ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાહેરખબર


જાહેરખબર(Advertisement) : વપરાશી ચીજવસ્તુઓ અંગેની તેનાં પ્રકાર, ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત, કદ-આકાર અને રંગ જેવી ગ્રાહકલક્ષી તથા લગ્ન, અવસાન, વ્યવસાય, જાહેરસમારંભો વગેરે અંગેનાં સ્થળ, સમય, હેતુ, નિયમાવલિ, કાર્યપ્રકાર જેવી વાચકલક્ષી માહિતી દર્શાવતું લાઘવપૂર્ણ સચોટ અખબારી લખાણ. જાહેરખબર દ્વારા વાચકને ઉપર્યુક્ત માહિતી વર્તમાનપત્ર, સામયિક, સ્લાઈડ, એડ્ફિલ્મ, સાઈનબોર્ડ જેવાં માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે છે. સૂચિત માહિતી આકર્ષક રીતે-રૂપે રજૂ કરવા માટે જાહેરખબરમાં છંદ, ચિત્ર, છબી, સ્લોગન, મુદ્રણ સજાવટ જેવી તરેહવારની માધ્યમપ્રયુક્તિઓ વડે લાઘવ તેમજ સચોટતા સાધવાનાં હોય છે. એક તરફ જાહેરખબરનાં શીઘ્ર અર્થપ્રત્યાયનમૂલક તત્ત્વોએ કવિતાને વિપણન તરફ વાળી છે તો, બીજી બાજુ અર્થવિલંબનમૂલક ચમત્કૃતિપૂર્ણ કાવ્યરીતિએ જાહેરખબરમાંની સપાટબયાનીને દૂર કરી તેને સમૃદ્ધ કરી છે. ર.ર.દ.