ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર જૈન પ્રભાવ
ગુજરાતી સાહિત્ય પર જૈન પ્રભાવ: ખાસ કરીને બારમી સદીથી માંડી ઓગણીસમી સદીના પૂર્વાર્ધના ગાળાના મધ્યકાલીન પરંપરામાં સર્જાયેલા ગુજરાતી સાહિત્ય પર જૈન પ્રભાવ પ્રગટપણે પડેલો જોઈ શકાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યની વિપુલતા ધ્યાન ખેંચે તેવી છે. પ્રાગ્નરસિંહયુગના ગુજરાતી સાહિત્યમાં કેટલાક ગણ્યાગાંઠ્યા અપવાદો બાદ કરતાં તમામ ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય જૈન સાહિત્ય છે. ૧૧૮૫નું રચનાવર્ષ ધરાવતી સૌથી પહેલી ઉપલબ્ધ ગુજરાતી કૃતિ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ જૈન રચના છે. આ કૃતિની ભાષા અપભ્રંશમાંથી સંક્રાન્ત થતી ગુજરાતી ભાષા છે, જેનો અણસાર મહાન જૈનાચાર્ય હેમચંદ્રના ‘સિદ્ધહેમ’ના ‘અપભ્રંશ-દુહા’માં સાંપડે છે. સિદ્ધરાજ પછી ગુજરાતની ગાદીએ આવેલા રાજા કુમારપાળે હેમચંદ્રના સમાગમથી ૧૧૬૦માં જૈન ધર્મ અંગીકાર કરી પ્રજાકલ્યાણનાં કામો દ્વારા જૈન ધર્મની પ્રવર્તાવેલી પ્રભાવકતા મધ્યકાલીન ગુજરાતીમાં કુમારપાળ વિષયક રચાયેલા અસંખ્ય રાસાપ્રબંધોમાં ઝિલાયેલી જોઈ શકાશે. તે પછી ગુજરાતમાં થયેલાં મુસ્લિમ આક્રમણોના સમયમાં પણ વિરક્ત જૈન સાધુઓએ ઉપાશ્રયોમાં એમની ચાલુ રાખેલી સરસ્વતી-ઉપાસનાનો મોટો લાભ ગુજરાતી સાહિત્યને થયો છે. મધ્યકાલીન જૈન સાધુઓએ વિપુલ માત્રામાં રાસા/ચરિય/ચોપાઈ સ્વરૂપે ઓળખાયેલું પરલક્ષી કથનાત્મક સાહિત્ય સર્જ્યું છે. એમાં જૈન કથાનકોનો બૃહત્વ્યાપ તો ખરો જ, પણ સાથે હિંદુ પરંપરામાં કથાનકો અને ‘બૃહત્કથા’ની પરંપરાના લૌકિક કથાવસ્તુને પણ ઉપયોગમાં લીધાં છે. વળી, આ કથનાત્મક સાહિત્યમાં જૈન ઐતિહાસિક ઘટનાઓની અઢળક સામગ્રી પણ સમાવેશ પામી છે. આગમવાણીનો આધાર લઈને પાછળથી રચાયેલા અનેક શાસ્ત્રગ્રન્થોમાં રજૂઆત પામેલાં તત્ત્વદર્શન, બોધ-ઉપદેશ અને કથાનકો એ જૈન સાધુકવિઓએ સર્જેલા સાહિત્યનો મુખ્ય આધારસ્રોત ગણી શકાય. જીવ-અજીવ આદિ નવ તત્ત્વો, કર્મબંધ, સમ્યક્ત્વ, બાર ભાવના, સાધુ અને શ્રાવકજીવનનાં પાંચ મહાવ્રતો વગેરેને નિરૂપતી લઘુદીર્ઘ સ્વરૂપોવાળી અસંખ્ય રચનાઓ મધ્યકાળમાં થઈ છે. અનેક કૃતિઓનો કેન્દ્રવર્તી સૂર સંયમ-તપ-વૈરાગ્યનો મહિમા કરવાનો રહ્યો છે. રાસા, ફાગુ જેવા પ્રકારો નરસિંહ પૂર્વેના સમયથી જ જૈન સાધુકવિઓને હાથે ખેડાયા અને વિકસ્યા છે. ભક્તિભાવસભર સ્તવન-સજ્ઝાય-પૂજા-સ્તુતિ (થોય)-ચૈત્યવંદન-ચોવીસી-ગહૂંળી જેવી લઘુ પ્રકારની રચનાઓ જૈન પ્રભાવ અને જૈન સંદર્ભ ધરાવે છે. ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી ગદ્યસાહિત્યના વિકાસમાં પણ જૈન પ્રભાવ જોઈ શકાય. મધ્યકાળમાં જૈન સાધુઓને હાથે પ્રચુર પ્રમાણમાં બાલાવબોધો અને ટબા લખાયા છે; જેમાંના મોટા ભાગના તો હજી અપ્રગટ જ રહ્યા છે. જૈન-જૈનેતર હસ્તપ્રતોની જાળવણીમાં જૈન ભંડારોનો મોટો ફાળો રહ્યો છે અને ‘કાન્હડદે પ્રબંધ’ જેવી કેટલીક મહત્ત્વની જૈનેતર રચનાઓ આ જૈન ભંડારોમાંથી જ પ્રાપ્ય બની છે. જૈન કવિઓએ પ્રચુરપણે દેશીઓ અને પદબંધોનો ઉપયોગ કર્યો છે જેમાં અપભ્રંશના કેટલાક છંદોનો વારસો પણ એમણે જાળવ્યો છે. ધ્રુવાઓને વિવિધ રીતે યોજવાની પ્રયોગ-સૂઝ પણ એમણે દર્શાવી છે. મુખ્યત્વે પાશ્ચાત્ય કેળવણી અને પાશ્ચાત્ય સાહિત્યની અસરો ઝીલીને વિકસેલું અર્વાચીન ગુજરાતી સાહિત્ય જુદાજુદા તબક્કાઓમાં એટલાં તો વિવિધ પરિબળોનો પ્રભાવ ઝીલતું રહ્યું છે કે હવેના ગુજરાતી સર્જનાત્મક સાહિત્ય પર, મધ્યકાળમાં હતો તેવો, પ્રગટપણે જૈન પ્રભાવ તારવવા-દર્શાવાવું મુશ્કેલ બને. છતાં તદ્વિષયક કેટલુંક દિગ્દર્શન માત્ર કરી શકાય. મહાત્મા ગાંધીની વિચારધારા ઉપર અપ્રત્યક્ષ રીતે રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર)નો પ્રભાવ જોઈ શકાય. રાયચંદભાઈના જીવંત સંસર્ગથી અને એમના ઉપદેશ અને વર્તન વચ્ચેની એકવાક્યતાને લઈને ગાંધીજીની સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યપાલનની વિચારસરણી વિશેષ સૂક્ષ્મ અને દૃઢ બની. ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ વિભાગ દ્વારા સુખલાલજી, બેચરદાસ દોશી, મુનિ જિનવિજયજી જેવા વિદ્વાનો દ્વારા જૈન દર્શન અને સાહિત્યના ગ્રન્થોનું મૂલ્યવાન સંશોધન-સંપાદનકાર્ય થયું છે. સુખલાલજીના ‘દર્શન અને ચિંતન’ ગ્રન્થમાં જૈન દર્શનનાં નિષ્કર્ષ, ઇતિહાસ, વ્યાપ અને અન્ય દર્શનો સાથેની તુલના મળે છે. અર્વાચીન ગુજરાતી ભાષાના વિચારાત્મક સાહિત્યમાં આ ગ્રન્થ મહત્ત્વનું પ્રદાન છે. મોહનલાલ દલીચંદ દેશાઈએ ‘જૈન ગૂર્જર કવિઓ’ના ત્રણ ભાગોમાં ગુજરાતીના તમામ જૈન કવિઓની રચનાઓની આદિઅંત સમેતની હસ્તપ્રતસૂચિઓના શાસ્ત્રીય સંપાદનનું ગંજાવર કામ કર્યું છે. જૈન સાહિત્ય સંશોધન માટે આ એક મહત્ત્વનો સંદર્ભગ્રન્થ ગણી શકાય. એમનો એવો જ બીજો આકરગ્રન્થ છે ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’. આ ગ્રન્થમાં જૈન સાહિત્યનો સર્વગ્રાહી ઇતિહાસ સંકલિત થયો છે. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સંસ્થા ઘણાબધા જ્ઞાનભંડારોની હસ્તપ્રતોના એકત્રીકરણ-સંશોધન-સંપાદનપ્રકાશનની કામગીરી કરી રહી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) સંસ્થાએ જૈન સાહિત્ય વિષયક અભ્યાસગ્રન્થોનાં કેટલાંક નોંધપાત્ર પ્રકાશનો કર્યાં છે. દલસુખ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા વિદ્વાનોનું પણ, સંશોધન-સંપાદનને મિષે કે પછી ભાષાવિષયક-કોશવિષયક કામગીરીને નિમિત્તે જૈન સંદર્ભયુક્ત સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે મોહનલાલ દ. દેશાઈના તંત્રીપદ હેઠળ પ્રગટેલાં પત્રો ‘શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ’ અને ‘જૈનયુગ’ દ્વારા જૈન પ્રભાવ ઝીલતા વિચારાત્મક લખાણને અને પ્રાચીન કૃતિઓના સંપાદનની પ્રવૃત્તિને વેગ મળ્યો છે. એ જ રીતે ‘જૈન હિતેચ્છુ’ પત્ર દ્વારા વાડીલાલ મો. શાહ પાસેથી કેટલુંક તત્ત્વચિંતનનું લખાણ સુલભ બન્યું છે.’ જૈન કથાઓનો આધાર લઈને જયભિખ્ખુ અને મોહનલાલ ધામી જેવા સર્જકોએ સર્વભોગ્ય બને એવી રસાળ શૈલીવાળી નવલકથાઓ પણ આપી છે. કા.શા.