ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર ફારસી પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી સાહિત્ય પર ફારસી પ્રભાવ: ભારતમાં ૧૦૦૦થી ૧૮૧૮ સુધીનો સમયગાળો ઇસ્લામ અને હિન્દુ સંસ્કૃતિનો સંઘર્ષકાળ હતો. આ સંઘર્ષની પ્રક્રિયામાંથી ભાષા, સાહિત્ય અને કલાનાં ક્ષેત્રોમાં પણ પ્રભાવ અને સમન્વય પ્રગટ્યાં. ૧૫૭૩થી ગુજરાતમાં મોગલશાસનના ઉદય સાથે ફારસી ભાષા અને ઉત્તર ભારતના કાયસ્થોનું આગમન થયું. કાયસ્થોની જેમ નાગરોએ પણ વહીવટીતંત્રમાં નોકરી મેળવવાના આશયથી રાજભાષા ફારસી શીખવાની પહેલ કરી. મુન્શીગીરી, અખબારનવેસી, લહિયાગીરી વગેરે કાર્યોમાં નાગર, કાયસ્થ, બ્રહ્મક્ષત્રિય આદિ કોમો રોકાયેલી હતી. આ પ્રારંભિક તબક્કામાં શાસન, લશ્કર, ખાનપાન, વેશભૂષા, રાચરચીલું વગેરેને લગતા શબ્દો ગુજરાતી ભાષામાં પ્રવેશ્યા. ૧૨મા સૈકાથી અરબી-ફારસી શબ્દો ગુજરાતી ભાષામાં વપરાયેલા જોવા મળે છે. ‘ભરતેશ્વર બાહુબલી રાસ’(૧૧૮૫), અંબદેવસૂરિનું ‘સમરારાસ’(૧૩૧૫); શ્રીધર વ્યાસનું ‘રણમલ્લ છંદ’(૧૩૯૮), માણિક્યચંદ્રસૂરિનું ‘પૃથ્વીચંદ્રચરિત’(૧૪૨૨), પદ્મનાભનું ‘કાન્હડદે પ્રબંધ’(૧૪૫૬) આદિ મધ્યકાલીન પદ્યમાં અરબીફારસી શબ્દોનો નોંધપાત્ર ઉપયોગ છે. ધીરો, દયારામ, નિરાંત ભગત, દલપતરામ, નર્મદ વગેરેના સર્જનમાં પણ ફારસી શબ્દો છૂટથી વપરાયા છે. રણછોડજી દીવાન(૧૭૬૮-૧૮૪૧) તો ફારસી સાહિત્ય સ્વરૂપોથી સુપરિચિત હતા. પોતાના ધાર્મિક સંસ્કારોને જીવંત રાખવા પારસીઓએ ધર્મગ્રન્થો, ક્રિયાકાંડો વગેરેનું ગુજરાતીમાં ભાષાન્તર કર્યું. એના પ્રાસ-અનુપ્રાસ-યમક વગેરેની યોજનામાં ફારસી કવિતાની અસર જોઈ શકાય છે. નશરવાનજી તહેમુલજી દૂરબીન (૧૮૨૧-૪૭) ‘અરેબિયન નાઈટ્સ’નો ફારસી-અરબીમાંથી વાર્તારૂપે ગુજરાતી અનુવાદ આપે છે. ફિરદોસી કૃત ‘શાહનામા’ના કથાનકને અનુલક્ષીને પ્રખ્યાત સામગ્રીનાં નાટકોની લોકપ્રિય શૈલી પારસીઓએ વિકસાવી હતી. નામેહ ઉપરાંત પારસીઓએ રિવાયત, મુનાજાત આદિ પ્રકારો પણ ધાર્મિક કારણોસર ખેડ્યા છે. યુનિવર્સિટી શિક્ષણને કારણે ફારસી સાહિત્યનો ઊંડો અને વ્યાપક અભ્યાસ થયો. ગુજરાતી ગદ્ય-પદ્ય બંને પર તેનો પ્રભાવ પડ્યો. સૌ પ્રથમ ફારસી શિષ્ટ કૃતિઓમાં ભાષાન્તર રૂપે અને તે પછી સ્વતંત્ર સર્જનમાં ઊતરતાં તેમના સંસ્કારો રૂપે. બાલાશંકરે સૌપ્રથમ હાફિઝની ગઝલો ગુજરાતીમાં ઉતારીને તે દ્વારા ગઝલની મુદ્રા ઉપસાવી. ત્યારપછી અનેક કવિઓ દ્વારા ઉમંર ખૈયામની રુબાઈના ગુજરાતીમાં અનુવાદ થયા. ફારસી સાહિત્યની અસર રૂપે ગુજરાતીમાં ગઝલનું સ્વરૂપ, ફારસી કાવ્યશૈલી, સૂફીપદ્ધતિ ઇશ્કે-મિજાજી અને ઈશ્કે હકીકીની કવિતા તેમજ બેફિકરાઈ અને મસ્તી જેવાં તત્ત્વો ગુજરાતી કવિતામાં પ્રવેશ્યાં. બાલાશંકર, મણિલાલ, કલાપી, સાગર, મરીઝ, રાજેન્દ્ર શુક્લ આદિ એના ઉદાહરણ રૂપે છે. ભારતીય વેદાન્ત અને સૂફી વિચારસરણી વચ્ચે તાત્ત્વિક સામ્ય હોવાથી સંતકવિઓની વાણીમાં પણ એનો સહજ સ્વીકાર થયો. ફારસી કવિતાના અનુકરણમાં ગુજરાતી કવિઓ તખલ્લુસ રાખતા થયા. વર્ણનાત્મક શૈલીનો ફારસી કાવ્યપ્રકાર ‘નઝમ’ પણ આપણા ગઝલકારોએ સફળતાપૂર્વક ખેડ્યો છે, જેમાં પ્રાસની માવજતની સાથે સાથે કોઈ એક વિષયનું સાદ્યંત નિરૂપણ હોય છે. મુક્તકને મળતો ‘કત્અ’ પ્રકાર પણ આપણે ત્યાં સુપેરે ખેડાયો છે. એનાં ચાર ચરણો પૈકી પ્રથમ, બીજા અને ચોથામાં પ્રાસ હોય છે, જ્યારે ત્રીજા ચરણમાં પ્રાસ હોય કે ન પણ હોય. આ પ્રકારો ઉપરાંત આપણે મુરબ્બા-ચતુષ્પદી મુખમ્મસ-પંચવટી, મુસદ્દસ-ષડપદી જેવા પ્રકારો પણ અપનાવ્યા છે. ‘તઝમીન’માં કોઈપણ કવિના પ્રસિદ્ધ શેરને લઈને તેના ભાવને અનુરૂપ અન્ય ત્રણ પંક્તિઓ જોડી થતું અનુસર્જન આપણી પાદપૂર્તિ જેવું છે. આ સંદર્ભે મુસાફિર પાલનપુરીના ‘આગવી ઊર્મિઓ તઝમીન’(૧૯૮૬)ની નોંધ લેવી ઘટે. સૂફીસંતોના મઠો-મજલિસોમાં આધ્યાત્મિક ભક્તિને ગાવાની એક ખાસ પદ્ધતિ ‘કવ્વાલી’ને પણ કાન્ત, ન્હાનાલાલ, ત્રિભુવનદાસ, ખબરદાર વગેરે કવિઓએ અમીર ખુસરોના અનુકરણરૂપે અપનાવી. હમ્દ-ખુદાની સ્તુતિ અને નઅત-પયંગબરની પ્રશંસા જેવા પ્રકાર મુસ્લિમ ગઝલકારોએ શ્રદ્ધાપૂર્વક અપનાવ્યા છે. પાશ્ચાત્ય કાવ્યસ્વરૂપ એલિજી અને એપિકના વિષય-વસ્તુને મળતાં ‘મર્સિયા–શોકકાવ્યો’ ધાર્મિક કારણસર ગુજરાતીમાં ખેડાયાં. શિયા મુસલમાનો મહોરમના પર્વ નિમિત્તે ગુજરાતી ભાષામાં લખાયેલા મર્સિયા ગાઈ શોક પ્રદર્શન કરે છે, જેમાં કરબલાની ઘટનાનું હૃદયદ્રાવક વર્ણન હોય છે. પાશ્ચાત્ય કાવ્યપ્રકાર ઓડને મળતા ‘કસીદા-પ્રશસ્તિ’ કાવ્યપ્રકારમાં આશ્રયદાતાની પ્રશસ્તિ હોય છે. ઓગણીસમી સદી પછી સામંતશાહીના ઉન્મૂલન સાથે આ પ્રકાર લુપ્ત થઈ ગયો. વર્ણનાત્મક શૈલીના ‘મસનવી-કથાકાવ્ય’માં ઐતિહાસિક ઘટના કે પ્રેમકથાનું નિરૂપણ હોય છે. એનું સર્જન પણ હવે અટકી ગયું છે. બેતબાઝી-અંતકડી જેવી કાવ્યરમત નાગર પરિવારોમાં પ્રચલિત હતી. અરબી મુશાયરાની પરંપરાનું ઈરાનીઓએ અનુકરણ કર્યું. આપણે ત્યાં મોગલકાળમાં એ પ્રથમ ઉર્દૂમાં અને ઉર્દૂના અનુકરણમાં ગુજરાતીમાં પ્રવેશી. ૧૯૩૧માં રાંદેરમાં “મુસ્લિમ સાહિત્યમંડળ’ની સ્થાપના સાથે જ ગુજરાતમાં ઠેર ઠેર વિધિસરના મુશાયરા શરૂ થયા. ગુજરાતી ગદ્ય કરતાં પદ્ય પર ફારસી સાહિત્યનો વિશેષ પ્રભાવ પડ્યો, તેની નોંધ લેવી જોઈએ. ગદ્યમાં ફારસી શબ્દો ઉપરાંત ભાષાન્તરો, તવારીખનવેસી, પત્રો, સફરનામા, હિકાયત, રિવાયત, નામેહ આદિનો ઉલ્લેખ કરી શકાય. ર.મી.