ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જુલિયસ સીઝર


જુલિયસ સીઝર : જુલિયસ સીઝર(૧૫૯૯-૧૬૦૦) એ રાજકારણની ઘટનાઓ આલેખતું ઐતિહાસિક કરુણાંત નાટક છે. રોમન ઇતિહાસનું એક પ્રકરણ ભૂમિકા રૂપે લઈને શેક્સપીઅરે એમાંથી મનુષ્યસ્વભાવના ચાંચલ્ય વિશે તેમજ ગંદા રાજકારણ વિષે કેટલાંક સત્યો પ્રગટ કર્યાં છે. રોમન પ્રજા લોકશાહીની ચાહક હતી. પ્રજાનો માનીતો મહાન વિજેતા જુલિયસ સીઝર કદાચ રોમનો સરમુખત્યાર થઈ જાય તો રોમન પ્રજા સ્વાતંત્ર્ય ગુમાવી બેસે એવી ભીતિ કેસિયસે બ્રુટ્સમાં પેદા કરી અને બ્રુટસે જુલિયસ સીઝરનો પોતે વિશ્વાસપાત્ર મિત્ર હોવા છતાં લોકસ્વાતંત્ર્યની રક્ષાની ભાવનાથી સીઝરની હત્યા કરી. ખરું જોતાં જુલિયસની કીર્તિથી દાઝેલા કેસિયસની યોજનાનો એ શિકાર જ બન્યો હતો, કારણ કે વાસ્તવમાં તો જુલિયસ સીઝરે ત્રણ ત્રણ વાર પ્રજાએ ધરેલા રાજમુગટનો અસ્વીકાર કર્યો હતો. ટોળાનું માનસ કેવું ચંચળ હોય છે તેની પ્રતીતિ શેક્સપીઅરે આ બે વક્તાઓનાં પ્રવચન દ્વારા દર્શાવી આપી છે. સાથે સાથે શબ્દનો કેવો મહિમા છે અને શસ્ત્ર કરતાં પણ શબ્દ કેવો કાતિલ છે તેની પણ પ્રતીતિ આ પ્રવચનોમાં થાય છે. શેક્સપીયરની આ ટ્રેજિક કૃતિનું વસ્તુ પાતળું છતાં સુગ્રથિત અને સાદું છે. એમાં કાર્યવેગ ઓછો છતાં બ્લેન્કવર્સના આરોહઅવરોહ-તાનપલટા ખાસ કરીને બ્રુટસ ને એન્ટનીનાં વક્તવ્યોમાં – આકર્ષક છે. સીઝર વિષેનું આ નાટક હોવા છતાં સીઝરનો પ્રતાપ એમાં જોઈએ તેવો સિદ્ધ થતો નથી લાગતો. એના કરતાં એન્ટની અને તેથી પણ વિશેષ બ્રુટસ ધ્યાન આકર્ષિત કરે તેવાં પાત્રો છે. શેક્સપીયરે પ્લુટાર્કની પ્રેરણા ભલે આ નાટકમાં લીધી છતાં અર્થઘટન તેનાં પોતાનાં છે. નાટ્યસામગ્રી માટે તેણે સીઝર, બ્રુટ્સ અને એન્ટનીનાં જુદાં જુદાં ચરિત્રોનો ઉપયોગ કર્યો છે, અને ઇતિહાસતત્ત્વને બદલે રસતત્ત્વ ઉપર લક્ષ આપ્યું છે. મ.પા.