ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સમાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી સમાસ: ગુજરાતીમાં સંસ્કૃતની કેટલીક સમાસરચના ઊતરી આવી છે તે છતાં એમાં ગુજરાતી સમાસરચના કહેવાય એવી આગવી ખાસિયતો પણ વિકસી છે. ગુજરાતીમાં સર્વપદપ્રધાન, એકપદપ્રધાન અને અન્યપદપ્રધાન ત્રણે પ્રકારની સમાસરચના મળે છે. સર્વપદપ્રધાન અને એકપદપ્રધાન સમાસરચના તે અંત:કેન્દ્રી સમાસરચના છે, અન્યપદપ્રધાન તે બહિ:કેન્દ્રી સમાસરચના છે. સર્વપદપ્રધાન સમાસરચના એક જ છે – દ્વન્દ્વ, જેના બંને ઘટકો વાક્ય સાથે એકસરખી રીતે જ અન્વિત થાય છે. ગુજરાતીમાં બધા પ્રકારનાં પદોનો દ્વન્દ્વસમાસ થઈ શકે છે. જેમકે સંજ્ઞા (‘સેવાપૂજા’), વિશેષણ (ઊંચુંનીચું), સર્વનામ (‘જે-જે’), ક્રિયાવિશેષણ (‘જ્યાં-ત્યાં’), કૃદન્ત (‘હસવુંરમવું’), ક્રિયાપદ (‘આવેજાય’) વગેરે. ક્રિયાપદ કાળઅર્થના પ્રત્યયો લઈને આવી શકે છે તે ઉપરાંત સંજ્ઞા, સર્વનામ, ક્રિયાવિશેષણ, કૃદન્ત વગેરે લિંગચિહ્નો તથા વચન અને વિભક્તિના પ્રત્યયો સાથે આવી શકે છે. વહેલોમોડો / વહેલીમોડી, નોકરોચાકરો, વરસે દિવસે, કોનુંકોનું, જ્યાંથી-ત્યાંથી, આવવામાં – જવામાં વગેરે. દ્વિરુક્ત પ્રયોગો – સંયોજકવગરના (‘ગરમગરમ’). સંયોજકવાળા (‘રગેરગ’), એક નિરર્થ ઘટકવાળા (‘શાકબાક’) પણ રચનાની દૃષ્ટિએ દ્વન્દ્વસમાસના વર્ગમાં જ આવે. બે આનુકારી ઘટકોનો દ્વન્દ્વસમાસ પણ હોઈ શકે – ‘ડુગડુગ’ ‘સડસડ’ વગેરે. (‘ડુગડુગી’ ‘સડસડાટ’ એ એના પરથી બનેલ સંજ્ઞા તથા ક્રિયાવિશેષણ કહેવાય). તત્પુરુષ અને કર્મધારય એ બે એકપદપ્રધાન સમાસરચના છે. સામાન્ય રીતે ઉત્તરપદપ્રધાન હોય છે. એટલેકે ઉત્તરપદ વાક્ય સાથે અન્વિત થાય છે. તત્પુરુષમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે કોઈ ને કોઈ વિભક્તિસંબંધે જોડાયેલું હોય છે. જેમકે કર્તા (દેવદીધું = દેવે દીધું), કર્મ (મનગમતું=મનને ગમતું), કરણ (રસભીનું = રસથી ભીનું), તાદર્થ્ય(ગાડામાર્ગ=ગાડા માટેનો માર્ગ), અપાદાન (ઋણમુક્ત=ઋણમાંથી મુક્ત), સંબંધ (હાથચાલાકી = હાથની ચાલાકી), અધિકરણ (વાણીશૂરો=વાણીમાં શૂરો) વગેરે. ‘સ્પષ્ટવક્તા’, ‘દેશવાસી’, ‘દુ:ખદાયક’, ‘ધાડપાડુ’ વગેરેને પણ એમાં ઉત્તરપદ આખ્યાત પરથી સાધિત થયેલ નામપદ હોવાથી, તત્પુરુષ સમાસ જ ગણવા જોઈએ. ‘પાડુ’ સ્વતંત્ર રીતે ન વપરાતો હોય, તો પણ એવાં અન્ય ઘડતરો ‘રખડુ’, ‘ખેડુ’ વગેરે સ્વતંત્ર રીતે વપરાય જ છે. આ સમાસોનો વિગ્રહ ‘સ્પષ્ટનો વકતા’ ‘ધાડનો પાડુ’ એમ થઈ શકે. તત્પુરુષ સમાસને કેટલીક વાર વચ્ચેનું કોઈ પદ લુપ્ત થઈને બનેલો સમાસ પણ લેખી શકાય છે. તેને મધ્યમપદલોપી તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. જેમકે ‘ઘરજમાઈ’ (‘ઘર રહેતો જમાઈ’). સંબંધવિભક્તિનો ‘-ન-’ અનુગ પોતામાં ઘણા વિભક્તિસંબંધોને ગર્ભિત રીતે સમાવે છે. તેથી એક જ સમાસના વિગ્રહ જુદી જુદી રીતે થઈ શકે છે. જેમકે ‘ગાડામાર્ગ’ એટલે ગાડાનો માર્ગ, ગાડા માટેનો માર્ગ કે ગાડાને ચાલવા માટેનો માર્ગ. ક્વચિત્ તત્પુરુષ સમાસમાં બે પદ વચ્ચે વિભક્તિનો પ્રત્યય જળવાઈ રહે છે. જેમકે ‘ગળેપડુ’, ક્વચિત્ બહુવચનનો પ્રત્યય પણ – ‘વર્ષોજૂનું’. કર્મધારય સમાસમાં પૂર્વપદ ઉત્તરપદનું વિશેષણપદ કે વર્ધકપદ હોય છે. ‘આડવાત’ (= આડી વાત), ‘અર્ધજાગૃત’ (= ‘અર્ધ જાગ્રત) વગેરેમાં પૂર્વપદ વિશેષણપદ છે ‘ઘોઘાબાપા’ (= ઘોઘા નામવાળા બાપા), કમલપુષ્પ(= કમલ નામવાળું પુષ્પ)માં પૂર્વપદ સંજ્ઞા છે, જે ઉત્તરપદના વિશેષણ કે વર્ધક તરીકે કામ કરે છે; ‘મધમીઠું’ (= મધ જેવું મીઠું), ‘ચંદ્રમુખ’ (= ચંદ્ર જેવું મુખ) વગેરેમાં પૂર્વપદ વિશેષણ કે વર્ધક તરીકે કામ કરતું ઉપમાનપદ છે. (‘મધમીઠું’માં ઉત્તરપદ સાધારણ ધર્મરૂપ વિશેષણ છે અને ‘ચંદ્રમુખ’માં ઉત્તરપદ ઉપમેય છે). ‘હૈયાસગડી’ (= હૈયારૂપી સગડી), ‘મનમંદિર’ (= મન એ જ મંદિર)માં ઉત્તરપદ ઉપમાન છે અને પૂર્વપદ એના વર્ધક તરીકે કામ કરતું ઉપમેયપદ છે. ઉત્તરપદ પૂર્વપદનું વિશેષણ કે વર્ધક હોય એવું પણ ક્વચિત્ જોવા મળે છે. જેમકે ‘દુનિયાભર’ (= ભરી દુનિયા, આખી દુનિયા), ‘કાળુમેશ’ (= મેશ જેવું કાળું) વગેરે. ઉપપદ અને બહુવ્રીહિ એ અન્યપદપ્રધાન સમાસ છે. એમાં સમસ્તપદ જ વાક્યમાં અન્વિત થાય છે અને અન્ય કોઈ પદના વિશેષણ તરીકે કામ કરે છે. ઉપપદના પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે તત્પુરુષમાં હોય છે તેમ વિભક્તિસંબંધ હોય છે, પણ અહીં ઉત્તરપદ આખ્યાત હોઈ (કોઈવાર લિંગચિહ્ન સાથે) હોય છે. જેમકે ‘જડબાતોડ’ (= જડબાને તોડે તે), ગળાડૂબ (= ગળું ડૂબે તેટલું), ‘સંઘેડાઉતાર (= સંઘેડા પરથી ઉતારેલું), ‘જીવરખું’ (= જીવને રાખે છે તે) વગેરે. બહુવ્રીહિ સમાસમાં કર્મધારયની પેઠે પૂર્વપદ ઉત્તરપદના (ને કેટલીક વાર ઉત્તરપદ પૂર્વપદના) વિશેષણ કે વર્ધકરૂપ હોય છે ઉપરાંત સમસ્ત પદ કેટલીક વાર લિંગચિહ્ન પણ લે છે. કર્મધારય અને બહુવ્રીહિની રચના સમાન હોવાથી કેટલાક દાખલામાં એ કયો સમાસ છે તેનો નિર્ણય વાક્યમાંના તેના ઉપયોગથી જ થઈ શકે છે. ‘અર્જુનના મહાબાહુ’ માં ‘મહાબાહુ’ (= મહાન બાહુ) કર્મધારય સમાસ છે, પરંતુ ‘મહાબાહુ અર્જુન’માં ‘મહાબાહુ’ (= જેના બાહુ મહાન છે તે) બહુવ્રીહિ સમાસ છે. બહુવ્રીહિ સમાસનાં બીજાં ઉહાદરણો છે: ‘મુશળધાર’, ‘માટીપગો’, ‘એકલપેટું’, ‘એકધારું’, ‘નકામું’, ‘હૈયાસૂનું’, ‘માથાફરેલ’ વગેરે. પૂર્વપદ (ક્રિયાવિશેષણ) અવ્યય હોય, ઉત્તરપદ નામ હોય અને સમસ્તપદ ક્રિયાવિશેષણ, અવ્યય તરીકે વપરાતું હોય તેવા ‘યથેચ્છ’, ‘આજન્મ’, વગેરે અવ્યયીભાવ સમાસો સંસ્કૃતમાં હતા, જે પણ અન્યપદપ્રધાન સમાસ કહેવાય. ગુજરાતીમાં સંસ્કૃતના આ સમાસો ઊતરી આવ્યા છે, પણ એ બહુધા વિશેષણ તરીકે વપરાય છે. ‘આજન્મ બ્રહ્મચર્યવ્રત’ વગેરે. ને આ સિવાય ગુજરાતીમાં અવ્યયીભાવમાં મૂકી શકાય તેવા સમાસો નથી. ‘સવારસાંજ’ (= સવારે ને સાંજે), મોઢામોઢ (= મોઢે ને મોઢે) વગેરેને દ્વન્દ્વ અને ‘દરવખત’ (= દરવખત)ને કર્મધારય સમાસ તરીકે ઘટાવી શકાય છે. એમાં પૂર્વપદ ક્રિયાવિશેષણ અવ્યય નથી ને સમસ્ત પદ અન્યપદપ્રધાન નથી. જ.કો.