ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તથાપિ


તથાપિ: ૨૦૦૫થી જયેશ ભોગાયતાના સંપાદનમાં પ્રકાશિત સર્વસ્વરૂપલક્ષી ત્રૈમાસિક. આ સામયિકમાં સાંપ્રત સર્જકોની રચનાઓ, અભ્યાસપ્રદ લખાણો, વિવેચન-સંશોધનપરક લખાણો પ્રકાશિત થાય છે. સંવાદ વિભાગમાં સંપાદકીય લખાણોને મૂકી આપી સાહિત્યિક પ્રશ્નો, સાંપ્રત સાહિત્યિક સ્થિતિની એમણે આકરી સમીક્ષા કરી છે. કોઈ એક અંતિમે ગયા વિના આ ત્રૈમાસિકે સાહિત્યમાં જે નોંધનીય કામ થઈ રહ્યું છે એને પ્રકાશમાં લાવવાનો યત્ન કર્યો છે. મુખપૃષ્ઠ પર કોઈ જાણીતા ચિત્રકારનું ચિત્ર અને પાછલા પૃષ્ઠ પર કોઈ ચિંતકનો વિચાર આપનારા આ ત્રૈમાસિકમાં પત્રચર્ચાઓ-સમીક્ષાઓને પણ સૂઝબૂઝથી સ્થાન આપવામાં આવે છે. સ્થાપિતોને બદલે નવા, આશાસ્પદ અવાજોને મોકળાશ આપવાનું એમનું વલણ છે. ‘તથાપિ’એ પ્રગટ કરેલો ‘કથનકળાશાસ્ત્ર વિશેષાંક’ તેમજ વાર્તાસ્વરૂપ વિશેના લખાણો, અભ્યાસપ્રદ સૂચિઓ એનું નોંધપાત્ર પ્રદાન છે. કિ. વ્યા.