ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગોપવિષયક



ગોપવિષયક(Pastoral): સાહિત્યિક અભિવ્યક્તિની આ એક તરેહ છે, જે મુખ્યત્વે મધ્યકાલીન કવિતામાં યુરોપ તેમજ એશિયામાં વિશેષ પ્રમાણમાં નિરૂપાઈ. ગોપસમાજને અનુલક્ષીને સાહિત્યસર્જન કરવાની લોકસાહિત્યની એક પ્રણાલીનું પણ અભિવ્યક્તિની આ તરેહમાં અનુસન્ધાન જોવા મળે છે. ગ્રામજીવનનું આલેખન કરતી અનેક સાહિત્યકૃતિઓ વિવિધ સાહિત્યપ્રકારો દ્વારા આ તરેહ અપનાવે છે. ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા સૌપ્રથમ વાર નોંધપાત્ર રીતે પ્રયોજાયેલી આ તરેહ ઊર્મિકવિતાનું નોંધપાત્ર લક્ષણ છે. જેમકે નયન હ. દેસાઈની ગઝલમાં આ તરેહનો વિનિયોગ થયો છે:/ ‘મા મને ગમતું નથી આ ગામમાં/હાલ બચકું બાંધ આયર સાંભરે.’ ચં.ટો.