્કૃતિના સમન્વયનું વલણ અપનાવ્યું અને લેખન દ્વારા પ્રજાજીવનને સંસ્કારવા સાક્ષરી જહેમત ઉઠાવી. આના ફળ સ્વરૂપે સામયિકપ્રવૃત્તિને વેગ મળ્યો. મણિલાલ દ્વિવેદીએ ‘ગુજરાતી’ સામયિકમાં લખેલી નારીપ્રતિષ્ઠા લેખમાળાથી પ્રેરાઈને સ્ત્રીકેળવણીના વિચારથી ‘પ્રિયંવદા’ (૧૮૮૫) સામયિકમાં બાળઉછેર, શરીરવિદ્યા જેવા વિષયોપરાંત ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો બોધ કરાવે અને વાર્તારસ પણ મળી રહે એ ઉદ્દેશથી ગુલાબસિંહ નામે અનુવાદિત વાર્તા ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ કરી. નવલરામે શરૂ કરેલી ગ્રંથવિવેચનોની શ્રેણી પણ સામયિકના એક અંગ રૂપે અહીં ચલાવીને સાહિત્યિક અભિજ્ઞતા કેળવવાનો પુરુષાર્થ કર્યો. ‘સુદર્શન’ (૧૮૯૦) નામના સામયિકનો હેતુ મણિલાલે શુભદર્શન, શુદ્ધદર્શન અને શુદ્ધ તત્ત્વનિર્ણય કરવાનો હતો. આ સામયિકમાં ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્ય જેવી વિભાગવાર સામગ્રી મણિલાલે પ્રગટ કરી છે. ‘જ્ઞાનસુધા’ (૧૮૮૭) જેવા પ્રાર્થનાસમાજના મુખપત્રનું સંપાદન રમણભાઈ નીલકંઠના હાથમાં આવ્યું ત્યારે એમાં પ્રગટ થયેલા નમૂનેદાર નિબંધો અને ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યરસિક નવલકથાનું પ્રકાશન એમનું પ્રદાન બની રહ્યું. ‘સમાલોચક’ (૧૮૯૬) અને આનંદશંકરધ્રુવ-સંપાદિત ‘વસંત’ (૧૯૦૨) પંડિતયુગની સામયિક પરંપરાનાં મુખ્ય સામયિકો છે. ગાંધીયુગનાં સામયિકોમાં એક રીતે સુધારકયુગની ઘણી લાક્ષણિકતાઓ જોવા મળે છે. પંડિતયુગમાં જે કેન્દ્રિત હતું તે ગાંધીયુગમાં વ્યાપક બને છે. રાજકીય કે સ્વાતંત્ર્ય લડતના સમાચારો જ નહીં પરંતુ સમાજ અને રાજકારણ, જીવન અને સમાજની નવરચના, સાહિત્ય અને મૂલ્યનિષ્ઠા એમ વ્યાપક રીતે અર્થઘટન કરતા ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’ જેવાં સામયિકોની સામે ચિત્રાત્મક સામયિકનો યુગ શરૂ કરનાર હાજી મહમ્મદ અલારખિયા શિવજીનું ‘વીસમી સદી’ (૧૯૧૬), સાહિત્યસંસદનું ‘ગુજરાત’ (૧૯૨૨), ચાંપશી ઉદેશીનું ‘નવચેતન’ (૧૯૨૨) ગોકળ રાયચૂરાએ ચલાવેલું ‘શારદા’ (૧૯૨૪) જેવાં સામયિકો, અને મટુભાઈ કાંટાવાળાનું ‘સાહિત્ય’ (૧૯૧૩), વિજયરાય વૈદ્યનાં ‘ચેતન’, ‘કૌમુદી’ (૧૯૨૪) અને ‘માનસી’ (૧૯૩૫), આવતીકાલના નાગરિકોનું માસિક બનવા મથતું ‘કુમાર’ (૧૯૨૪), રામનારાયણ પાઠકના સંપાદનપદે પ્રસિદ્ધ ‘પ્રસ્થાન’ (૧૯૨૬), ‘ફાર્બસ સભા ત્રૈમાસિક’ (૧૯૩૬) અને છેક ઉમાશંકર જોશીના ‘સંસ્કૃતિ’ (૧૯૪૭) અને ભોગીલાલ ગાંધીના ‘વિશ્વમાનવ’ (૧૯૫૮)માં સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, સમાજવિદ્યા, વનસ્પતિશાસ્ત્ર, રસાયણવિદ્યા, આહાર અને પોષણ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, હુન્નરઉદ્યોગ, ધર્મ-તત્ત્વજ્ઞાન, ભૂગોળ, જીવસૃષ્ટિ, વસ્ત્રવિદ્યા અને રાજનીતિ જેવા માનવજીવનલક્ષી નાનાવિધ વિષયોની આધારભૂત, શાસ્ત્રીય તેમજ રોચક વાચનસામગ્રી પ્રગટ થવા પામી છે. સંસ્થાના મુખપત્ર તરીકે સમતોલ દીર્ઘકાલીન સાહિત્યસેવાની કારકિર્દી ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી દ્વારા પ્રકાશિત ‘બુદ્ધિપ્રકાશ’ ધરાવે છે. પછીથી આ પરંપરામાં ‘ફાર્બસ’, ‘સ્વાધ્યાય’, ‘વિદ્યાપીઠ’, ‘વિ’, ‘વિવેચન’, ‘કવિતા’ અને ‘કવિલોક’ જેવાં સામયિકો, સર્વસ્વરૂપલક્ષી ‘પરબ’ અને ‘શબ્દસૃષ્ટિ’ પણ જોડાય છે. આ સઘળાં સામયિકોનું સ્વરૂપોના ઘડતરમાં, વિવેચન અને સંશોધનના ક્ષેત્રમાં તેમજ સર્જકોને મંચ આપવામાં બહુમૂલ્ય પ્રદાન છે. આવાં સામયિકો સ્પષ્ટ પ્રયોજનથી પ્રગટ થતાં હોય છે. એમની સ્પષ્ટ નીતિ સામયિક-ઢંઢોરાઓમાં પ્રકાશિત કરાતી હોય છે. નિયમિતપણે લખાતી સંપાદકીય નોંધમાં પણ સામયિકની મુદ્રા અંકાતી હોય છે. કેટલાંક દૈનિક-સમાચારપત્રો સમય-સંયોગ અનુસાર સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત થતાં રહ્યાં હતાં. એમાં ‘ફૂલછાબ’નું ‘સૌરાષ્ટ્ર’, સુરતનું ‘ગુજરાત મિત્ર’ ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત’ મુખ્ય છે. એમાંના ‘સૌરાષ્ટ્ર’ કાઠિયાવાડી રજવાડાંનાં જોર-જુલમો સામે ફરકાવેલો લોકજાગૃતિજુવાળનો ઝંડો તેની ઊંડી શાસ્ત્રિયતા ને વિશેષ ફનાગીરીથી નોંધપાત્ર છે. પ્રકાશનગૃહોનાં નવપ્રકાશિત પ્રકાશનોની જાહેરાત વ્યાપક સ્વરૂપે કરવા માટે હાઉસ-મૅગેઝિનના પ્રકાશનની પરંપરા આપણે ત્યાં પણ રૂઢ થવા પામી છે, આ પ્રકારનાં સામયિકમાં નવપ્રકાશિત ગ્રંથોની જાહેરાતની સાથે એ પુસ્તકોના વિશેષને વર્ણવતી સમીક્ષાઓ, એના મહત્ત્વના અંશો, અન્ય સર્જકોનાં સર્જન પણ પ્રગટ કરવામાં આવતા હોય છે. ‘ઉદ્ગાર’, ‘ઓળખ’, ‘ગૂર્જરસાહિત્ય’ જેવાં સામયિકો આ દિશાનાં છે. સ્વરૂપના વિકાસ અને એમાં પ્રગટતા સર્જનને વિશેષ ઉપસાવી આપતાં સ્વરૂપલક્ષી સામયિકો પણ પત્રકારત્વની એક લાક્ષણિક બાજુ છે. ‘ઊર્મિ’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘મુદ્રાંકન’, ‘વહી’ કેવળ કાવ્યસ્વરૂપને પ્રગટ કરતાં; ‘વલ્લરી’, ‘ચાંદની’, ‘સરવાણી’ જેવાં કેવળ વાર્તાનાં; તો નાટકસ્વરૂપનાં ‘રંગભૂમિ’ (નૃસિંહ વિભાકર), ‘જવનિકા’ (જયંતિ દલાલનું ‘નાટક’, ‘નાટ્યરંગ’, ‘નાટક’ (હસમુખ બારાડી) જેવાં એક જ સ્વરૂપને આરાધતાં સામયિકો પણ આપણે ત્યાં પ્રગટ થયાં છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, શિક્ષણ, અર્થકારણ, ગ્રામોદ્ધાર, વિજ્ઞાન, નાટક, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, મુદ્રણકળા, વેપાર જેવા વિષયોને સામૂહિક તેમજ તે તે વિષયોને અલાયદું મહત્ત્વ આપનારાં ‘જિજ્ઞાસુ’, ‘કલ્યાણ’, ‘જનકલ્યાણ’, ‘જૈનયુગ’, ‘પ્રબુદ્ધજીવન’, ‘ધર્મસંદેશ’, ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘ગ્રામસ્વરાજ’, ‘સુકાની’, ‘પંચાયતી રાજ’, ‘નયામાર્ગ’, ‘લોકજીવન’, ‘અર્થવ્યવસ્થા’, ‘યોજના’, ‘સ્વરાજધર્મ’, ‘અખંડઆનંદ’, ‘સંસાર’, ‘શ્રીરંગ’, ‘જીવનમાધુરી’, ‘આંતરભારતી’, ‘ગ્રન્થાગાર’, ‘પુસ્તકાલય’, ‘સફારી’ અને ‘સ્કોપ’, ‘વિજ્ઞાનદર્શન’, ‘યોજના’ જેવાં સામયિકોએ એમનું ઓછુંવધતું યોગદાન આપ્યું છે. પ્રકાશન-સમયની દૃષ્ટિએ સાપ્તાહિક, દસવારિક, પાક્ષિક, માસિક, દ્વૈમાસિક, ત્રૈમાસિક, ચતુર્માસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક સામયિકોનું વૈવિધ્ય તરત જણાઈ આવે તેવું છે. સાપ્તાહિકોમાં વિચારપત્ર લેખે ધ્યાન ખેંચતાં ‘સુકાની’ અને ‘નિરીક્ષક’ દ્વારા રાજ્ય અને સમાજના સજગ પ્રહરીની સેવાઓ મળી છે તો એકમાત્ર દસવારિક તરીકે કટોકટીકાળમાં પણ હોલવાયા વિના સ્પષ્ટવાદિતા અને પ્રગટતું રહેલું ‘ભૂમિપુત્ર’ તેની ચિંતન-ઊર્જાથી અલગ મુદ્રા રચી શક્યું છે. પાક્ષિકમાં ‘પ્રબુદ્ધજીવન’ અને ‘સમર્પણ’ ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યનું સમસ્તરીય વાચન પૂરું પાડતાં હતાં. નિયમિત સામગ્રી ઉપરાંત કોઈ એક વિષયને કેન્દ્રમાં રાખતા વિશેષ અંકો થકી આ સામયિકોએ અભ્યાસનું, સર્જન-આસ્વાદ અને વિવેચનનું જે વાતાવરણ રચ્યું એ સામયિકોની ઊજળી બાજુ બની રહે એમ છે. અનેક દિશાના વિશેષાંકો સામયિકોએ પ્રગટ કરીને સાહિત્યિક વાતાવરણને જીવંત કરવાનો યત્ન કર્યો છે ‘ઊર્મિનવરચના’નાં લોકસાહિત્યની અનેક બાજુઓને અભ્યાસપ્રદ રીતે મૂકી આપતા વિશેષાંકો એનું ઉદાહરણ છે. ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘ગ્રન્થ’, ‘નવનીત-સમર્પણ’, ‘રુચિ’ ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિશ્વમાનવ’, ‘મિલાપ’ અને ‘પરબ’ જેવાં સામયિકોએ પ્રબુદ્ધ સાહિત્યાનુરાગી વાચકને સતત સમ્પન્ન કર્યો છે. દ્વૈમાસિકોમાં ‘કવિલોક’, ‘વિદ્યાપીઠ’, ‘વિ’ અને ‘ગદ્યપર્વ’ વિશેષ ઉલ્લેખનીય છે તો, ત્રૈમાસિકોમાં ‘ફાર્બસ’, ‘સ્વાધ્યાય’, ‘એતદ્’, ‘પ્રત્યક્ષ’, ‘સમીપે’, ‘માનવી’, ‘રંગભૂમિ’, ‘જૈન સંશોધક’, ‘દક્ષિણા’, ‘પુરાતત્ત્વ’, ‘કેળવણી’ વગેરેએ તેની શાસ્ત્રીયતા, અધિકૃતતા અને સાતત્યથી એક વિશિષ્ટ વાચકવર્ગ પોષ્યો છે. વાર્ષિક સામયિકો અલબત્ત, ઓછાં જ હોવાનાં પરંતુ તેમાં ‘કેસૂડાં’, ‘ગુજરાત’, ‘સાયુજ્ય’, ‘સંધાન’, ‘અધીત’; ‘ઉત્તરા’ અને ‘પરસ્પર’ નોંધપાત્ર છે. બાલ-સામયિકોમાં ‘ગાંડીવ’, ‘રમકડું’, ‘બાલજીવન’, ‘બાલમિત્ર’, ‘ચાંદામામા’, ‘ઝગમગ’, ‘ફૂલવાડી’, ‘ચંદન’, ‘ચાંદાપોળી’ વગેરે સામગ્રીનું સ્તર તથા પ્રકાશન-સમયની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. એમાંના ‘રમકડું’માં પ્રકાશિત થયેલી ‘છેલ અને છબો’, ‘શેરખાન’ અને ‘હાથીઓના સહવાસમાં’ જેવી કિશોર-સાહસકથાઓ તથા સોનુ, ભગુ અને લખુડીનાં પરાક્રમી પાત્રો ધરાવતી આબિદ સુરતીની બહુરંગી ચિત્રવાર્તાએ તથા ‘ગાંડીવ’ની ‘બકોર પટેલ’ વાર્તાશ્રેણીએ બહુ લાંબા સમય સુધી ગુજરાતી કિશોર-વાચકોને ઘેલા કર્યા હતા. જીવરામ જોશી સંપાદિત ‘ઝગમગ’ પણ એવું જ આકર્ષણ ધરાવતું બાલસાપ્તાહિક છે. એમાંની વિજ્ઞાનકથાઓ જ નહીં, જીવનલક્ષી સામાન્યજ્ઞાન આપતી ચિત્રવાર્તાઓ તથા કહેવતકથાઓ પણ યાદગાર નીવડી હતી. ‘સ્ત્રીજીવન’, ‘સ્ત્રી’, ‘સ્ત્રીહિતોપદેશ’, ‘ગુણસુંદરી’, ‘શ્રી’, ‘અનસૂયા’, ‘સુધા’, ‘સખી’, ‘ફેમિના’, ‘ગૃહશોભા’ વગેરે સામયિકોએ માતૃત્વ-બાળઉછેર, રસોઈકલા, જાતીયજીવન, શૃંગારકળા, ગૃહસ્થી, આહાર, નારી-સ્વાતંત્ર્ય, ગૃહસજાવટ, ભરત-સીવણ, બાગકામ, વગેરે વિષયોમાં રોચક સામગ્રી આપી સ્ત્રી-સામયિકોની પરંપરા ઊભી કરી છે. સુરેશ જોષીએ આધુનિક ગાળામાં સામયિકોની એક સાંકળ રજૂ કરી ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ’ જેવાં સામયિકોએ પશ્ચિમનાં અનુવાદો, વિચારધારાઓ અને અન્ય કલાપરંપરાઓ સાથે નવા સર્જન, વિવેચનને મૂકવાનું સાહસ કર્યું હતું. આ સમયમાં લઘુસામયિકોનાં પ્રકાશનમાં જાણે કે ભરતી આવી હતી. ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાંથી નાનાવિધ આકાર-પ્રકારનાં સંખ્યાબંધ સામયિકો આ તબક્કામાં પ્રકાશિત થયાં છે. આકૃતિ, સામગ્રી, પ્રકાશન-માધ્યમ અને મુદતની દૃષ્ટિએ તે પુષ્કળ વૈવિધ્ય ધરાવતાં હતાં. ‘પગલું’ પોસ્ટકાર્ડમાં, તો ‘કશુંક’ અન્તર્દેશીયપત્રમાં છપાતાં હતાં. કોઈ હસ્તલિખિત હતું તો, ગૂજરાત વિદ્યાપીઠના ભાષા-સાહિત્યવિભાગ દ્વારા પ્રગટ થતું ‘તથા’ સાઈક્લોસ્ટાઈલ્ડ હતું. આમાંનાં કેટલાંક કદમાં નર્યાં ચોપનિયાં જ હતાં. એ પૈકી ‘ઢંઢેરો’એ તો એનો પરિચય ફરફરિયું કહીને જ આપ્યો હતો. પ્રકાશન-સમયની બાબતે આ લઘુપત્રિકાઓએ અનિયતકાલિક, ન-નિયતકાલિક અને કાલઅબાધિત રહીને પ્રકાશનના નિયત સમયપાલનની શિસ્ત નિવારી દીધી હતી. સંખ્યા અને આયુષ્યની દૃષ્ટિએ બહુધા આ પત્રિકાઓ બિલાડીના ટોપ સમી હતી. થોડીઘણી અર્થવ્યવસ્થા અને એકાદ-બે છપાતા સાહિત્યકાર-મોવડીના નેજા તળે એકઠા થયેલા નવદીક્ષિતસર્જકોના ઉત્સાહના પર્યાયરૂપ આ લઘુપત્રિકાઓએ કાવ્યસર્જનપ્રક્રિયાને સાવ સુલભ કરી દીધી હતી. અલબત્ત, કાળક્રમે એનાં મૂલ્યામૂલ્ય આજે સ્થિર થયાં છે. આ લઘુપત્રિકાઓમાં ‘અક્ષરા’, ‘અભિવ્યક્તિ’, ‘અરવરવ’, ‘આકાર’, ‘આકૃતિ’, કવિતાનું દ્વૈમાસિક ‘ઉદ્ભવ’, ‘રેમઠ પ્રકાશિત ‘ઉન્મૂલન’, ‘કે’, ‘કશુંક’, ‘કૃ’, ‘કેલિડોસ્કોપ’, ‘કોલાહલ’, ‘ક્યારેક’, વિદેશી વિવેચકોથી અજ્ઞાત એવા કવિઓની કૃતિઓને સહૃદયો સુધી પહોંચાડવા પ્રગટ થતું ‘ક્ષણિક’, બે વર્ષના અલ્પ આયુષ્યમાં રાવજી પટેલ અને સુરેશ જોષી વિશે વિશેષાંક આપનારું ‘ગગન’, ‘સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે વૈચારિક-ક્રાંતિને વેગવાન બનાવવા મથતું ‘ચેતન’, ‘આધુનિક કલા અને કવિતાને તાકતું ‘ટેન્ટ્રમ’, ‘ડ્રાંઉં ડ્રાંઉં’, પોતાની કૃતિઓ બીજા પણ વાંચે એ ઉદ્દેશથી, સુરેશ જોષીએ ચીંધેલી, ‘પોતાનું પતાકડું કાઢવાની’ સગવડ રૂપે આરંભાયેલું ‘ઢંઢેરો’, ‘તથા’, ‘તર્જની’, સમીક્ષાનું ત્રૈમાસિક ‘પૃષ્ઠ’, ‘અ માઈક્રો મેગેઝિન ઑવ પોએટ્રી’ કહીને સ્વપરિચય આપતું ‘ફૂંક’, ‘પલાશ’, કવિતાસર્જનવિવેચનનું દ્વૈમાસિક ‘પોએટ્રી’, ‘યાહોમ’, શબ્દકલાનો સથવારો શોધતું માસિક ‘રંગ’, રેમઠનું, પિસ્તાલીશ દિવસે પ્રગટતું ‘રે’, ‘રચના’, સર્જક, સર્જન અને વાચક વચ્ચેનો પુલ થવા ઝંખતું ‘શબ્દલોક’, ‘સંદર્ભ’, ‘સંપર્ક’, ‘સંપુટ’, ‘સંબંધ’, હોટેલ પોએટ્સનું ‘સંભવામિ’, ‘સંવેદન’ અને માનવીય વ્યવહારોને સ્પર્શતું એકમાત્ર સામયિક હોવાનો દાવો કરતું ‘સ્પર્શ’ વગેરે એમની વિવિધ વિશિષ્ટતાઓથી ઉલ્લેખનીય છે. લાંબા સમયથી પ્રગટ થતું ‘નિરીક્ષક’ વિચારપત્રમાં તત્કાલીન રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક ઘટનાનો ગંભીર વિમર્શ થતો રહે છે. કેવળ દલિત સાહિત્યની વિચારણી, સર્જનને પ્રગટ કરતાં સ્વતંત્ર દલિત સામયિકોનો પ્રવાહ સાતમા-આઠમા દાયકામાં જોવા મળ્યો હતો. ‘સમાજમિત્ર’, ‘પેંથર’, ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’, ‘ગરૂડ’, ‘દલિતબંધુ’, ‘અજંપો’, ‘મુક્તિનાયક’, ‘દલિતમુક્તિ’, ‘દલિતમિત્ર’, ‘તમન્ના’, ‘અભ્યુદય’, ‘પ્રગતિજ્યોત’, ‘તરસ’, ‘અક્ષય’, ‘દિશા’, ‘હયાતી’, ‘દલિતચેતના’ જેવાં અનેક સામયિકોએ આ દિશામાં કામ કર્યું છે. પરદેશમાંથી પ્રકાશિત થતાં ગુજરાતી સામયિકોની સંખ્યા પણ માતબર છે. ‘મધપૂડો’, ‘દંપતી’, ‘જાગૃતિ’, ‘શોભા’, ‘સૈનિક’, ‘જનતા’ જેવાં જૂના સમયનાં સામયિકો ઉપરાંત પાકિસ્તાનથી પ્રકાશિત થતાં રહેલાં ‘મિઝાન’, ‘શાહીન’, ‘મહેરાબ’, ‘ચિરાગ’ જેવાં તો બ્રિટનમાંથી પ્રકાશિત થતાં ‘અસ્મિતા’ (વાર્ષિક), ‘ઓપિનિયન’, અમેરિકાથી પ્રગટ થતું ‘ગુર્જરી ડાયજેસ્ટ’ અને આનંદરાવ લિંગાયતે શરૂ કરેલું ‘ગુંજન’ ઇન્દ્ર શાહ અને બાબુ સુથારે ચલાવેલું ‘સન્ધિ’ જેવાં સામયિકોએ સાહિત્યસેતુ બનવાની તક પ્રાપ્ત કરી હતી. વિચારપત્ર, માહિતી અને જ્ઞાન, મનોરંજન તેમજ અનેક વિષયનાં સામયિકોનાં આ વિપુલરાશિ અને સમૃદ્ધિ દર્શાવે છે કે પ્રત્યેક સમયે ચિંતનશીલ મનુષ્યને હવે સારાં સામયિકો વિના જાણે ચાલતું નથી. ‘ગદ્યપર્વ’, ‘પ્રત્યક્ષ’ વગેરે જેવાં સ્વરૂપવિશેષનાં સામયિકો, વિવિધ સાહિત્ય-સંસ્થાઓનાં મુખપત્રો, સામયિકોએ પ્રકાશિત કરેલા વૈવિધ્યસભર વિશેષાંકો ગુજરાતી સામયિકોની સિદ્ધિ છે. ‘તથાપિ’, ‘સમીપે’, ‘શબ્દસર’, ‘વિવિધાસંચાર’ ‘પરિવેશ’ જેવાં નવાં સામયિકો નવી-જૂની પેઢીના સર્જક-વિવેચકોનાં ગંભીર કામોને પ્રગટ કરતાં રહે છે. ર.ર.દ., કિ.વ્યા.