ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર ખ્રિસ્તી પ્રભાવ



ગુજરાતી સાહિત્ય પર ખ્રિસ્તી પ્રભાવ: અંગ્રેજો ભારતવર્ષમાં વ્યાપાર અર્થે આવ્યા તેની સાથે સાથે જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાયના મિશનરીઓ પણ ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે ભારતમાં જુદે જુદે સ્થળે જઈ પહોંચ્યા. આ પ્રચાર માટે તેઓ જે તે પ્રજામાં જઈ ધર્માન્તરની પ્રવૃત્તિને વેગ આપવા તે તે પ્રજાનાં શિક્ષણ, તબીબી સેવા વગેરે ક્ષેત્રોમાં કામ કરતા, તે પ્રજાની ભાષા શીખી તે દ્વારા પોતાના ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરતા. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર, તે ધર્મ-સાહિત્યનું ગુજરાતીમાં અવતરણ અને ગુજરાતી સર્જકોની રચનાઓમાં પ્રત્યક્ષ ખ્રિસ્તી પ્રભાવ – એમ જુદી જુદી રીતે એનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૮૧૭માં ‘ધ લંડન મિશનરી સોસાયટી’એ અંગ્રેજી શાળાઓ સ્થાપી. મિશનરીઓનું જ્યારે ગુજરાતમાં આગમન થયું ત્યારે ગુજરાતી ગદ્ય પ્રાથમિક તબક્કામાં હતું, ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ રચાયું નહોતું. આ સોસાયટીએ ૧૮૧૮માં ગુજરાતી વ્યાકરણ અને શબ્દકોશ તૈયાર કર્યા. જોસેફ વૉન ટેલરનું ૧૮૬૭માં પ્રસિદ્ધ થયેલું નાનું અને મોટું ગુજરાતી વ્યાકરણ ટિસડોલના ગુજરાતી વ્યાકરણ પછીનું મહત્ત્વનું વ્યાકરણ છે. ૧૯૨૦માં પહેલો લીથો પ્રેસ અને ગુજરાતી સામયિકો પ્રકટ કરે છે. વળી શાળાઓનાં પાઠ્ય પુસ્તકોમાં બાઇબલમાંથી રૂપાન્તરિત થયેલી વાર્તાઓ લેવામાં આવે છે. ઉપરાંત, મિશનરીઓનું પ્રદાન તે બાઇબલનો ગુજરાતી અનુવાદ, જે પછી ગુજરાતી ગદ્યના આરંભિક વિકાસમાં મોટો ફાળો આપે છે. ખ્રિસ્તી ધર્મની બંને શાખાઓ – પ્રોટેસ્ટન્ટ અને કેથોલિકના અનુવાદ પછી, એ પરંપરામાં ગુજરાતી ભાષામાં જેને પ્રશિષ્ટ અનુવાદ તરીકે ખ્યાતિ મળી તે નગીનદાસ પારેખ અને ઈસુદાસ કવેલીએ કરેલો બાઇબલનો અનુવાદ છે. આ બધાની અસર ધીરે ધીરે ગુજરાતી સર્જનાત્મક સાહિત્ય પર જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના પ્રભાવથી ધર્મપરિવર્તન કરનાર કવિ કાન્તનું ઉદાહરણ મુખ્ય છે – તીવ્ર મનોમંથન પછી પ્રસિદ્ધ ખંડકાવ્યોના રચયિતા આ કવિ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. પછીની રચનાઓમાં એ દર્શન અને ભક્તિભાવ પ્રકટ થાય છે. ‘પૂર્વાલાપ’માં ‘આપ જ આવા તો જોયા પિતા પ્રભુ’ જેવી રચનાઓ દૃષ્ટાંતરૂપ છે. ‘સાગર અને શશી’માં પિતા કાળના સર્વ સંતાપ શામે’...માં પિતા સંબોધન ખ્રિસ્તીધર્મના પ્રભાવનું નિર્દેશક છે. ખ્રિસ્તી ધર્મે મૂર્તિપૂજાને દૂર કરી શુદ્ધ ચારિત્ર્ય પર ભાર મૂક્યો. આ ભાવના પરોક્ષ રીતે પ્રાર્થના સમાજની (બંગાળમાં બ્રહ્મોસમાજની) વિચારધારાને પ્રભાવિત કરે છે. ભોળાનાથ સારાભાઈ દિવેટિયાએ લખેલાં ભજનોના સંગ્રહો ‘ઈશ્વર પ્રાર્થનામાળા’ ભાગ-૧ (૧૮૭૨) અને ભાગ-૨ (૧૮૮૦)માં ખ્રિસ્તીધર્મ પ્રભાવિત પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિ તરીકે જોઈ શકાય. નરસિંહરાવ દિવેટિયાના ‘મંગલ મંદિર ખોલો દયામય’... પણ આવા પ્રભાવ હેઠળ રચાયેલી કૃતિ છે. ગોવર્ધન રામ પર પડેલો ખ્રિસ્તી પ્રભાવ પરોક્ષ રીતે ‘સરસ્વતીચંદ્ર’માં પ્રકટ થયેલી એમની ભાવનાઓમાં, વિચારધારાઓમાં સૂક્ષ્મરૂપે જોવા મળે છે – ફ્લોરાનું પાત્ર ખ્રિસ્તી છે, જે કુસુમની શિક્ષિકા તરીકે આવે છે. ગાંધીજી પર થયેલી બાઇબલની અસર તો તેમના વિચારો અને લખાણોમાં અનેક સ્થળે જોવા મળે છે. પંડિતયુગની હજુ અસર હતી ત્યારે ગાંધીજીએ સરળ ગદ્યશૈલી ઊપજાવી તે બાઇબલનો જ પ્રભાવ. આધુનિક યુગમાં બે ખ્રિસ્તી સર્જકો જોસેફ મેકવાન અને યૉસેફ મેકવાન છે. જોસેફ મેકવાનના માનવીય સંબંધોમાં, સ્ત્રી-પુરુષ સંબંધોમાં એમનો ખ્રિસ્તી નીતિવાદી દૃષ્ટિકોણ ક્યારેક મુખર બનતો જોવા મળે છે. અ.દ.