ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર વિદેશી પ્રભાવ



ગુજરાતી સાહિત્ય પર (અંગ્રેજી સિવાયનો) વિદેશી પ્રભાવ: ભારતીય ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર અગિયારમી-બારમી સદીથી ઇસ્લામનો પ્રભાવ શરૂ થાય છે, પછીથી તો મુસ્લિમ શાસન આવે છે, એટલે રાજ્યકર્તાઓની દરબારી ભાષા મુખ્યત્વે ફારસી બને છે. તેને કારણે ફારસી સાહિત્યનો (અને ફારસી દ્વારા અરબીનો) પ્રભાવ પડે છે. દેશી ભાષાના શબ્દભંડોળમાં અનેક ફારસી-અરબી-તૂર્કી શબ્દો ઉમેરાવા લાગે છે. આ એ જ સમય છે જ્યારે અર્વાચીન ભારતીય ભાષાઓ-અપભ્રંશમાંથી પોતાનું પ્રાદેશિક રૂપ ધરી રહી હતી. ગુજરાતમાં મુસ્લિમ સુબાઓનાં રાજ્યો થતાં ફારસી સાહિત્યનો અભ્યાસ શરૂ થાય છે અહીંના ઉચ્ચવર્ગના નાગરો ફારસી શીખી રાજકાજમાં જોડાય છે. અનેક મુસ્લિમ લેખકોની રચનાઓ પણ પ્રગટ થાય છે, જેના વાતાવરણનો પ્રભાવ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર વરતાય છે. સાહિત્ય સ્વરૂપમાં ફારસી સાહિત્યે ગુજરાતીને મુખ્યત્વે ગઝલનું અને રુબાઈનું સ્વરૂપ આપ્યું છે. ‘ભરતેશ્વર-બાહુબલી રાસ’(૧૧૮૫)થી ‘પૃથ્વીચંદ્ર ચરિત’ (૧૪૨૨) કે પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’(૧૪૫૬)માં ‘પાતસાહિ’(પાદશાહ), ‘સુરતાણ’ (સુલતાન), ‘મલિક’ (મલેક), ‘ફુરમાણ’ (ફરમાન) વગેરે શબ્દો મળે છે. નરસિંહ મહેતા અને મીરાંબાઈના સમયમાં તો અરબી-ફારસી શબ્દો સામાન્ય જનતામાં બોલચાલમાં વપરાતા થઈ ગયા હતા. દસ્તાવેજની ભાષા પર પણ અરબી-ફારસીની છાપ મોજૂદ છે. સૂફીવાદનાં મૂળતત્ત્વો મહાન ફારસી શાયરોનાં કાવ્યોમાં નજરે પડે છે. સૂફીવાદમાં પ્રતીકો વિશિષ્ટ અર્થ લઈને આવે છે, જે સમજવાથી અર્થ સરળ બને છે. ઓલિયા–સંતો ભારતમાં આવ્યા અને તેમણે પ્રેમનો સંદેશ આપ્યો. એમના અનુયાયીઓમાં હિંદુમુસલમાન બધા જ હતા. તેમની પ્રેમમાર્ગી કવિતામાં માશૂક (ઈશ્વર) અને આશિક (ભક્ત) આવે છે, જેણે આપણી કવિતાને પ્રભાવિત કરી છે. ગુજરાતી ગઝલના વિષયો અને આંતરસ્વરૂપ પર આ સૂફીવાદની ઘણી અસર છે. આમ સૂફીપરંપરા અને તે સાથે પ્રતીકો, શબ્દો, શબ્દસમૂહો, ઉપમારૂપકો-છંદ વગેરે ઊતરી આવ્યાં છે. વિચારો અને ભાવો પણ ઘણીવાર એમ ને એમ ઝિલાયા છે. બાલાશંકરે હાફિઝની ગઝલોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે, અને ઉમર ખય્યામની રુબાઈઓના અંગ્રેજી પરથી યા મૂળ ફારસી પરથી અનુવાદો થયા છે. મોગલ બાદશાહોને લગતાં ગુજરાતી નાટકો, જેવાં કે નાનાલાલના ‘શાહાનશાહ અકબરશાહ’ ‘જહાંગીર નૂરજહાન’ આદિમાં ફારસી શબ્દો વડે જ મોગલ વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. પછી તો ગઝલનું ખેડાણ થાય છે અને ગુજરાતી કવિતાની સમૃદ્ધિ પ્રકટે છે. ફારસી પ્રભાવથી આવેલી ગઝલ આજે તળ ગુજરાતની બની ગઈ છે, આગવી ઓળખ સિદ્ધ કરી છે. જાપાની સાહિત્યમાંથી હાઈકુનું સ્વરૂપ આપણે ત્યાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં આવ્યું છે. કહેવાય છે કે આપણાં ‘મુક્તક’નું સ્વરૂપ ચીનમાં જઈ, ત્યાંથી જાપાનમાં હાઈકુના રૂપે ફરી આપણને મળે છે. ૧૯મી સદીના મધ્યભાગમાં અંગ્રેજી સાહિત્યના સંપર્કથી યુરોપની ભાષાઓ અને સાહિત્યનો પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં ઝિલાય છે. દલપતરામનાં ‘મિથ્યાભિમાન’ કે ‘લક્ષ્મી’ નાટકો અને નવલરામના ‘ભટ્ટનું ભોપાળું’માં ગ્રીસફ્રાન્સના સાહિત્યની અસર છે. ગોવર્ધનરામની સરસ્વતીચંદ્રની પાદટીપમાં ફ્રેન્ચ-જર્મન ચિંતકોની વિચારધારાઓ પ્રગટ થાય છે, ઇમર્સન અને થૉરો પણ ક્યારેક ડોકાય છે. મુનશીની નવલકથાઓ પર ફ્રેન્ચ લેખક એલેકઝાન્ડર ડુમાનો પ્રભાવ જાણીતો છે, તો કવિ ‘કાન્ત’ની વિચારસરણી સ્વીડનબૉર્ગના વાચનથી પરિવર્તન પામે છે, અને તે તેમની રનચાઓમાં પ્રતિબિંબિત થાય છે. સર્વેન્ટીસના ‘દોન કિહોતે’નાં સાહસો અને વ્યંગ્યાત્મક રજૂઆત રમણભાઈ નીકલંઠના ‘ભદ્રંભદ્ર’માં અનુભવાય છે. વિચારધારાની દૃષ્ટિએ ૧૯૩૦ પછીના દાયકામાં આપણા કથાસાહિત્યમાં તેમજ ઉમાશંકર-‘સુન્દરમ્’ની કવિતામાં માર્ક્સવાદી વિચારસરણી પ્રકટ થાય છે. કાર્લમાક્સ જર્મન છે, પણ આપણા સાહિત્યમાં રશિયાના માર્ક્સવાદના પ્રભાવ હેઠળ પ્રગતિશીલ સાહિત્ય રચાય છે. ગાંધીજીએ તો તોલ્સ્તોયના વિચારોથી પ્રેરાઈ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરેલી, અને એને કારણે તોલ્સ્તોયનું સાહિત્ય ગુજરાતીમાં વધારે વંચાવા લાગેલું, ખાસ કરીને વાર્તાઓ. તોલ્સ્તોયનો કલાવિષયક વિચાર પણ કાકા કાલેલકર દ્વારા પ્રતિષ્ઠિત થયેલો જોઈએ છીએ. કવિતાક્ષેત્રે આ પ્રભાવ સૌથી વિસ્તૃતપણે જોવા મળે છે. કવિ હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાના વિષયો, તેમાં યોજાતાં પુરાણકલ્પનો અને પ્રતીકો સ્લાવોનિક છે. નિરંજન ભગતનાં નગરકાવ્યોનો આધુનિક બોધ ફ્રેન્ચ કવિ બૉદલેરને આભારી છે; તેમના ‘પ્રવાલદ્વીપ’ ગુચ્છ સાથે બૉદલેરના ‘પારિસ દૃશ્યો’નું સામ્ય વિદિત છે. તેમાંના એક કાવ્ય ‘પાત્રો’ની સંરચના જર્મન કવિ રિલ્કેની રચનાથી પ્રેરિત છે. સુરેશ જોષીનાં નિબંધો અને ચિંતન પર બૉદલેર-રિલ્કેનો પ્રભાવ જોવા મળે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં આમ પ્રતીકવાદી અને કલ્પનવાદી બન્ને આંદોલનોની કાવ્યરીતિ પ્રયોજાય છે. પ્રિયકાન્ત મણિયારના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘પ્રતીક’ એ રીતે સૂચક છે. બૉદલેરના ‘કૉરસપૉન્ડન્સીઝ’ના પ્રભાવે ‘ઇન્દ્રિય વ્યત્યય’ એક કાવ્યરીતિ બને છે. પ્રતીક અને કલ્પનવાદી આંદોલન પછીનો એક પ્રભાવ પરાવાસ્તવવાદી કવિતાનો છે. સિતાંશુ યશશ્ચંદ્ર આ આંદોલન સાથે પ્રતિબદ્ધ થઈને કાવ્યો રચે છે. ગુજરાતી કથાસાહિત્ય રશિયન નવલકથાકારો તૉલ્સ્તોય, દોસ્તોયેવ્સ્કીય વગેરે સર્જકોથી પ્રભાવિત છે. અંગ્રેજ નવલકથાકાર જેમ્સ જોય્સની ચેતનાપ્રવાહની રચનારીતિ એ જ સમયે ફ્રેન્ચ માર્સેલ પ્રુસ્ત પણ પ્રયોજી રહ્યા હતા; જો કે આપણે ત્યાં જોય્સ જેટલા જાણીતા થયા, તેટલા પ્રુસ્ત થયા નથી. પરંતુ, આપણા સર્જકો પર વધારે ઊંડી અસર તો વીસમી સદીની વિચારધારાઓ જેવી કે ‘અસ્તિત્વવાદ’ અને માર્લો પોન્તીની ‘પ્રતિભાસમીમાંસા’ની છે. ફ્રેન્ચ સાર્ત્ર અને કામુ, ઉપરાંત પુન:સ્થાપિત થયેલા જર્મન લેખક કાફકાનો પ્રભાવ ઘણી નવલોમાં જોવા મળે છે. ગુજરાતી ટૂંકી વાર્તાસ્વરૂપ એ રશિયન વાર્તાકારો ગોગોલ, ચેખોવ અને તોલ્સ્તોય, તેમજ ફ્રેન્ચ વાર્તાકાર મૉપાંસાંની વાર્તાકલાથી પ્રભાવિત છે. સમકાલીન વાર્તાકારોમાં સુરેશ જોષી અને એમને અનુસરનાર વાર્તાકારોની ટૂંકી વાર્તા પર આધુનિકતાવાદી વાર્તાકારોની વાર્તાઓની અસર છે. ‘ક્ષિતિજ’માં પ્રકટ થયેલા ટૂંકી વાર્તાઓના અનુવાદો દ્વારા સાતમા-આઠમા દાયકામાં લખતા કેટલાક ગુજરાતી લેખકો પ્રભાવિત છે. આ અનુવાદો ‘નવી નવલિકા’ના સંપાદનરૂપે, આસ્વાદ સાથે પ્રકટ થયેલા, અને પછી એ બધા ‘વિદેશિની’ના ત્રણ ભાગ રૂપે (જાપાની વાર્તાઓ સહિત) પ્રગટ થાય છે. સુરેશ જોષી અને તેમને અનુસરનારા ઘટનાવિરલ આધુનિક વાર્તાને માનનાર તરીકે જાણીતા છે. નાટકની વાત કરીએ તો તેમાં આમ તો દેશવિદેશનાં રૂપાન્તરો મળે છે, પણ પછી સેમ્યુઅલ બેકેટ, યુજીન આયોનેસ્કો, એડવર્ડ આલ્બી વગેરે નાટકકારોની રચનાઓ, જે ‘એબ્સર્ડ’ નાટકો તરીકે પ્રચલિત છે, ગુજરાતીમાં ઊતરે છે. આયોનેસ્કોની અસંભવ ઘટનાઓ અને બેકેટના પુનરાવર્તિત શબ્દયુક્ત સંવાદો ગુજરાતી નાટકોમાં મળે છે, તો આધુનિકબોધ – એકલતા, વિચ્છિન્નતા, નિરર્થકતા – પ્રકટ કરતાં નાટકો પણ છે. લાભશંકર ઠાકરના ‘એક ઊંદર અને જદુનાથ’ના સંવાદો બેકેટનું સ્મરણ કરાવે છે. ચિનુ મોદી વગેરેનાં નાટકોમાં પણ આધુનિકબોધ પ્રકટ થાય છે. ગુજરાતી આત્મલક્ષી લલિત નિબંધ અંગ્રેજી નિબંધથી પ્રભાવિત છે, જેનો સ્રોત તો આદ્યનિબંધકાર ફ્રેન્ચલેખક મૉન્તેઈન છે – એ રીતે મોન્તેઈનનો આદર્શ પરોક્ષ રીતે ગુજરાતી નિબંધને ઘડનારું એક પરિબળ છે. વિવેચનમાં અંગ્રેજ કવિ-વિવેચક એલિયટ ઉપરાંત ફ્રેન્ચ વિવેચકો માલાર્મે અને વાલેરી પ્રભાવક રહ્યા છે અમેરિકાના નવ્યવિવેચકોનો પણ પ્રભાવ જોવા મળે છે. અ.દ.