ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાસૂસી સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાસૂસી સાહિત્ય(Detective Literature) : ‘રામાયણ’ અને ‘મહાભારત’ તથા ‘ઇલિયડ’માં જાસૂસોના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે પણ આજે જાસૂસીકથાનો જે અર્થ આપણા મનમાં અભિપ્રેત છે તે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપીય સાહિત્યમાં સ્પષ્ટ રીતે સાકાર થયો હતો. ૧૮૪૦થી ૧૮૪૫ વચ્ચે અમેરિકન સર્જક એડગર એલન પોએ ‘ધ મર્ડર્સ ઇન ટુ મોર્ગ’, ‘ધ પર્લોઇન્ડ લેટર,’ ધ મિસ્ટરી ઑફ મેરી રોજેટ’, ‘ધ ગોલ્ડ બગ’, અને ‘ધાઉ આર્ટ ધ મૅન’ નામની પાંચ વાર્તાઓ લખી જેમાં આગામી પચાસ વર્ષમાં લખાનાર બધી જાસૂસીકથાઓનાં લક્ષણો આપ્યાં. બ્રિટનમાં વિલ્કી કોલિન્સે ૧૮૬૮માં ‘ધ મૂન સ્ટોન’ નામની અદ્ભુત નવલકથા લખી જેનાથી અંગ્રેજી સાહિત્યમાં જાસૂસી નવલકથાનો પ્રારંભ થયો. શરૂઆતમાં લગભગ પચાસ વર્ષ સુધી જાસૂસીકથા એટલે ખૂન અથવા ચોરીના ભેદને એક જાસૂસ અને ક્વચિત્ વાચકને બુદ્ધિની પ્રતિમૂર્તિ જેવા તેના સાથીદારની સાક્ષીએ ઉકેલાતા કોયડાનો પર્યાય એવી સમજ કેળવાઈ. આજદિવસ સુધી આ પ્રકારમાં બ્રિટીશ અને અમેરિકન સર્જકોએ જથ્થા અને ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ પ્રદાન કર્યું છે. બાકીનો થોડો ફાળો ફ્રેન્ચ લેખકોનો રહ્યો છે. જાસૂસી સાહિત્યમાં જાસૂસ નાયકોની એક હૃદયંગમ અને લાંબી પરંપરા સ્થાપિત થઈ છે. આર્થર કોનન ડાયલનો શેરલોક હોમ્સ, અગાથા ક્રિસ્ટીના અકર્યું પોરો તથા મિસિસ માર્પલ, ઇઆન ફ્લેમિંગનો જેમ્સ બોન્ડ, અર્લ સ્ટેનલી ગાર્ડનનો વકીલ નાયક પેરી મેસન, જ્યોર્જ સિમેનોનો પોલીસ ડિટેક્ટીવ માઈગ્રેટ, જી. કે. ચેસ્ટરટનનો પાદરી ફાધર બ્રાઉન. આ બધા લોકપ્રિય પરંપરાના અતિપ્રસિદ્ધ જાસૂસો છે. આવી કથામાં વાચકોની જિજ્ઞાસાવૃત્તિને સતત ધબકતી રાખવાના જાતજાતના કીમિયા યોજાતા. આથી વિવેચકોએ આવી કૃતિઓ કોઈ સૌન્દર્યાનુભવ કરાવતી નથી એવું કહી તેને મહત્ત્વ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ સુધી આવતાં આવતાં બદલાયેલાં સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો, શહેરીકરણની માનવજીવન પરની ભીંસ, બે વિશ્વયુદ્ધની દારૂણ અસર, સાહિત્યિક સ્વરૂપો વિશે શરૂ થયેલ નૂતન અભિગમો તથા માનસશાસ્ત્રોનો સાહિત્ય પર પડેલ પ્રભાવ જેવાં કારણોને લીધે ધીમેધીમે જાસૂસી સાહિત્યે પણ વિવેચકોને પોતાની તરફનું વલણ બદલવા ફરજ પાડી. શરૂઆતની કથામાં સામાજિક અને રાજકીય મૂલ્યોનું પ્રતિબિંબ તો હતું જ. પરંતુ ગ્રેહામ ગ્રીન, એરિક એમ્બલર કે જ્હોન લ કાર સુધી આવતાં લોકશાહી તેમજ સામ્યવાદી બંને વિચારધારાઓ પોતાના દેશમાં ખલનાયક બનવા સુધી જાય છે. અહીં પરંપરાગત અર્થમાં કોઈ નાયક નથી. ફક્ત છે ઉપર દર્શાવેલ ખલનાયક જેવી રાજ્યવ્યવસ્થાઓ અને તેનાં દુષ્પરિણામ ભોગવતી માનવજાત. છેલ્લાં પચાસ વર્ષની જાસૂસી નવલકથાઓએ દમનકારી રાજનીતિ અને દારૂણ શહેરીકરણ સામે સતત જાગરૂક વિચારમંચ પૂરો પાડ્યો છે. ગ્રેહામ ગ્રીન, લ કાર, સિમોનો જેવાની નવલકથાઓએ આ સંદર્ભે એક વખતના અતિ લોકપ્રિય સાહિત્ય સ્વરૂપની અપાર શક્યતાઓ ખોલી આપી છે. ગુજરાતીમાં વીસમી સદીની શરૂઆતથી આજ દિવસ પર્યંત અસંખ્ય જાસૂસી નવલકથાઓ અને થ્રિલર લખાઈ છે, પણ જે ઉચ્ચસ્તર યુરોપીય કથાઓએ પ્રાપ્ત કર્યું છે તે હજી ગુજરાતી કથાઓએ મેળવવું બાકી છે. આમાં અશ્વિની ભટ્ટની જાસૂસી તેમજ થ્રિલર નવલકથાઓ એકમાત્ર અપવાદ કહી શકાય. કિ.દૂ.